રાઇટ બંધુઓ [રાઇટ, ઑરવિલ (જ. 1871, ડેટન, ઓહાયો, યુ.એસ.; અ. 1948) અને વિલ્બર (જ. 1867, મિલવિલ, ઇન્ડિયાના, યુ.એસ.; અ. 1912)] : વિમાનની પ્રથમ શોધ કરનાર બે બંધુઓ. તેઓ બંને બાળપણમાં તેમના પાદરી પિતાએ અપાવેલા ઊડતા રમકડાથી પ્રભાવિત થયેલા. એ રમકડું બૂચ-વાંસ-કાગળ અને રબર-બૅન્ડનું બનાવેલું હતું. રમકડું તો થોડા જ સમયમાં તૂટી ગયું, પણ બંનેના મનમાં માનવી ઊડી શકે તેવું યંત્ર શોધવાની લગની છોડતું ગયું.
આ પછી વિલ્બર અને ઑરવિલે 1890 આસપાસ વૈમાનિક એન્જિનિયરિંગને લગતું સઘળું સાહિત્ય એકઠું કરવાનું શરૂ કર્યું. 1892 સુધીમાં તે અંગે જેટલી માહિતી ઉપલબ્ધ હતી તે એકઠી કરી લીધી. દરમિયાન 5 ફૂટ પહોળી પાંખવાળી, વાયર, લાકડા અને કાપડની બનેલી પતંગ ઉડાડી જોઈ; પણ તેમાં ખાસ સફળતા ન મળી.
તે જ સમયમાં એટલે કે 1892માં બંને બંધુઓએ સાથે મળી સાઇકલ બનાવવાની રાઇટ સાઇકલ કું. શરૂ કરી. એ જમાનામાં સાઇકલ બનાવવાનો ધંધો નફાકારક ગણાતો. અહીં ફેર એટલો હતો કે આ કંપનીની કમાણી ઉડ્ડયન-યંત્ર બનાવવાની શોધમાં વપરાતી હતી. તે વખતના ઉપલબ્ધ એન્જિનિયરિંગ સાહિત્યમાંથી તેમને ખાસ મદદ મળી નહિ. તે પછી તેમણે એક ‘wind tunnel’ બનાવી તેમાં જુદા જુદા આકારની aerofoil મૂકી પ્રયોગો આદર્યા. તેમાંથી મળેલાં પરિણામોની પદ્ધતિસરની નોંધ કરી. આ બધી શોધખોળને અંતે 1902માં તેમણે પહેલી ગ્લાઇડર પતંગનું સફળ ઉડ્ડયન કર્યું, પણ વિલ્બરને આથી સંતોષ નહોતો. તેને તો હવાથી ભારે એવા માનવીને ઉડાડી શકે તેવા યંત્રની તલાશ હતી. આ યંત્રને સ્વયંસંચાલિત શક્તિ (self-propelled power) આપી શકે તેવું 12 હૉસર્ર્પાવરનું લગભગ 70 કિગ્રા. વજનનું એન્જિન પણ વિકસાવ્યું હતું. આખરે 17મી ડિસેમ્બર 1903ના દિવસે કિટી હૉકની ધૂળિયા હવાઈ પટ્ટી પર ઑરવિલ અને વિલ્બર રાઇટે બનાવેલું વિમાન તૈયાર થઈને ઊભું. ઑરવિલ રાઇટ વિમાનમાં સંચાલન સંભાળતો હતો. વિલ્બરે એન્જિન ચાલુ કરાવ્યું અને વિમાન થોડે દૂર જઈ હવામાં ઊંચું થયું. 10 સેકંડ માટે 120 ફૂટ જેટલું ઊડી પાછું હવાઈ પટ્ટી પર ઊતરીને ઊભું રહી ગયું. વિલ્બર અને ઑરવિલ રાઇટનું સ્વપ્ન સાકાર થયું.
તેમણે 1906માં વિમાનનું પેટન્ટ લીધું અને 1908માં અમેરિકન લશ્કર માટે વિમાન બનાવવાનો કૉન્ટ્રાક્ટ મેળવ્યો. તે માટે વિમાની કંપની સ્થાપી; પણ 1912માં વિલ્બર રાઇટનું ટાઇફૉઇડમાં મૃત્યુ થતાં ઑરવિલને આઘાત લાગ્યો. 1915માં તેણે વિમાની કંપની વેચી નાખી. ઑરવિલનું 1948માં અવસાન થયું ત્યારે 50 મુસાફરો એકસાથે ઊડી શકે તેવાં ચાર એન્જિનવાળાં વિમાનો વિકસી ચૂક્યાં હતાં. લિયૉનાર્દો દ વિન્ચીએ વિમાનની પરિકલ્પના 16મી સદીમાં કરી હતી. રાઇટ ભાઈઓએ તે 20મી સદીમાં સાકાર કરી બતાવી.
પ્રકાશ રામચંદ્ર