રાઈ
દ્વિદળી વર્ગમાં આવેલા બ્રૅસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica juncea (Linn.) Czern. syn. Sinapis juncea Linn. (સં. રાજિકા; મ. મોહરી; હિં. રાઈ; બં. સારિષા; ક. સાસીરાઈ; તે. બર્ણાલું; અ. ખરદલ; અં. બ્રાઉન મસ્ટાર્ડ, લીફ મસ્ટાર્ડ, ઇંડિયન મસ્ટાર્ડ) છે. તે 1.0 મી.થી 1.8 મી. ઊંચી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેના કોષો 36 રંગસૂત્રો ધરાવે છે. તે ચીનની મૂલનિવાસી છે અને ભારતમાં અફઘાનિસ્તાનમાંથી પ્રવેશ પામેલી છે. રાઈ ચીન, ભારત અને પાકિસ્તાનમાં અનુક્રમે 45, 44 અને 23 લાખ હેક્ટર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. દુનિયામાં રાઈના કુલ વિસ્તારનો 41 % વિસ્તાર ભારતમાં રોકાયેલો છે અને ઉત્પાદનમાં તેનો 31 % હિસ્સો છે.
તેલીબિયાંના પાકોમાં રાઈ એક અગત્યનો પાક છે અને તે શિયાળામાં લેવાય છે. આ પાક મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, આસામ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને ઓરિસામાં થાય છે. ભારતમાં 1998-99માં 56.6 લાખ ટન ઉત્પાદન થયું હતું. ગુજરાતમાં 3.37 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થાય છે, જેમાંથી 4.69 લાખ ટન ઉત્પાદન મળે છે. ગુજરાતની રાઈની ઉત્પાદકતા 1,390 કિગ્રા./હેક્ટર (1998-99) જેટલી છે; જે અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ છે. આ પાક અન્ય શિયાળુ પાકોની તુલનામાં પ્રતિ હેક્ટરે વધારે ઉત્પાદન આપે છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાની જમીન અને આબોહવા તેને ખૂબ જ અનુકૂળ છે. મધ્ય ગુજરાતમાં આણંદ અને અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં પણ તે વવાય છે. આ તમામ વિસ્તારોમાં સમયસરની વાવણી અને અનુરૂપ ખેતીપદ્ધતિ અપનાવવાથી રાઈનું વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
રાઈને રેતાળ, ગોરાડુ, મધ્યમ કાળી અને વધુ સેન્દ્રિય પદાર્થ ધરાવતી જમીન વિશેષ અનુકૂળ આવે છે. આ પાક ક્ષારરોધી (salt-resistant) હોવાથી ક્ષારવાળી જમીનમાં પણ વાવી શકાય છે. ચોમાસુ પાક લીધા પહેલાં કોહવાયેલું છાણિયું ખાતર આપી ખેડ કરી જમીનમાં ભેળવી દેવાય છે.
પ્રમાણિત કરેલ 3.0થી 3.5 કિગ્રા. બીજને 8થી 10 કલાક પાણીમાં ભીંજવી રાખ્યા બાદ છાંયડે સૂકવી પ્રતિકિલોગ્રામ બીજે ત્રણ ગ્રા. થાયરમનો પટ આપી એક હેક્ટરમાં વાવણી કરવામાં આવે છે. એકસરખા અંતરે વાવણી કરવાના હેતુથી બીજ સાથે યોગ્ય પ્રમાણમાં રેતી કે ખોળ ભેળવી વાવેતર કરવામાં આવે છે. ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયની ગુજરાત રાઈ-2 નામની મોટા દાણાવાળી વધુ ઉત્પાદન આપતી જાત ખેડૂતોમાં પ્રચલિત છે.
રાઈના પાકમાં વાવણીનું અંતર બે હાર વચ્ચે 45 સેમી.થી 60 સેમી. જેટલું રાખવામાં આવે છે. વાવણી પછી 15થી 20 દિવસે બે છોડ વચ્ચે 10 સેમી.થી 15 સેમી. અંતર રાખી છોડ આછા રાખવાથી શાખાઓ ઉપર શિંગો લાંબી અને વધારે આવે છે અને શાખાઓ પણ વધારે ફૂટે છે. આ પાકને આંતરખેડ કે નીંદામણની જરૂરિયાત નથી.
