રાજગિરિ ટેકરીઓ : બિહારના નાલંદા જિલ્લાના દક્ષિણ ભાગમાં નાલંદા-નવાડા-ગયા સરહદ પર આવેલો પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો વિસ્તાર. ભૌગોલિક સ્થાન : આશરે 25° 00 ઉ. અ. અને 85° 15´ પૂ. રે.. અહીંની ટેકરીઓ બે સમાંતર ડુંગરધારોમાં વહેંચાયેલી છે અને વચ્ચે સાંકડો ખીણપ્રદેશ છે. આ ટેકરીઓ 388 મીટરની ઊંચાઈ ધરાવે છે.
રાજગિરિ (જૂનું નામ રાજગૃહ) અહીંના ખીણપ્રદેશમાં આવેલું છે. તેમાં શાહી મહેલ છે. આ સ્થળ મહાભારત કાળમાં મગધ-સમ્રાટ જરાસંધનું પાટનગર હતું. બિંબિસાર(ઈ. પૂ. લગભગ 520-490)ના વખતનું નવું રાજગૃહ આ ખીણની ઉત્તરમાં હતું.
આજે આ સ્થળ બૌદ્ધ અને જૈન ધર્મના લોકોનું યાત્રાધામ ગણાય છે. રાજગિરિની ટેકરીઓ ભગવાન બુદ્ધના જીવન સાથે સંકળાયેલી છે. અહીં ભગવાન બુદ્ધે બોધ આપેલો. તેઓ અહીંની વૈભાર ટેકરીઓ પર રહેલા હોવાનું પણ કહેવાય છે. અહીંની સત્તપન્ની(સપ્તપર્ણી)ની ગુફાઓ બૌદ્ધ ધર્મના સર્વપ્રથમ અનુયાયીઓનું પણ રહેવાનું સ્થળ હતું. તેમણે અહીં રહીને બૌદ્ધ સંપ્રદાય વિશે મહત્વના ગ્રંથો તૈયાર કરેલા. આ ખીણના મધ્યભાગમાં મણિયાર મઠ ખાતે કરેલાં ઉત્ખનનોમાંથી પૂર્ણમૂર્ત પ્રતિમા મળેલી છે, જે મહાભારતના નાગદેવતા મણિનાગની પૂજા સાથે સંકળાયેલી છે. આ ખીણપ્રદેશની આજુબાજુની ટેકરીઓ પર આજે પણ ઘણાં જૈન મંદિરો છે.
જાહ્નવી ભટ્ટ