રહસ્યવાદ (mysticism) : રહસ્યાનુભૂતિને અનુલક્ષીને અધ્યાત્મ- ક્ષેત્રે પ્રવર્તતી એક વિચારધારા.
રહસ્યવાદ માટે અંગ્રેજી ભાષામાં મિસ્ટિસિઝમ (mysticism) શબ્દ છે. ભારતીય ભાષાઓમાં ‘અગમ્યવાદ’, ‘ગૂઢવાદ’, ‘અપરોક્ષાનુભૂતિવાદ’, ‘અધ્યાત્મવાદ’, ‘પરાવિદ્યા’ વગેરે તેના પર્યાયો પ્રચલિત છે ‘અમરકોશ’ પ્રમાણે ‘रहस्’ શબ્દનો અર્થે ‘એકાન્ત, નિર્જન કે ગુપ્ત’ એવો થાય છે. ભગવદગીતામાં અધ્યાત્મજ્ઞાનના રહસ્યને ગુહ્યાત્ ગુહ્યતરમ્’, ‘સર્વગુહ્યાનામ્’ વગેરે શબ્દો દ્વારા દર્શાવવા પ્રયાસ થયો છે.
‘મિસ્ટિસિઝમ’ શબ્દ મૂળ ગ્રીક ભાષાના ‘મિસ્ટેસ’ (mystes) શબ્દ પરથી બનેલો છે. ‘મિસ્ટેસ’નો અર્થ થાય છે ‘ગૂઢ માર્મિક જ્ઞાનપ્રાપ્તિ માટે દીક્ષિત થવું.’ અલબત્ત, ગ્રીક માનસ તેના ઝળહળતા નિસર્ગવાદને લીધે રહસ્યવાદ પ્રતિ ઢળી શકે તેવું ન હતું. પ્લેટો, ઍરિસ્ટોટલ જેવા ગ્રીક ચિંતકોનું તત્ત્વજ્ઞાન બુદ્ધિવાદને વરેલું છે. આમ છતાં ઈસવી સન 204થી 269 દરમિયાન મધ્યયુગની પૂર્વસંધ્યાએ રહસ્યવાદી દાર્શનિક તરીકે ચમકી ઊઠેલા નૂતન પ્લેટોવાદી પ્લૉટિનસ્ અહીં અપવાદરૂપ છે. પ્લૉટિનસના ચિંતનમાં ગ્રીક દર્શનની પૂર્ણાહુતિ અને ખ્રિસ્તી દર્શનનો પ્રારંભ જોઈ શકાય છે.
પશ્ચિમને માટે વિરલ ગણાય એવો એકાત્મવાદી રહસ્યવાદ પ્લૉટિનસ સાથે ઉદય અને અસ્ત પામતો જોવા મળે છે.
જીવનનું અંતિમ ધ્યેય પ્લૉટિનસના મતે સમાધિ છે. એ સમાધિમાં વ્યક્તિત્વ, અહમભાન કે વિચારણાને બિલકુલ સ્થાન રહેતું નથી. આ અદ્વૈતની સ્થિતિ જ આખરી સ્થિતિ છે. પરમ ધન્યતાની અને જીવન-સાર્થક્યની સ્થિતિ છે. આ સ્થિતિને એકાકી ઉડ્ડયન the flight of the alone to the alone તરીકે દર્શાવાઈ છે.
ખ્રિસ્તી ધર્મમાં રહસ્યવાદ શબ્દનો વ્યાપક અર્થ કરવામાં આવ્યો છે. મધ્યયુગના પૂર્વાર્ધના ખ્રિસ્તી ધર્મ-સાહિત્યમાં થિયૉલૉજિયો-મિસ્ટિકો’ શબ્દ પ્રયોજાયો છે. જે ચોક્કસ પ્રકારની અંતર્-દૃષ્ટિ અને ઈશ્વર વિશેનું જ્ઞાન સૂચવે છે. ‘મિસ્ટિક’ શબ્દ મધ્યયુગના ઉત્તરાર્ધમાં પ્રચારમાં રહ્યો ન હતો; પરંતુ આધુનિક યુગમાં પ્રત્યક્ષ-પરોક્ષના અભ્યાસ સાથે અપરોક્ષનો અભ્યાસ ‘મિસ્ટિસિઝમ’ નામથી વધુ રસપૂર્વક હાથ ધરાયો છે.