રાઈની શિંગો પીળી પડે અને મુખ્ય શાખાની શિંગો સુકાઈ જવાની શરૂઆત થાય અને નીચેનાં પાન ખરી પડે ત્યારે કાપણી કરવામાં આવે છે. રાઈની જાતને આધારે 105થી 120 દિવસે કાપણી કરવામાં આવે છે. કાપણી સવારના સમયે કરવાથી દાણા ખરવાનો ભય ઓછો રહે છે. ખળામાં 10થી 15 દિવસ સૂકવ્યા પછી બળદથી કે ટ્રૅક્ટરથી પગર કરી દાણા છૂટા પાડવામાં આવે છે. રાઈના પાકનું પિયતમાં 2,000થી 2,500 કિગ્રા. અને બિનપિયતમાં 1,400થી 1,500 કિગ્રા. પ્રતિહેક્ટર ઉત્પાદન મળે છે.
કીટક નિયંત્રણ : મોલોમશીના શરીરમાંથી ચીકણું પ્રવાહી ઝરતું હોવાથી પાછળથી કાળી ફૂગનો ઉપદ્રવ થાય છે. આ જીવાતનું નિયંત્રણ કરવા યોગ્ય સમયે વાવણી કરવી હિતાવહ છે. તેમ છતાં જીવાત જોવા મળે તો શોષક પ્રકારની 0.03 % ફૉસ્ફામિડોન 4 મિલી. અથવા 0.03 %, ડાઇમિથોએટ 10 મિલી. અથવા 0.05 % નુવાક્રોન 12.5 મિલી.નો છંટકાવ કરવાથી ફાયદો થાય છે.
રાઈની માખી લીલાશ પડતા કાળા રંગની હોય છે અને શરીર ઉપર પાંચ કાળા રંગના પટ્ટા ધરાવે છે. આ જીવાત રોપા-અવસ્થામાં વધુ જોવા મળે છે અને પાનમાં કાણાં પાડી ખાઈને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે 0.036 % મોનોક્રોટોફોસ (નુવાક્રોન) 10 મિલી. અથવા 0.05 %, ક્વિનાલફોસ (ઇકાલક્સ) 20 મિલી. અથવા 2 % ફૅલિડોલ 20 મિલી.થી 25 મિલી. પ્રતિહેક્ટર છાંટવાથી જીવાત કાબૂમાં આવે છે.
રંગીન ચૂસિયાં લાલપીળા રંગનાં ટપકાં સાથે કાળા રંગનાં હોય છે. તેના ચપટા ઉદર અને ત્રિકોણાકાર શીર્ષ દ્વારા તે સહેલાઈથી ઓળખી શકાય છે. આ કીટક પાનમાંથી રસ ચૂસી તેમને પીળાં પાડે છે; તેથી છોડની વૃદ્ધિ અટકી જાય છે અને પુષ્પ અને શિંગોનું પ્રમાણ ઘટતાં ઉત્પાદન ઘટે છે. આ જીવાતને કાબૂમાં લેવા મોલોમશીમાં દર્શાવેલ દવાનો છંટકાવ કરવામાં આવે છે.
રાઈના પાકમાં પણ ઉપદ્રવ કરતી માખીનું વૈજ્ઞાનિક નામ એથાલિયા પ્રૉક્ઝિમા છે અને તેનો સમાવેશ ત્વક્પક્ષ (dermaptera) શ્રેણીના ટેન્થ્રેનિડી કુળમાં કરવામાં આવેલ છે. માખી ટૂંકી, મજબૂત બાંધાની, કાળા રંગની અને શરીર પર નારંગી રંગનાં ટપકાંવાળી હોય છે. માખી કહેવાતી હોવા છતાં તે ત્વક્પક્ષ શ્રેણીના અન્ય કીટકોની જેમ પાંખની બે જોડ ધરાવે છે. પાંખો ભૂખરા રંગની અને કાળી શિરાઓવાળી હોય છે. માદા પોતાના તીક્ષ્ણ અંડનિક્ષેપક અંગ વડે પાનની કિનારી પર કુમળી પેશીઓમાં 50થી 150 જેટલાં ઈંડાં મૂકે છે; જેથી ઈંડાં મુકાયેલ પાનની ધાર પર ઊપસેલી ફોલ્લીઓ જેવું જોવા મળે છે. ઈંડા-અવસ્થા 3થી 6 દિવસમાં પૂર્ણ થતાં તેમાંથી આછા લીલાશ પડતા કાળા રંગની ઇયળો નીકળે છે. જેમ જેમ ઇયળો મોટી થતી જાય છે તેમ તેમ તેનો રંગ ઘાટો લીલો કે કાળો બને છે.
