રાજધર્મ : રાજા અથવા શાસકનો ધર્મ. તેમાં શાસકના પદ ઉપર બેઠેલાનું પ્રજાની રક્ષાનું તથા પ્રજાની સુખશાંતિ જાળવવાનું કર્તવ્ય મુખ્યત્વે સમાવિષ્ટ થાય છે. પ્રાચીન કાળથી ધર્મશાસ્ત્રોમાં રાજધર્મ વિશે ચર્ચા થતી આવી છે. પ્રાચીન ભારતીય ચિંતનમાં ‘ધર્મ’ શબ્દ સર્વગ્રાહી અર્થ ધરાવે છે અને તેનો સહુપ્રથમ પ્રયોગ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. અંગ્રેજી ભાષામાં તેનો સમાનાર્થી શબ્દ નથી. આ સંદર્ભમાં રાજધર્મ એ ભારતીય વિભાવના છે. ‘આપસ્તમ્બ ધર્મસૂત્ર’, ‘મનુસ્મૃતિ’, મહાભારત (શાંતિપર્વ તથા અનુશાસન પર્વ), રામાયણ, પુરાણો, ઉપરાંત બૃહસ્પતિ, ભરદ્વાજ, ગૌરશિરા, મહેન્દ્ર, પ્રાચેતસ, વિશાલાક્ષ ગૌતમ, વસિષ્ઠ, વિષ્ણુ, નારદ, વ્યાસ, માર્કંડેય આદિ ઋષિમુનિઓએ તેમના ગ્રંથોમાં રાજધર્મના વિવરણને મહત્વનું સ્થાન આપ્યું છે. કૌટિલ્યે રચેલું ‘અર્થશાસ્ત્ર’ રાજધર્મનો વિખ્યાત ગ્રંથ છે.
પ્રાચીન કાળમાં રાજાના ધર્મ કે કર્તવ્યનું એટલું મહત્વ હતું કે કોઈ પણ ગ્રંથમાં તેની વાત ન હોય તેવું કદી બનતું નહિ. મહાભારતના શાંતિપર્વમાં કથા છે કે કૃતયુગમાં પ્રારંભે રાજા કે શાસક જેવી વ્યવસ્થા નહોતી. આથી લોકો ફાવે તેમ વર્તતા. પરિસ્થિતિ નિયંત્રિત કરવા બ્રહ્માજીએ એક લાખ અધ્યાયોવાળો રાજધર્મનો મહાગ્રંથ લખ્યો. સમય જતાં આચાર્યોએ સ્થળકાળને અનુરૂપ સંક્ષેપો કર્યા. આ ગ્રંથો રાજશાસ્ત્ર, નૃપશાસ્ત્ર, દંડનીતિ, અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર જેવાં નામે અભ્યાસના વિષયો બન્યા.
કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ અનુસાર રાજ્યનાં સાત અંગો છે : સ્વામી એટલે રાજા, અમાત્ય એટલે પ્રધાન કે મંત્રી, જનપદ કે રાષ્ટ્ર એટલે પ્રજા, દુર્ગ એટલે રક્ષાપ્રબંધવાળી રાજધાની, કોશ એટલે રાજ્યનું ધન, દંડ એટલે સેના તથા પ્રહરી અને મિત્ર. સાત અંગોમાં રાજા શ્રેષ્ઠ છે. આમ રાજ્યનાં સાત અંગોમાં રાજા શિરનું સ્થાન ધરાવે છે.
ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાચીન કાળમાં માણસ ટોળી રચીને રહેતો થયો. સાથે રહેવામાં લાભ મળ્યા તેમ સંઘર્ષના પ્રસંગો પણ બનવા લાગ્યા, જેમાં ટોળીના સભ્યોમાં અંદર-અંદર તેમજ બીજી ટોળીઓ સાથે સંઘર્ષો થવા લાગ્યા. આ સ્થિતિ નિવારવા ટોળીમાં નિયમો અને તેના પાલન માટે બળવાન નેતાની આવદૃશ્યકતા જણાઈ. ઐતરેય બ્રાહ્મણમાં જણાવ્યું છે કે રાજા વિના દેવો દુર્દશાનો ભોગ બનતાં તેમણે પોતામાંથી એકની રાજાના પદે વરણી કરી. ખાસ કરીને આપત્તિના સમયે દુર્બલ, નિર્દોષ જનોની રક્ષાના પ્રમુખ આશયથી રાજાની પ્રથા પ્રચલિત બની. ‘રાજધર્મ’ શબ્દ ફરજના વ્યાપક સંદર્ભમાં પ્રયોજાયો છે. તે મુખ્યત્વે સદ્ગુણ અને ન્યાયીપણાનો અર્થ ધરાવે છે. રાજધર્મમાં વિવિધ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધર્મમાં પહેલો ધર્મ પ્રજારક્ષા ગણાયો છે. ઋગ્વેદમાં કહ્યું છે :
यतो यतः समीहसे ततो नोडभयं कुरु ।
शं नः कुरु प्रजाभ्योड्शयं नः पशुभ्यः ।।
અર્થાત્ અમને તથા અમારાં પશુને ભયમુક્ત કરો, અમારી રક્ષા કરો.
રાજા રક્ષા ત્યારે કરી શકે જ્યારે તે બળવાન હોય. તે આક્રમક, અપરાધી કે દોષીને દંડ વડે ફટકારવાની સ્થિતિમાં હોય. આથી દંડ એ રાજાના બળનું અને સમયાંતરે રાજશક્તિનું પ્રતીક બન્યો. રાજનીતિનું એક નામ દંડનીતિ પડ્યું. મનુએ કહ્યું છે કે બુદ્ધિમાન લોકો એને રાજધર્મ કહે છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે હું એવા લોકોના હાથમાં દંડ આપું છું, જે બીજાંઓને અંકુશમાં રાખી શકે છે. એટલે કે તે રાજધર્મનું એવી રીતે પાલન કરે છે જેથી તે પ્રજા પાસે પ્રજાધર્મનું પણ પાલન કરાવી શકે છે. આમ રાજધર્મ વિશે વિવિધ દૃષ્ટિકોણથી વિચાર કરવાનું પરિણામ એ આવ્યું કે ભારતને એક સર્વાંગીણ પરિષ્કૃત રાજધર્મનું સ્વરૂપ પ્રાપ્ત થયું. રાજામાં ઇન્દ્ર, મરુત્, યમ, સૂર્ય, અગ્નિ, વરુણ, ચંદ્ર અને કુબેર – આ બધા દેવોના અંશોનું નિરૂપણ કરવામાં આવ્યું. આમ છતાં, રાજાને દેવ રૂપે સ્વીકારવામાં આવ્યો નહિ. ‘રાજનીતિપ્રકાશ’માં સ્પષ્ટ કર્યું છે કે સ્વયં પ્રજા જ વિષ્ણુ છે. અથર્વવેદમાં જણાવ્યું છે કે પ્રજાના આગેવાનોની સભા રાજાની વરણી કરતી. રાજા દશરથે નગરજનોની સભા ભરી તેમાં રામના રાજ્યાભિષેકનો પ્રસ્તાવ મૂક્યો. લોકોએ તેને અનુમોદન આપતાં રાજાના પદ માટે રામ વરણી પામ્યા. રાજાનું પદ આનુવંશિક બનવા છતાં પ્રજાના મતની અવજ્ઞા કરી શકાતી નહિ. રાજાનો જ્યેષ્ઠ પુત્ર સિંહાસનનો અધિકારી હતો. અપવાદરૂપ પ્રસંગે કુંવરીએ રાજ્યપદ ગ્રહણ કર્યાનું ઇતિહાસમાં નોંધાયું છે.
