રાજકીય સંસ્કૃતિ : રાજ્ય અથવા સત્તા અંગેની લોકોની અભિમુખતા અને તેમનાં વલણો. સરકાર કેવી રીતે ચાલવી જોઈએ અને તેણે શું કરવું જોઈએ, તે અંગેનાં મૂલ્યો, માન્યતાઓ અને ઊર્મિલ વલણો  એ ઘટક તત્ત્વોથી રાજકીય સંસ્કૃતિ ઘડાય છે.

સમાજશાસ્ત્રોમાં ‘સંસ્કૃતિ’ એક મહત્વની વિભાવના છે. ગેબ્રિયલ આલ્મૉન્ડ અને સિડની વર્બાના પ્રશિષ્ટ અભ્યાસગ્રંથ ‘ધ સિવિક કલ્ચર’ (બૉસ્ટન; 1963) પછી રાજકીય સંસ્કૃતિની વિભાવના રાજ્યશાસ્ત્રમાં વિશેષ ગ્રાહ્ય રહી. આ નવી વિભાવનાની સૌપ્રથમ રજૂઆત તેમણે ‘કમ્પેરેટિવ પૉલિટિકલ સિસ્ટિમ્સ’(જર્નલ ઑવ્ પૉલિટિક્સ, ઑગસ્ટ 1956)ના લેખ દ્વારા કરી હતી.

સમાજની દૃષ્ટિએ રાજકારણનું કાર્યક્ષેત્ર શું છે; રાજકારણમાં સાધન અને ધ્યેય વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ; રાજકીય નીતિ, કાર્ય અને પગલાંના મૂલ્યાંકનનાં ધોરણો શાં હોવાં જોઈએ અને આવાં રાજકીય નીતિ, કાર્ય અને પગલાં માટે કયાં મૂલ્યો પ્રસ્તુત છે – આ બધી બાબતો રાષ્ટ્રના કે કોઈ એક સમાજના રાજકીય સંસ્કૃતિની નિર્દેશક છે.

કોઈ પણ સમાજની રાજકીય સંસ્કૃતિને તેની ચાર પ્રકારની વિવિધ અભિમુખતાઓ દ્વારા ઓળખી શકાય :

(1) સમાજના પ્રશ્નોના નિરાકરણ પ્રતિની અભિમુખતા : તે પરિણામગામી છે કે તર્કસંગત ?

(2) સામૂહિક કાર્ય પ્રતિની અભિમુખતા : તે સહકારાત્મક છે કે અસહકારાત્મક ?

(3) રાજ્યપ્રથા પ્રતિની અભિમુખતા : પ્રથા પ્રતિ તે વફાદાર છે કે તેનાથી વિમુખ છે ?

(4) અન્ય લોકો પ્રતિની અભિમુખતા : અન્ય લોકો પ્રતિ વ્યક્તિઓ વિશ્ર્વાસથી જુએ છે કે અવિશ્ર્વાસથી ?

કોઈ પણ રાજકીય વ્યવસ્થાની કાર્યપદ્ધતિને જાણવા-સમજવા માટે તેની રાજકીય સંસ્કૃતિ જાણવાનું અનિવાર્ય છે. રાજકીય વિચારધારા; રાષ્ટ્રીય ચરિત્ર, લોકાચાર, ચેતના અને લોકમાનસ; રાષ્ટ્રીય જનતાનો મૌલિક દૃષ્ટિકોણ, જનમત  એ બધાંના સંદર્ભમાં થતી અભિવ્યક્તિમાં વસ્તુત: દેશની રાજકીય સંસ્કૃતિ (political culture) જ પ્રગટ થતી હોય છે. એમાં નેતાઓ અને પ્રજા બંનેના રાજકીય સમૂહગત જીવનદર્શનનો સમાવેશ થાય છે.

કોઈ પણ રાજકીય સમાજને પોતાની આગવી સામૂહિક સંસ્કૃતિ હોય છે. એની પાછળ તે સમાજના ચિંતકોનાં વિચારો, જીવનમૂલ્યો, ધર્મ, રીતરિવાજો, વ્યવહારો, સંગીતાદિ કલાઓ, સંસ્કાર, સાહિત્ય, ઇતિહાસ અને ભૂગોળ વગેરે બાબતોનો ઘણો મોટો ફાળો હોય છે. આ બધી બાબતોનો સરવાળો જ જે તે રાજકીય સમાજની (રાજકીય) સંસ્કૃતિ ઘડે છે. જે તે સમાજનો ઐતિહાસિક વિકાસ અને તેના સામાન્ય જીવનના અનુભવો એમાં મુખ્ય હોય છે. વળી સમાજમાંની વ્યક્તિનો પોતાનો ઇતિહાસ અને સમૂહગત ઇતિહાસ – એ બંનેનો ફાળો રાજકીય સંસ્કૃતિના ઘડતર અને સંમાર્જનમાં ઘણો અગત્યનો હોય છે.