ખાસ કરીને પાકની શરૂઆતની અવસ્થામાં એટલે કે પાક 15થી 20 દિવસનો થાય ત્યારથી આ જીવાતનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. નાની ઇયળો શરૂઆતમાં પાનની નીચેની સપાટી પર સમૂહમાં રહીને પાનની ધાર પર અનિયમિત આકારનાં કાણાં પાડી પાન ખાય છે, જેથી પાન ચાળણી જેવાં દેખાય છે. મોટી ઇયળો પાનની નીચેની બાજુએ છૂટીછવાઈ રહી પાન ખાઈને નુકસાન કરે છે. આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો પાનનો બધો જ ભાગ ખાઈ જતાં ફક્ત નસો જ બાકી રહે છે અને છોડને ઝાંખરા જેવા બનાવી દે છે. ઘણી વખત આ જીવાતના વધુ પડતા ઉપદ્રવને લીધે ફરીથી વાવણી કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આવી પુખ્ત ઇયળો ઘાટા લીલા કે કાળા રંગની, લગભગ 15થી 18 મિમી. લંબાઈની હોય છે અને તેના શરીર પર પાંચ કાળા રંગની ઊભી પટ્ટીઓ જોવા મળે છે. આ ઇયળ ત્રણ જોડ સાચા પગ અને આઠ જોડ ખોટા પગ ધરાવે છે.
ઇયળોને અડકતાં તે ગૂંચળું વળી જઈ જમીન પર પડી જાય છે અને મરી ગઈ હોય તેવો આભાસ ઉપજાવે છે. આ ખાસિયતને કારણે તેને સહેલાઈથી ઓળખી શકાય છે. ઇયળ-અવસ્થા 11થી 15 દિવસની હોય છે. તે દરમિયાન ઇયળ 5થી 6 વખત કાંચળી ઉતારી છેવટે પુખ્ત બને છે. પુખ્ત ઇયળ જમીનમાં માટીનાં કોચલાંમાં કોશેટા બનાવે છે. કોશેટા-અવસ્થા 9થી 11 દિવસમાં પૂર્ણ થતાં તેમાંથી પુખ્ત જીવાત બહાર આવે છે. આ માખીનું આયુષ્ય 8થી 10 દિવસનું હોય છે. ઑક્ટોબરથી માર્ચ સુધીમાં આ જીવાતની ત્રણેક પેઢીઓ જોવા મળે છે. માદા માખી નર સાથેના સમાગમ વગર, એટલે કે અસંયોગજનન(parthenogenesis)થી ઈંડાં પેદા કરે છે.
