રહોડોપ પર્વતમાળા : બલ્ગેરિયા(અગ્નિ યુરોપ)ના દક્ષિણ ભાગમાં આવેલા પર્વતો. ભૌગોલિક સ્થાન : તે 41° 45´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે.ની આજુબાજુનો 14,737 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 240 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 96 કિમી. જેટલી છે. બલ્ગેરિયાના ચાર મુખ્ય ભૂમિભાગો પૈકીનો તે એક છે. બલ્ગેરિયાનું આ પર્વત-સંકુલ પશ્ચિમ તરફ યુગોસ્લાવિયા, દક્ષિણ તરફ ગ્રીસ અને પૂર્વ તરફ ટર્કી સુધી વિસ્તરેલું છે.
રહોડોપ પર્વતમાળા(સંકુલ)માં રહોડોપ પર્વતો મુખ્ય છે; વાયવ્ય તરફ પિરિન અને રિલા-પર્વતજૂથ આવેલાં છે. પિરિન-પર્વતજૂથ રિલા-પર્વતજૂથની દક્ષિણ તરફ આવેલું છે. રિલા-પર્વતજૂથની લંબાઈ 80 કિમી. અને ક્ષેત્રફળ 2,629 ચોકિમી. છે. તે ગ્રીસ તરફ વિસ્તરેલું છે અને પૂર્વ તરફ મેસ્તા નદીથી અને પશ્ચિમ તરફ સ્ટ્રુમા નદીથી ઘેરાયેલું છે. પિરિન-પર્વતજૂથ ઉચ્ચપ્રદેશોથી બનેલું છે. તેનું સર્વોચ્ચ સ્થળ આશરે 3,200 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તેની ઉપર હિમજથ્થા આવેલા છે અને તેમાં આલ્પાઇન પ્રકારનાં ભૂમિસ્વરૂપો જોવા મળે છે. રહોડોપ પર્વતમાળાની સરેરાશ ઊંચાઈ પશ્ચિમ તરફ 2,000 મીટર અને પૂર્વ તરફ 1,000 મીટર જેટલી છે. બલ્ગેરિયામાં તેનાં ચઢાણ કપરાં છે. રિલા-પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર મુસાલા 2,925 મીટર ઊંચાઈ ધરાવે છે. અન્ય બે શિખરો ગોલ્યામ પેરેલિક અને ગોલ્યામ સ્યુત્ક્યા આશરે 2,400 મીટર જેટલી ઊંચાઈવાળાં છે. તેનાં શિખરજૂથો ઘણાં પ્રાચીન વયનાં છે. આજ સુધીમાં તે ઘસારો પામીને અસમતળ ઉચ્ચપ્રદેશમાં ફેરવાયાં છે; જોકે આ પ્રદેશનું અમુક પ્રમાણમાં પુનરુત્થાન પણ થયેલું છે. રિલા-પર્વતજૂથ વિશાળ અને ગોળાકાર છે તથા વિકેન્દ્રિત જળપરિવાહવાળું છે. રિલામાંથી નીકળતી મેસ્તા, મેરિત્સા (મારુત્સા) અને ઇસ્કૂર નદીઓએ પર્વતોને કોરી કાઢીને ખીણોની રચના કરી છે, આ કારણે અવરજવર માટેના માર્ગો અવરોધાયા છે. આ પર્વતમાળાનો વિસ્તાર મેરિત્સા નદી તથા તેની સહાયક નદીઓના જળપરિવાહવાળો છે. રહોડોપ પર્વતમાળા તેની બંને બાજુ(ઉત્તર, દક્ષિણ)ના પ્રદેશોની આબોહવા પર અસર કરે છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો તેનાથી અવરોધાય છે, તેથી એજિયન સમુદ્રની આજુબાજુના નીચાણવાળા ભાગોને તે ઠંડા થતા અટકાવે છે, જ્યારે દક્ષિણના ગરમ પવનો ઉત્તર તરફ જતાં અવરોધાય છે.
પર્વતોના નીચલા ઢોળાવો પર તમાકુ અને દારૂ બનાવવા માટેની દ્રાક્ષની ખેતી થાય છે. ઉપલા ઢોળાવો પર શંકુદ્રુમ જંગલો આવેલાં છે, તેના પર અહીંનો કાષ્ઠ-ઉદ્યોગ નભે છે. અગ્નિ દિશા તરફની રહોડોપ પર્વતમાળા જ્વાળામુખી-લક્ષણોવાળી છે. રિલા અને રહોડોપ પર્વતોમાંથી ક્રોમિયમ અને સીસું, જસત, તાંબું, મૅગ્નેટાઇટ, ઑઇલ શેલ અને આરસપહાણ મળે છે. મદાન અને રુડોઝેમ ખાતે તેમનું ખનન પણ થાય છે. સીસા-જસતનાં ધાતુખનિજોને શુદ્ધીકરણ માટે પ્લૉવદિવ અને કુર્દઝાલી ખાતે મોકલાય છે. ઇસ્કૂર અને રિલ્સ્કા નદીઓ પર તેમજ પહાડી વિસ્તારમાં આવેલા 72 કિમી.માં પથરાયેલા આર્ડા સરોવર પર જળવિદ્યુતમથકો સ્થપાયેલાં છે.
પર્વતમાળામાં 1,250 મીટરની ઊંચાઈએ દસમી સદીમાં સ્થપાયેલો રિલા-મઠ આવેલો છે, તે હજી જળવાઈ રહેલો છે અને તેની સાથે કિલ્લેબંધીવાળો ટાવર પણ છે. રિલા-પર્વતની ઊંચાઈ પરથી સોફિયા મેદાન નજરે પડે છે. સોફિયા નગરના પરાવિભાગો તળેટી-ટેકરીઓ પર આવેલા છે. ત્યાંથી ઉપર તરફના ઢોળાવો પર નૅશનલ પાર્ક અને નેચર રિઝર્વ આવેલાં છે. ટર્કી શાસન વખતના સ્લાવિક સંસ્કૃતિ ધરાવતા બુરજો પણ જોવા મળે છે. અહીંનાં ઊંચાં શિખરો, રમણીય ખીણપ્રદેશો અને પહાડી સરોવરો પર અહીંનો પ્રવાસન-ઉદ્યોગ નભે છે. મુસાલા-પર્વત પર કૉસ્મિક રેડિયેશન સેન્ટર આવેલું છે.
‘રહોડોપ’ નામ ગ્રીક શબ્દ ‘ઑરોસિરા રહોડોપીઝ’માંથી ઊતરી આવેલ છે. ટર્કી શાસન દરમિયાન (પંદરમીથી ઓગણીસમી સદી દરમિયાન) આ પર્વતપ્રદેશ સ્લાવિક લોકોનું આશ્રયસ્થાન હતો. આ કારણે અહીં સ્લાવિક રીતરિવાજો ટકી રહેલા છે.
ગિરીશભાઈ પંડ્યા