રાઇડર, આલ્બર્ટ પિન્કહૅમ (જ. 19 માર્ચ 1847, ન્યૂ બેડફર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 28 માર્ચ 1917, ઍલ્મર્સ્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : સમુદ્રનાં રહસ્યમય નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર.
1870થી તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થાયી થયા. શરૂઆતમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કરવાનો થોડો વખત પ્રયત્ન કરી જોયો, પણ તેમાં તેઓ ફાવ્યા નહિ. આ અભ્યાસની તેમની કલા પર કોઈ અસર પણ પડી નહિ. તેમનાં ચિત્રોની મુખ્ય લાક્ષણિકતા યથાવત્ રહી. તેમણે બિનસફાઈદાર શૈલીમાં જ નિસર્ગ-ચિત્રણ ચાલુ રાખ્યું. તેમણે યુરોપના ઘણા નાના-નાના પ્રવાસો કર્યા. તેમની ચિત્રસર્જનની ઝડપ ખૂબ જ ધીમી રહી. તેમનું સમગ્ર સર્જન આશરે 150 ચિત્રોનું જ છે.
તેમનું વલણ રંગદર્શી અને રહસ્યવાદી રહ્યું. મનુષ્યને તેમણે પ્રકૃતિની સહોપસ્થિતિમાં નિર્બળ, લાચાર અને વામણો ચીતર્યો છે. બાઇબલની કથાઓ પરથી પણ તેમણે થોડાં ચિત્રો સર્જ્યાં; દાખલા તરીકે ‘જોનાહ’. અન્ય સ્રોતો પરથી તેમણે 3 ચિત્રો સર્જ્યાં : શેક્સપિયરમાંથી પ્રેરણા લઈ ‘મેકબેથ ઍન્ડ ધ વિચિઝ’, એડગર ઍલન પોમાંથી પ્રેરણા લઈ ‘ધ ટેમ્પલ ઑવ્ ધ માઇન્ડ’ તથા વાગ્નરમાંથી પ્રેરણા લઈ ‘સીગ્ફ્રિડ ઍન્ડ ધ રહાઇન મેઇડન્સ’.
રંગના જાડા લસરકાઓથી ચિત્રિત રાઇડરનાં નિસર્ગચિત્રોમાં પીળા રંગનો તીવ્ર ચંદ્રપ્રકાશ જોવા મળે છે. ચિત્રમાંથી બિનજરૂરી વિગતો ટાળવાનું તેમણે મુનાસિબ માન્યું હતું. 1900 પછી તેમનું ચિત્રસર્જન બંધ પડ્યું.
અમિતાભ મડિયા