રાજકીય હિંસા : સત્તા હસ્તગત કરવાના કે સત્તાધીશોને નુકસાન પહોંચાડવાના આશયથી કરવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ. હિંસાનો જન્મ માનવસમાજ જેટલો જ પુરાણો અને વ્યાપક છે. મોટેભાગે સામાજિક કે રાજકીય પરિવર્તન લાવવાનો, સત્તા હાથ કરવાનો કે સત્તાધીશોને રંજાડવાનો હેતુ તેમાં મુખ્ય હોય છે. આવી હિંસા બિનઅધિકૃત કે ગેરકાયદેસરના માર્ગો અખત્યાર કરે છે. તેમાં ત્રાસવાદ, હુલ્લડ, વિદ્રોહ અને તોફાનોનો સમાવેશ થાય છે. ક્રાંતિ રાજકીય હિંસાથી થોડી અલગ એ રીતે છે કે તેમાં ક્રાંતિ પછીની નવરચના મહત્વની હોય છે. વળી ક્રાંતિઓને વ્યાપક લોકસમર્થન પ્રાપ્ય હોય છે.

વિદ્વાનો 1960થી ‘રાજકીય હિંસા’ શબ્દપ્રયોગ કરે છે. તેઓ દેશના આંતરિક રાજકીય સંઘર્ષો સાથે સંકળાયેલાં જૂથો, શારીરિક નુકસાન પહોંચાડતી ઘટના કે તેવી ધમકી આપે તેવાં વલણોનો સમાવેશ રાજકીય હિંસામાં કરે છે. પ્રારંભે સરકારનો આંતરિક વિરોધ દર્શાવતી તમામ વિધ્વંસક ઘટનાનો રાજકીય હિંસામાં સમાવેશ થતો હતો; જેમાં રાજકીય આતંકવાદ, હત્યાઓ, સરકારવિરોધી બળવા, દેખાવો, પ્રદર્શનો, બંડ અને અન્ય રાજકીય, સશસ્ત્ર સંઘર્ષ આવરી લેવામાં આવે છે. આ અર્થ 1975-80 પછી વિસ્તાર પામ્યો અને સ્વયં સરકાર દ્વારા આચરવામાં આવતાં દમનનાં કૃત્યો તથા દેશની પોતાના જ નાગરિકો વિરુદ્ધની હિંસાનો પણ તેમાં સમાવેશ થવા લાગ્યો, જેને નાગરિકો રાજ્યની હિંસા તરીકે ઓળખાવે છે.

શારીરિક ઈજા પહોંચાડતાં કૃત્યોને રાજકીય હિંસા તરીકે ઓળખવાના પ્રયાસો એ તેનો સાવ સંકુચિત અર્થ છે, શાંતિ-સંશોધનના વિદ્વાનો તેની ટીકા કરે છે. તેમના મતે કોઈ પણ સગવડો લોકો પાસેથી છીનવી લેવી યા લોકોને સતત ચીજવસ્તુઓના અભાવોથી પીડાતા રાખવા અને સામાજિક અન્યાય આચરતા રહેવું તે પણ રાજકીય હિંસા છે. તેઓ તેને રાજકારણની માળખાગત હિંસા (political-structural violence) તરીકે જુએ છે.

રાજકીય હિંસાનાં મુખ્યત્વે ત્રણ પાસાં છે અને તે પરસ્પર ગાઢ રીતે સંબંધ ધરાવે છે : એક, રાજકારણની માળખાગત હિંસાને કારણે નાગરિક હિંસા (civil violence) ફેલાય છે. બીજું, નાગરિક હિંસા વ્યાપક બને ત્યારે તેના પ્રતિભાવ રૂપે રાજ્યજનિત હિંસા (state violence) ઊભી થાય છે અને ત્રીજું, અત્યંત પ્રબળ અને વારંવારનો વિરોધ, હુલ્લડો કે તોફાનો રાજ્ય-હિંસાને ઉત્તેજન આપે છે.

રાજકીય હિંસાના અભ્યાસીઓના મતે 1950થી ’80 વચ્ચેની વિવિધ રાજકીય પ્રથાઓમાં પ્રવર્તેલી હિંસાની માહિતી દર્શાવે છે કે પાશ્ર્ચાત્ય અને ત્રીજા વિશ્વની લોકશાહીઓમાં વ્યાપક વિરોધ ઘણો જોવા મળે છે; પણ આંદોલનો, રાજ્યપ્રેરિત હિંસા અને સંઘર્ષમાં અવસાન પામનારાઓનું પ્રમાણ અલ્પ છે. તેની સામેના પક્ષે આફ્રિકા, એશિયા અને મધ્યપૂર્વનાં આપખુદ શાસનોમાં રાજ્યપ્રેરિત હિંસા ઘણી વધારે છે અને બંડ તથા સંઘર્ષમાં અવસાન પામનારનું પ્રમાણ ઊંચું છે.

