રાજકોષીય નીતિ
અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના નિયંત્રણ માટે અને પૂર્વનિર્ધારિત ઉદ્દેશોને હાંસલ કરવા માટે પ્રયોજવામાં આવતી જાહેર આવક અને જાહેર ખર્ચને સ્પર્શતી નીતિ.
આધુનિક અર્થતંત્રમાં વ્યક્તિ કે ગ્રાહક, પેઢી અને રાજ્ય આ ત્રણ આર્થિક એકમો કામ કરે છે. અન્ય આર્થિક એકમોની માફક રાજ્ય પણ આવક મેળવે છે, ખર્ચ કરે છે ને જરૂર પડે ત્યારે દેવું પણ ઊભું કરે છે. અહીં રાજ્યમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશાળ અર્થમાં રાજ્ય તથા જાહેર સંસ્થાઓના આર્થિક વ્યવહારોનો અભ્યાસ રાજકોષીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. જાહેર આવક, જાહેર ખર્ચ, જાહેર ઋણ ને અસ્કામતો તેમજ રાજકોષીય વહીવટ આ સર્વ એના મુખ્ય વિભાગ છે. આ વ્યવહારો કરતી વખતે રાજ્ય કઈ રીતે વર્તે છે, તેણે કઈ રીતે વર્તવું જોઈએ તેની વિચારણાને રાજકોષીય નીતિના અભ્યાસમાં સમાવી શકાય.
મુક્ત અર્થતંત્રમાં ગ્રાહક, પેઢી અને ઉત્પાદનનાં સાધનોના માલિકને પોતપોતાનાં હિત તેમની રીતે સાધવા દેવામાં આવે, એ અંગેની તેમને સ્વતંત્રતા હોય તો ત્યાં સામાજિક કલ્યાણ આપોઆપ સધાઈ જાય છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓને મુક્ત અર્થતંત્ર(laissez faire)માં શ્રદ્ધા હતી. તેઓ માનતા કે રાજ્યે ઓછામાં ઓછું નિયમન કરવું જોઈએ, વ્યક્તિને યોગ્ય લાગે તે રીતે પોતાના જીવનના તમામ વ્યવહાર ચલાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. એનાં કાર્ય બીજાની સ્વતંત્રતા રૂંધતાં હોય ત્યારે જ રાજ્યે દરમિયાનગીરી કરવી જોઈએ. જે ઓછામાં ઓછું શાસન ને નિયમન કરે તે સરકાર શ્રેષ્ઠ – આ જાણીતા સૂત્રમાં ઉપર્યુક્ત અભિગમનું પ્રતિબિંબ પડે છે. રાજ્યે, માત્ર એ જ કરી શકે તેવાં મર્યાદિત કાર્ય કરવાં જોઈએ. બાકીનું બધું બજાર પર ને વ્યક્તિની મુનસફી પર છોડવું જોઈએ, એ વાત સ્વીકારીએ એટલે તેની પ્રવૃત્તિ પર અને તેને માટે કરવા પડતા જાહેર ખર્ચ પર આપોઆપ મર્યાદા આવી જાય છે. આ ખર્ચને પહોંચી વળવા રાજ્યે કર અને બીજાં સાધનો દ્વારા તેટલી આવક ઊભી કરી લેવી જોઈએ. વ્યક્તિ માટે આવક-જાવક સમાન રહે, માણસ આવક પ્રમાણે ખર્ચ કરે તે ડહાપણભર્યું ગણાય; તે જ સિદ્ધાંત પ્રમાણે રાજ્યની આવક-જાવકનું બજેટ સમતોલ રહેવું જોઈએ. આવક કરતાં વધુ ખર્ચ કરીને દેવું કરવું એ માણસને માટે તથા રાજ્ય બંને માટે અનિષ્ટ છે. દેવાનો બોજો તો તેણે પોતાના માટે ને આવનાર પેઢી માટે ઊભો ન જ કરવો જોઈએ. દેવું વ્યક્તિ માટે ને રાજ્ય માટે ઉડાઉપણાની નિશાની જ ગણાય ને તે અનિષ્ટ જ લેખાય.
આજના યુગમાં સંરક્ષણ ને આંતરિક શાંતિ અને સલામતી જેવાં પરંપરાપ્રાપ્ત કર્તવ્યો સિવાયની રાજ્યની કામગીરી વ્યક્તિની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ છે. જાહેર ખર્ચ માત્ર દુર્વ્યય છે ને અનુત્પાદક છે, કર માત્ર અનિષ્ટ છે – આ સર્વ માન્યતાઓ અતિસરળ ગણાય છે. તે એકાન્તિક છે, સમગ્રદર્શી નથી.