રાઈની વાવણી સપ્ટેમ્બરના અંતમાં કે ઑક્ટોબરની શરૂઆતમાં કરવામાં આવે તો આ જીવાતનો ઉપદ્રવ નહિવત્ જોવા મળે છે અને કીટનાશક દવાઓ પાછળ થતો ખર્ચ ઘટાડી શકાય છે. થોડા વિસ્તારમાં વાવેતર હોય તો સવારના સમયે ઇયળોને છોડ પરથી હાથથી વીણી લઈ તેમનો નાશ કરી શકાય. લીંબોળીના મીંજમાંથી બનાવેલ 5 ટકાનું દ્રાવણ પાક પર છાંટવાથી ઇયળો પાકને નુકસાન કરી શકતી નથી અને ભૂખી મરી જાય છે. રાઈના પાકમાં આ જીવાતની ક્ષમ્ય માત્રા પ્રતિ 25 ચોરસ મિમી. વિસ્તારમાં 2 ઇયળ નક્કી થયેલ છે. જીવાતની વસ્તીનું આ પ્રમાણ વધે કે તુરત જ ભલામણ કરેલ યોગ્ય કીટનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર ઊભી થાય છે. કીટનાશક દવાઓમાં એન્ડોસલ્ફાન 0.07 % (20 મિલી. દવા 10 લિટર પાણીમાં) અથવા ક્વિનાલફોસ 0.05 % (20 મિલી. દવા 10 લિટર પાણીમાં) અથવા મોનોક્રોટોફોસ 0.04 %(10 મિલી. દવા 10 લિટર પાણીમાં)નો છંટકાવ કરવાથી ઇયળોની વસ્તી કાબૂમાં રહે છે. ભૂકારૂપ દવાઓમાં મિથાઇલ પેરાથિયોન 2 % અથવા ક્વિનાલફોસ 1.5 % અથવા ક્લોરપાયરીફોસ 1.5 % અથવા એન્ડોસલ્ફાન 4 % અથવા કાર્બારિલ 10 % ભૂકીનો 25 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરવાથી પણ સારાં પરિણામ મળે છે. રાઈની માખીની ઇયળો પર એક્ઝાક્રોડસ પૉપ્યુલાન્સ નામના કીટકો પરજીવી જીવન પસાર કરતા જોવા મળે છે; જે કુદરતી નિયંત્રક તરીકે કામ કરી આ જીવાતની વસ્તીને થોડા-ઘણા પ્રમાણમાં કાબૂમાં રાખે છે.
રાઈના પાકમાં સફેદ ગેરુ, ભૂકી છારો, તળ છારો અને અલ્ટરનેરિયા ફૂગથી થતો ઝાળ રોગ મુખ્ય છે. આ ઉપરાંત મૂળની કાળી ગાંઠ, ડાળીનો સુકારો, જીવાણુથી થતો કાળો સડો અને વાઇરસજન્ય રોગ રાઈના પાકમાં નુકસાન કરે છે.
1. સફેદ ગેરુ : આ રોગ આલ્બુગો કૅન્ડિડા (Albugo candida) નામની ફૂગથી થાય છે. આ રોગમાં પાન, થડ અને દાંડી પર સફેદ રંગનાં એકથી બે મિલિમિટર વ્યાસનાં ચાઠાં પડે છે. આવાં ચાઠાં વૃદ્ધિ પામી એકબીજાંને મળી જાય છે. ફૂલોમાં ફૂગોનું આક્રમણ થતાં ફૂલોમાં વિકૃતિ આવે છે અને સીંગ બેસતી નથી. કદાચ સીંગ બેસે તો બિલકુલ બેડોળ અને પહોળી બની જાય છે.
નિયંત્રણનાં પગલાં : (1) એક કિલોગ્રામ બીજદીઠ 3 ગ્રામ કૅપ્ટાન કે થાયરમ દવાનો બીજને પટ આપી બીજની વાવણી કરવી. (2) પાક ઊગી ગયા બાદ રોગ જણાય ત્યારે મેન્કોઝેબ 0.2 %નું દ્રાવણ બનાવી છંટકાવ કરવો. આ જ દવાનો બીજો છંટકાવ 12થી 15 દિવસ બાદ કરવો.
2. ભૂકી છારો : ઇરિસિફી પૉલિગોની (Erysiphe polygoni) ફૂગ છોડના બધા જ ભાગો પર ફેલાય છે. પરિણામે રોગવાળો ભાગ સફેદ ફૂગથી, છારીથી છવાઈ જાય છે. રોગિષ્ઠ પાન સુકાઈને ખરી પડે છે, જેને લીધે ઉત્પાદનમાં નુકસાન થાય છે.
નિયંત્રણનાં પગલાં : આ રોગ દેખાય કે તરત જ 0.2 %ના પ્રમાણમાં દ્રાવ્ય ગંધકનો છંટકાવ કરવો. રોગની અસર ચાલુ રહે તો બીજો અને ત્રીજો છંટકાવ 12 દિવસના અંતરે કરવો.