સામ્યવાદી રાજ્યો પણ વિરોધ અને બંડ રોકવામાં મોટાભાગે સફળ થાય છે. રાજ્યે લીધેલાં પગલાંનો પ્રજા ભાગ્યે જ પ્રતિકાર કરે છે અને જો પ્રતિકાર કરવામાં આવે તો પ્રારંભમાં જ તેને તીવ્ર રાજકીય હિંસા દ્વારા દબાવી દેવામાં આવે છે. 1956માં હંગેરીમાં, 1989માં ચીનમાં આમ બન્યું હતું અને 1989 પછી પૂર્વ યુરોપ અને સોવિયેત સંઘમાં રાજકીય સંઘર્ષ ચાલ્યો હતો. જોકે આ દેશોનાં રાજકીય સંઘર્ષ અને હિંસાની શૈલી લગભગ સરખાં રહ્યાં છે.

રાજકીય હિંસા સામુદાયિક સ્વરૂપ ધરાવે છે અને મુખ્યત્વે નવોદિત રાષ્ટ્રો સવિશેષપણે તેનાં ભોગ બને છે. આવી હિંસાનું કારણ એ હોય છે કે આ બધા દેશો પરંપરાગત માળખામાંથી આધુનિક વ્યવસ્થા તરફ જવા ઇચ્છે છે. વળી પરિવર્તનની આ પ્રક્રિયામાં તેમને ઝડપની અપેક્ષા હોય છે એથી નવી, અદ્યતન અને પાશ્ર્ચાત્ય સંસ્થાઓ સ્થિર બને તથા વ્યાપક સ્વીકૃતિ પામે તે પૂર્વે જ પરિવર્તનો આવવા લાગે છે. આથી નવાં પરિવર્તનો સ્વીકારવા અંગેનો સંઘર્ષ અને રાજકીય હિંસા શરૂ થાય છે. બીજું, આ સાથે આર્થિક પરિવર્તનો પણ શરૂ થતાં હોવાથી તેમનું પરંપરાગત આર્થિક અને તેને લીધે સામાજિક માળખું હચમચવા લાગે છે. બીજી તરફ પાશ્ર્ચાત્ય ઢબછબની નવી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ જાગ્રત થઈ હોવાથી સંઘર્ષ તીવ્ર બનતો જાય છે. ત્રીજું, સામાજિક સંદર્ભનાં ટોળીજૂથો કે કોમી જૂથો ઘસાઈને નવાં વિસ્તૃત મંડળો રચાય છે, જેના પ્રત્યે વફાદાર રહેવું આવદૃશ્યક હોય છે. બિનસાંપ્રદાયિકીકરણની આ પ્રક્રિયા અલિપ્તતાની લાગણી જન્માવે છે, જેથી જનસમાજ વ્યગ્ર બને છે અને આ વ્યગ્રતા અજંપો પેદા કરે છે. ચોથું, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વિસ્તરતાં રાજ્યનાં પ્રભાવનાં નવાં ક્ષેત્રો પેદા થાય છે. સત્તાના સ્થાન માટે દાવો કરનારાઓ વધે છે અને તેથી પણ સંઘર્ષ પેદા થાય છે, જે રાજકીય હિંસાની દિશામાં દોરી જાય છે. પરિવર્તનની આ વિવિધ સ્થિતિઓ રાજકીય હિંસાને વેગ આપવા માટે જવાબદાર બને છે.

આવી જ સૌથી વધુ ઘાતક હિંસા ગૃહયુદ્ધની હોય છે. એક અભ્યાસ મુજબ 1945થી ’90 સુધીમાં 60 ગૃહયુદ્ધો લડાયાં છે, તેમાં 30 લાખ લોકોએ જાન ગુમાવ્યા છે, જેમાં સમગ્ર કોમની હત્યા (genocide) અને રાજકીય હત્યાઓ(politicide)ની 40થી વધુ ઘટનાઓ બની હતી. તેમાં મુખ્યત્વે નિ:શસ્ત્ર નાગરિકો, વર્ગો કે રાજકીય પક્ષોના સભ્યોને નિશાન બનાવી તેમની હત્યાઓ કરાય છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ કરતાં ઘણા વધારે લોકો તેમાં મરાયા છે.

આવી રાજકીય હિંસાની ઘટનાઓ લશ્કરની દરમિયાનગીરીને ઉત્તેજન પૂરું પાડે છે. વળી પ્રવર્તમાન સરકારોને અસ્થિર બનાવવાની ભારે શક્યતાઓને એથી ટેકો મળે છે. રાજકીય હિંસાના વધતા વ્યાપને લીધે મધ્યસ્થી અને શાંતિરક્ષક કામગીરી કરનાર વર્ગની આવદૃશ્યકતા ઊભી થાય છે. પ્રવર્તમાન સરકારો રચનાત્મક કાર્યોમાં આગળ વધવાને સ્થાને રાજકીય હિંસાને રોકવાના ઉપાયોમાં અટવાઈ જાય છે અને છેવટે રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે.

રક્ષા મ. વ્યાસ