સરકાર જ્યારે કર નાખે છે ત્યારે એક વ્યક્તિ કે પેઢીના ખિસ્સામાંથી નાણાં લે છે ને જ્યારે તે ખર્ચ કરે છે ત્યારે બીજી વ્યક્તિ કે પેઢીના હાથમાં નાણાંનું હસ્તાંતરણ કરે છે. આમ રાજકોષીય પ્રવૃત્તિ મુખ્યત્વે નાણાં(આવક કે ખરીદશક્તિ)ના હસ્તાંતરણની પ્રવૃત્તિ છે. રાજ્ય દ્વારા થતા આવકના હસ્તાંતરણને કારણે અગાઉની સ્થિતિ કરતાં સામાજિક કલ્યાણ વધ્યું છે કે નહિ તે રાજ્યની રાજકોષીય પ્રવૃત્તિના ઔચિત્યને માપવાની કસોટી છે એમ ડૉલ્ટન નામના અર્થશાસ્ત્રીએ દર્શાવ્યું છે. એક કર નહિ પણ સમગ્ર કરપદ્ધતિ દ્વારા સરકાર આવક મેળવે છે તેની સારી-માઠી અસરો સમગ્ર અર્થતંત્ર પર પડે છે. તે જ રીતે સરકાર દ્વારા થતા જાહેર ખર્ચની સારી-માઠી અસરો અર્થતંત્રમાં ઉદભવે છે. આ સર્વનું આકલન કરવામાં આવે ત્યારે એકંદરે સામાજિક કલ્યાણ રાજ્યની રાજકોષીય પ્રવૃત્તિને કારણે વધ્યું કે નહિ તે જાણી શકાય. એકાદ કર કે એકાદ જાહેર ખર્ચના માર્ગની અસરોનું છૂટુંછવાયું વિશ્ર્લેષણ અહીં ઉપયોગી થઈ શકે નહિ.
રાજકોષીય પ્રવૃત્તિ મહત્તમ સામાજિક કલ્યાણ તરફ દોરી રહી છે કે નહિ તે જોવાની આપણી પાસે ત્રણ કસોટીઓ છે : (1) તેને કારણે દુશ્મનો સામે દેશનું રક્ષણ યોગ્ય રીતે થઈ રહ્યું છે ને કાયદાની ને વ્યવસ્થાની જાળવણી સુચારુ રીતે થઈ રહી છે કે કેમ ? (2) રાજકોષીય નીતિને કારણે બેકારી ઘટી રહી છે ? ઉપયોગવાર ને પ્રદેશવાર સાધનોની ઉચિત ફાળવણી થઈ રહી છે ? દેશમાં માથાદીઠ ઉત્પાદન ને ઉત્પાદકતા વધી રહ્યાં છે ? અર્થતંત્રમાં કામ કરવાની વૃત્તિ ને શક્તિ, બચત કરવાની વૃત્તિ ને શક્તિ, ઔદ્યોગિક ને આર્થિક ક્ષેત્રે સાહસ કરવાની વૃત્તિ ને શક્તિ, નવી ઉત્પાદન-પદ્ધતિઓ શોધવાની, વિકસાવવાની ને અપનાવવાની વૃત્તિ ને શક્તિ વૃદ્ધિ પામી રહ્યાં છે ? શ્રમ, મૂડી, સાહસ ને ટૅક્નૉલૉજી ઉત્પાદનનાં પાયાનાં સાધન છે. તે યોગ્ય રીતે વધે તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય. (3) જે સંપત્તિ ને આવક ઉત્પન્ન થઈ રહી છે તે યોગ્ય રીતે વહેંચાઈ રહી છે ? વ્યક્તિગત આવક-વહેંચણી સુધરી રહી છે ? તેની અસ્થિરતા ઘટી રહી છે ? પ્રત્યેક કર કે રાજ્યના ખર્ચને આ રીતે મૂલવ્યા પછી રાજકોષીય પ્રવૃત્તિનું એકંદર મૂલ્યાંકન કરવામાં આવે તો સામાજિક કલ્યાણ મહત્તમ થયું છે કે નહિ તે જાણી શકાય. સિદ્ધાંતમાં તો આ વાત સરળ લાગે છે, પણ તેને વ્યવહારમાં ઉતારવાનું કામ ભારે જટિલ છે; તે ઊંડું વિશ્ર્લેષણ માગી લે છે.
રાજકોષીય નીતિ અંગેની પ્રશિષ્ટ વિચારધારાને 1929ની મહામંદીએ મોટો આંચકો આપ્યો. એ મંદીને સમજાવવાની કોશિશ કરતો, ઇંગ્લૅન્ડના અર્થશાસ્ત્રી જે. એમ. કેઇન્સનો ગ્રંથ ‘જનરલ થિયરી’ 1936માં પ્રગટ થયો. કેઇન્સના વિશ્ર્લેષણે અર્થશાસ્ત્ર અને આર્થિક નીતિને નવી દિશા આપી.
કેઇન્સના મત મુજબ બજારનું તંત્ર સાધનોની ફાળવણી તો ઠીક ઠીક સંતોષકારક રીતે કરે છે, પણ એની તકલીફ બીજી છે. દેશનાં સાધનો, ખાસ કરીને કામદારો પૂર્ણ રોજગારીની સ્થિતિમાં જેટલું ઉત્પાદન કરે છે બરાબર તેટલી જ ઘરાકી બજારમાં રહેશે, ગ્રાહકો ને પેઢીઓ એ સઘળો માલ ખરીદી લેશે, એની તેમાં કોઈ ખાતરી રહેતી નથી. ગ્રાહકો પોતાની તમામ આવક વપરાશી ચીજો પાછળ વાપરી નાખતા નથી; તેઓ પોતાની આવકમાંથી ઉપભોગવૃત્તિ અનુસાર વપરાશ પાછળ નાણાં વાપરે છે, બાકીની રકમ બચતના રૂપમાં તેમની પાસે રહે છે. પૂર્ણ રોજગારીની સ્થિતિએ ગ્રાહકો જેટલી રકમ બચાવે તેટલી રકમ જો પેઢીઓ મૂડીરોકાણ પાછળ વાપરે તો કોઈ સવાલ પેદા થતો નથી. પૂર્ણ રોજગારીએ પેદા થતા માલનો કેટલોક ભાગ ગ્રાહકો વપરાશ માટે ખરીદે છે, બાકીનો ભાગ પેઢીઓ મૂડીરોકાણ માટે ખરીદે છે; પરંતુ આ સુખદ સ્થિતિ પેદા થશે જ એની કોઈ ખાતરી નથી. પેઢીઓ પોતાની નફા અંગેની ધારણા ને વ્યાજના દરને સરખાવીને રોકાણ કરવું કે નહિ તે ઠરાવે છે. પૂર્ણ રોજગારીની સ્થિતિએ થતી બચત કરતાં આ રકમ વધુ હોય કે ઓછીય હોય. બે ભિન્ન ભિન્ન વર્ગોએ પોતપોતાની ગણતરી કરીને બચત ને મૂડીરોકાણ કેટકેટલું કરવું તે ઠરાવ્યું હોય છે ને તે સમાન હોય એ તો એક ક્વચિત જ જોવા મળતો અકસ્માત ગણાય. આમ ક્યારેક અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિએ પેદા થતા માલ કરતાં ગ્રાહકો ને પેઢીઓની એકંદર ઘરાકી વધુ હોય છે ને ત્યારે ભાવવધારાની, ફુગાવાની સ્થિતિ સર્જાય છે. ક્યારેક ઉત્પાદન કરતાં ઘરાકી ઓછી હોય છે ને ભાવો ઘટે છે, ઉત્પાદન અને રોજગારી ઘટે છે, તેને મંદી કહેવામાં આવે છે.
