રાજગોપાલ ચિદંબરમ્ (જ. 12 નવેમ્બર 1936, ચેન્નઈ) : પોકરણ-2 પરમાણુ-પરીક્ષણના સંયોજક અને પરમાણુ-ઊર્જા પંચના માજી અધ્યક્ષ. તેમણે શિક્ષણ ચેન્નઈની વિવિધ સંસ્થાઓમાંથી લીધું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (IISC), બગલોર ખાતેથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરીને 1962માં મુંબઈમાં આવેલ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર(B.A.R.C.)માં તેઓ જોડાયા. તેમને તેમના પીએચ.ડી.ના ઉત્તમ સંશોધન માટે તે વર્ષનો માર્ટિન ફૉર્સ્ટર પદક એનાયત કરવામાં આવ્યો હતો.
બાર્ક (B.A.R.C.) ખાતે તેમણે ન્યૂટ્રૉન સ્ફટિકવિજ્ઞાન અને ઉચ્ચ-દાબ ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન શરૂ કર્યું. વળી બૃહદ માપક્રમ પ્રયુક્તિઓ (large-scale applications) અને કમ્પ્યૂટર-સ્વસંચાલન (automation)ના ક્ષેત્રે તેમણે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું.
1974માં ભારતે પરમાણુ-યુગમાં પ્રવેશ કર્યો. આ વર્ષે ભારતે રાજસ્થાનના પોકરણ-વિસ્તારમાં પ્રથમ ભૂગર્ભ પરમાણુ-પરીક્ષણ કરીને પરમાણુ-ઊર્જાના ઉત્પાદનની પ્રતીતિ કરાવી. આ રીતે ભારત પરમાણુ-સત્તા બન્યું. આ પ્રાયોગિક પરમાણુ-પરીક્ષણનું નેતૃત્વ રાજા રમન્નાએ પૂરું પાડ્યું અને તેમાં રાજગોપાલ ચિદંબરમે પરમાણુ-બાબના નિર્માણમાં ચાવીરૂપ ભાગ ભજવ્યો. તેની કદર રૂપે ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો. પરમાણુ-ઊર્જાના ઉત્પાદન અને શાંતિમય ઉપયોગો પરત્વે તેમણે સફળ કામગીરી બજાવી. પરિણામે 1990માં તેઓ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના નિયામક તરીકે નિયુક્ત થયા. તેમની શક્તિઓ અને સિદ્ધિઓના ઉપલક્ષમાં ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી(IAEA)ના સલાહકાર, અમેરિકન ક્રિસ્ટેલોગ્રાફિક ઍસોસિયેશનના સભ્ય, ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના સભ્ય તથા ફેલો તરીકે તેમણે સેવાઓ આપી. આ સાથે 1991માં IISCનો વિશિષ્ટ એલ્મની ઍવૉર્ડ તેમને એનાયત થયો.
ડૉ. પી. કે. આયંગરની નિવૃત્તિ બાદ તેમની પરમાણુ-ઊર્જા પંચ(મુંબઈ)ના અધ્યક્ષ તરીકે વરણી થઈ. આ સાથે ભારત સરકારના પરમાણુ-ઊર્જા વિભાગના સલાહકાર તરીકે તેઓ તેમની સેવાઓ આપી રહ્યા છે.
વાસ્તવમાં રાજગોપાલ ચિદંબરમ્ સંઘનિત દ્રવ્ય ભૌતિકવિજ્ઞાની (condensed matter physicist) છે. એમ.એસસી.માં તેમણે અનુરૂપ કમ્પ્યૂટર (analogue computer) ઉપર સંશોધન શરૂ કરીને, બાદમાં પીએચ.ડી. માટે ઘનપદાર્થોમાં ન્યૂક્લિયર ચુંબકીય અનુવાદ (NMR) ઉપર સંશોધન કરવાનું ક્ષેત્ર પસંદ કર્યું. NMRનો આજે તબીબી અને સંશોધનક્ષેત્રે વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે તે સમયે હાઇડ્રોજન-બંધ (bond) તેમના રસનો વિષય હતો. તેનું કારણ એ હતું કે આ બંધની પ્રબળતા સહ-સંયોજક (covalent) બંધ અને વાન-દ-વાલ આંતરક્રિયામાં પ્રવર્તતી પ્રબળતા વચ્ચે મૂલ્ય ધરાવે છે. હાઇડ્રોજન-બંધ પાણીના અણુઓને જકડી રાખે છે. વળી તે DNA અણુના તંતુગુચ્છ(strands)ને ભેગા રાખે છે. આથી જ હાઇડ્રોજન- બંધનું જૈવવિજ્ઞાનમાં વિશિષ્ટ મહત્વ છે.
