રાઇટ, સેવાલ (Wright, Sewall) (જ. 1889, મેલરોઝ; અ. 1988) : અમેરિકાના એક પ્રખર વિજ્ઞાની. જનસંખ્યા જનીનવિજ્ઞાન- (population genetics)ના આદ્ય પ્રસ્થાપક તરીકે જાણીતા. સેવાલ અસર (Sewall effect) તરીકે રજૂ કરવામાં આવતી જનીનિક વિચલન (genetic drift) સંકલ્પનાના પ્રવર્તક તરીકે પ્રખ્યાત. નાના જનસમૂહોમાંની કેટલીક વ્યક્તિઓ વિરલ (rare) જનીનો ધરાવે છે. સેવાલ અસર સંકલ્પના મુજબ જો આવી વ્યક્તિઓને અલગ કરવામાં આવે તો તેઓ વિરલ જનીનોનું સ્થાનાંતર સંતાનોમાં કરવામાં અસફળ રહે છે. કાલક્રમે આવા જનીનો સંપૂર્ણપણે લોપ પામવાથી તેના પરિણામ-સ્વરૂપે પ્રાકૃતિક પસંદગી(natural selection)માં ભાગ ભજવ્યો ન હોવા છતાં એક નવી જાત અસ્તિત્વમાં આવે છે.

સેવાલ રાઇટ

સેવાલે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરેટની ઉપાધિ મેળવી અને ઈ. સ. 1915માં અમેરિકાના કૃષિવિભાગમાં પશુપાલક (animal husbandryman) તરીકે જોડાયા. 35 વરસ સુધી તેમણે અનુક્રમે શિકાગો, વિસ્કૉન્સિન અને મૅડિસન વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક તેમજ સંશોધનકાર તરીકે નોંધપાત્ર ફરજ બજાવી.

તેમનું પશુપાલનક્ષેત્રે કરેલું સંશોધન શરૂઆતમાં ગિની પિગના સ્વફલન (self fertilization) અને પરફલન (cross fertilization) વિશે કરેલા પ્રયોગો સાથે સંકળાયેલું છે. ત્યારબાદ તેમણે વિવિધ જનીનોની અસર ગિની પિગના વાળ પર કઈ રીતે થાય છે તેનો અભ્યાસ આદર્યો.

તેમણે આદરેલાં સંશોધનોના આધારે જાતજાતની ઉછેરપદ્ધતિ તેમજ સ્વફલનનાં ઉદભવતાં વિવિધ પરિણામોનાં સાંખ્યિકીય મૂલ્યાંકન માપવા અંગેનાં સૂત્રો પ્રકાશમાં આવ્યાં અને તેથી વિવિધ વ્યક્તિઓની પ્રાકૃતિક પસંદગી મુખ્યત્વે જુદા જુદા જનીનોની સરેરાશ અસર હેઠળ થતી હોવાનું નોંધી શકાયું.

મ. શિ. દૂબળે