અહીં રાજ્યની જવાબદારી એ જોવાની છે કે પૂર્ણ રોજગારીએ થતા ઉત્પાદન માટે પર્યાપ્ત ઘરાકી મળી રહે. કેઇન્સે મંદીની સ્થિતિ વિશે વિગતવાર વિચાર કર્યો છે ને તે ટાળવા માટે રાજ્યે અન્ય નીતિઓની સાથે સાથે મુખ્યત્વે રાજકોષીય નીતિનો ઉપયોગ કરવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો છે.
રાજકોષીય નીતિના આ કાર્યલક્ષી કે હેતુલક્ષી અભિગમ અનુસાર સરકારે પૂર્ણ રોજગારીની સ્થિતિમાં કેટલું ઉત્પાદન થશે, ત્યારે ગ્રાહકો વપરાશ પાછળ કેટલો ખર્ચ કરશે, પેઢીઓ મૂડીરોકાણ કેટલું કરશે ને ઘરાકીની કે માગની ખાધ કેટલી રહેશે તેના અંદાજ કાઢવા જોઈએ. રાજ્યે ખૂટતી ઘરાકીની પૂર્તિ કરવાની રાજકોષીય નીતિ અપનાવવી જોઈએ. કર નાખ્યા વિના જાહેર ખર્ચ વધારીને તે આ કામ કરી શકશે. આમ કરવા જતાં દેવું – જાહેર ઋણ વધે તેની બહુ ચિંતા તેણે સેવવી જોઈએ નહિ. હળવી મંદીમાં કર ઘટાડીને ને વ્યાજના દર ઓછા કરીને તે અર્થતંત્રને નીચે ગબડતું અટકાવી શકે. ખાનગી ક્ષેત્રના રોકાણને આ રીતે તે સજીવન કરી શકે ને પ્રેરી શકે.
રાજકોષીય નીતિનું વ્યાપક ને શાસ્ત્રીય નિરૂપણ અર્થશાસ્ત્રી મઝગ્રેવ પાસેથી મળે છે. તદનુસાર બજારનું અર્થતંત્ર ઇષ્ટ રીતે કામ કરતું હોય ત્યાં તો રાજ્યે દરમિયાનગીરી કરવાની જરૂર નથી, પણ કેટલાંક અર્થનીતિનાં ક્ષેત્રોમાં ઇષ્ટ પરિણામ આપતું ન હોય ત્યારે રાજ્યે હસ્તક્ષેપ કરીને ઇષ્ટ સ્થિતિ તરફ અર્થતંત્રને પોતાની રાજકોષીય નીતિ દ્વારા લઈ જવું જોઈએ. જાહેર અર્થતંત્ર જો નિયમો ને સિદ્ધાંતોને અનુસાર કામ કરે તો તેને કાર્યક્ષમ કહી શકાય. તે ઇષ્ટ બજેટ ગોઠવાવું જોઈએ ને કાર્યાન્વિત થવું જોઈએ. જાહેર અર્થતંત્ર માટે આ પ્રકારના આદર્શમૂલક અભિગમનો મઝગ્રેવ પુરસ્કાર કરે છે.
(1) બજારનું અર્થતંત્ર એક તો સાધનોની ફાળવણી કરે છે. તેની કેટલીક ઊણપ છે.