ધર્મશાસ્ત્રોએ સારો રાજા કેવા ગુણ ધરાવતો હોવો જોઈએ તે વિશે પણ વિસ્તારથી વિવરણ કર્યું છે. ઉદા., શાંતિપર્વમાં રાજાના 36 ગુણોની વાત છે. અન્યત્ર 44 તથા 96 ગુણોની ચર્ચા છે. સભાપર્વ અને રામાયણમાં 14 દોષો સામે રાજાને સાવધાન કર્યો છે. રાજપદ માટે રાજ્યશાસનની એટલે કે રાજધર્મની શિક્ષા પૂરી કરી ના હોય તેવી વ્યક્તિ અસ્વીકાર્ય ગણાઈ છે. ઉદા., રાજા 14 વિદ્યામાં નિપુણ હોવો જોઈએ. ભારતીય રાજકીય ચિંતનમાં દરેક વ્યક્તિને તેનો ધર્મ પાળવાનો હોય છે. અધિકારોનો વિચાર મુખ્યત્વે પ્રત્યેકના ધર્મના રૂપમાં કરવામાં આવ્યો છે. જેમ ગુરુનો શિષ્ય પ્રત્યેનો ધર્મ તેમ શાસકનો પ્રજા પ્રત્યેનો ધર્મ. આ સંદર્ભમાં રાજધર્મ સકળ શાસન-વ્યવસ્થાનો આધાર બન્યો. આ ધર્મની ટૂંકી સમજ ‘त तोः नोडभयं कुरु’ (‘અમને ભયમુક્ત કરો – અમારી રક્ષા કરો’) આ પ્રાર્થનામાં વ્યક્ત થઈ છે. રાજાનો પ્રથમ ધર્મ પ્રજાની રક્ષા કરવાનો ગણાયો છે. આ ધર્મના પાલનમાં સહાયક ધર્મો રૂપે વર્ણાશ્રમધર્મ તથા નિયમોનું સ્વયં પાલન કરવું તથા પ્રજા પાસે કરાવવું તે, પ્રજાના વિવાદોમાં ન્યાય કરવો તે તથા અપરાધીઓ અને દુષ્ટોને દંડ કરવો જેવાં કાર્યો ભળ્યાં. રાજાના ધર્મ અનુસાર તેનાં વિવિધ નામો તથા પદો પ્રચલિત બન્યાં – રાજા, મહારાજા, એકરાટ્, સમ્રાટ, પરમેષ્ઠી, નૃપ કે નૃપતિ, મહારાજાધિરાજ, ભટ્ટારક, પરમ ભટ્ટારક, પરમેશ્વર, ભોજ, વિરાટ, ક્ષત્રિય, ભૂપતિ, ચક્રવર્તી, અધીશ્વર આદિ.
રાજકુંવર વિધિવત્ રાજ્યાભિષેક કરાવી સિંહાસન પર આરૂઢ થતો. કાળક્રમે રાજાના પ્રમુખ ધર્મનું વિસ્તરણ થયું.
રક્ષાનું એક સ્વરૂપ પાલન છે. રાજા સમાજના વિવિધ વર્ગના લોકોની આવદૃશ્યકતાઓ પૂરી પાડે તે રાજધર્મનું આવદૃશ્યક અંગ હતું. આજીવિકાના અભાવે નિરાધાર બનેલા ક્ષત્રિય અને વૈદૃદૃશ્યને રાજા આજીવિકા માટે અનુરૂપ વ્યવસાય પૂરો પાડતા. લોકોને શિક્ષણ મળે તે માટે પાઠશાળાઓ તથા આરોગ્યરક્ષા માટે ઔષધાલયો અને આરોગ્યાશ્રમો બાંધવાં ચલાવવાં તથા અન્ય સુવિધાઓ પૂરી પાડે તે રાજધર્મ હતો.
