રા’ખેંગાર-2 (શાસનકાળ 10981-125) : સોરઠ(જૂનાગઢ)ના ચૂડાસમા વંશનો શાસક. આ વંશનો મૂળ પુરુષ ચંદ્રચૂડ સિંઘના સમા વંશનો હતો અને જૂનાગઢ પાસે વંથળી(વામનસ્થલી)માં મોસાળમાં આવીને રહ્યો હતો અને મામાના વારસ તરીકે 875માં ગાદીએ બેઠેલો. ત્યારથી ચૂડાસમા વંશનું શાસન વંથલીમાં શરૂ થયું. આ વંશના નવમા શાસક રા’નવઘણ2(1067-98)નો તે ચોથો પુત્ર. ચૂડાસમા વંશની રાજધાની પ્રથમ વંથળી અને પછી જૂનાગઢમાં હતી.

રા’ખેંગાર તેના પિતાના ચાર પુત્રોમાં સૌથી નાનો હતો, છતાં તેની યોગ્યતાને લઈને તેને ગાદી મળી હતી. ભાટ-ચારણોની પરંપરાગત કથા પ્રમાણે તો પિતા નવઘણની પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરવા તૈયાર થયો તેથી ગાદી પ્રાપ્ત થઈ હતી. રા’ખેંગારે 27 વર્ષ ગાદી ભોગવી; પરંતુ તેનો શાસનકાળ પાટણના સોલંકીઓ સાથેના સંઘર્ષમાં જ પૂર્ણ થયો હતો. ભૂતકાળમાં તેના પૂર્વજો અને પિતા સાથે પણ સોલંકીઓનો સંઘર્ષ ચાલુ હતો.

રા’ખેંગાર-2નો સમકાલીન પાટણનો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ (1094-1142) હતો. ખેંગારના પિતા નવઘણ સાથે પણ સિદ્ધરાજને સંઘર્ષ થયો હતો, રા’ખેંગારના સમયમાં પણ ચાલુ રહ્યો હતો. સિદ્ધરાજ અને રા’ખેંગાર વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ સિદ્ધરાજની દિગ્વિજયની નીતિને ગણવામાં આવે છે. ચૂડાસમા વંશનું શાસન સોરઠ વિસ્તારમાં શક્તિશાળી હતું અને એ દિશામાં સત્તાવિસ્તાર પાટણના સોલંકી રાજાઓની નીતિ હતી. સોરઠ ઉપરની ચડાઈ માટે પ્રબંધાત્મક સાહિત્યના ઉલ્લેખો પ્રમાણે ‘‘રા’નવઘણને સિદ્ધરાજે પાંચાળમાં ભિડાવ્યો હતો’’ અને ‘‘સિદ્ધરાજ માળવા સામે રોકાયેલો હતો ત્યારે ખેંગારે પાટણ ઉપર હુમલો કરીને પૂર્વ તરફનો દરવાજો તોડ્યો હતો.’’ જોકે ભાટ-ચારણોની કથાઓ અન્ય કારણો જણાવે છે, પરંતુ તેમને ઐતિહાસિક આધાર મળતો નથી.

સોરઠ અને પાટણ વચ્ચેનો સંઘર્ષ ક્યારે શરૂ થયો અને કેટલો સમય ચાલ્યો તે માટેની વિશ્વસનીય તારીખો મળતી નથી. દંતકથાઓ તો સંઘર્ષ બાર વર્ષ ચાલ્યાનો ઉલ્લેખ કરે છે. ચૂડાસમા વંશનું શક્તિશાળી શાસન જોતાં લડાઈ લાંબો સમય ચાલી હોય. સિદ્ધરાજે પાટણ અને જૂનાગઢ વચ્ચેના લશ્કરી માર્ગ ઉપર સંરક્ષણ-વ્યવસ્થા મજબૂત કરી હતી અને વઢવાણમાં કિલ્લો પણ બંધાવ્યો હતો. ખેંગારનો મજબૂત કિલ્લો ‘ઉપરકોટ’ પણ સરળતાથી સર થયો નહોતો. જૈન આધારોના જણાવ્યા પ્રમાણે તો રા’ખેંગારના ભાણેજો દેશળ અને વિશળે સોલંકી લશ્કરને કિલ્લામાં પ્રવેશવામાં મદદ કરી હતી.

રા’ખેંગારનો પરાજય ઈ. સ. 1114ના વર્ષમાં થયો હતો; કારણ કે ઉપર્યુક્ત વિજયના ઉપલક્ષમાં સં. 1170(ઈ. સ. 1114)માં સિદ્ધરાજે ‘સિંહત-સંવત’ શરૂ કર્યો હતો. વિજય પછી સિદ્ધરાજ સોરઠ-નરેશ રા’ખેંગારને કેદ પકડીને પાટણ લઈ ગયો હતો. સિદ્ધરાજનો પોતાનો દોહદનો વિ. સં. 1196(ઈ. સ. 1140)નો લેખ છે, તેમાં ‘સિદ્ધરાજે સોરઠના રાજાને કારાગૃહમાં નાખ્યો’ એવું જણાવ્યું છે. બંદીવાન તરીકે ખેંગારનું શું થયું તેની માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ અધીનતા સ્વીકાર્યા પછી મુક્ત કર્યો હતો અને સોરઠ જતાં માર્ગમાં 1125માં વઢવાણ પાસે મૃત્યુ પામ્યો હતો. તે સ્થળે તેની રાણી રાણકદેવી પતિ પાછળ સતી થઈ હતી.

સોરઠ-વિજય પછી સિદ્ધરાજે ત્યાંના શાસન માટે વનરાજના મંત્રી જામ્બના વંશજ સજ્જનને દંડનાયક તરીકે નીમ્યો હતો, જેણે વિ. સં. 1185(ઈ.સ. 1129)માં ગિરનાર પર નેમિનાથના જિનાલયનો ર્જીણોદ્ધાર કરાવીને તે લાકડાનું હતું તે પથ્થરનું બનાવ્યું હતું. સિદ્ધરાજે પણ સોમનાથની યાત્રા કરી હતી. રા’ખેંગારના મૃત્યુ પછી તેના પુત્ર રા’નવઘણ-3જાએ સોલંકીઓનું આધિપત્ય સ્વીકારીને ઈ. સ. 1136માં ચૂડાસમા વંશનું શાસન પુન: સંભાળ્યું હતું. જૂનાગઢ ઉપર ચૂડાસમા વંશનું શાસન રા’ખેંગાર-2 પછી 1470 સુધી ટકી રહ્યું હતું.

મોહન વ. મેઘાણી