રાજકીય સંસ્કૃતિ – એ કોઈ પણ રાજકીય પ્રથાનું મહત્વનું પાસું છે. કોઈ ચોક્કસ વસ્તી કે સમાજમાંના લોકોની વિવિધ વર્તણૂકો, માન્યતાઓ, મૂલ્યો વગેરે સમગ્ર પ્રજાનાં વિચાર અને વર્તનને ઘડે છે. આ રીતે ઘડાયેલાં વિચાર અને વર્તનને તે પ્રજાની રાજકીય સંસ્કૃતિ કહી શકાય.

રાજકીય સંસ્કૃતિના ઘડતરમાં પ્રજાનો માનસિક-સામાજિક (psycho-sociological) અને ધાર્મિક-આધ્યાત્મિક (religio-spiritual) વારસો કે પ્રેરણા અગત્યની ભૂમિકા ભજવે છે. રાજકીય સંસ્કૃતિ ગુણાત્મક ખ્યાલ છે અને તેથી તેને સંખ્યાત્મક રીતે માપવાનું શક્ય નથી. જોકે રાજ્યપ્રથાની માપી શકાતી બાબતો જેવી કે વસ્તી, સનંદી સેવાઓ, ટૅક્નૉલૉજી વગેરે માપીને સંખ્યાત્મક રીતે રાજકીય સંસ્કૃતિને વ્યક્ત કરી શકાય; પણ રાજકીય સંસ્કૃતિની ગુણાત્મક બાબતોને માપી શકાય નહિ; ઉદાહરણ તરીકે, જૉર્ડન અને કુવૈતની વસ્તી, સીમાઓ, વિસ્તાર વગેરેને માપી કે ગણી શકાય, પણ એ બે દેશો ઇસ્લામી આદર્શો કે વિચારધારાની ટીકા કરતાં કેવી રીતે પ્રત્યાઘાત કે પડઘો પાડશે તે જાણવું કે માપવું ઘણું અઘરું હોય છે. જોકે રાજકીય સંસ્કૃતિના અભ્યાસથી તેનાં સ્વરૂપ અને દિશાનો ખ્યાલ કંઈક અંશે મેળવી શકાય, પણ તેનું ચોક્કસ માપન ન થઈ શકે. ભારતની આઝાદીની ચળવળ વખતે પણ અલગ અલગ પ્રાદેશિક, સાંપ્રદાયિક, ઐતિહાસિક ભૌગોલિક પરંપરાઓથી પોષાયેલા લોકોએ શક્તિની જુદી જુદી માત્રાથી લડત આપી હતી. બંગાળી, મરાઠી, ગુરખા કે શીખ વગેરે કોમોના પ્રતિભાવ અન્ય કોમોના પ્રતિભાવ કરતાં લડાયક માત્રાભેદવાળા હોઈ શકે. ટૂંકમાં, વિવિધ રાજકીય પ્રથાઓનું પૃથક્કરણ કરતી વખતે જે તે પ્રથાના સમાજોની રાજકીય સંસ્કૃતિ અને તેનાં લક્ષણોને ધ્યાનમાં રાખવાં જરૂરી બને છે.

રાજકીય સંસ્કૃતિ એ જે તે પ્રજાની સામાન્ય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. રાજ્યવ્યવસ્થા પ્રત્યેનાં લોકોનાં વિશ્ર્વાસો, મનોવૃત્તિઓ, મૂલ્યો, વ્યવહારો વગેરેના સરવાળાથી રાજકીય સંસ્કૃતિ જન્મે છે. એને આધારે તે દેશના લોકોનો રાજકીય વ્યવહાર નિશ્ચિત થાય છે. આમ રાજકીય વ્યવહાર માટે રાજકીય સંસ્કૃતિ પથપ્રદર્શકનું કામ કરે છે. રાજકીય પ્રથા અને તેમાંની વ્યવસ્થાઓ સરકાર, અમલદારો, પક્ષો, જૂથો વગેરે પ્રત્યે વ્યક્તિનો વિશ્ર્વાસ અને વલણો કેવાં છે અને તેનાં કયાં મૂલ્યો છે તે બાબતો રાજકીય સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ ઘડે છે. રાજકીય સંસ્કૃતિ રાજનીતિની કે રાજકારણની મર્યાદાઓ અને જાહેર જીવનના ઔચિત્યની સીમાઓ ઘડે છે. આ અર્થમાં રાજકીય સંસ્કૃતિ રાજ્યવ્યવસ્થાનો આધારસ્તંભ છે.