પ્રોટૉન એ હાઇડ્રોજનનો આયન છે, માટે તે NMRમાં કડીરૂપ કેન્દ્ર છે. IISCના ડૉ. સૂર્યન તેમના પીએચ.ડી.ના સંશોધન માટે માર્ગદર્શક હતા. તેમનાં દેખરેખ અને સહકારથી ચિદંબરમે ભારતમાં સૌપ્રથમ વાર વિસ્તૃત-રેખા(wide-line) – NMR વર્ણપટમાપક તૈયાર કર્યો. ડૉ. સૂર્યને તૈયાર કરેલા અનુરૂપ કમ્પ્યૂટર-ચિત્રલેખામાંથી પ્રેરણા મેળવીને ચિદંબરમે આ ક્ષેત્રે સંશોધન શરૂ કર્યું. ડૉ. સૂર્યન્ અને ચિદંબરમે તૈયાર કરેલા NMR વર્ણપટમાપકનો સ્ફટિકોમાં પ્રોટૉનનું સ્થાન નક્કી કરવામાં થવા લાગ્યો. આ NMR વર્ણપટમાપકને આધારે હાઇડ્રોજન બંધના અરેખીય (non-linear) અસ્તિત્વનું સૂચન કરનાર ચિદંબરમ્ પ્રથમ છે. આ પછી તેઓ ન્યૂટ્રૉન-વિવર્તનના ક્ષેત્રે વળ્યા; પણ હાઇડ્રોજન બંધનો તેમનો રસ અકબંધ રહ્યો. વળી, X-કિરણો કરતાં હાઇડ્રોજન ખાસ કરીને ડ્યૂટેરિયમ – વડે ન્યૂટ્રૉનનું વિવર્તન સારું થાય છે તેમ તેમણે નક્કી કર્યું. પરિણામે હાઇડ્રોજન બંધવાળા ઍમિનોઍસિડ ઉપર B.A.R.C. અને IISCમાં રહીને સારા એવા સમય માટે સંશોધન કર્યું.
ચિદંબરમે એક વર્ષ (1964-65) માટે યુ.એસ.ની ઓક રીજ નૅશનલ પ્રયોગશાળામાં સંશોધન કર્યું. એ સિવાય તેમણે સંશોધનક્ષેત્રે તમામ પ્રશિક્ષણ ભારતમાંથી લીધું અને તે માટે તેઓ ગૌરવ અનુભવે છે. ન્યૂટ્રૉન-વિવર્તનના પ્રયોગો પરત્વે કમ્પ્યૂટર-અનુરૂપ સંશોધનક્ષેત્રે તેઓ પ્રથમ હતા. કમ્પ્યૂટર-અનુરૂપ(simulation)થી પ્રયોગશાળાનાં ઉપકરણોમાં ક્રાંતિ સર્જાઈ છે. B.A.R.C. ખાતે ડૉ. શ્રીકાન્તને વિકસાવેલા TDe-312 (ટ્રૉમ્બે ડિજિટલ કમ્પ્યૂટર-312) ઉપર ચિદંબરમે વિશદ કાર્ય કરીને ધ્રુવ-સંશોધન રિયૅક્ટર સાથે સંલગ્ન કર્યું. આવાં ન્યૂટ્રૉન વર્ણપટમાપક કમ્પ્યૂટર સ્વસંચાલિત કાર્ય કરે છે. આવું ન્યૂટ્રૉન વર્ણમાપક કમ્પ્યૂટર ભારતે બાંગ્લાદેશને આપ્યું છે.
ચિદંબરમને એક બાબતે ખેદ છે – ઘરઆંગણે ઉપકરણો વિકસાવવાને બદલે તેમની આયાત ઉપર ભાર મૂકવામાં આવે છે. તેઓ ચુસ્તપણે માને છે કે જો ઉપકરણો વિકસાવવા માટે આપણે આત્મનિર્ભર ન બનીએ તો સ્પર્ધાત્મક દુનિયામાં ટકી રહેવું ભારે મુશ્કેલ બને એમ છે.