3. અલ્ટરનેરિયાનો ઝાળ રોગ : આ રોગમાં અલ્ટરનેરિયા બ્રાસિકે (Alternaria brassicae) નામની ફૂગ પાન ઉપર આક્રમણ કરી પાનની કિનારી પાસે અનિયમિત ઘેરાં ભૂખરાં કે કાળાં ટપકાં કરે છે. ટપકાંની કિનારી ફરતે પીળો આભાસ જોવા મળે છે. ટપકાં અનિયમિત ગોળ અંકિત રેખાઓ જેવાં દેખાય છે. વધુ ટપકાં ભેગાં થતાં પાનનો ઝાળ કે સુકારો કરે છે.
આ ફૂગ જમીનમાં ફેલાઈને તેમજ બીજ મારફતે પોતાનું જીવનચક્ર જાળવી રાખે છે.
નિયંત્રણનાં પગલાં : (અ) આ રોગ જમીનજન્ય હોવાથી 3થી વધુ વર્ષે પાકની ફેરબદલી કરવી. (આ) રોગ જણાય ત્યારે 0.2 % મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવો.
4. તળ છારો : આ રોગ પેરોનોસ્પૉરા બ્રાસિકે (Peronospora brassicae) નામની ફૂગથી થાય છે. આ ફૂગ cruciferae વર્ગના બધા જ પાકોમાં નુકસાનકારક નીવડે છે. ખાસ કરીને ભેજવાળી ઠંડી ઋતુમાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં વાવવામાં આવતી રાઈ પર તે વિશેષ ફેલાય છે.
આ ફૂગ પાકના કોઈ પણ વૃદ્ધિસમયે આક્રમણ કરે છે. ઊગતા છોડના બીજાંકુર પર ફૂગનું આક્રમણ થતાં છોડ પીળા પડી મૃત્યુ પામે છે. આ ફૂગ પાનની નીચેની બાજુએ આક્રમણ કરે છે, જેનાથી નીચેના આક્રમિત વિસ્તારના ઉપરના વિસ્તારમાં પીળું ધાબું થાય છે. આક્રમિત પાન ભૂખરાં પીળાં થાય છે, જેની નીચેની બાજુએ ફૂગના બીજાણુ દંડ-સપાટી પર બહાર નીકળી તેના પર બીજાણુઓ પેદા કરે છે. તેથી પાનની નીચેની બાજુએ ભૂખરા લીલા સફેદ પાઉડર જેવા બીજાણુઓ જોવા મળે છે. રોગિષ્ઠ પાન સુકાતાં અપરિપક્વ પાન ભેગાં ખરી પડે છે, જેનાથી ખેતરમાં પાનની પથારી થઈ જાય છે અને ખેતર અકાળે પરિપક્વ દેખાય છે. આ રોગિષ્ઠ પાનોમાં જાતીય બીજાણુધાની તૈયાર થાય છે, જે બીજાણુઓ એક ઋતુથી બીજી ઋતુ સુધી પાનમાં જીવંત રહી નવા પાકમાં પ્રાથમિક ચેપ લગાડે છે.
ભેજવાળું ઠંડું હવામાન રોગને માફક આવે છે, જેથી શિયાળાના ઝાકળવાળા દિવસો અથવા ઠંડા ઝરમર વરસાદવાળા દિવસોમાં રોગ ઝડપથી ફેલાય છે.
નિયંત્રણનાં પગલાં : (અ) રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી. (આ) પાકની ફેર-બદલી કરવી. (ઇ) કૅપ્ટાન કે થાયરમ દવાનો પટ બીજને આપી તેની વાવણી કરવી. (ઈ) રોગ આવે ત્યારે ડાયફોલેટાન અથવા મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવો.