જુદા જુદા રાજ્યશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ રાજકીય સંસ્કૃતિના જુદા જુદા પ્રકાર પાડવાની કોશિશ કરી છે. હકીકતમાં તેને પ્રકારો કરતાં રાજકીય સંસ્કૃતિની અવસ્થાઓ કહેવી વધુ યોગ્ય ગણાશે. તેમાંની કેટલીક મુખ્ય અવસ્થાઓ નીચે પ્રમાણે છે :

(1) કેટલીક રાજકીય સંસ્કૃતિઓ સંકીર્ણ કે સંકુચિત પ્રકારની હોય છે. આવું પરંપરાગત, પછાત કે સરલ ગણાતા અબુધ સમાજોમાં જોવા મળે છે. આ સમાજોની પ્રજા લગભગ અરાજકીય, રાજ્યપ્રથા પ્રતિ અલગાવ કે દુર્લક્ષ્ય સેવનારી તથા રાજકીય પ્રભાવિતા(political efficacy)ના અભાવવાળી હોય છે. આમ છતાં સ્થાનિક કક્ષાએ (ગામ, તાલુકા કે જિલ્લા જેવી કક્ષાઓ) તે કંઈક અંશે રાજકારણમાં ભાગ લે છે. આ સ્થિતિમાં વિશેષીકરણ(specialisation)નો અભાવ હોય છે અથવા ભૂમિકાઓનું વર્ગીકરણ અતિ સરલ હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ રાજકીય, આર્થિક અને ધાર્મિક ભૂમિકાઓની ભેળસેળ કરી વિવિધ ભૂમિકા એકસાથે નિભાવે છે.

(2) કેટલીક રાજકીય સંસ્કૃતિઓમાં પ્રજા રાજકીય વ્યવસ્થા કે પ્રથા અને તેના બહિર્નિક્ષેપ(output)થી માહિતગાર હોય છે અને તેનું સમર્થન કે વિરોધ કરતી હોય છે. આમ વધુ વિકસિત રાજકીય સંસ્કૃતિ તે સહભાગી રાજકીય સંસ્કૃતિ. એમાં રાજકીય બાબતોમાં નાગરિકો સક્રિય હોય છે. નાગરિકો હક્કો અને ફરજોના ખ્યાલો પ્રતિ સચેત હોય છે. વિકસિત સમાજોમાં આવી રાજકીય સંસ્કૃતિ અસ્તિત્વમાં હોય છે.

રાજકીય સંસ્કૃતિનાં ઉપરનાં વર્ગીકરણો કોઈ જડ નિયમો જેવાં સ્થિતિચુસ્ત નથી. એમને રાજકીય સંસ્કૃતિનાં સોપાનોની જુદી જુદી અવસ્થાઓ ગણવી ઇષ્ટ છે. સમાજની સામાન્ય સંસ્કૃતિના વિકાસ સાથે રાજકીય સંસ્કૃતિ વિકસે છે એટલે વધુ વિકસિત સમાજની રાજકીય સંસ્કૃતિ પણ વિકસિત હોય છે. આમ છતાં આ બધું સાપેક્ષ હોઈ પ્રત્યેક સમાજની પોતાની એક વિશિષ્ટ રાજકીય સંસ્કૃતિ હોય છે એમ કહેવું વધુ યોગ્ય જણાય છે. તેના વિકાસના અનેક આધારો છે, જેમાંના કેટલાક નીચે પ્રમાણે છે :