સૌથી મહત્વની ઊણપ એ છે કે બજારનું અર્થતંત્ર ખાનગી જરૂરિયાતો(private wants)ને ધ્યાનમાં લે છે; પણ જાહેર જરૂરિયાતો(public wants)ને માટે પર્યાપ્ત સાધન ફાળવી શકતું નથી. આ જાહેર જરૂરિયાત બે પ્રકારની હોય છે : કેટલીક જરૂરિયાતો સામાજિક સ્વરૂપની હોય છે. પૂરનિયંત્રણ માટેનો પ્રકલ્પ, જાહેર સ્વાસ્થ્ય અંગેની ઝુંબેશ, અદાલતોનું વ્યવસ્થાતંત્ર, વિદેશના આક્રમણ સામે રક્ષણ – આ સર્વ સામાજિક સ્વરૂપની જરૂરિયાતનાં દૃષ્ટાંતો છે. કિંમત ચૂકવનારને જ એમનો લાભ મળે, બીજાને નહિ, એવી ગોઠવણ કરવાનું અહીં શક્ય નથી. આ સામાજિક જરૂરિયાત (social wants) ઉપરાંત બીજા પ્રકારની જાહેર જરૂરિયાતને સમાજહિતલક્ષી જરૂરિયાત (merit wants) કહી શકાય. માણસ ટૂંકી દૃષ્ટિનો હોવાને કારણે આ માટે પર્યાપ્ત માત્રામાં એમની પાછળ ખર્ચ કરતો નથી. એમને માટેનો પ્રબંધ રાજ્યે કરવો પડે છે. મધ્યાહન-ભોજન, જાહેર ક્ષેત્રની ગરીબો માટેની આવાસ-યોજનાઓ, મફત પ્રાથમિક શિક્ષણ – આ પ્રકારની જરૂરિયાતોનાં દૃષ્ટાંતો છે. વ્યક્તિગત રીતે ગ્રાહક તેમને માટે પર્યાપ્ત પ્રબંધ પોતાના બજેટમાં કરતો નથી એટલે જ સરકારે એની પૂર્તિ કરવી પડે છે.
સાધનોની ફાળવણીને સુધારવા માટે રાજ્ય કર દ્વારા નાણાકીય સાધનો ઊભાં કરે છે; વ્યક્તિઓના વપરાશને આ રીતે ઓછો કરે છે ને એ રીતે બચેલાં સાધનોને જાહેર ખર્ચ દ્વારા સાર્વજનિક જરૂરિયાતો(public wants)ને સંતોષવા વાપરે છે. આ હેતુથી લેવાતાં પગલાં પાછળ સરકાર દ્વારા થતી કરની ઉઘરાણી ને જાહેર ખર્ચ સમતોલ હોવાં જોઈએ. વિચારણા માટે સરકારની આ પ્રવૃત્તિ સાધન-ફાળવણી-શાખા દ્વારા થાય છે એમ ગણવામાં આવે તો તેનું બજેટ સમતોલ હોવું જોઈએ.
(2) બધા જ આર્થિક વ્યવહારો બજારતંત્ર ઉપર જ છોડી દેવામાં આવે ત્યારે ઘણી વાર આવક ને સંપત્તિની વહેંચણી અસમાન બને છે. આ તેની બીજી ઊણપ છે. તેને સુધારવાનું કામ પણ રાજ્યે રાજકોષીય નીતિ દ્વારા કરવું જોઈએ. આ કામ સંભાળનાર શાખાને વિચારણા માટે વહેંચણી-શાખા કહી શકાય.
વારસા અંગેના કાયદા, કુદરતી શક્તિ કુદરતદત્ત શક્તિ, શિક્ષણ માટેની તક, સાધનોની સામાજિક ને આર્થિક ગતિશીલતા (mobility) ને બજારનું માળખું – આ સર્વ પરથી મુકરર થતી આવક ને સંપત્તિની વહેંચણી સુધારવાનું જરૂરી છે. વહેંચણી-શાખા આ કામ કર લાદીને અને આ રીતે મળતી રકમ જાહેર ખર્ચ દ્વારા અન્ય માણસોને હસ્તાંતર કરીને પાર પાડી શકે છે. એક આવકજૂથના માણસો પાસેથી લેવાયેલ વાસ્તવિક સાધન અને અન્ય આવકજૂથને હવાલે મૂકવામાં આવતાં વાસ્તવિક સાધન – કરની આવક ને હસ્તાંતરિત થતી જાહેર ખર્ચની રકમ સમાન હોય છે. આ રીતે સાધન-ફાળવણી-શાખાની માફક વહેંચણી-શાખાનું બજેટ પણ સમતોલ હોવું જોઈએ.
(3) છેલ્લે બજારતંત્રમાં દેશનાં સાધનો હંમેશ રોજગારીની ઉચ્ચ સપાટીએ હોતાં નથી એટલે ત્યાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પ્રવર્તતી નથી અને નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી. આ બજારતંત્રની ત્રીજી ઊણપ છે. આ પ્રશ્ર્નનું ધ્યાન રાખનાર સરકારની શાખાને સ્થિરતા અંગેની નીતિ ઠરાવનાર શાખા કહી શકાય. મંદી ને ભાવારોહની સમસ્યાઓ રાજકોષીય નીતિ દ્વારા ઉકેલવાનો તે પ્રયત્ન કરે છે. રોજગારીની ઉચ્ચ સપાટી ને ભાવસ્થિરતાની સ્થિતિથી અર્થતંત્ર વધારે પડતું આંદોલિત ન થાય તે જોવાનું તેનું કામ છે. ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડે અથવા તેમાં ઉત્પાદન કરતાં ઘરાકી વધે ત્યારે રાજ્યે દરમિયાનગીરી કરીને માગની પૂર્તિ કરવી પડે છે યા ભાવસ્થિરતા જાળવવા મથવું પડે છે.
