રાજકીય સંસ્થાકરણ (political institutionalisation)
January, 2003
રાજકીય સંસ્થાકરણ (political institutionalisation) : રાજકીય સંસ્થાઓના નિર્માણની પ્રક્રિયા અને તેનો અભ્યાસ. કોઈ પણ રાજકીય પ્રથાના વિકાસનો આધાર તે સંસ્થા-નિર્માણનો પડકાર કઈ રીતે ઝીલે છે અને સંસ્થાને કેટલી સક્ષમ કે કાર્યક્ષમ બનાવે છે તેના પર રહેલો છે. સંસ્થાના નિર્માણ માત્રથી સંસ્થાકરણ સફળ થઈ જતું નથી. આ પ્રયોગમાં સક્ષમ, મજબૂત, અસરકારક અને કાર્યદક્ષતાથી કામ કરે તેવી સંસ્થાઓનું નિર્માણ અભિપ્રેત છે. સંસ્થાઓની સ્થાપના કરવાથી સંસ્થાકરણનો અંત આવી જતો નથી કે વિકાસ થઈ જતો નથી. સંસ્થાકરણનો બીજો અને મહત્વનો અર્થ છે સંસ્થાના સભ્યોએ સંસ્થાનાં ધ્યેયો અંગે પ્રતિબદ્ધ બનવું. અર્થાત્ સંસ્થાની માત્ર સભ્ય-સંખ્યા પરથી સંસ્થાકરણનો ખ્યાલ ન આવે, પણ સંસ્થાનાં ધ્યેયો અને પ્રવૃત્તિઓને કેટલા પ્રમાણમાં અને કેટલી સાહજિકતાથી સભ્યો પોતાનામાં ઉતારે છે અને તેમને વ્યવહારમાં મૂકે છે તેના પર સંસ્થાકરણનો આધાર છે. આમ સંસ્થાકરણ એટલે સક્ષમ, સ્વાયત્ત સંસ્થાઓનું નિર્માણ અને ઘડતર તથા તેના સભ્ય-ઘટકોમાં સંસ્થાનાં ધ્યેયો વગેરેનું સંસ્થિત થવું.
હન્ટિંગ્ટન સંસ્થાકરણના ખ્યાલને રાજકીય વિકાસ સાથે સાંકળે છે. રાજકીય વિકાસને આધુનિકીકરણથી અલગ પાડતાં તેઓ કહે છે કે આધુનિકીકરણને કારણે વધુ પડતો ઝડપી અને વિશેષ પ્રમાણમાં રાજકીય સહયોગ વધે છે અને તેને પહોંચી વળવા પૂરતી સક્ષમ ને પરિવર્તનક્ષમ સંસ્થાઓ વિકસાવવામાં (સંસ્થાકરણ સાધવામાં) જો પ્રથા નિષ્ફળ થાય તો રાજકીય અવગતિ કે વિકૃતિ (political decay) સર્જાય છે. આમ સંસ્થાકરણ રાજકીય વિકાસ માટે ખૂબ જ નિર્ણાયક પ્રક્રિયા છે.
રાજકીય પ્રક્રિયાનાં ત્રણ સહયોગાત્મક પાસાંઓનો વિકાસ જે રાજકીય પ્રક્રિયા દ્વારા થાય તેને જેગુઆરાઇલે રાજકીય સંસ્થાકરણ ગણાવ્યું છે. આ ત્રણ પાસાંઓ છે :
(1) રાજકીય ઉદ્યુક્તીકરણ
(2) રાજકીય સુગ્રથન અને
(3) રાજકીય પ્રતિનિધિત્વ.
જે પ્રક્રિયા દ્વારા રાજકીય સમાજના સભ્યો રાજકીય બાબતોને સંડોવતી પરિસ્થિતિમાં સામેલ થાય છે, તેને ઉદ્યુક્તીકરણ કહેવામાં આવે છે. લોકશાહી પ્રથામાં રાજકીય પક્ષમાં ભાગ લેવો, આંદોલનમાં અને હિતજૂથોમાં જોડાવું કે તેના સભ્ય બનવું, ચૂંટણીસભામાં હાજરી આપવી કે પ્રચાર-પત્રિકા વહેંચવી, કોઈ આર્થિક-સામાજિક મુદ્દાને કે નેતાને રાજકીય ટેકો આપવો એ ઉદ્યુક્તીકરણનાં પાસાંઓ છે. રાજકીય સમાજના વિવિધ વિભાગો (સામાજિક, સાંસ્કૃતિક, પ્રાદેશિક વગેરે) સાથે આવવાની, ભેગા મળવા-રહેવાની સંસક્તિ(cohesion)ની પરિસ્થિતિ એટલે આવું સુગ્રથન. રાજકીય સુગ્રથનની માત્રા અને કક્ષા, જે તે રાજ્યપ્રથામાં કે સમાજમાં રહેલી ઉપસંસ્કૃતિઓ પર અને તેની રાજકીય સંસ્કૃતિનો પ્રભાવ કેવો અને કેટલો છે; તેમની અપેક્ષાઓ સંતોષવાની સંસ્થાઓ અને પ્રક્રિયામાં કેટલી ક્ષમતા છે; કેન્દ્રસ્થ સત્તા આજુબાજુના ને દૂરસ્થિત (સીમાવર્તી) વિભાગો સાથે કેવા સંબંધ રાખે છે ને તેમનામાં કેન્દ્ર કેટલું અંત:પ્રસરણ કરી શકે છે તેમ જ આવા સમાજના વિવિધ વિભાગો વચ્ચે રાજકીય સંવહન કેટલી સરળતાથી અને કેટલી વાર થાય છે, તેના પર નિર્ભર છે. ભારતના સંદર્ભમાં રજની કોઠારી અને પશ્ચિમ યુરોપના સંદર્ભમાં કાર્લ ડોઇજે (Deutsch) કરેલા અભ્યાસો આનો ખ્યાલ આપે છે.
રાજકીય ઉદ્યુક્તીકરણ, સુગ્રથન અને પ્રતિનિધિત્વની સંયુક્ત અસર રાજકીય પ્રથાની સર્વસંમતિક્ષમતા (consensuality) રૂપે દેખાય છે; કારણ કે તેને લીધે રાજવ્યવસ્થામાં બળનો ઉપયોગ કરવાની જરૂર ઓછી થતી જાય છે તેમજ વૈયક્તિક અને સામૂહિક ધ્યેયો તથા નિર્ણયો વચ્ચેનું સંધાન વધે છે. આ પ્રમાણે બળનો વિનિયોગ ઘટે તથા સર્વસંમતિનું ક્ષેત્ર વિસ્તરે એટલે રાજ્યપ્રથાની શક્તિની બચત થાય ને તેથી તેને વધારે સારી રીતે ધ્યેય સિદ્ધ કરવામાં વાપરી શકાય.
હરબન્સ પટેલ