રાજકીય માનવવંશશાસ્ત્ર : રાજકીય નિર્ણયોની પ્રક્રિયા પર પ્રભાવ પાડતાં પરિબળો તથા સામુદાયિક સંઘર્ષોના સંભવિત ઉકેલોનો વિચાર કરતું શાસ્ત્ર. આ વિષય પરનો સૌપ્રથમ ગ્રંથ મૉર્ગન દ્વારા ‘ઇરોક્વૉઇ’ (Iroquois, 1851) શીર્ષક હેઠળ પ્રકાશિત થયો હતો. તેમનો બીજો ગ્રંથ 1877માં પ્રકાશિત ‘એનદૃશ્યન્ટ સોસાયટી’ શીર્ષક હેઠળનો છે, જે જાણીતો બન્યો. આ બંને ગ્રંથો દ્વારા આ વિચારકે રાજકીય માનવવંશશાસ્ત્રની ઉત્ક્રાંતિનાં પાસાંઓ પર પ્રકાશ પાડ્યો. મૉર્ગનના વિશ્લેષણ મુજબ સમાજની ઉત્ક્રાંતિ વિવિધ તબક્કા દ્વારા થયેલી છે, જેમાં મનુષ્યની જંગલી અવસ્થાથી સભ્યતા સુધીનો વિકાસ આવરી લેવાયો છે. આ તબક્કાઓનો અભ્યાસ કરતાં જણાય છે કે માનવજાતિએ નાગરિક સમાજથી રાજકીય સમાજ સુધીનો વિકાસ સિદ્ધ કર્યો છે અને તેમાં પ્રદેશ અને સંપત્તિ પરના અધિકારોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. અમેરિકાની મૂળ વતની પ્રજા રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે. તે પ્રજાએ અમેરિકામાં જ્યારે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી કરી ત્યારે તે સમસ્યાના સંદર્ભમાં બ્યૂરો ઑવ્ અમેરિકન ઍન્થ્રૉપૉલૉજીએ તેનો સર્વપ્રથમ વ્યાવસાયિક અભ્યાસ હાથ ધર્યો, જેના માટે મૉર્ગન અને હર્બર્ટ સ્પેન્સરે સૈદ્ધાંતિક અને વિશ્લેષણાત્મક માળખું પ્રસ્તુત કર્યું. રાજકીય માનવવંશશાસ્ત્રના વિગતપૂર્ણ અભ્યાસ માટે આફ્રિકાની બ્રિટિશ વસાહતોએ વ્યાપક પ્રાદેશિક ભૂમિકા પૂરી પાડી હતી.

મેયર ફૉર્ટૅસ અને ઇવાન્સ પ્રિટ ચાર્ડ દ્વારા સંયુક્ત રીતે લખાયેલા ‘આફ્રિકન પૉલિટિકલ સિસ્ટિમ્સ’ (1940) ગ્રંથ દ્વારા રાજ્ય, રાજ્યવિહીન માનવ ઘટકો અને ટોળીઓમાં રહેતા સમાજો – આ ત્રણેય વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાનો પ્રયાસ થયો છે. આફ્રિકાના દેશોનાં સ્વાતંત્ર્ય-આંદોલનોએ તે અભ્યાસોને ઉત્તેજન પૂરું પાડ્યું. આથી માનવવંશશાસ્ત્રીઓએ સમાજનાં વિવિધ જૂથો વચ્ચે પડેલી તિરાડો તથા સમાંતર રાજકીય પ્રથાઓના અભ્યાસનો આરંભ કર્યો. આફ્રિકામાં બનતી સામાજિક ઉત્ક્રાંતિની આવી ઘટનાઓને કારણે પશ્ચિમના સમાજવિદ્યાના અભ્યાસીઓ પણ આ ક્ષેત્ર તરફ આકર્ષાયા.

1960ના દશકનાં છેલ્લાં વર્ષોમાં આ અભ્યાસોને નવો વળાંક મળ્યો. આ જ સમયે આર્થિક સામ્રાજ્યવાદના સંદર્ભમાં વૈયક્તિક પૃથક્કરણોનો આરંભ થયો, જેની સામે અમુક અંશે ઊહાપોહ પણ સર્જાયો. 1973માં તલાલ અસાદે બ્રિટિશ સંસ્થાનવાદ સાથેના માનવવંશશાસ્ત્ર અંગેના સમસ્યાજનક સંબંધો પરત્વે ધ્યાન દોર્યું. અલ્જિરિયાના આવા જ અભ્યાસ દ્વારા પિયરે બોર દિયુએ પણ આ અંગે ધ્યાન દોર્યું. વિક્ટર ટર્નરે આ અંગેના ઊંડા અભ્યાસ બાદ ‘ઍક્શન થિયરી’ વિકસાવી. નૉર્ધર્ન રહેડેશિયા (હવે ઝામ્બિયા) અંગેના નદેમ્બુના સંશોધન દ્વારા ‘પૉલિટિકલ ઍન્થ્રૉપૉલૉજી’(1966)ની રચના થઈ.

ભારતીય જ્ઞાતિ, ગામ અને ચૂંટણીના રાજકારણ આધારિત અભ્યાસો દ્વારા એફ. જી. બેઇલીની ગ્રંથત્રિપુટી સાંપડી. આથી વૈયક્તિક અભ્યાસો, વ્યૂહરચનાના અભ્યાસો અને રાજકીય નિર્ણયઘડતરની પ્રક્રિયાના અભ્યાસોને ઉત્તેજન મળ્યું. બેઇલીનું ‘સ્ટ્રૅટેજમ્સ ઍન્ડ સ્પૉઇલ્સ’ (1980) આ સૂક્ષ્મ રાજકારણની પ્રક્રિયાને સરસ રીતે સમજાવે છે.

વાંશિકતા અને અગ્રવર્ગના આવા રાજકારણે માનવવંશશાસ્ત્રીઓને રાજકીય આંદોલનો, રાજકીય નેતૃત્વ અને પારસ્પરિક સ્પર્ધાના અભ્યાસો હાથ ધરવા પ્રોત્સાહિત કર્યા.

આ બધું હોવા છતાં એમ તો સ્વીકારવું જ રહ્યું કે રાજકીય માનવવંશશાસ્ત્ર – એ અભ્યાસની એક નવી જ શાખા તરીકે વિકસી રહ્યું છે; એટલું જ નહિ, પરંતુ વીસમી સદીના અંતિમ ચરણમાં રાજકીય માનવવંશશાસ્ત્રીઓ માટે જે બાબતો ધ્યાનાકર્ષક બની છે, તેમાં રાજકીય સત્તા, રાજકીય ઇતિહાસ અને સંસ્કૃતિ – આ ત્રણનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રક્ષા મ. વ્યાસ