રહૅમ્નેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તેને બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે ઉપવર્ગ મુક્તદલા, શ્રેણી બિંબપુષ્પી (Disciflorae) અને ગોત્ર સીલાસ્ટ્રેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ કુળ લગભગ 58 પ્રજાતિઓ અને 900 જેટલી જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે ઠંડા પ્રદેશોમાં થતું નથી. Rhamnus સૌથી મોટી પ્રજાતિ છે; જેમાં 90 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 12 જેટલી જાતિઓ યુ.એસ.ની સ્થાનિક (indigenous) છે. Ceanothus (83–69) બીજી મોટી પ્રજાતિ છે અને પશ્ચિમ અમેરિકામાં વધારે પ્રમાણમાં થાય છે. ભારતમાં 12 પ્રજાતિઓ અને 51 જાતિઓ, જ્યારે ગુજરાતમાં 2 પ્રજાતિઓ અને 9 જાતિઓ નૈસર્ગિક રીતે ઊગે છે.
આ કુળની જાતિઓ ક્ષુપ કે નાનાં વૃક્ષ અથવા આરોહી સ્વરૂપની હોય છે. Gouania અને Helinus અંકુશ કે સૂત્ર દ્વારા આરોહણ કરે છે. Ventilago વળવેલ સ્વરૂપે ઊગે છે. આ કુળમાં શાકીય જાતિઓ ભાગ્યે જ જોવા મળે છે. કેટલીક જાતિઓ ઉપક્ષુપીય (suffrutescent) હોય છે. Condaliaમાં પ્રકાંડ-કંટકો હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, Scutia અને Sageretia જેવી પ્રજાતિઓમાં સંમુખ હોય છે અને બહુશિરી જાલાકાર અભિસારી શિરાવિન્યાસ ધરાવે છે. પર્ણકિનારી અખંડિત અને દંતુર હોય છે. ઉપપર્ણો નાનાં અને શીઘ્રપાતી (caducous) હોય છે. Zizyphus(બોર)માં ઉપપર્ણો કંટકીય અને દીર્ઘસ્થાયી હોય છે. તેનો એક કાંટો સીધો ને મોટો અને બીજો વક્ર ને નાનો હોય છે.
પુષ્પો મોટે ભાગે કક્ષીય સમશિખમંજરી (corymb) કે પરિમિત (cymose) કે સંયુક્ત કલગી-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. Helinusમાં છત્રક પુષ્પવિન્યાસ જોવા મળે છે. પુષ્પો ભાગ્યે જ એકાકી હોય છે. તે નાનાં, નિયમિત, દ્વિલિંગી, Rhamnusમાં કોઈ એક લિંગી ચક્રના વંધ્યીકરણને કારણે એકલિંગી અથવા બહુસંગમની (polygamous), દા.ત., Gounia, પરિજાય (perigynous) કે ઉપરિજાય (epigynous) અને લીલાં હોય છે. બીજાશયને આવરતું સુવિકસિત અંત:પુંકેસરીય બિંબ (intrastaminal disc) જોવા મળે છે. વજ્ર 4થી 5 યુક્ત વજ્રપત્રોનું બનેલું અને ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપુંજ 4થી 5 દલપત્રોનો બનેલો, જેમાં વજ્રનલિકાની ફરતે રસાળ બિંબ ઉપર દલપત્રો નહોરની જેમ કે છત્ર(hood)ની જેમ વળેલાં અને ધારાસ્પર્શી હોય છે. Rhamnusમાં દલપત્રો હોતાં નથી.
પુંકેસરચક્ર 4 કે 5 પુંકેસરોનું બનેલું હોય છે. પુંકેસરો દલપુંજ-સંમુખ અને અંતર્ગોળ દલપત્રોમાં રસાળ બિંબની નીચે કે ધાર ઉપર ગોઠવાયેલાં હોય છે. બિંબ અખંડિત કે ખંડમય હોય છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર 2થી 4 યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. તે સામાન્યત: ત્રિયુક્તસ્ત્રીકેસરી, અદંડી અને ઊર્ધ્વસ્થ (superior) કે અધ:સ્થ (inferior) હોય છે. જુદી જુદી જાતિઓમાં બીજાશયની સ્થિતિને અનુલક્ષીને અધોજાયતા, પરિજાયતા કે ઉપરિજાયતા જોવા મળે છે; કારણ કે બીજાશય પ્યાલાકાર, પુષ્પાધાર (hypanthium) સાથે યુક્ત કે મુક્ત હોય છે. બીજાશય 24 કોટરીય, ભાગ્યે જ એકકોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં એક તલસ્થ, ટટ્ટાર, અધોમુખી (anatropus) અંડક જોવા મળે છે. પરાગવાહિની ટૂંકી અને પરાગાસન 24 ખંડી હોય છે. ફળ અષ્ઠિલ (drupaceous) કે પ્રાવર અથવા અસ્ફોટનશીલ શુષ્ક સપક્ષ (દા.ત., vantilago) પ્રકારનું હોય છે. બીજમાં ભ્રૂણ મોટો અને સીધો હોય છે. બીજ ભ્રૂણપોષી, કેટલાંકમાં બીજોપાંગયુક્ત (arillate). Alphitonia પ્રજાતિમાં બીજોપાંગ મોટું અને ચકચકિત હોય છે.
