રાજકીય સમાજીકરણ (political socialisation)

January, 2003

રાજકીય સમાજીકરણ (political socialisation) : રાજકીય સમજ મેળવવાની અને વિકસાવવાની પ્રક્રિયા. રાજકીય સમાજીકરણ વ્યક્તિ દ્વારા રાજકારણ કે રાજ્યપ્રથા અંગેની સમજણ પ્રાપ્ત કરવાની ક્રિયાનો નિર્દેશ કરે છે. તે એક એવી વિકાસગામી પ્રક્રિયા છે, જે દ્વારા લોકો રાજકીય અભિમુખતાઓ, અભિવૃત્તિઓ અને રાજકીય વર્તનની ભાત વિકસાવે છે.

રાજકીય સમાજીકરણ (political socialisation) એ પોતાના સમાજનું રાજકીય શિક્ષણ પામવાની એક સામાજિક પ્રક્રિયા છે. સમાજ અને રાજકારણ વચ્ચેની આંતરપ્રક્રિયામાં ઊછરતી કે મોટી થતી પ્રત્યેક વ્યક્તિનું રાજકીય સમાજીકરણ થતું હોય છે. વ્યક્તિ રાજકીય વ્યવસ્થા, આદર્શો અને મૂલ્યોનો સ્વીકાર કરે છે, રાજકીય બાબતો સાથે સંબંધિત સામાજિક મનોવૃત્તિઓ અને વ્યક્તિત્વના ગુણો પ્રાપ્ત કરે છે. આમાં એક પેઢી દ્વારા બીજી પેઢીને રાજકીય સંસ્કૃતિ વારસામાં મળે છે એ ખરું, પણ સાથોસાથ પરિવર્તન પામતા જતા સમાજની રાજકીય અસરો પણ વ્યક્તિ ઝીલે છે. ટૂંકમાં, રાજકીય સમાજીકરણ બાળકને રાજકીય દૃષ્ટિએ પરિપક્વ બનાવવાની પ્રક્રિયા છે.

ઍરિસ્ટોટલે કહ્યું છે કે માણસ સામાજિક પ્રાણી છે અને તે સમાજમાં રહીને જીવે તો જ સુખી અને સંતોષી બને છે. વળી, ઍરિસ્ટોટલ ઉમેરે છે કે સમાજ વિના જીવનાર કાં તો જંતુ હોય કે પછી ભગવાન ! વળી એમ કહેવાય છે કે : બાળક માણસનો પિતા છે. (Child is the father of man.) અર્થાત્ દરેક સમાજમાં બાળકનો ઉછેર, વિકાસ અને ઘડતર જે તે સમાજનું ખુદનું ઘડતર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ સમાજની તાકાત અને નબળાઈઓ, સફળતાઓ અને નિષ્ફળતાઓ, સારાપણું કે ખરાબી – એ બધાં તે સમાજનાં ભાવિ નાગરિકો એવાં બાળકોનાં ઘડતર, ઉછેર અને વિકાસ ઉપર ઘણો બધો આધાર રાખે છે; કેમ કે એ જ બાળકો મોટાં થઈને એ સમાજનાં નાગરિકો થવાનાં હોય છે ! જાણ્યે-અજાણ્યે પ્રત્યેક સમાજ ચોક્કસ તોરતરીકા અને પદ્ધતિઓ, મૂલ્યો-આદર્શો, રીતરિવાજો મુજબ પોતાનાં સંતાનોને ઉછેરતો હોય છે.

આમ, રાજકીય સમાજીકરણની પ્રક્રિયા એ બાળકને ચોક્કસ રાજકીય સામાજિક પ્રથાના પૂર્ણ નાગરિક બનાવવાની પ્રક્રિયા છે. બાળપણથી માંડી મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક બાળક વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. હિન્દુ આશ્રમ પ્રથા મુજબ જીવનના ચાર મુખ્ય તબક્કાઓ છે : બ્રહ્મચર્યાશ્રમ (વિદ્યાર્થીઆશ્રમ), ગૃહસ્થાશ્રમ (સંસાર/કુટુંબકબીલો વગેરે), વાનપ્રસ્થાશ્રમ (નિવૃત્ત થતા જવાનો સમય) અને છેલ્લે સંન્યસ્તાશ્રમ (સંપૂર્ણ નિવૃત્તિ અને આધ્યાત્મિક ખોજ). સમયના સંદર્ભમાં ભારતીય સમાજમાં ઘણુંબધું પરિવર્તન આવ્યું છે, છતાં આજે પણ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની અસર હેઠળ મોટાભાગના ભારતીય લોકો પોતાના જીવનને ઉપર્યુક્ત મુખ્ય ચાર તબક્કાઓમાં વહેંચીને પોતાના જીવનને ગોઠવે છે અને જીવે છે. બાળપણથી યુવાનીના તબક્કામાં વિદ્યાભ્યાસ, પછી ગૃહસ્થાશ્રમ, તે પછી એકાવનની વયે વનપ્રવેશ દરમિયાન સંસારી બાબતોમાંથી ધીરે ધીરે નિવૃત્તિ અને છેલ્લે સંન્યસ્તાશ્રમ એટલે કે આધ્યાત્મિક મનન-ચિંતન. આજે ભલે સરેરાશ આયુષ્ય 100 વરસનું ન રહ્યું હોય કે જીવનની પાછલી અવસ્થામાં પ્રત્યેક ભારતીય સંન્યાસી ન થઈ જતો હોય; છતાં ઓછે-વત્તે અંશે જીવનપ્રથા આ ચાર આશ્રમોને લક્ષમાં રાખીને ગોઠવવામાં આવે છે. આ ચારેય તબક્કાઓ દરમિયાન વ્યક્તિના સમાજીકરણની પ્રક્રિયા વણથંભી ચાલુ જ રહેતી હોય છે. જીવનની તમામ અવસ્થાઓ દરમિયાન વ્યક્તિ સમાજ વિશે અને રાજકીય-સામાજિક ઘટનાઓ વિશે કાંઈ ને કાંઈ શીખતી હોય છે. રાજકારણ અને સમાજ સાથે અનુકૂલન સાધી વ્યક્તિ સમાજમાં પોતાનું અસ્તિત્વ ટકાવે છે.

હરબન્સ પટેલ