રહેમાન, એ. આર. (જ. 5 જાન્યુઆરી 1968, ચેન્નઈ) : સંગીતકાર. મૂળ નામ એસ. દિલીપકુમાર. પિતા આર. કે. શેખર તમિળ અને મલયાળમ ચિત્રોના સંગીતકાર હતા. તેમણે નૌશાદ અને સલીલ ચૌધરી સાથે પણ કામ કર્યું હતું. માતા-પિતા બંને હિંદુ હતાં. રહેમાનની ઉંમર નવ વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું, પણ એ પહેલાં રહેમાને પિતાની સાથે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
એ વખતે પણ રહેમાન કી-બોર્ડ વગાડતા. પિતાના અવસાન પછી તેમણે ધર્મપરિવર્તન કરી લીધું. એસ. દિલીપકુમાર એ. આર (અલ્લારખાં) રહેમાન બની ગયા. તેઓ લંડનની ટ્રિનિટી કૉલેજમાંથી પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત સાથે સ્નાતક થયા. એલ. શંકર, ઝાકિર હુસેન અને ડેવિડ બાયરન જેવા સંગીતકારો સાથે કામ કરીને રહેમાને પૂર્વીય અને પશ્ચિમી સંગીતની જુગલબંદીના અનેક પ્રયોગો કર્યા અને આ સંગીતકારોની સંગતમાં શીખ્યા. લંડનથી આવ્યા બાદ ચેન્નઈમાં પોતાના ઘરની નજીક જ ‘પંચાતન રેકૉર્ડ ઇન’ નામનો એક આધુનિક સંગીત સ્ટુડિયો શરૂ કર્યો. શરૂમાં તેમણે ખ્યાતનામ સંગીતકાર ઇલિયારાજા સાથે પણ મદદનીશ તરીકે કામ કર્યું, પણ પછી એલ. શંકર અને ઝાકિર હુસેન સાથે જોડાયા. તમિલનાડુમાં એક સંગીતસમારોહમાં દિગ્દર્શક મણિરત્નમે રહેમાનનું સંગીત સાંભળ્યું અને તેનાથી પ્રભાવિત થઈને ‘રોજા’નું સંગીત રહેમાનને સોંપ્યું. 1992માં પહેલાં તમિળમાં અને ડબ કરાયા બાદ હિંદીમાં ‘રોજા’ને જે વ્યાવસાયિક સફળતા મળી હતી તેમાં રહેમાનના સંગીતનો પણ ઘણો મોટો ફાળો હતો. સંગીતની ધૂન તૈયાર કરવાની રહેમાનની અનોખી રીત છે. તેઓ બીજા સંગીતકારોની જેમ આખા ઑરકેસ્ટ્રા સાથે સંગીત તૈયાર નથી કરતા; પણ એક સમયે એક જ વાદ્યનું સંગીત તૈયાર કરે છે અને આ રીતે તમામ વાદ્યોના સંગીતનું કમ્પ્યૂટરમાં મિશ્રણ કરે છે. ભારતીય લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત સાથે પાશ્ચાત્ય સંગીતના અવનવા પ્રયોગો તેઓ સતત કરતા રહે છે અને હંમેશાં કંઈ ને કંઈ નવું સર્જન કરતા રહેવા પ્રયત્નશીલ રહે છે. રહેમાન પોતે કહે છે કે તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતનું કંઈ ખાસ જ્ઞાન ધરાવતા નથી, પણ ફિલ્મમાં સંગીત આપી શકાય એટલું જાણે છે. ભારતીય અને પાશ્ચાત્ય સંગીતનું મિશ્રણ તેઓ કેટલી સારી રીતે કરી શકે છે તે તેમણે ‘લગાન’નું કર્ણપ્રિય સંગીત આપીને પુરવાર કરી આપ્યું છે.
પ્રથમ ચિત્ર ‘રોજા’ માટે જ શ્રેષ્ઠ સંગીતનું રાષ્ટ્રીય પારિતોષિક તેમણે મેળવ્યું હતું. સંગીતકાર આર. ડી. બર્મનની સ્મૃતિમાં યુવાન સંગીતકારોને ઍવૉર્ડ આપવાનું શરૂ કરાયું તે વર્ષે 1994માં પ્રથમ ઍવૉર્ડ રહેમાનને મળ્યો હતો. ચલચિત્રોમાં સંગીતકાર તરીકે તેમની કારકિર્દી 1992માં શરૂ થઈ, પણ એ પછીનાં માત્ર દસ જ વર્ષના ગાળામાં તેઓ બીજા સંગીતકારોને પાછળ રાખીને ઘણા આગળ નીકળી ગયા. પ્રથમ દસ વર્ષમાં શ્રેષ્ઠ સંગીતકાર તરીકે બે રાષ્ટ્રીય પારિતોષિકો મેળવવા ઉપરાંત તેમણે તમિળ ચિત્રો માટે આઠ અને ‘રંગીલા’ (1995), ‘દિલ સે’ (1998), ‘તાલ’ (1999) અને ‘લગાન’ (2001) હિંદી ચિત્રો માટે ચાર ‘ફિલ્મફેર’ પારિતોષિક ઉપરાંત બીજાં ઘણાં પારિતોષિકો મેળવ્યાં છે. આ ઉપરાંત ‘મોરિશિયસ નૅશનલ ઍવૉર્ડ’. ‘મલેશિયન ઍવૉર્ડ’, ‘નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ’, ઉપરાંત તેમનાં વૈશ્વિક સ્તરના સંગીતક્ષેત્રના યોગદાન માટે અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીએ વર્ષ 2006માં માનાર્હ પદવી એનાયત કરી હતી. વર્ષ 2009માં તેમના ‘બાફટા’ (BAFTA) ઍવૉર્ડ અને તેને લગોલગ બે ‘ઑસ્કાર ઍવૉર્ડ’ (ક્રિટિકલ ચૉઈસ ઍવૉર્ડ અને ‘ધ ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ’) પ્રદાન કરવામાં આવ્યા છે. ચલચિત્રના ક્ષેત્રે સ્વરરચના માટે તેમને એનાયત થયેલ ઑસ્કર (2009) ગુલઝારની ‘સ્લમડૉગ મિલ્યનેર’ ફિલ્મમાંની ગીતરચના ‘જય હો… જય હો…’ માટે સંયુક્ત રીતે એનાયત થયો છે. ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ પણ એનાયત કર્યો છે. 2002ના વર્ષમાં બ્રૉડવેમાં નાટકોનું નિર્માણ કરતા એન્ડ્ર્યુ લૉઇડ વેબરે ‘બૉમ્બે ડ્રીમ્સ’ નાટકનું નિર્માણ કર્યું અને તેમાં સંગીતદિગ્દર્શક તરીકે રહેમાનની પસંદગી કરી હતી. આ સંગીતપ્રધાન નાટક ‘બૉમ્બે ડ્રીમ્સ’ લંડનમાં ખૂબ સફળ રીતે ભજવાયું હતું. રહેમાન ગાયક પણ છે. તેમણે ગાયેલું ‘વંદે માતરમ્’ પણ નોંધપાત્ર રીતે સફળ થયું છે. આ ઉપરાંત ખાસ કિસ્સામાં તેમણે ચિત્રોમાં પણ ગીતો ગાયાં છે. ‘બૉમ્બે’માં ‘હમ્મા… હમ્મા…’ ગીત તેમણે ગાયું હતું.
હરસુખ થાનકી