Zizyphus moritiana Syn. Z. jujuba Lank.(બોર)ની કાશી બોર, રાંદેરી બોર, ખાનદેશી બોર ઉમરાન, ગોલા, સેવ, મહેરન, અજમેરી અને બનારસી બોર જેવી ફળની અનેક મીઠી જાતો છે. તેનો અથાણાં બનાવવામાં અને સંભાર તરીકે ઉપયોગ થાય છે. બોરને સૂકવીને લાંબા સમય સુધી ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. તેનું પોષણમૂલ્ય સફરજન જેટલું લગભગ હોય છે. આયુર્વેદ અનુસાર તે પિત્તશામક, વાયુનાશક અને સ્નિગ્ધ હોય છે અને અતિસાર, ખાંસી તેમજ હરસમાં ઉપયોગી છે. Z. nummularia W. & A.(ચણી બોર)નાં ફળો ચળકતાં લાલ રંગનાં અને ખાદ્ય હોય છે. Z. lotus Lamk. (ખારેકી બોર), Z. rugosa Lamk. (તોરણ), Z. oenoplia Mill. (બુરગી, અજપ્રિયા), Z. trinerva Roxb. અને Z. xylopyra (ઘંટ બોર) તેની અન્ય જાણીતી જાતિઓ છે. Z. trinervaનાં પર્ણો રક્તશુદ્ધિ માટે અને અજપ્રિયાના મૂળની છાલનો ઉકાળો તાજો ઘા રૂઝવવા માટે ઉપયોગી છે. Z. chloroxylon મધ્યપ્રદેશ અને તરાઈનાં જંગલોમાં થાય છે. તેનું કાષ્ઠ ચાલવા માટેની લાકડીઓ, ઓજારોના હાથાઓ અને હળ બનાવવામાં તથા બાંધકામમાં વપરાય છે. Rhamnus wightii W. & A.(રગત રોહિડો)ની છાલ પૌષ્ટિક અને સંકોચક (astringent) હોય છે. R. purshiana ઉત્તર અમેરિકાનાં જંગલોમાં થાય છે. તેની છાલ ‘કાસ્કૅરા’ (cascara) તરીકે જાણીતી છે અને તેમાંથી રેચક ઔષધ બનાવવામાં આવે છે. Ceanothus americanus અને Sageretia theezans ચીનનાં જંગલોમાં થાય છે. તેનાં શુષ્ક પર્ણોમાં ટૅનિન વિપુલ પ્રમાણમાં હોય છે. તેનો ચાની અવેજીમાં પીણા તરીકે ઉપયોગ થાય છે. Frangula alnus (ડૉગવુડ) અમેરિકાનાં જંગલોમાં થાય છે. તેના લાકડાનો કોલસો ગન-પાઉડર બનાવવામાં વપરાય છે. છાલનો કાઢો રેચક ગણાય છે. Ventilago denticulata (કાનવેલ, આછવેલ) ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં પર્ણપાતી જંગલોમાં નૈસર્ગિક રીતે થાય છે. તેનાં પર્ણોને છૂંદી, ગરમ કરી કાનમાં ટીપાં નાખવાથી ત્યાં થતો દુખાવો મટે છે અને પરુ થતું અટકે છે. પ્રકાંડની છાલમાંથી રેસા કાઢી તેનો દોરી-દોરડાં બનાવવામાં ઉપયોગ થાય છે. મૂળમાંથી પીળાશ પડતો રાતો રંગ મળે છે; જેનો સુતરાઉ, રેશમ અને ઊનના કાપડના રંગાટમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત, Colletia, Discaria, Berchamia, Pomaderris અને Phylica જેવી અનેક પ્રજાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિઓ તરીકે ઉછેરવામાં આવે છે.
આ કુળ વાઇટેસી સાથે ગાઢ સંબંધ ધરાવે છે. સાદાં અખંડિત પર્ણો, પરિજાય પુષ્પ, દલપુંજ સંમુખ પુંકેસરો, મધુગ્રંથિમય રસાળ અને દીર્ઘસ્થાયી અંત:પુંકેસરીય બિંબ અને તલસ્થ અંડકો રહૅમ્નેસી કુળની લાક્ષણિકતાઓ ગણાય છે.
જૈમિન વિ. જોશી
બળદેવભાઈ પટેલ