રાજગરો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍમેરૅન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranthus hybridus Linn. subsp. cruentus (Linn.) Thell. syn. A. cruentus Linn.; A. paniculatus Linn., Hook. f. (સં. મ. રાજગિરા, હિં. કલાગાઘાસ; ક. રાજગિરી, ફા. અંગોઝા, અ. હમાહમ, અં. રેડ ઍમેરૅન્થસ) છે. તે 75 સેમી.થી 100 સેમી. ઊંચી, ખડતલ (robust) એકવર્ષાયુ વનસ્પતિ છે. તેનાં પર્ણો જાંબલી કે લીલાં હોય છે. પુષ્પવિન્યાસ નાજુક, ઢીલો (lax) અને શૂકી (spike) પ્રકારનો હોય છે. પુષ્પો રાતાં મખમલ જેવાં અને સુંદર હોય છે. માદા પુષ્પની નિપત્રિકાઓ (bracteoles) પરિદલપત્રો (tepals) કરતાં 1.00થી 1.5ગણી લાંબી હોય છે.
રાજગરાનું ઉદભવસ્થાન બ્રાઝિલ છે અને ભારતમાં પૉર્ટુગીઝો દ્વારા તેનો પ્રવેશ થયો છે. ભારતનાં બધાં રાજ્યોમાં તેને ઉગાડવામાં આવે છે. ગુજરાતમાં રજકા અને જીરું જેવા પાકોની ફરતે પાળા ઉપર અને રાયડામાં મિશ્ર પાક તરીકે તે ઉગાડવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં એકલા પાક તરીકે તેની વાવણી કરવામાં આવે છે.
રાજગરાનો પાક રેતાળ, ગોરાડુ અને કાળી ભૂમિમાં થાય છે. તેને 30 સેમી.થી 40 સેમી.ના અંતરે પૂંખીને વાવવામાં આવે છે. તેના પાકને 3થી 4 ટન પ્રતિહેક્ટર છાણિયું અને 15 કિગ્રા. નાઇટ્રોજન અને 20 કિગ્રા. ફૉસ્ફરસનું ખાતર આપવામાં આવે છે. આ પાકને આશરે 3થી 4 પિયતની જરૂર પડતી હોય છે. શિયાળુ પાકમાં 4થી 5 પિયત આપવામાં આવે છે. તદ્દન ટૂંકા ગાળાનો પાક હોવાથી મધ્યમ ફળદ્રૂપતાવાળી ભૂમિમાં પણ લઈ શકાય છે. એકરે 2થી 3 કિગ્રા. બિયારણ ચોમાસામાં જૂન-જુલાઈમાં અને શિયાળામાં ઑક્ટોબર-નવેમ્બરમાં વાવવામાં આવે છે.
રાજગરાનો પાક 65થી 90 દિવસમાં તૈયાર થાય છે. તેનું સરેરાશ ઉત્પાદન 1,000 કિગ્રા.થી 1,500 કિગ્રા. પ્રતિહેક્ટર જેટલું હોય છે. પાળા ઉપર વાવવામાં આવેલા રાજગરામાંથી 300 કિગ્રા.થી 400 કિગ્રા. સરેરાશ ઉત્પાદન મળે છે. શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો હેક્ટરે 12 વાઢમાં 300 ટન જેટલું ઉત્પાદન મળે છે.
દાણા તરીકે વપરાતા રાજગરામાં 32થી 34 રંગસૂત્રો હોય છે. તે વિપુલ પ્રમાણમાં જનીનિક ભિન્નતાઓ ધરાવે છે. વિકૃતિજન(mutagen)ની ચિકિત્સા આપી તેમાં ભિન્નતા પ્રેરી શકાય છે. અખિલ ભારતીય સમન્વિત સંશોધન-યોજના હેઠળ ‘અન્ડરયૂટિલાઇઝડ્ ઍન્ડ અન્ડરએક્સ્પ્લૉઇટેડ પ્લાન્ટ્સ’માં આ પાકને આવરી લઈ સંશોધન હાથ ધરવામાં આવ્યાં છે. રાજગરાના જનનરસ(germplasm)માં 1,000 કરતાં વધારે જાતો ઉપલબ્ધ છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાત ઍમેરૅન્થસ-1 અને 2 સારી જાતો તરીકે અને ઍમેરૅન્થસ એડુલસ સુશોભન-જાત તરીકે અલગ ઊપસી આવે છે. રાજગરો સફેદ અને કાળો – એમ બે રંગનો થાય છે.
તેને Alternaria amaranthi નામની ફૂગ દ્વારા રોગ થાય છે અને મુખ્ય શૂકી ઉપર રહેલાં પુષ્પો કાળાં બને છે. પર્ણો ઉપર બદામીથી કાળા બદામી રંગનાં ગોળ ટપકાં ઉત્પન્ન થાય છે. પ્રકાંડ ઉપર અનિયમિત આકારના ઘેરા વિક્ષત (lesion) ઉત્પન્ન થાય છે. Heliothis armigera નામનો કીટક વનસ્પતિના બધા પોચા ભાગો ખાઈ જાય છે અને પ્રકાંડ અને મધ્યશિરા જ રહી જાય છે.