રાજાની દિનચર્યા રાજધર્મનો ભાગ હતી. વેદજ્ઞ બ્રાહ્મણો પ્રભાતે રાજાને સૂક્તિઓ સંભળાવતા. નિયત સમયે રાજા પ્રજા સમક્ષ ઉપસ્થિત થતો. કૌટિલ્યે કહ્યું છે તેમ, પ્રજાના હિતમાં રાજાનું હિત છે. ‘નીતિપ્રકાશિકા’માં લખ્યું છે કે રાજાએ ધર્મને લક્ષમાં રાખીને શાસન કરવું જોઈએ. સમ્રાટ અશોકે શિલાલેખમાં કોતરાવ્યું હતું કે ‘આ બધા લોકો મારા પુત્રો છે.’ વનવાસી રામ રાજા નહોતા ત્યારે પત્નીની રક્ષા માટે તેમણે રાવણ સાથે મહાયુદ્ધ ખેલ્યું. રાજા થયા પછી પ્રજાજનની ટીકાની અવગણના નહિ કરવાના રાજધર્મનું પાલન કરી મહાસતી સીતાનો ત્યાગ કર્યો. વ્યક્તિ જ્યારે રાજપદ પર બેસે ત્યારે તેને માટે પ્રજા પ્રત્યેનો તેનો રાજધર્મ સર્વોપરી ધર્મ બને છે. એક નોંધપાત્ર વાત એ હતી કે દિવ્ય મૂળ છતાં રાજા ઋત અને ધર્મથી પર ગણાયો નહિ. તે એટલે સુધી કે રાજાના પદે બેસનાર વ્યક્તિએ રાજધર્મનું પાલન કરવા માટે તેને અનુરૂપ વ્યક્તિત્વ ખીલવવું પડતું અને પોતાની યોગ્યતા કે પાત્રતા સિદ્ધ કરવી પડતી. કૌટિલ્યે લખ્યું છે કે જ્ઞાનેન્દ્રિયો પર નિયંત્રણ, વિદ્યાપ્રાપ્તિ, પ્રવીણતા, અનુશાસન જેવા ગુણો કેળવાય તે માટે બાધક ટેવોનો ત્યાગ કરવો જોઈએ. કામુકતા, રોષ, લોભ, અભિમાન, મદ, અતિપ્રસન્નતા, દ્યૂત, મૃગયા કે શિકાર, મદિરાપાન, પશુહત્યા આદિનો ત્યાગ કરવાથી જ રાજત્વના ગુણો અર્જિત થાય છે. ટૂંકમાં, રાજધર્મમાં ચાર બાબતોને સર્વોચ્ચ મહત્વ આપેલું છે : (1) પ્રજાપાલન કે પ્રજારક્ષણ, (2) વર્ણાશ્રમધર્મ તથા નિયમના સ્વ તથા પ્રજા દ્વારા પાલન માટે આગ્રહ, (3) ન્યાયનિર્ણય તથા (4) દુષ્ટોને ઉચિત દંડ.
વિશાળ પ્રજાની રક્ષા કરવા તત્પર રાજાની રક્ષાનું શું ? રાજધર્મમાં રાજાનો એક ધર્મ એ પણ છે કે તે પોતે પોતાની રક્ષા કરે; પોતાની રક્ષા માટે વ્યવસ્થા કરે; પોતા પરના ભય પરત્વે સદા સાવધ રહે. નિષ્ઠાવાળા રાજાઓ પ્રજા તથા પરિવારના અપાર પ્રેમ તથા આદર પામતા. રાજાની રક્ષા પ્રજા પોતાનો ધર્મ સમજતી. પ્રજાજન રાજા માટે પ્રાણ આપવાનો પોતાનો પ્રજાધર્મ સમજતો.
રાજધર્મને પ્રભાવિત કરનારી બીજી એક સંસ્થા હતી જાનપદ અથવા પૌર અથવા રાજસભા. વિશેષ સંજોગોમાં આવી સભાઓ રાજાને સામાન્ય રાજધર્મનો ભંગ થતો હોય ત્યાં તેનું સ્મરણ કરાવતી. કોઈ વાર તે નવા નિયમો બનાવી રાજધર્મમાં સુધારા કરતી. અહીં સંઘર્ષનો સંભવ રહેતો, પણ વ્યક્તિગત પ્રભાવ નિર્ણાયક બનતો. કોઈ વાર રાજા તેનું પદ ખોઈ બેસે એમ પણ બનતું, તો રાજા તેની અંગત લોકપ્રિયતાને લીધે પ્રજાના વિરાટ વર્ગનું સમર્થન મેળવીને મોટેભાગે પદ ઉપર ટકી જતો.