5. રાઈનો કાળો સડો : આ રોગ ઝેન્થૉમૉનાસ કૅમ્પેસ્ટ્રિસ (Xanthomonas campestris) નામના જીવાણુથી થાય છે અને થડ, ડાળી અને પાન ઉપર કાળાં ટપકાં કરે છે. આ રોગની શરૂઆતમાં પાનની નસની આસપાસ પીળું ધાબું પડે છે, જે અંગ્રેજી V આકારમાં પીળા ટપકા સ્વરૂપે હોય છે. આ આક્રમિત પીળા ભાગની નસો અને પેટાનસો ભૂખરી કાળી થઈ જાય છે, જે નસ અને વાહીપુલો મારફતે પર્ણદંડ અને ડાળીમાં દાખલ થઈ રોગ કાળો સડો પેદા કરે છે. તે આગળ વધીને છોડનાં પાન અને ડાળીઓ પર ફેલાતાં છોડ મૃત્યુ પામે છે. રોગિષ્ઠ છોડની ડાળીને વચ્ચેથી કાપવાથી તેના વાહીપુલો કાળા થયેલા, જ્યારે આ ભાગમાંથી જીવાણુને ઝરતા જોઈ શકાય છે. નાના છોડમાં આક્રમણ થતાં તે તરત જ સુકાઈને મૃત્યુ પામે છે.
આ રોગ બીજ મારફતે અથવા જમીનમાં પાકના રોગિષ્ઠ અવશેષો મારફતે ફેલાય છે. એક ઋતુથી બીજી ઋતુ સુધી જીવાણુઓ જીવંત રહીને પાકને ચેપ લગાડે છે. વળી રોગનો ચેપ પિયત, પવન, વરસાદ અને ખેતીનાં સાધનો મારફતે પણ ફેલાય છે.
નિયંત્રણનાં પગલાં : (અ) પાકની ફેરબદલી કરવી. તેમાં 3 વર્ષ સુધી ક્રુસિફેરી કુળના પાકો ઉગાડવા નહિ. (આ) બીજને પારાયુક્ત અથવા થાયરમ દવાનો પટ આપી તેની વાવણી કરવી.
તદુપરાંત આ રોગ સ્ક્લેરોટિનિયા સ્ક્લેરોટિયૉરમ (Sclerotinia sclerotiorum) નામની ફૂગથી પણ થતો હોય છે. મૂળનો કાળો સડો યુરોસાયટિસ બ્રાસિકે(Urocystis brassicae) નામની ફૂગથી થાય છે, જે ગુજરાતમાં ખાસ નુકસાનકર્તા નથી.
તૈલદ (oleiferous) રાઈ ભારતથી માંડી પશ્ચિમ ઇજિપ્ત, મધ્ય એશિયા અને યુરોપમાં વાવવામાં આવે છે. શાકભાજી માટે વવાતી રાઈ ચીનમાં ઉગાડવામાં આવે છે. પ્રકાંડ, પર્ણો અને બીજ તીખો રસ ધરાવે છે. પર્ણો એકાંતરિક, સદંડી અને પુષ્પવિન્યાસના પ્રદેશ સિવાય વીણાકાર (lyrate) હોય છે. મૂળ પર્ણોનો ટોચ ઉપરનો ખંડ મોટો અને ગોળાકાર હોય છે. પુષ્પો ચળકતા પીળા રંગનાં અને શરૂઆતમાં 2 સેમી.થી 5 સેમી. લાંબા તોરા(corymb)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ત્યારબાદ તે લગભગ 20 સેમી. જેટલી લાંબી કલગી(raceme)માં ફેરવાય છે. ફળો કૂટપટિક (siliqua) પ્રકારનાં હોય છે અને 40 જેટલાં પીળાં કે રતાશ પડતાં બદામી બીજ ધરાવે છે.
તે સ્વ-ફળાઉ (self-fertile) જાતિ છે અને તોરિયા કે સરસવની જેમ પરિસ્તંભીય (amplexicaul) પર્ણતલ ધરાવતી નથી. બદામી રાઈમાં બે તૈલદ જાતો છે : (i) var. juncea અને (ii) var. sareptena. B. juncea સૌપ્રથમ મધ્ય-પૂર્વમાં ઉદભવી છે અને વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સંકરણોને લીધે ઉત્ક્રાંત થઈ છે. તેનાં ભારતીય સ્વરૂપોનો મુખ્યત્વે તૈલદ અને ચીની સ્વરૂપોનો પર્ણમય પ્રકારોમાં વિકાસ થયો છે.