કુમળાં પ્રરોહો અને પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. પર્ણોનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 78.6 %, પ્રોટીન 5.9 %, લિપિડ 1.0 %, રેસો 2.1 %, કાર્બોદિતો 8.6 % અને ખનિજો 3.8 %, કૅલ્શિયમ 530 મિગ્રા., ફૉસ્ફરસ 60 મિગ્રા., લોહ 18.4 મિગ્રા., થાયેમિન 0.01 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.24 મિગ્રા., નાયેસિન 1.1 મિગ્રા. અને પ્રજીવક ‘સી’ 81 મિગ્રા./100 ગ્રા.; ઊર્જા 67 કિ.કૅલરી અને કૅરોટીન 14,190 માઇક્રોગ્રા./100 ગ્રા.. શાકભાજીમાં ઍમિનો-ઍસિડોનું રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : આર્જિનિન 14.17, હિસ્ટિડિન 2.1, આઇસોલ્યુસિન 6.88, લ્યૂસિન 8.01, લાયસિન 8.2, મિથિયોનિન 2.46, ફીનિલઍલેનિન 4.77, થ્રિયોનિન 4.37, ટ્રિપોફેન 0.87 અને વેલાઇન 6.06 ગ્રા./16 ગ્રા. N. બાજરી અને જુવાર જેવાં ધાન્યો કરતાં શાકભાજીમાં આવદૃશ્યક ઍમિનોઍસિડોનું પ્રમાણ વધારે હોય છે.
બીજના રાસાયણિક બંધારણમાં પાણી 9.3 %, પ્રોટીન 16.5 %, લિપિડ 5.3 %, કાર્બોદિતો 62.7 %, રેસો 2.7 % અને ખનિજો 3.5 %, કૅલ્શિયમ 223 મિગ્રા., મૅગ્નેશિયમ 351.0 મિગ્રા., ફૉસ્ફરસ 655 મિગ્રા., લોહ 17.6 મિગ્રા., તાંબું 629 મિગ્રા., સલ્ફર 174 મિગ્રા., ક્લોરાઇડ 9.0 મિગ્રા., થાયેમિન 0.17 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.2 મિગ્રા., નિકૉટિનિક ઍસિડ 3.6 મિગ્રા. અને ઑક્ઝેલિક ઍસિડ 29.0 મિગ્રા./100 ગ્રા.; ઊર્જા 364 કિ. કૅલરી/100 ગ્રા. હોય છે. બીજમાં પ્રોટીન અને કૅલ્શિયમનું ઊંચું પ્રમાણ હોવાથી તે પોષણક્ષમ ખોરાક ગણાય છે. કૅસિનની તુલનામાં પ્રોટીનક્ષમતા વધારે હોય છે.
રાજગરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. મેક્સિકો અને દક્ષિણ અમેરિકાના દેશોમાં રાજગરાનો ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે છે અને તેની આહુતિ આપવામાં વપરાય છે. હિંદુ ધર્મમાં ઉપવાસના દિવસે તેના લાડુ બનાવાય છે. નાનાં બાળકોને હળવા નાસ્તા તરીકે, પૂરી, ધાણી અને ખીર બનાવવામાં તથા શાકભાજી તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેના તૈલી પદાર્થોમાં ટોકોફેરોલ નામનું ઘટક હૃદયરોગના દર્દીઓમાં કોલેસ્ટેરૉલનું પ્રમાણ ઘટાડવામાં ઉપયોગી છે. રાજગરાના તૈલી પદાર્થોમાં આવેલો સ્કેલ્ટેનિયા ઘટક સૌંદર્ય-પ્રસાધનોમાં વપરાય છે.
પક્ષીઓ રાજગરો ખાય છે. મધ્ય આફ્રિકામાં તેનો લાલ શાહી બનાવવામાં ઉપયોગ થાય છે. છોડનો હરસમાં રક્તશુદ્ધીકરણ માટે અને મૂત્રકૃચ્છ્ર(strangury)માં મૂત્રલ (diuretic) તરીકે ઉપયોગ થાય છે. તે પ્રતિસ્કર્વી (antiscorbutic) તરીકે મહત્વ ધરાવે છે. પર્ણો છાતીની રક્તસંકુલતા(congestion)માં વિશ્રાંતિ આપવામાં ઉપયોગી છે અને કંઠમાળના સોજા ઉપર લગાડવામાં આવે છે.
આયુર્વેદ અનુસાર રાજગરાનું ધાન્ય શીતળ અને જડ છે. તે ગુરુ, કફકર અને સારક છે અને નિદ્રા તથા આળસ કરનાર, પથ્ય, મલાવષ્ટંભક, શીતળ, રુચિકર અને પિત્તનાશક છે. ખાંડુક (એક પ્રકારનું ગૂમડું) જલદી ફૂટે તે માટે રાજગરાનું ડીંટું ઘસીને ચોપડવામાં આવે છે.
પરેશ હરિપ્રસાદ ભટ્ટ
સુરેશ યશરાજ પટેલ
બળદેવભાઈ પટેલ