ફરજિયાત બેકારી (involuntary unemployment) પ્રવર્તતી હોય ત્યારે પૂર્ણ રોજગારીના ઉત્પાદન માટે આવદૃશ્યક સપાટી સુધી માગ વધે તે રાજ્યે જોવું જોઈએ. ભાવવધારાની સ્થિતિ હોય ત્યારે માગને ઘટાડી ચાલુ ભાવે થતા ઉત્પાદનની સપાટીએ લાવવી જોઈએ. માગ વિસ્તારવાનું જરૂરી હોય ત્યારે સ્થિરતાદાયક શાખા જરૂરી માત્રામાં આવકનું હસ્તાંતર કરતી રકમો (transfer payments) વધારશે. માગને ઘટાડવાનું આવદૃશ્યક હશે તો સ્થિરતાદાયક શાખા કરની સપાટી ઊંચે લઈ જશે. આથી બંને સ્થિતિમાં આ શાખાનું બજેટ અસમતોલ રહેશે. કરનો હેતુ અહીં ફુગાવો અટકાવવાનો ને હસ્તાંતર કરવામાં આવતી આવકોનો હેતુ મંદીની સ્થિતિ ટાળવાનો છે. મંદીમાં જાહેર ખર્ચ વધારીને પ્રજાના હાથમાં આવક મૂકવામાં આવશે : ફુગાવામાં કર વધારી પ્રજાની માગ ઘટાડવામાં આવશે : બંને સ્થિતિમાં બજેટ અસમતોલ રહેશે. મંદીમાં તેમાં ખાધ હશે ને ફુગાવાના સમયમાં પુરાંત.
આમ સાધનફાળવણી, વહેંચણી ને સ્થિરતા અંગેની શાખાઓ પોતાનાં પેટાબજેટ તૈયાર કરશે. અન્ય બે શાખાઓનાં બજેટ આપેલાં છે, પોતાના હેતુની સિદ્ધિ માટે ઇષ્ટ રીતે ગોઠવાયેલાં છે, એવી ધારણા કરીને દરેક શાખા પોતાના કાર્ય માટેનું બજેટ ગોઠવશે. તેમ કરતી વખતે બજારતંત્રમાં અહેતુક વિક્ષેપ પેદા ન થાય એ તે જોશે. કર ને જાહેર ખર્ચ દ્વારા દરેક શાખાએ પોતાનો હેતુ સિદ્ધ કરવો જોઈએ, પણ અન્ય શાખાઓ પરની અનપેક્ષિત અસરોને ટાળવી જોઈએ. એક કામ રાજકોષીય નીતિ દ્વારા કરવા જતાં બજેટનીતિનાં અન્ય કામ બગડવાં ન જોઈએ. આ અર્થમાં દરેક શાખાની અંદાજપત્રીય નીતિ તટસ્થ હોવી જોઈએ. મઝગ્રેવ આ તટસ્થતાલક્ષી અભિગમ રજૂ કરે છે.
આ પેટાબજેટો રચાય તે પછીના તબક્કામાં તેમને એકત્ર કરી છેવટના એક બજેટ પર આવવાનું કામ નીતિના ઘડવૈયાઓએ હાથ પર લેવાનું રહે છે. વહીવટી અનુકૂળતા માટે આ જરૂરી છે; પરંતુ મહત્વ છે ત્રણ અલગ અલગ હેતુની દૃષ્ટિએ રચાયેલાં ત્રણ પેટાબજેટોનું.
રાજકોષીય નીતિ (ભારત) : ભારતમાં રાજકોષીય નીતિ અંગે પ્રવર્તતો અભિગમ જોવો ઘટે. અલ્પવિકસિત ને સમવાયતંત્ર ધરાવતા દેશો આ નીતિ વિશે કેવી રીતે વિચાર કરે છે તેનો ખ્યાલ આ પરથી આવશે.
સ્વાતંત્ર્ય મળ્યું તે પછી ભારતમાં વધતી જતી વસ્તીની વધતી જતી આકાંક્ષાઓને સંતોષવા માટે સરકારે આર્થિક વિકાસ માટે મોટા પાયા પર મૂડીરોકાણ વધારવાનો પ્રયત્ન પોતાની યોજનાઓ દ્વારા કર્યો છે. સાથે સાથે નિરપેક્ષ ગરીબી દૂર કરવા માટેનો કાર્યક્રમ પણ યોજના અંતર્ગત સ્વીકાર્યો છે. આ હેતુઓ તેની રાજકોષીય નીતિ માટે નિર્ણાયક બની રહ્યા છે; કેમ કે, બજારતંત્ર આપોઆપ વિકાસ પ્રેરી શકતું નથી ને દરિદ્રતાનું નિવારણ કરી શકતું નથી.
(1) ઉપર્યુક્ત હેતુઓની સિદ્ધિ માટે એક તો ભારતીય કરપદ્ધતિને વધુ આવક-ઉત્પાદક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કાનૂની ને ગેરકાનૂની રીતે કરમાંથી છટકવાની પ્રવૃત્તિ અટકાવવા પગલાં લેવાયાં છે ને કરની બાકી નીકળતી રકમ ઉઘરાવાઈ રહી છે. વધુ મહત્વની વાત છે કરપદ્ધતિને સુધારવાની. તેનો વધુ વિચાર કરવો અત્રે ઇષ્ટ છે.
આવકવેરા જેવા પ્રત્યક્ષ કરના દર વધારવામાં આવ્યા તો અનુભવ એવો થયો કે ખાનગી બચત-મૂડીરોકાણ પર તેની અવળી અસર પડી ને કરદાતા માટે કરચોરી કરવાનું પ્રોત્સાહન વધ્યું. આથી તાજેતરમાં કરના દર નીચા કે મધ્યમસરના રાખી તેના પાયાને વિસ્તારવાની, અગાઉ કર દ્વારા આવરી ન લેવાયેલ વ્યક્તિઓને કરના ક્ષેત્રમાં આવરી લેવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. અલબત્ત, કૃષિક્ષેત્રને મહદ્ અંશે પ્રત્યક્ષ કરના માળખા હેઠળ લાવવાનું કામ હજી બાકી છે. ખેડૂતો પરના પ્રત્યક્ષ કર કરવેરાની આવકનો અલ્પ હિસ્સો ધરાવે છે.