એશિયાઈ દેશોમાં રાઈની ઘણી પર્ણમય જાતો વાવવામાં આવે છે. વીણાકાર-પિચ્છાકાર (lyrate-pinnate) પ્રકાર મૂળભૂત અને સૌથી પ્રાચીન છે. તેમાંથી ત્રણ પ્રકારો વિકસ્યા છે : (1) દ્વિપિચ્છાકાર (bipinnate) પર્ણનું સૂત્ર જેવા ખંડોમાં છેદન થયું છે; દા. ત., પૂર્વ એશિયામાં થતી var. japonica; (2) અવિભાજિત પર્ણ; દા. ત., મધ્ય એશિયામાં થતી var. integrifolia અને (3) વાંકડિયું પર્ણ; દા. ત., ચીનમાં થતી var. crispifolia.
રાઈ કાળી રાઈ[B. nigra (Linn.) Koch]ની સક્ષમ પ્રતિસ્થાપક (substitute) છે. બીજમાં પાણી 6.2 %, નાઇટ્રોજનયુક્ત પદાર્થો 24.6 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 20.4 %, લિપિડ 35.5 %, અશુદ્ધ રેસો 8.0 % અને ભસ્મ 5.3 % હોય છે. તેઓ એસ્કૉર્બિજેન ધરાવે છે, જે એસ્કૉર્બિક ઍસિડનું બદ્ધ (bound) સ્વરૂપ છે. બીજમાં બે પ્રતિથાયેમિન (antithiamine) ઘટકોની હાજરી નોંધાઈ છે. તે પૈકી એક મિથાઇલ સિગ્નેમેટ છે.
બીજમાં તેલનું પ્રમાણ 30 %થી 38 % જેટલું હોય છે. ઉત્તર પ્રદેશની સ્થાનિક રીતે ‘લાહા’, ‘લાહી’ અને ‘લાહ્તા’ તરીકે જાણીતી જાતોમાં 42 %થી 43 % જેટલું તેલ હોય છે. તોરિયા અને સરસવ કરતાં તે ઓછું તેલ આપે છે છતાં તે તેલ તોરિયા કે સરસવ જેવું વિકૃતગંધી (rancid) હોતું નથી. પશ્ચિમ બંગાળમાં તેનો રાંધવાના તેલ તરીકે ઉપયોગ થાય છે. રશિયામાં ઑલિવ તેલની જગાએ તે વપરાય છે. બીજમાંથી વધારેમાં વધારે 2.9 % જેટલું બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે. આ તેલ કાર્બન ડાઇસલ્ફાઇડ, એલિલ આઇસોથાયોસાઇનેટ, એલિલ થાયૉસાઇનેટ અને 3-બ્યુટેનિલ આઇસોથાયૉસાઇનેટનું મિશ્રણ ધરાવે છે.
રાઈની વિવિધ વિકૃતક (mutant) જાતો(પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લુધિયાના)ના કુમળા પ્રરોહ અને પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ (શુષ્ક દ્રવ્યને આધારે) આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય : 8.54 %થી 11.68 %, પ્રોટીન 28.31 %થી 37.38 %, ઈથર-નિષ્કર્ષ 3.68 %થી 6.9 %, અશુદ્ધ રેસો 7.25 %થી 13.87 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 36.87 %થી 47.96 % અને ખનિજદ્રવ્ય 8.48 %થી 14.20 %. પર્ણો અને કુમળા પ્રરોહમાં શુષ્ક વજનને આધારે શર્કરા 6.5 %થી 8.5 % અને એસ્કૉર્બિક ઍસિડ 0.071 %થી 0.077 % હોય છે. કલિકા અને પુષ્પનિર્માણ દરમિયાન તેનું પોષણમૂલ્ય સૌથી વધારે હોય છે.