(1) રાજકીય સંસ્કૃતિનો મુખ્ય આધાર ઐતિહાસિક વિકાસ છે. જે સમાજ કે પ્રથાનો ઐતિહાસિક વિકાસ પૂર્ણ કે લાંબા ગાળામાં થયેલો હોય છે તે પ્રજાની રાજકીય સંસ્કૃતિ પણ ઘડાઈ અને વિકસી હોય છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની તથા આફ્રિકા અને એશિયાના અનેક દેશોની રાજકીય સંસ્કૃતિઓનો વિકાસ તે દેશોના ઐતિહાસિક વિકાસનું પરિણામ છે; દા. ત., બ્રિટન હિંસાત્મક આંતરકલહથી મુક્ત રહ્યું છે. વિદેશી સામ્રાજ્યવાદ પણ તેણે વેઠવો પડ્યો નથી. વળી બ્રિટનમાં એવી જાહેર માન્યતા છે કે ઊંચા સામાજિક સ્તરની વ્યક્તિ રાજકીય નિર્ણયો લેવા માટે સૌથી વધુ યોગ્ય વ્યક્તિ છે. આમ ત્યાં ઉદારવાદી વલણો વિકસ્યાં છે. એ જ રીતે આફ્રિકા અને એશિયાના દેશોની રાજકીય સંસ્કૃતિના ઘડતરમાં સામ્રાજ્યવાદી શાસનના લાંબા ઇતિહાસનો ફાળો છે; દા. ત., ભારતે બ્રિટિશ ‘મૉડેલ’ની સરકાર અપનાવી. બ્રિટિશ સંસ્કૃતિની ભારતના લોકોનાં જીવનવ્યવહારો, રહેણી-કરણી, પોષાક, આચાર-વિચાર, સાહિત્ય-સંગીત વગેરે પર ઘણી ઊંડી અસરો પડી.

(2) રાજકીય સંસ્કૃતિના ઘડતરમાં તે દેશની ભૂગોળ પણ મહત્વનો ફાળો આપે છે; દા. ત., બ્રિટન એક ટાપુ હોવાને કારણે બાહ્ય આક્રમણોથી સુરક્ષિત રહી શક્યું. અમેરિકન સંસ્કૃતિમાં સજાતીય ભિન્નતાઓ હોવા છતાં મબલખ પ્રાકૃતિક સાધનસંપત્તિ અને વિશાળ જમીને મહત્વનો ભાગ ભજવ્યો. આમ ભૌગોલિક સ્થિતિ જે તે દેશની રાજકીય સંસ્કૃતિ ઘડવામાં અસરકારક ભૂમિકા ભજવે છે.

(3) દેશની રાજકીય સંસ્કૃતિ પર તેના સામાજિક આર્થિક વિકાસની અસરો પણ પડતી હોય છે. દેશનું સામાજિક આર્થિક સ્તર તે દેશવાસીઓની રાજકીય મનોવૃત્તિઓ અને મૂલ્યોને પ્રભાવિત કરે છે. શહેરી અને ઔદ્યોગિક સમાજોમાં જટિલતા, સંવહનનાં વિકસિત સાધનો તથા શિક્ષણની સવલતોવાળા સમાજના નાગરિકોમાં સામાજિક રાજકીય નિષ્ઠા અને જાગૃતિ વધારે હોય છે. ગ્રામીણ લોકોમાં સંકુચિત મનોવલણો અને રાષ્ટ્રીય ઘટનાઓ પ્રતિ અલગાવ વિશેષ હોય છે.

(4) પ્રજાવૈવિધ્ય પણ રાજકીય સંસ્કૃતિને અસર કરે છે. ભારત જેવા દેશની પંચરંગી પ્રજા કે આફ્રિકાના દેશોમાં નાના નાના કબીલાઓમાં વહેંચાયેલ પ્રજાની વંશાનુગત, જાતિગત, ધાર્મિક, ઐતિહાસિક, ભાષા વગેરેની વિવિધતાઓ રાષ્ટ્રની એકતાને નબળી પાડે છે. ભાવાત્મક એકતા ઊભી કરવાનું કપરું કામ ત્યાં રાજ્યે કરવું પડે છે. એક સંસ્કૃતિની નિશ્રામાં અનેક પેટા રાજકીય સંસ્કૃતિઓ વિકસતી હોય છે, જે ક્યારેક રાષ્ટ્રની એકતાને ખતરારૂપ થાય એવું પણ બની શકે.

(5) રાજકીય સંસ્કૃતિના ઘડતરમાં સૌથી મહત્વનું યોગદાન જે તે સમાજ કે દેશના નેતાઓ અને અગ્રવર્ગનું છે. તેમનાં આચારવિચાર, મૂલ્યો, આદર્શો અને દોરવણીની અસર સમગ્ર સમાજ ઉપર પડતી હોય છે. શિક્ષિત અગ્રવર્ગ પ્રજાને દોરવણી આપી નવાં મૂલ્યો ધીરે ધીરે સ્થાપિત કરે છે. અલ્પશિક્ષિત અગ્રવર્ગ પોતાનાં જરીપુરાણાં મૂલ્યોને વળગી રહે છે. ભારત કે આરબ રાજ્યો તેનાં દૃદૃષ્ટાંતો છે.

આમ રાજકીય સંસ્કૃતિ રાજકારણના ઘડતર અને સંચાલનમાં અસરકારક ભૂમિકા નિભાવે છે.

હરબન્સ પટેલ