કરપદ્ધતિમાં પરોક્ષ કર પર કેન્દ્ર ને રાજ્ય સવિશેષ આધાર રાખે છે. કેન્દ્ર માટે આબકારી જકાત ને રાજ્ય સરકારો માટે વેચાણવેરો અહીં મહત્વનાં છે. આવદૃશ્યક ચીજોની માગ અસ્થિતિસ્થાપક છે એટલે તેમના પરના કર સરકાર માટે સારી એવી આવક લાવી આપે છે. મોજશોખની ચીજો પર પણ કર છે; પણ ત્યાં કરનો પ્રધાન હેતુ આવક પ્રાપ્ત કરવાનો નહિ, પણ તેમનો વપરાશ ઘટાડવાનો છે. પરોક્ષ કરવેરાની કેટલીક ઊણપો ટાળવાને માટે તેના સ્થાને મૂલ્યવૃદ્ધિ-કર ગોઠવવાના પ્રયત્ન થઈ રહ્યા છે.
(2) આયોજનના આરંભના તબક્કામાં જાહેર ક્ષેત્રનો વિવિધ કારણોને લીધે નોંધપાત્ર વિસ્તાર થયો હતો. ખાતાકીય, કૉર્પોરેશન તરીકે કે કંપની તરીકે કામ કરતા આ એકમો નફો કરે તો તે સરકાર માટે આવકનું એક સાધન બની શકે; પરંતુ અનુભવ એવો છે કે જાહેર ક્ષેત્ર એકંદરે વધુ વિકાસ માટેનાં નાણાકીય સાધનો લાવી આપનાર સ્રોત બની શક્યું નથી. આ દૃષ્ટિએ તેને પુનર્વ્યવસ્થિત કરવાના ગંભીર પ્રયાસો પણ થયા નથી. તાજેતરમાં તો આ સાહસોનું ક્રમશ: ખાનગીકરણ કરી તેમાંથી પ્રાપ્ત થતી રકમને રાજ્યની આવક તરીકે ગણાવાઈ રહી છે.
(3) બિનવિકાસલક્ષી ખર્ચ ઘટાડી શકાય તો તે રીતે બચેલી રકમ વિકાસનાં કાર્યો પાછળ વાપરી શકાય. આવા ખર્ચમાં સંરક્ષણખર્ચ પર કાપ મૂકવાનું જોખમ કોઈ સરકાર ઉપાડી શકે નહિ. આંતરરાષ્ટ્રીય સ્તરે કે પડોશી રાજ્યો સાથે દ્વિપક્ષી સ્તરે વાટાઘાટ ને કરાર થાય તો લશ્કરના આર્થિક બોજાને હળવો કરી શકાય. વહીવટી ખર્ચ પણ રાજ્યનાં કાર્યોના વિસ્તાર સાથે વિસ્તર્યો છે. ભાવાંક સાથે જોડાયેલ મોંઘવારી-ભથ્થાં ને પગારપંચોની ભલામણો સમયાંતરે તેમાં ભારે વૃદ્ધિ કરતી રહી છે. ત્રીજો બિનવિકાસલક્ષી ખર્ચ આર્થિક સહાયોનો (સબસિડીનો) છે ને તેમાં અનાજ, રાસાયણિક ખાતર, નિકાસ, સિંચાઈ, વીજળી, રાંધણગૅસ જેવી ચીજો સસ્તા ભાવે વેચવાને કારણે આપવી પડતી સબસિડીનો સમાવેશ થાય છે. આર્થિક સહાય પાછળ થતો ખર્ચ સતત વધતો રહ્યો છે ને તે ઘટાડવાના પ્રયત્નનો લાભ પામનાર વર્ગો જબરદસ્ત પ્રતિકાર કરતા રહ્યા છે. જાહેર ક્ષેત્રના ખોટમાં ચાલતા એકમોને સહાય અપાઈ છે. છેલ્લે સરકારનો કુલ ખર્ચ વધતો ગયો છે ને કર તેમજ અન્ય આવક દ્વારા તેને પહોંચી વળવાનું શક્ય જણાયું નથી, ત્યારે દેશ-પરદેશમાંથી સરકારોએ લોન લીધી છે. આ લોન પર દર વર્ષે વ્યાજની ચુકવણી કરવી પડે છે. આ તમામ બિનવિકાસલક્ષી ખર્ચ ઘટાડવા સરકારો મથ્યાં કરી છે, પણ તેમાંથી વિકાસલક્ષી કાર્યો માટે ગણનાપાત્ર બચત મળી નથી.