ડબ્લ્યૂ. ટી. સ્ટેસ તેમના મહત્ત્વપૂર્ણ પુસ્તક ‘ધ ટીચિંગ્ઝ ઑવ્ ધ મિસ્ટિક્સ’માં એવી કેટલીક બાબતોની યાદી આપે છે, જે રહસ્યવાદ તરીકે માન્ય રાખી ન શકાય. એ ખરું છે કે વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ રહસ્ય અને રહસ્યવાદ વચ્ચે શાબ્દિક સામ્ય છે; પરંતુ ‘રહસ્ય’ દ્વારા રજૂ કરવામાં આવતા કેટલાક સંવેદનાત્મક રહસ્યના સ્પષ્ટીકરણના દાવાઓ સાથે રહસ્યવાદને કંઈ સંબંધ નથી. જે સામાન્યત: ગૂઢ (occult) તરીકે ઓળખાય છે તે પણ રહસ્યવાદ નથી. એ જ રીતે રહસ્યવાદને પ્રેતવિદ્યા કે ટેબલ કુદાવવા જેવા પ્રયોગ સાથે કશી લેવાદેવા નથી. વળી વિચારસંક્રમણ, દૂરદર્શન, દૂરશ્રવણ જેવા કહેવાતા પરામનોવૈજ્ઞાનિક બનાવો સાથે પણ રહસ્યવાદને એકરૂપ માની ન શકાય.
આ બધા બનાવો જો આકસ્મિક રીતે રહસ્યવાદીના વ્યક્તિત્વ સાથે જોડાયેલા હોય તોપણ તેને રહસ્યાનુભૂતિના લક્ષણરૂપ ન માની શકાય. સ્ટેસ કહે છે, સાચા રહસ્યવાદીઓ પણ આ બનાવોને પોતાની રહસ્યાનુભૂતિના અનિવાર્ય ભાગરૂપ ગણતા નથી; એટલું જ નહિ, બિનરહસ્યવાદીઓ પણ આવા બનાવો સર્જતા જોવા મળે છે. તેથી પણ તેને રહસ્યાનુભૂતિનું અસાધારણ લક્ષણ માની ન શકાય.
એ જ રીતે દૃશ્યો અને અવાજોને પણ રહસ્યાનુભૂતિનો અંતર્ગત ભાગ ન ગણાવી શકાય; કારણ કે શ્યો અને અવાજો પણ ગમે તેટલાં સૂક્ષ્મ અને અલૌકિક જણાતાં હોય તોપણ તેઓ ઇન્દ્રિયચેતનાના અનુભવો છે; જ્યારે રહસ્યાનુભૂતિ ઇંન્દ્રિયાતીત ચેતનાનો અનુભવ છે. આ દૃષ્ટિએ ધ્યાન દરમિયાન દેખાતા રંગો કે દેવી-દેવતાના આકારો કે અન્ય તમામ સંવેદનો ગમે તેટલાં ગૂઢતાવાળાં હોય તોપણ રહસ્યાનુભૂતિ સાથે એકરૂપ ન માની શકાય.
રહસ્યવાદ શું છે ? આ સવાલનો કોઈ એક જવાબ મળતો નથી. આગળ જેમનો નિષેધ કરવામાં આવ્યો છે તે બધાંને કોરે ખસેડી વિધાયક દૃષ્ટિબિંદુથી વિચારીએ તો રહસ્યવાદની કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે મળે છે :
ડૉ. રાધાકૃષ્ણનન્ના મતે ‘મિસ્ટિક’ એટલે કે ગૂઢવાદી સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે આંખ બંધ કરનાર અને પોતે દૈવી રૂપની જે ગૂઢતામાં પ્રવેશ પામ્યો હોય તેને વિશે મૌન જાળવનાર.
ડૉ. સુરેન્દ્રનાથ દાસગુપ્તા કહે છે, ‘હું રહસ્યવાદની વ્યાખ્યા એ રીતે આપવાનું પસંદ કરું છું કે તે એક એવો સિદ્ધાન્ત અથવા એવું દૃષ્ટિબિંદુ છે, જે અંતિમ સત્ય – પછી ગમે તે સ્વરૂપનું હોય બુદ્ધિથી પામી શકાતું નથી એમ માને છે; અને એ જ વખતે તે સત્યને પામવાના બીજા કોઈ સાધન વિશે ખાતરી ધરાવે છે.’ આ વ્યાખ્યાનો સાર એ છે કે ઇન્દ્રિયો અને બુદ્ધિ વિષયલક્ષી જ્ઞાનનાં સાધનો છે. પરમસત્યનું જ્ઞાન વિષયલક્ષી સાધનથી મળે એવું નથી. આથી બુદ્ધિથી પરમ સત્યનું જ્ઞાન મળી શકે તેમ નથી.
