રાખોડી ફડકફુત્કી (કાળી પાનફુત્કી)

January, 2003

રાખોડી ફડકફુત્કી (કાળી પાનફુત્કી) : ચકલી કરતાં નાની, બદામી, રાખોડી અને ઝાંખો લીલો રંગ ધરાવતી એકવડિયા અને નાજુક બાંધાવાળી અત્યંત સ્ફૂર્તિલી પ્રજાતિ. તેની ઘણી જાતો સ્થાયી અધિવાસી છે અને કેટલીક યાયાવર એટલે કે ઋતુપ્રવાસી છે. તેનો વર્ગ વિહગ અને passiveformes શ્રેણીમાં સમાવેશ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Prinia socialis Stewarti છે અને અંગ્રેજીમાં તેને ashy wren-warbler કહે છે.

વનાશ્રયી નામના ઉપકુળ(sub-family : sylviinae)માં આવતી કેટલીક જાણીતી જાતોમાં દેશી ફુત્કી  Indian wren-warbler અને કાળી પાનફુત્કી  ashy wren-warblerનો સમાવેશ થાય છે. દેશી ફુત્કી ખેતરમાં ઊંચા ઘાસમાં માળો કરે છે, જ્યારે કાળી પાનફુત્કી કાંસકીના ઝાડમાં પાંદડાં પાછળ માળો તૈયાર કરે છે.

દરજીડાનું પિતરાઈ ગણાતું આ બહુ રૂપાળું પંખી છે, તે ઉપરના ભાગે રાખોડી સલેટિયા રંગની પીઠ અને માથાવાળું છે. નીચેના ભાગે છાતી તથા પેટ પીળાશ પડતાં ધોળા રંગનાં હોય છે. તેની પૂંછડી તથા પાંખો બદામી રંગની, ચડઊતર પીછાંવાળી અને કાબરા છેડાવાળી હોય છે. તેનું કદ 12.5 સેમી.નું હોય છે, તેમાં 6 સેમી. જેટલી લાંબી પૂંછડીનો પણ સમાવેશ થાય છે. તે શિયાળામાં આશરે 2.5 સેમી. જેટલી લાંબી થાય છે. તેની ચાંચ સહેજ લાંબી અને કાળા રંગની હોય છે. તેના પગ ઘેરા નારંગી હોય છે. તેની આંખો ઉપર નાની પાતળી આડી શ્ર્વેત રેખા હોય છે. નર અને માદા સરખા રંગનાં હોય છે; પણ નરની છાતી પરનો કાળો પટો તેને માદાથી જુદો પાડે છે.

તે સ્વભાવે નરમ, શરમાળ અને ખુશમિજાજી હોય છે. ચડઊતર પીછાંવાળી પંખા આકારની તેની પૂંછડી તે વારંવાર ઊંચીનીચી કરી હલાવ્યાં કરે છે. તેને કૂદાકૂદ કરતાં, ભમતાં ભક્ષ્ય પકડવાની ટેવ છે. તેની ચાંચ વડે તે પાંદડાંની પાછળ બીજાં બે-ત્રણ પાંદડાં સીવીને કૂંણી છાલ, સાંઠીઓ કે સળીઓ વાળીને લંબગોળ માળો બનાવી બાજુમાં કાણું રાખે છે અને વરસાદથી રક્ષણ મેળવવા તેની ઉપર છત્રી-છત બનાવે છે. માળો જમીનથી 30 સેમી. ઊંચો બનાવી અંદર કરોળિયાની જાળ પાથરે છે. તેનો અવાજ સૌથી વધુ ધ્યાન ખેંચે છે. તે સવારથી સાંજ સુધી બુલંદ સ્વરે ટિ-ટિ-ટિ-ટિ કે ટિક-ટિક-ટિક-ટિકવાળું એક જ પદ વારંવાર ગાયાં કરે છે.

રાખોડી ફડકફુત્કી

તેનું રહેઠાણ બીડ, વાડી, ખેતર, બાગબગીચા, શેરડીના વાઢ અને ઝાડી-ઝાંખરાંમાં જોવા મળે છે. તેનો ખોરાક ઇયળો અને નાનાં જંતુઓ હોય છે.

વર્ષાઋતુ તેનો પ્રજનન-કાળ ગણાય છે. વરસાદમાં માળા કરતી હોવાથી તે ‘પાણીની ફુત્કી’ તરીકે જાણીતી છે. પ્રજનન-કાળે નર ઉત્તેજનાપૂર્વક ટિક-ટિક અવાજ કરીને આમતેમ હરફર કરે છે, પાંખો ફફડાવે છે અને પૂંછડી ઊંચીનીચી વીંઝ્યાં કરે છે. માદા માળામાં નાનાં ચણી બોર જેવડાં 34 ઈંડાં મૂકે છે. તે આછા લીલાશ પડતા વાદળી રંગનાં હોય છે. તેના ઉપર ઘેરા લાલ કે કિરમજી રંગનાં છૂંદણાં હોય છે. દરેક ઈંડાંના પહોળા છેડા તરફ ઘેરા રંગની વીંટી જેવી આકૃતિ હોય છે. માદા તેનું સેવન 11-12 દિવસ સુધી કરે છે.

રાખોડી ફુત્કી અને દેશી ફુત્કી ભારતમાં બારે માસ રહેનારાં અતિ સામાન્ય પંખીઓ છે. દેશી ફુત્કીને રાખોડી ફુત્કી જેવું ગાન આવડતું નથી અને ખૂબ ખુશ કે વિહ્વળ બને તો ‘છટ્’, ‘ચટ્’ કે ‘ફટ્’ જેવો અવાજ કરે છે. અન્ય ફુત્કીઓમાં સાદી ફુત્કી (yellow-browed leaf warbler) છે, જે ચોમાસા બાદ સાઇબીરિયાથી ભારતમાં આવે છે અને વસંત શરૂ થતાં ચાલી જાય છે. તેથી તે શિયાળુ મુલાકાતી પંખી છે. બીજી ઝાંખી લીલી ફુત્કી (dull green leaf warbler) છે. તે પૂર્વ એશિયાની વતની છે. તે શિયાળુ મુલાકાતી પંખી તરીકે ભારતમાં કાશ્મીરમાં વ્યાપકપણે જોવા મળે છે. ત્રીજી છે ઉત્તરાખંડી ફુત્કી (large-crowned leaf warbler). તે સાઇબીરિયાની વતની છે અને ચોમાસા બાદ ભારતમાં આવી વસંત બેસતાં ચાલી જાય છે. તે ઓછું વ્યાપક શિયાળુ મુલાકાતી પંખી છે.

બળદેવભાઈ કનીજિયા