(4) રાજ્યે ભારતમાં આંતરિક ઋણ દ્વારા પણ નાણાકીય સાધનો એકત્રિત કર્યાં છે. અનેક માર્ગોએ અન્ય આર્થિક એકમોની – વ્યક્તિઓની ને કૉર્પોરેટ ક્ષેત્રની – બચત ઉછીની લીધી છે. ટ્રેઝરી બિલ, સરકારી જામીનગીરી, નાની બચતની વિવિધ યોજનાઓ પ્રૉવિડંટ ફંડ, પોસ્ટ વીમા-યોજના, ઇનામી બૉન્ડ – આ સર્વે તે માટેના માર્ગ છે. ભારતમાં સરકારી જામીનગીરીનું બજાર હજી પૂરું વિકસ્યું નથી. તેમાં સરકાર વધુ ને વધુ જામીનગીરી વેચી નાણાં મેળવવા પ્રયત્ન કરે તો સરકારી જામીનગીરીના ભાવ દબાય ને વ્યાજના દર ઊંચા જાય એ કુદરતી છે. કુદરતી રીતે જ પોતાના બજેટ પરનો બોજો વધારે તેવી આ વાત સરકારને પસંદ નથી. તેને તો સ્થિર વ્યાજે વધુ કરજ કરવું છે. જીવનવીમા નિગમ, વ્યાપારી બકો, પ્રૉવિડંટ ફંડ, ધર્માદા-ટ્રસ્ટ જેવા સંસ્થાકીય ને રાજ્યના અંકુશ હેઠળના રોકાણકારોના અસ્તિત્વને કારણે આ કામ કેન્દ્ર ને રાજ્ય સરકારો માટે આજે તો સરળ બન્યું છે. તેઓ સરકારી જામીનગીરીઓ ખરીદે છે. આ કામ કેટલીક વાર તેઓ મરજિયાત રીતે તો ક્યારેક કાનૂની જોગવાઈઓને કારણે કરે છે. સરકાર કે રિઝર્વ બૅંક આદેશ આપે તેટલા પ્રમાણમાં તેમને આ જામીનગીરીઓમાં રોકાણ કરવું પડે છે. જાહેર ભરણાનાં નાણાં પ્રજાની સાચી બચતમાંથી, બૅંક સિવાયનાં રોકાણ કરનાર પાસેથી આવે તો તે યોગ્ય ગણાય. ભારતમાં આ સુખદ સ્થિતિ જોવા મળતી નથી.
વળી આંતરિક ઋણમાં ટ્રેઝરી-બિલ ને ટૂંકા ગાળાના દેવાનું પ્રાધાન્ય જોવા મળે છે. તે પણ અસંતોષકારક લક્ષણ ગણાય. અર્થતંત્રમાં રોકડ અસ્કામતનું પ્રમાણ ઘટે તે માટે સરકાર લાંબા ગાળાનું દેવું કરે તે જરૂરી છે. રોકાણ લાંબા ગાળે ફળ આપે છે તે દૃષ્ટિએ પણ આ જરૂરી બને છે. ભાવવધારાના સમયમાં રિઝર્વ બૅંક ઇચ્છે કે ન ઇચ્છે તોપણ બૅંકો આ અસ્કામતો વેચીને, તેમના તારણ પર લોન મેળવીને, અથવા પાકે તેમાંથી મળતી રોકડ રકમના આધારે શાખ-સર્જન કરી શકે છે ને રિઝર્વ બૅંકની શાખ-નિયમનની નીતિને નિષ્ફળ બનાવી શકે છે.
(5) ભારતમાં વિદેશી સહાય પણ રોકાણ માટેનું મહત્વનું સાધન પુરવાર થઈ છે. સરકારને આ સહાય ચીજવસ્તુઓના સ્વરૂપમાં પી. એલ. 480 અથવા પી. એલ. 665 હેઠળ યુ.એસ. તરફથી સ્વાતંત્ર્ય પછીનાં કેટલાંક વર્ષોમાં પ્રાપ્ત થઈ હતી ને અન્નના ભાવને અંકુશમાં રાખવાનું કામ તેને કારણે થયું હતું. વિદેશી સહાયનો બીજો કેટલોક ભાગ ગ્રાન્ટના રૂપમાં મળ્યો હતો. આ રૂપમાં સહાય આપવાની ઇચ્છા વિદેશોમાં ક્રમશ: ઘટતી રહી છે. મળેલી સહાયનો મોટો ભાગ લોનના સ્વરૂપમાં હતો. આ લોન એકંદરે આંતરરાષ્ટ્રીય મૂડીબજારમાં પ્રવર્તતી શરતો કરતાં ઉદાર શરતોએ મળી હતી. અહીં આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ તરફથી મળેલી લોનનો ખાસ નિર્દેશ કરી શકાય. ભૂતપૂર્વ સામ્યવાદી દેશો તરફથી મળતી લોન તો રૂપિયામાં ચૂકવવાની હતી અથવા તેના બદલામાં કરાર અનુસારની ચીજોની નિકાસ કરવાની હતી. આ લોનનાં નાણાં કેટલીક વાર ચોક્કસ દેશમાંથી માલ ખરીદવા માટે અને/અથવા ચોક્કસ પ્રૉજેક્ટ પાછળ જ વાપરી શકાતાં હતાં.
આર્થિક વિકાસના અર્થશાસ્ત્રમાં શરૂઆતના તબક્કામાં માનવામાં આવતું કે વિકાસશીલ દેશો માટે નિકાસની તકો અલ્પ ને નિરાશાજનક છે; એમણે આંતરિક બજાર માટે માલ બનાવવો જોઈએ. આ ક્ષેત્ર એવું છે જે તરફ વિદેશી ખાનગી મૂડી આકર્ષાય નહિ. વિકાસ સાધવા ઇચ્છતા દેશે – તેની સરકારે આગળ પડીને આથી મૂડીરોકાણ માટે આંતરિક બચત ને વિદેશી સહાય દ્વારા યોજના માટે નાણાકીય સાધનો પ્રાપ્ત કરવાં જોઈએ. હવે વિચારણા બદલાઈ છે ને તે સાથે નિકાસના બજાર ને આંતરિક બજાર, ખાનગી ક્ષેત્ર ને જાહેર ક્ષેત્ર, વિદેશી ખાનગી મૂડી ને આર્થિક સહાય આ સર્વ પરનો ભાર બદલાયો છે.