ડૉ. આર. ડી. રાનડેના મતે ‘રહસ્યવાદ મનના એવા વલણને સૂચવે છે કે જે ઈશ્વર વિશેની પ્રત્યક્ષ, આધ્યાત્મિક અપૂર્વ અને અંત:સ્ફુરિત સમજ ધરાવે છે.’
જે. બી. પ્રૅટ જણાવે છે તે પ્રમાણે ‘રહસ્યવાદની વ્યાખ્યા એ રીતે કરી શકાય કે તે સત્ અથવા સત્તાની હસ્તીનું સામાન્ય ઇન્દ્રિયપ્રત્યક્ષ કે બુદ્ધિ સિવાયના સાધન વડે થતું ભાન છે.’
કુ. ઈવલિન અંડરહિલ લખે છે : ‘મારી દૃષ્ટિએ રહસ્યવાદ માનવની પરાત્પર સાથેની ભાવાત્મક ઐક્યાનુભૂતિની પ્રવૃત્તિનું પ્રકાશન છે.’
પ્રો. વિલિયમ જેમ્સ તેમના મનોવૈજ્ઞાનિક સંશોધનના પરિપાકરૂપ તૈયાર કરેલા ગ્રંથ ‘ધ વેરાઇટિઝ ઑવ્ રિલિજિયસ એક્સપીરિયન્સ’માં નોંધે છે : ‘આપણે જેને સામાન્ય રીતે બૌદ્ધિક ચેતના કહીએ છીએ તે સિવાયની એક ખાસ પ્રકારની ચેતના છે…… તે સંપૂર્ણત: નિતાંત નવી છે.’ આ રહસ્યવાદી ચેતના છે.
આથી જ સ્ટેસ પ્રશ્નનું સ્વરૂપ ‘રહસ્યવાદ એટલે શું ?’ને બદલીને રજૂ કરે છે, અને કહે છે, ‘ખરો પ્રશ્ન રહસ્યવાદી અનુભવ એટલે શું ?’ તે છે.
આમ પૂર્વના કે પશ્ચિમના રહસ્યવાદના અભ્યાસી સર્વાનુમતે રહસ્યાનુભૂતિને વજૂદવાળો અને વાસ્તવિક અનુભવ ગણે છે; જેની અભિવ્યક્તિનો આધાર દેશ-કાળ-સંયોગ-સંસ્કાર ઉપર હોવાથી અર્થઘટનો અલગ અલગ સ્વરૂપનાં જોવા મળે છે. રહસ્યવાદમાં જે રહસ્યાનુભૂતિ સ્વીકારવામાં આવી છે તે પરમ સત્યના સંદર્ભમાં જ સ્વીકારેલી છે. માત્ર ચમત્કૃતિ-કેવળ આશ્ચર્ય-ના સંદર્ભમાં તે માન્ય નથી. અંડરહિલ આથી જ રહસ્યવાદને પરમનું વિજ્ઞાન કહે છે. ઉપનિષદોમાં આને જ પરાવિદ્યા કહી છે.
રહસ્યવાદનું સામાન્ય સ્વરૂપ : રહસ્યાનુભૂતિ અપરોક્ષાનુભૂતિ છે, સ્વયંસંવેદ્ય અનુભૂતિ છે. જ્યાં સુધી વ્યક્તિને પોતાને તેનો અનુભવ ન થાય ત્યાં સુધી તેના સાચા સ્વરૂપનું જ્ઞાન થતું નથી. જેમ ઊંઘ વિશેના ગમે તેટલા વર્ણન છતાં ઊંઘની સ્થિતિ સમજી શકાતી નથી, ફક્ત ઊંઘી જવાથી જ તેના અનુભવનું ખરું જ્ઞાન થાય છે, એ જ રીતે રહસ્યાનુભૂતિના ખરા સ્વરૂપનું જ્ઞાન પોતાના જાત-અનુભવથી જ વ્યક્તિ પામી શકે છે. સંતોએ આ અનુભવને ‘ગૂંગાના ગોળ’ સાથે સરખાવ્યો છે.