ઉચ્ચ-દાબ ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે તેમનો રસ આજ સુધી જળવાઈ રહ્યો છે. તેના કારણે પોકરણ-I અને II સુધી તેઓ સફળ કામગીરી કરી શક્યા છે. તેમાં અંત:સ્ફોટ(implosion)પ્રયુક્તિઓ રહી હતી. આવી અંત:સ્ફોટ-પ્રયુક્તિ વડે પ્રઘાતી (shock) તરંગો પ્રસારિત કરવામાં આવે છે. ન્યૂક્લિયર-પ્રયુક્તિની રચના માટે ઉચ્ચ-દાબ ભૌતિકવિજ્ઞાન અતિ આવદૃશ્યક છે. શાંતિમય ન્યૂક્લિયર વિસ્ફોટની અસરો માટે તેમણે ઘણાં કમ્પ્યૂટર-અનુરૂપણો (simulations) તૈયાર કર્યા છે. પોકરણ પરમાણુ-પરીક્ષણનો હેતુ શાંતિમય વિસ્ફોટનો ઘટનાત્મક અભ્યાસ હતો. ચિદંબરમના મત મુજબ પોકરણ પરમાણુ-પરીક્ષણ બિલકુલ સફળ રહ્યાં છે. પોકરણ પરમાણુ-પરીક્ષણનું મહત્વનું લક્ષણ એ રહ્યું છે કે તેમાંથી રેડિયો-ઍક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન થયું નથી.
દબાણનો પ્રાચલ વધુ અનુકૂળ છે. 5થી 100 મૅગાબાર (1 મૅગાબાર = 106 વાતાવરણનું દબાણ) દબાણે પ્રઘાતથી ઉષ્મીય અને દબાણ આયનીકરણ થાય છે. આ બાબતે તેઓ અત્યંત ખુશી અનુભવે છે; કારણ કે આવા આયનીકરણમાં ભારતના પ્રખર ભૌતિકવિજ્ઞાની મેઘનાદ સહાના સમીકરણનો ઉપયોગ જરૂરી છે અને આ માટે સહા-સમીકરણ સુંદર કામગીરી બજાવે છે.
એક રીતે તો ચિદંબરમ્ પાયાના સંશોધન-વિજ્ઞાની છે. તેઓ શુદ્ધ ભૌતિકવિજ્ઞાનના અભ્યાસી છે; પણ તેમનું કમ્પ્યૂટર-અનુરૂપણનું કાર્ય પ્રયુક્ત પ્રકૃતિનું છે.
પોકરણ પરમાણુ-પરીક્ષણના રાજકીય પરિમાણ પ્રત્યે તેઓ જણાવે છે કે આવાં પરીક્ષણોથી ભારતને કોઈ મૂલ્ય ચૂકવવું પડે તેમ નથી. પરમાણુ-તાકાત વડે પશ્ચિમનાં રાષ્ટ્રો અન્ય વિકસતાં રાષ્ટ્રોને પોતાના અંકુશમાં રાખવા માગે છે. તેની સામે ભારતે વહેલા-મોડા આત્મનિર્ભર બન્યા સિવાય છૂટકો જ નથી. ન્યૂક્લિયર ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ભારત સક્ષમ બન્યું છે. આ બધામાં B.A.R.C.નો અભૂતપૂર્વ સહયોગ રહ્યો છે. આ સંસ્થાએ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, દ્રવ્યવિજ્ઞાન અને ઇજનેરીમાં પ્રગતિની પરાકોટિ સિદ્ધ કરી છે.
ચિદંબરમને એક બાબતે રંજ હોય તેમ લાગે છે કે માનવ-સંખ્યાના પ્રમાણમાં ભારતની પ્રગતિ કંઈક અંશે ઓછી થઈ છે. જે પ્રમાણમાં પ્રાકૃતિક સંસાધનો અને માનવશક્તિ ઉપલબ્ધ છે તેના વડે જે કંઈ આજે ભારતે કર્યું છે તેનાથીયે વધુ સારું કરી શકાયું હોત.