(6) સરકારને ઉપર્યુક્ત માર્ગો દ્વારા યોજના માટે નાણાં પૂરતા પ્રમાણમાં ન મળતાં ને તે બજેટથી ખાધ ધરાવતી ત્યારે સરકાર રિઝર્વ બૅંક પાસેના પોતાના ભંડોળમાંથી ઉપાડ કરતી ને તેની પાસેથી લોન લેતી. આને ખાધપુરવણીની નીતિ કહેવામાં આવતી. પરિણામે પ્રજા પાસેથી સરકાર નાણાં લેતી તેના કરતાં વધુ નાણાં પ્રજાના ખિસ્સામાં જાહેર ખર્ચ દ્વારા મૂકતી હતી. પ્રમાણમાં બજારમાં ઉત્પાદન ન આવતું ત્યારે ભાવસપાટી વધતી હતી. ભાવો વધતા, ફુગાવો થતો ત્યારે ચીજોના ને સાધનોના એકસરખા પ્રમાણમાં ન વધતા, સાપેક્ષ આવકો ને ભાવ બદલાતા, સાધનોની ફાળવણી ને આવક-વહેંચણી વિકૃત બનતી, બચત ને રોકાણ પણ અવરોધાતાં.
આ અંદાજપત્રીય ખાધને ઘટાડવાની રાજકોષીય નીતિના ક્ષેત્રે સરકારની મથામણ રહી છે. વિશ્વબૅંક જુદી પરિભાષામાં આ જ વાત પર ભાર મૂકે છે. તે રોજકોષીય ખાધ (fiscal deficit) ઘટાડવાની ચિંતા સેવે છે. કુલ ખર્ચ સરકાર માટે તેની કરની ને કર સિવાયની આવક કરતાં વધવો જોઈએ નહિ, કમ સે કમ આ ખાધ રાષ્ટ્રીય આવકના નક્કી કરેલા ટકા કરતાં વધવી જોઈએ નહિ. આ હેતુથી તે કરની ને કર સિવાયની આવક વધારવા મથે છે. પોતાના કુલ ખર્ચને અંકુશમાં રાખવા પ્રયત્ન કરે છે. હેતુ છે આ રીતે ભાવસ્થિરતાનું વાતાવરણ સર્જવાનો, કેમ કે ભાવસ્થિરતા બજાર દ્વારા કાર્યક્ષમ વિકાસ સાધવાની પૂર્વશરત છે. સ્થિરતાના વાતાવરણમાં જ ભાવો આર્થિક એકમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે.
ભારત સમવાયતંત્ર છે. કેન્દ્ર ને રાજ્ય સરકારોનાં કાર્યો બંધારણમાં મુકરર કરવામાં આવ્યાં છે ને તે માટે જુદા જુદા કર નાખવાની સત્તા પણ બંધારણે જ તે બે સત્તાકેન્દ્રો વચ્ચે નક્કી કરેલી છે. રાજ્ય સરકારોનાં કાર્યોનાં પ્રમાણમાં તેમને આપવામાં આવેલ નાણાકીય સાધનો ઓછાં છે એટલે કેન્દ્ર સરકાર નાણાપંચોની ભલામણ અનુસાર પોતાના કેટલાક કરની આવકનો ચોક્કસ ભાગ તથા ગ્રાન્ટના રૂપમાં નાણાકીય સાધનો હસ્તાંતર કરીને રાજ્ય સરકારોને આપે છે. નવમા નાણાપંચ સુધીનાં નાણાપંચ આવકવેરાનો ને કેન્દ્રીય આબકારી જકાતની આવકનો કેટલો હિસ્સો રાજ્ય સરકારોને આપવો ને રાજ્ય સરકારોને ફાળે જતી રકમ કયાં ધોરણો અનુસાર તેમની વચ્ચે વહેંચવી તે અંગેની ભલામણ કરતાં હતાં. દસમા નાણાપંચે કેન્દ્રને તમામ કરમાંથી થતી એકંદર આવકના 26 ટકા રાજ્ય સરકારો માટે ફાળવ્યા છે. અગિયારમા નાણાપંચે 27 ટકા કરની એકંદર આવક રાજ્ય સરકારોને તબદીલ કરવાનું કેન્દ્રને સૂચવ્યું છે. કરભાગ ઉપરાંત સામાન્ય સ્વરૂપની ને ચોક્કસ હેતુવાળી એમ બે પ્રકારની ગ્રાન્ટ પણ કેન્દ્ર રાજ્યોને આપે છે. હસ્તાંતરપાત્ર નાણાકીય સાધનો રાજ્ય સરકારો વચ્ચે વહેંચતી વખતે પછાત ને ખાસ પ્રશ્નો ધરાવતાં રાજ્યોની સરકારોને તે સવિશેષ સાધનો આપે છે. એ રીતે તેમની વચ્ચે નાણાકીય સાધનોની સમાનતા લાવવા તે મથે છે. દેશનો નાગરિક સંપન્ન રાજ્યમાં રહેતો હોય કે પછાત રાજ્યમાં, તેને લગભગ સમાન આર્થિક ને સામાજિક સેવાઓ રાજ્ય સરકારો તરફથી મળતી રહે એ જોવાનો હેતુ આ પાછળ રહેલો છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર પંચવર્ષીય યોજનાઓના અનુસંધાનમાં રાજ્ય સરકારોને ગ્રાન્ટ ને લોન આપતી રહી છે. બંધારણીય જોગવાઈઓ મુજબ તબદીલ થતી રકમો કરતાં આ યોજનાકીય કેન્દ્રીય સહાય ઘણી મોટી રહી છે.
બદરીપ્રસાદ મ. ભટ્ટ