પરિસ્થિતિ આમ હોવા છતાં જે લોકો રહસ્યાનુભૂતિ પામ્યા છે તેમણે અનુભૂતિની શક્ય અભિવ્યક્તિ કરી છે. તે અભિવ્યક્તિનો તુલનાત્મક અભ્યાસ કરવાથી રહસ્યવાદ વિશે કંઈક અંશે જાણકારી મેળવી શકાય છે. આ અભિવ્યક્તિમાં રહેલું કેટલુંક અસાધારણ સામ્ય આપણને એક નિશ્ચિત નિર્ણય બાંધવા પ્રતિ દોરી જાય છે. રહસ્યવાદમાં કેટલુંક આકસ્મિક છે તો કેટલુંક અનિવાર્ય છે; કેટલુંક લૌકિક છે તો કેટલુંક અલૌકિક પણ છે; કેટલુંક સાપેક્ષ જગતનું છે તો કેટલુંક નિરપેક્ષ સત્ય સંબંધિત છે. આ વિભાગીકરણ દ્વારા નગદ કહી શકાય તેવું રહસ્યાનુભૂતિનું સ્વરૂપ જુદું પાડી શકાય છે.
પ્રો. વિલિયમ જેમ્સની દૃષ્ટિએ રહસ્યાનુભૂતિની સ્વરૂપગત લાક્ષણિકતાઓ નીચેના ચાર મુદ્દાઓમાં સ્પષ્ટ કરી શકાય :
1. અનિર્વચનીયતા : રહસ્યાનુભૂતિની સ્થિતિ અનિર્વચનીય છે. તે બૌદ્ધિક સ્થિતિ કરતાં અનુભૂતિની સ્થિતિ વધુ છે. આથી તેનું વર્ણન અશક્ય બની જાય છે. આ સંદર્ભમાં સ્ટેસ કહે છે, ‘રહસ્યવાદી જ્યારે કહે છે કે તેમના અનુભવનું વર્ણન અશક્ય છે ત્યારે તેની પાછળનું યોગ્ય કારણ એ છે કે દુનિયાની તમામ ભાષાઓના તમામ શબ્દો મનુષ્યની ઇન્દ્રિય-બુદ્ધિ-ચેતનાની ઊપજ છે. આ ઇન્દ્રિય-બુદ્ધિનાં તત્ત્વો કે તેનાં સંમિશ્રણોને અભિવ્યક્ત કરવા માટે જ ભાષા અસ્તિત્વમાં આવી છે; પરંતુ રહસ્યાનુભૂતિમાં ઇન્દ્રિય-બુદ્ધિનાં તત્ત્વો હોતાં જ નથી; આથી તે અનુભૂતિ કોઈ પણ શબ્દમાં વર્ણવવી અશક્ય લાગે છે.
ઉપનિષદમાં કહ્યા પ્રમાણે यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह। (જ્યાંથી તેને પ્રાપ્ત કર્યા વગર વાણી મનની સાથે પાછી પડે છે.) કેટલીક વાર આ જ બાબત નિષેધક શબ્દોમાં રજૂ થઈ છે : नेति नेति । (न इति न इति, આ નથી આ નથી). શંકરાચાર્ય જેવા તર્કનિષ્ઠ ભાષાનું વિશ્ર્લેષણ કરી કહે છે : માત્ર જ્ઞાતા-જ્ઞેયના ભેદના અનુભવનું જ્ઞાન ભાષા દ્વારા વર્ણવી શકાય છે; પરંતુ જ્યાં જ્ઞાતા-જ્ઞેયનું દ્વૈત જ નાશ પામે છે ત્યાં વર્ણન શી રીતે શક્ય બને ?
2. જ્ઞાનાત્મકતા : રહસ્યાનુભૂતિ અન્ય માટે અનિર્વચનીય હોવા છતાં જેને આ અનુભૂતિ થઈ છે તેને માટે તે જ્ઞાનની સ્થિતિ છે. આ અનુભૂતિ મેળવનારને એમ લાગે છે કે આ પ્રકારના અનુભવ દ્વારા તે કોઈ અદભુત જ્ઞાનનો સાક્ષાત્કાર કરે છે. તે પ્રકાશરૂપ અનુભવ છે. સત્યનો સાક્ષાત્કાર છે. મહત્ત્વ અને અર્થથી સભર છે. વળી તેના આ જ્ઞાન સાથે અધિકૃતતા-પ્રમાણભૂતતાની પ્રબળ ભાવના જોડાયેલી છે.
ઉપનિષદકાર એક રહસ્યમય પ્રશ્ન ઉઠાવે છે કે એવું શું છે, જેને જાણ્યા પછી બીજું કશું જાણવાપણું રહેતું નથી ? તેના ઉત્તરમાં આ આત્મજ્ઞાન કે રહસ્યાનુભૂતિનો જવાબ દર્શાવવામાં આવે છે.