B. juncea subsp. integrifolia (West.) Thell. (બં. લાહીસાગ, લાઈ; હિં. બારલાઈ, રાઈ) પર્ણો માટે પંજાબ, પશ્ચિમ બંગાળ અને આસામમાં વાવવામાં આવે છે. તેનો છોડ કોબીજ જેવો દેખાય છે, કારણ કે પહોળી મધ્ય શિરાઓ અને પર્ણદંડોવાળાં ફાચર આકારનાં ઘેરાં વાદળી-લીલાં પર્ણો ગુચ્છમાં જોવા મળે છે. પર્ણોનું મીઠાના પાણીમાં અથાણું બનાવવામાં આવે છે. તે કૅલ્શિયમ, ફૉસ્ફરસ, લોહ અને પ્રજીવક ‘બી’ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે.
Var. rugssa (Roxb.) Tsen & Lee (બં. પાસાઈ; હિં. પહાડી રાઈ) કોબીજ જેવી શાકભાજી આપતી જાતિ છે. તે પશ્ચિમ, મધ્ય અને પૂર્વ હિમાલયના ઠંડા પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે અને સ્થાયી મૂળ પર્ણો ધરાવે છે. પર્ણો સૂર્યના તાપમાં સૂકવી તેનું અથાણું બનાવવામાં આવે છે. તે મરડા-રોધી (antidysenteric), પ્રસ્વેદક (diaphoretic) અને કૃમિહર ગુણધર્મો ધરાવે છે. કટિશૂલ (lumbago), કફ અને અપચામાં બીજનો કાઢો આપવામાં આવે છે.
રાઈના ખોળમાં 5 %થી 6 % નાઇટ્રોજન, 0.5 %થી 1 % ફૉસ્ફરસ, 1.0 %થી 1.5 % પોટાશ, 0.5 % કૅલ્શિયમ અને 0.4 % મૅગ્નેશિયમ જેવાં તત્વો હોવાથી તેનો ખાતર અને ઢોરોના ખોરાકમાં પણ ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર રાઈની કાળી, સફેદ (Brassica alba) અને રાતી જાતો થાય છે. સફેદ અને રાતી રાઈ કડવી, ઉષ્ણ, દાહકારક, તીખી, રક્તપિત્તકારક, રુક્ષ અને અગ્નિદીપક છે. તે વાયુ, કફ, શૂળ, કૃમિ, વ્રણ, કંડુ અને કોઢનાશક છે. કાળી રાઈ પ્રમાણમાં વધારે તીક્ષ્ણ હોય છે. રાઈનાં પાનનું શાક તીખું, ઉષ્ણ, રુચિકર છે અને તે વાયુ, કફ, કૃમિ અને કંઠરોગનો નાશ કરે છે. તે વિષ ઉપર વમન થવા માટે, વાયુથી અંગ પકડાઈ જાય તે ઉપર, પેટપીડ અને અર્જીણ ઉપર, શરદીમાં, કર્ણમૂળ ઉપર, બરોળ અને યકૃત ઉપર, પિત્તથી ગળામાં બળતરા થાય તે ઉપર, મૃતગર્ભ બહાર પાડવા માટે, અર્ધાંગવાયુ અને નળવિકાર ઉપર અને બાલતોડો ન થવા માટે ઉપયોગી છે. રાઈ મોટી માત્રામાં વામક છે. રાઈનો લેપ શોથહર છે. શોથવાળા રોગમાં અંતર્દાહ હોય તો તેનો લેપ કરવામાં આવે છે. ફેફસાંનો અને ફેફસાંના પડદાનો સોજો; યકૃત, શ્ર્વાસનલિકા, અંડપિંડ અને મસ્તિષ્કાવરણના સોજામાં રાઈના લેપથી ખૂબ લાભ થાય છે. તાવમાં ભ્રમને દૂર કરવા માટે ગરદન ઉપર રાઈનો લેપ લગાડવામાં આવે છે. હૃદય અશક્ત થયા પછી રાઈની માલિશ હાથ, પગ અને હૃદય પર કરાય છે.
પરેશ હરિપ્રસાદ ભટ્ટ
સુરેશ યશરાજ પટેલ
બળદેવભાઈ પટેલ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