જોકે રાજા ઉપર સૌથી વધારે નિયંત્રણ રાજધર્મનું જ રહેતું. એ રાજધર્મની વ્યાખ્યા પુરોહિત, મંત્રીગણ તથા શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણો કરતા. રાજા તેમની ઉપેક્ષા કરવાનું સાહસ કરતો નહિ, કારણ કે લોકોની દૃષ્ટિમાં આ પવિત્ર માણસો સાચો ધર્મ જાણતા હોવાથી તેમનો મત આદરપૂર્વક સ્વીકારવો જોઈએ. રાજા શાસ્ત્રથી પર ગણાયો નહિ. ધર્મથી ચડિયાતી કોઈ વાત માન્ય હતી નહિ. ન્યાયાધીશો ધર્મશાસ્ત્રને આધારે ન્યાય તોળતા. અને, એમ કરતાં રાજાનો દોષ હોય તો તે કહી દેતાં ખચકાતા નહિ. મનુએ રાજાને પણ દોષી ઠરે તો દંડ દેવાની વાત કહી છે; એટલું જ નહિ, તેને પદભ્રષ્ટ કરવાની તથા તેનો વધ કરવાની પ્રજાની સત્તા પણ મનુએ સ્વીકારી છે. અર્થશાસ્ત્રે મંત્રીઓએ વધ કર્યો હોય એવા રાજાનાં નામો આપ્યાં છે. રાજાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન કહ્યો હોવાથી તેનામાં સર્વોચ્ચ કક્ષાના અનુશાસનની અપેક્ષા રહેતી.
રાજધર્મની ઉત્પત્તિ લૌકિક સ્વરૂપે થઈ. ઉત્ક્રાંતિમાં તેણે ધાર્મિક પરિષ્કરણ દ્વારા સ્થિરતા મેળવી. સમય જતાં પુન: લૌકિક પ્રભાવથી રાજધર્મને વર્તમાન રૂપ મળ્યું.
રાજધર્મમાં ઉત્તરાધિકાર પણ વિચારાયો છે. રાજધર્મનો એક ઓછો જાણીતો વિષય છે દ્વિરાજ્ય-પ્રથા. તેમાં એકસાથે બે સમાન અધિકારી વ્યક્તિ કે સંસ્થાઓ કે મિશ્ર તંત્ર દ્વારા શાસન સંભાળવામાં આવે છે. બંનેની સત્તા સમાન હોય અથવા ચડતી-ઊતરતી હોય અથવા પ્રેષિત હોય અથવા સીમિત ક્ષેત્રો પૂરતી હોય એ જે તે રાજ્યના સંજોગો અનુસાર નિર્ણીત કરાતું.
વિદેશી શાસન ધિક્કારવા યોગ્ય લેખ્યું છે. ઋગ્વેદમાં કહ્યું છે તેમ ‘यतेमहि स्वराज्ये’ (આપણે સ્વરાજ્ય માટે પ્રયત્નશીલ રહીએ). મનુએ લખ્યું છે ‘………. સ્વતંત્રતામાં જ વ્યક્તિનું તથા રાષ્ટ્રનું સુખ સમાયેલું છે.’ (4/160)
રાજધર્મનાં બીજાં અંગો મંત્રી, પુરોહિત, મુદ્રા, કોશ, વેતન, સેના, સેનાપતિ, દૂત, ગુપ્તચર, રાષ્ટ્ર, ગ્રામ સ્વરાજ્ય, કૃષિ, પશુપાલન, વાણિજ્ય, તોલમાપ, સામ-દામ-દંડ-ભેદ આદિ વિશે ધર્મશાસ્ત્રોમાં નિયમો આપ્યા છે.
રાજાના વિશેષાધિકાર રાજધર્મનો ભાગ હતા. દાટેલું ધન મળી આવે યા ખનિજ-સંપત્તિ હોય તો તે રાજાની ગણાતી.