ડૉ. આર. ડી. રાનડે રહસ્યાનુભૂતિના આ લક્ષણના સંદર્ભમાં સ્વતંત્ર રીતે લખે છે, કે જે માણસની બુદ્ધિ ગૂંચવાયેલી છે, જે મનુષ્ય ભ્રમણામાં કે માનસિક અસ્વસ્થતા અને રોગનો શિકાર બનેલો છે તેને કદી પણ સાચા રહસ્યવાદનો અનુભવ થતો નથી. પ્રો. રાનડેના શબ્દોમાં કહીએ તો ‘રહસ્યવાદીની કલ્પનાશક્તિ પ્રબળ હોવી જોઈએ. તેનામાં સૂક્ષ્મ અને વિશુદ્ધ બુદ્ધિ-શક્તિ હોવી જોઈએ. આ જ્ઞાન અંત:પ્રેરણાત્મક હોય છે.’’
રહસ્યાનુભૂતિ બુદ્ધિથી પર છે એનો અર્થ ક્યારેય એવો ન કરી શકાય કે તે બુદ્ધિથી નિમ્ન કક્ષાયુક્ત, અબૌદ્ધિક છે. વાસ્તવમાં તે બુદ્ધિથી કંઈક વિશેષ છે. કારણ કે જે પરમસતને બુદ્ધિ કદી પણ પહોંચી શકતી નથી તેની સાક્ષાત્ અનુભૂતિ રહસ્યવાદી પાસે છે.
વિલિયમ જેમ્સ ઉપરનાં બંને લક્ષણ મુખ્ય માને છે, જ્યારે નીચેનાં બે લક્ષણને ગૌણ પ્રકારનાં માને છે.
3. ક્ષણિકતા : સામાન્યત: રહસ્યાનુભૂતિની સ્થિતિ લાંબા કાળ માટે ચાલતી નથી. જેમ્સ કહે છે તે પ્રમાણે અનુભવાત્મક સૃદૃષ્ટિની ભૂમિકા પર ઈશ્વરનો સાક્ષાત્કાર થોડી ક્ષણ પૂરતો જ હોય છે. અપવાદરૂપ ઉદાહરણોમાં પણ તે વધારેમાં વધારે કલાક બે કલાક રહી અદૃશ્ય થઈ જાય છે. જોકે આવા અપરોક્ષ સાક્ષાત્કારની ઝાંખી અને સ્મૃતિ રહસ્યવાદીને લાંબા સમય સુધી રહેતી હોય છે. ફરી વાર જ્યારે આ પ્રકારનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તુરત જ તે ઓળખી શકે છે.
યોગદર્શન અનુસાર નિર્વિકલ્પ સમાધિની અવધિ એકવીસ કલાકની ને વધુમાં વધુ એકવીસ દિવસની દર્શાવવામાં આવી છે; તેમ છતાં વેદાન્તના ગ્રંથોમાં અને શ્રીમદભગવદગીતામાં વર્ણવેલા જીવનમુક્તની આંતરિક સ્થિતિના કાયમીપણાને ધ્યાનમાં લેતાં ક્ષણિકતાનું લક્ષણ ગૌણ પુરવાર થાય છે.
એક અર્થમાં આ અનુભૂતિ દરમિયાન સમયશૂન્યતાનો ભાવ થાય છે, તો કેટલીક વાર આ અનુભવને શાશ્વતીનો તો કેટલીક વાર સનાતન વર્તમાનનો અનુભવ પણ ગણાવાયો છે.
4. નિષ્ક્રિયતા : જેમ્સની દૃષ્ટિએ રહસ્યવાદી અંગત રીતે નિષ્ક્રિય બની જાય છે. કેટલીક વાર પ્રાથમિક ક્રિયા જેવી કે ધ્યાન કેન્દ્રિત કરવું, શરીરને યૌગિક સાધનામાંથી પસાર કરવું વગેરે પૂર્વતૈયારીરૂપ પ્રવૃત્તિ થતી હોવા છતાં રહસ્યાનુભવ થયો હોય તે વ્યક્તિને પોતાની સંકલ્પક્રિયા અદૃશ્ય થઈ ગઈ હોય એમ લાગે છે. તેની પોતાની અંગત ઇચ્છાશક્તિ નિષ્ક્રિય બની જાય છે અને તે પોતે જાણે અલૌકિક શક્તિના પ્રભાવ તળે ખેંચાઈ રહી હોય એમ તેને લાગે છે.