સામાજિક અને રાજકીય વાતાવરણને બાજુમાં રાખીને તેઓ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીને લગતી જે સમસ્યાઓ છે તેનું વિશ્ર્લેષણ કરતાં કહે છે કે સંશોધન અને વિકાસનો દર વિકસિત રાષ્ટ્રોની સાપેક્ષે ઓછો છે. તે માટે નોકરશાહી (અમલદારશાહી) પ્રક્રિયાઓ, ધીમી સંચારણ-સુવિધાઓ, અસરકારક જૂથનો અભાવ તથા વિકસિત રાષ્ટ્રોની નિકાસનીતિઓ વગેરે જવાબદાર છે. સંશોધન અને વિકાસ માટે ભારતે યુ.એસ.ના જેટલો દર મેળવવો આવદૃશ્યક છે. ભારત માટે આ શક્ય છે; કારણ કે તેને વારસામાં અદ્વિતીય શક્તિઓ અને બુદ્ધિ-ધન મળેલ છે.
શ્રી ચિદંબરમની રાહબરી નીચે મે 1998ના પોકરણ-IIના 15 કિલોટનના એક વિખંડન (fission), 45 કિલોટનના એક સંલયન (fusion) અને કિલોટનથી નાના 3 ભૂગર્ભ પરમાણુ-પરીક્ષણોથી ભારતના વિજ્ઞાનીઓ અને ઇજનેરોનો વિશ્ર્વાસ દૃઢ બન્યો છે; કારણ કે પરીક્ષણ પૂર્વે કરેલી ગણતરીઓ પ્રમાણે જ બધું થયું છે. શ્રી ચિદંબરમ્ આ બધાંનો યશ ડૉ. હોમી ભાભાને આપે છે, કારણ કે તેમણે જ ન્યૂક્લિયર ઇંધનચક્ર માટે વિસ્તૃત વૈજ્ઞાનિક અને ટૅક્નૉલૉજિકલ નિમ્નસ્તરીય માળખું તૈયાર કરી આપ્યું છે. વળી ન્યૂક્લિયર વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના તમામ ક્ષેત્રે ભારત સક્ષમ તજજ્ઞો ધરાવે છે. તેથી ચિદંબરમને ભારે સંતોષ છે. તેઓ તજજ્ઞોના દળને પોતાનું બળ સમજે છે.
સર્વગ્રાહી પરમાણુ-પરીક્ષણ-બંધ સંધિ (CTBT) માટે તેઓ સ્પષ્ટપણે માને છે કે આ એક રાજકીય સમસ્યા છે અને રાજકીય સ્તરે તેનો ઉકેલ શોધવો જરૂરી છે.
સલામત અને સસ્તી અણુવિદ્યુત-ઊર્જા (ન્યૂક્લિયર પાવર) પેદા કરવા માટે ભારત પાસે જોરદાર નિમ્નસ્તરીય પાયો છે; જેમ કે, ભારત અત્યારે 10 રિયૅક્ટર વિદ્યુત પેદા કરે છે. અત્યારે ન્યૂક્લિયર ઊર્જા વડે ભારત આશરે 2,000 મેગાવૉટ વિદ્યુત પેદા કરે છે. શ્રી ચિદંબરમ્ ઉમેદ ધરાવે છે કે 2020ની સાલ સુધીમાં ભારત 20,000 મેગાવૉટ વિદ્યુત પેદા કરી શકશે અને તે મુજબ આજે આયોજન થઈ રહ્યું છે. જ્યારે ખનિજ-તેલ અને કોલસો ઝડપથી ઘટી રહ્યાં છે, ત્યારે ન્યૂક્લિયર-ઊર્જા વડે વિદ્યુત પેદા કરવી એ એક મહત્વનો વિકલ્પ છે. રાષ્ટ્રની આવદૃશ્યક ઊર્જાપ્રાપ્તિ માટે ન્યૂક્લિયર-ક્ષેત્રે ભારતને કટિબદ્ધ થવાનો શ્રી ચિદંબરમ્ અનુરોધ કરે છે.
ડૉ. એ.પી.જે અબ્દુલ કલામની નિવૃત્તિ બાદ, 2002થી ચિદંબરમ્ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવાઓ આપી રહ્યા છે.
પ્રહલાદ છ. પટેલ