અપવાદ સિવાય રાજાને અપરાધી ઠરાવાતો નહિ. પણ, જો રાજા અપરાધી ઠરે તો તેને સામાન્ય જન કરતાં 1000 ગણો દંડ કરાતો. આ પ્રાવધાન ધર્મશાસ્ત્રકારોની ભાવનાનું દ્યોતક છે. વાસ્તવમાં રાજા પોતે પોતાને દંડ કરે એવું બનતું નહિ.
રાજધર્મનું આ પ્રકારનું સ્વરૂપ બારમી-તેરમી સદી સુધી સ્થળકાળને અનુરૂપ સુધારા-વધારા સાથે ભારતમાં ચાલુ રહ્યું. તે પછી, મુસલમાનોનાં આક્રમણો વધતાં ગયાં. હિંદુ રાજધર્મ તેમને લાભદાયી નીવડ્યો. વિદેશી તથા વિધર્મી શત્રુને હળવાશથી નહિ લેવાનું પ્રાવધાન છતાં હિંદુ રાજાઓએ આક્રમકો પ્રત્યે ક્ષમાપૂર્ણ અને ઉદાર વર્તન દાખવ્યું. ભગવાન બુદ્ધ અને મહાવીરના અહિંસાના સંસ્કાર એટલા દૃઢ હતા કે શત્રુનો વધ કરવાનું કોઈ કલ્પી શકતું નહિ. આક્રમકોની ક્રૂરતા છતાં ભારતી રાજાઓએ સામી ક્રૂરતા આચરી નહિ. ત્યાં સુધી રાજધર્મનો મહિમા આટલો ઊંચો હતો. તે પછી મુસલમાનો અને 1757થી યુરોપી ખ્રિસ્તીઓના શાસનમાં ભારતનો પ્રાચીન રાજધર્મ દેશી રાજ્યોમાં અવશેષ રૂપે રહ્યો. મુસલમાનો જોડેની સંધિ પછી અંગ્રેજો જોડેની સંધિ, સ્થાનવિશેષની પરંપરા તથા પોતાની રાજવંશી પરંપરાના મિશ્રણરૂપ રાજધર્મ પ્રવર્તમાન રહ્યો.
પશ્ચિમમાં રાજધર્મ જેવું કંઈ વિશિષ્ટ તત્વ નથી. પ્રાચીન ગ્રીક વિદ્વાનોએ અન્ય વિષયોની જેમ આ વિષયમાં પણ ચર્ચા કરેલી છે.
1947માં ભારત સ્વતંત્ર થતાં અંગ્રેજી શાસનપદ્ધતિનો અંત આવ્યો. ભારત ઇચ્છા અનુસાર રાજધર્મ પસંદ કરવા અથવા નવેસરથી રચવા મુક્ત હતું.
આ પરિસ્થિતિમાં મોટેભાગે પશ્ચિમી પદ્ધતિના શિક્ષણવાળા વિદ્વાન પ્રતિનિધિઓની બનેલી બંધારણ સભાએ એક લાંબું બંધારણ કે સંવિધાન ઘડી કાઢ્યું અને 1949માં તે સ્વીકાર પણ પામ્યું. 1950માં તા. 26મી જાન્યુઆરીએ રાજધર્મને સ્થાને સંવિધાનની સ્થાપના કરીને ભારતે પોતાને ગણતંત્ર ઘોષિત કર્યું. આ રીતે તેની આધુનિક વિકાસયાત્રાનો આરંભ કર્યો. બસો વર્ષના અંગ્રેજી શાસનને કારણે ભારતીય પ્રજા પશ્ચિમી વિધિ-વિધાનથી અજાણી નહોતી. તેથી તેણે નવા રાજધર્મને આત્મસાત્ કરવા પ્રયત્ન કર્યો. વીસમી સદીના દેશોમાં કેવળ ભારતમાં નિષ્પક્ષ ચૂંટણીઓ હજુ યોજાય છે તે તેનું પ્રમાણ છે.
બંસીધર શુક્લ