રાખોડી ચિલોત્રો (common grey hornbill)
January, 2003
રાખોડી ચિલોત્રો (common grey hornbill) : ચાંચ લાંબી, મજબૂત અને વક્ર હોવા ઉપરાંત ઉપલા પાંખિયા પર અસ્થિખંડ (casque) ધરાવતી પક્ષીઓની એક પ્રજાતિ. આ અસ્થિખંડ સામાન્યત: ખોટી ચાંચ તરીકે ઓળખાય છે. તે પહોળી મોંફાડવાળી (Fissivostres) પ્રજાતિનું પંખી છે. તેનો coraciiformes શ્રેણીમાં અને Bucerotidae કુળમાં સમાવેશ થાય છે. તેનું શાસ્ત્રીય નામ છે Tockus birostris Scopoli.
તેનું કદ સમડી જેવડું 61 સેમી.નું હોય છે. તેનો આકાર મોટો પણ દેખાવે બેડોળ લાગે છે. તેની ડોક લાંબી, ચાંચ રંગે કાળી, આગળથી અણીદાર અને તેના પરની ઢાલ (અસ્થિખંડ) આછા પીળા રંગની હોય છે. આવી ઢાલ નર અને માદા બંનેમાં જોવા મળે છે. જોકે માદાની ઢાલ જરા નાની હોય છે.
તેના શરીરનો રંગ બદામી રાખોડી, પૂંછડી 30 સેમી. જેટલી લાંબી અને ચઢઉતર પીછાંવાળી હોય છે. તે ફેલાવે, ત્યારે અર્ધગોળ પંખા જેવી લાગે છે. તેનો છેડો ધોળો અને તેની ઉપર આડો કાળો પટો હોય છે. નર અને માદા બંનેની આંખ નારંગી રંગની, મોટી અને ગોળાકાર હોય છે. માદાની ચાંચ વધુ બેઠા ઘાટની, ખૂબ ચપટી અને આગળના ભાગે બુઠ્ઠી હોય છે. તેમના પગ સીસા જેવા રંગના હોય છે. તે સ્વભાવે અત્યંત શાંત અને નિરુપદ્રવી પંખી છે. તેનું ઉડાન પણ ફફડાટ વિનાનું હોય છે.
તે બીજાં બધાં પંખીઓ કરતાં વિચિત્ર માળો બનાવનાર પંખી છે. તે માટે કુદરતે તેને શિંગડિયા વાંકી ચાંચ આપી છે. તેથી તેને અંગ્રેજી નામ hornbill આપવામાં આવ્યું છે. માદાના ગર્ભાધાન કાળે નર, વાંદરાં અને સાપથી રક્ષણ આપવા શીમળા જેવા ખખડધજ વૃક્ષના વિશાળ થડમાં મોટા દર જેવી ઊંડી બખોલ શોધી કાઢે છે. તેમાં માદા એક પછી એક ચાર સફેદ ઈંડાં મૂકે છે. પછી માદાને અંદર કેદ કરીને કાદવ-કીચડ, ઢોરનું છાણ, ઘોડા-ગધેડાની લાદ અને પોતાની ચરક વડે તેને આજુબાજુથી છાંદી લે છે. ફક્ત ચાંચ અંદર જાય તેટલું બાકોરું બાકી રહે છે. તે પછી નર પંખી પોતાના ગળાની બખોલમાં ફલાહાર ભરી લાવીને તે બાકોરા દ્વારા દિવસમાં પાંચથી પચીસ વખત માદાને ખવડાવવાની સેવા ખડે પગે કરે છે. તેથી તેને વિરલ પત્નીપરાયણ પંખી કહેવામાં આવે છે. આવી સેવા 6 અઠવાડિયાંથી 3 માસ સુધી ચાલે છે. ઈંડાં સેવાઈને બચ્ચાં જન્મ્યાના થોડા દિવસ બાદ માદા માળો તોડી બહાર નીકળે છે અને પાછો માળાને છાંદી લે છે. બચ્ચાં ઊડતાં શીખે તેવાં થતાં માળો તોડી નાખવામાં આવે છે.
તે ફલાહારી પંખી છે. તેનો મુખ્ય ખોરાક જાંબુ, વડના ટેટા, પીપળાનાં ભૂનાં, ઊમરાનાં પેપડાં, કાચી ખારેક અને તાજાં ફળ છે. તે ક્યારેક કાચિંડા, પક્ષીનાં બચ્ચાં, ઉંદર, ખિસકોલી, મધમાખ અને જંતુ પણ આરોગે છે.
તેનો સંવનનકાળ એપ્રિલથી ઑગસ્ટ એટલે ગ્રીષ્મઋતુ ગણાય છે. તે સમયે નર સુમધુર ગાનકૂજન તથા હાવભાવથી માદાને રીઝવી વશ કરે છે.
તેનો વસવાટ આબુ, ઇડરની તળેટી, વીરેશ્વરનાં જંગલ, ગિરનાર, વડોદરા, ચરોતરની વનરાજિ તથા પંચમહાલમાં અને રાજપીપળાની વનસ્થળીઓમાં જણાયો છે. તેનાં પીછાં અને માંસ સ્ત્રીઓના સુવારોગની અકસીર દવા ગણાતી હોવાને લીધે તેનો શિકાર વધી જતાં 1950 પછી તે પ્રજાતિ ખતમ થવાને આરે છે.
ભારતમાં ચિલોત્રાના કુળની દસેક જાતો છે. તમામ ચિલોત્રામાં સૌથી મોટો વિશાળકાય ચિલોત્રો તે great pied hornbill. તેનો સ્થાયી વસવાટ હિમાલયની તળેટીઓ, આસામ અને સહ્યાદ્રિની વિશાળ ગિરિમાળાનાં જંગલોમાં છે.
આ ઉપરાંત મલબારનો કાબરો ચિલોત્રો (the Malabar pied hornbill શાસ્ત્રીય નામ Anthracoceros coronatus) ગોવિષાણ કુળ(family Bucerotidae)નું લાક્ષણિક દૃષ્ટાંત છે.
બળદેવભાઈ કનીજિયા