જ્યાં સુધી બાહ્ય પ્રક્રિયાને અને આંતરિક અહમભાવને લાગેવળગે છે ત્યાં સુધી આ નિષ્ક્રિયતાની જેમ્સ-કથિત વાત ગીતાના કર્મયોગ દ્વારા સમજી શકાય તેમ છે. રહસ્યવાદી કર્તાભાવથી કે અહમબુદ્ધિથી મુક્ત રીતે કર્મમાં અકર્મનો અનુભવ કરે છે. ભક્તિપરાયણતાની દૃષ્ટિએ આ તેની શરણાગતિની સ્થિતિ છે. સામાન્ય માણસ હંમેશાં પ્રતિક્રિયા વડે ક્રિયાશીલ બનતો જોવા મળે છે. રહસ્યવાદી ક્રિયા કરતો છતાં પ્રતિક્રિયાથી મુક્ત હોય છે.
ઉપર દર્શાવેલાં ચાર લક્ષણોમાં રહસ્યવાદી પ્રો. આર. ડી. રાનડે તેમના ‘મિસ્ટિસિઝમ ઇન મહારાષ્ટ્ર’ નામના ગ્રંથમાં બીજાં બે વધારાનાં લક્ષણો ઉમેરે છે : 1. ઊર્મિશીલતા, 2. નૈતિકતા.
1. ઊર્મિશીલતા : પ્રો. રાનડે માને છે કે શુદ્ધ અને દૈવી ઊર્મિ અને તેનો ઉપયોગ રહસ્યવાદી માટે ખાસ જરૂરી બાબત છે. તુલસીદાસ, સૂરદાસ, મીરાંબાઈ, ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, સેન્ટ ટેરેસાનાં વાણી કે લખાણોમાં, સૂફીઓ અને પુદૃષ્ટિમાર્ગીઓનાં ગીતો-પદો ને કાવ્યોમાં સ્પષ્ટ રીતે ઊર્મિ અને ભાવનાનું ઈશ્વર પરત્વેનું ખેંચાણ પ્રગટ થતું જોવા મળે છે, જેને ‘ભાવસમાધિ’ શબ્દથી નિર્દેશાય છે. રહસ્યવાદીનું જીવન કવિ અને કલાકારના જીવન જેવું ઊર્મિલ અને ભાવુક હોય છે. સ્પિનોઝાની એ હંમેશની માન્યતા હતી કે માનવીય ઊર્મિઓનું ઈશ્વર પરત્વેના જ્ઞાનાત્મક પ્રેમમાં રૂપાન્તર થવું જોઈએ.
અંડરહિલનાં લખાણોમાં આ લક્ષણને વિશે સંપૂર્ણ સમર્થન મળતું જોવા મળે છે. તે કહે છે કે રહસ્યવાદીનાં વ્યવહાર અને પદ્ધતિ એકમાત્ર પ્રેમ ઉપર નિર્ભર છે. આ પ્રેમ દુન્યવી તમામ આશા-તૃષ્ણાના આકર્ષણથી મુક્ત કેવળ સ્વ-ના ઊગમ-સ્રોતરૂપ પરમ સત્ય માટેનો પ્રેમ હોય છે. તે જીવંત જ્ઞાનાત્મક અને સહજસ્ફૂર્તિરૂપ હોય છે. તે બહિર્ગત હોવાની અપેક્ષાએ અંતર્ગત હોય છે. વળી આવા પ્રેમી પોતાનું બધું છોડી દે છે. એટલા માટે કે તે બધામાં રહેલા એકને ઝંખે છે. જે એકમાંથી જ આ બધું વહે છે તે શુભના પ્રદાનરૂપ પોતાની ભેટો તરફ દૃષ્ટિ ફેંકવાને બદલે આ બધી ભેટ આપનાર કૃપાનિધાન ભણી નજર માંડે છે. તેને પોતાને કંઈ મળે તેમાં તેને ખાસ રસ નથી, જેટલો તેને આપનાર સાથેના તાદાત્મ્યમાં રસ છે. આ અર્થમાં રહસ્યવાદી અને પ્રેમી બંને એક જ સેનાના સેનાપતિ છે; જે વ્યક્તિગત અહમને દૂર કરી દૈવી સામ્રાજ્ય પર વિજય મેળવે છે.
2. નૈતિકતાનું તત્ત્વ : સામાન્યત: એમ માનવામાં આવે છે કે રહસ્યવાદી પોતાના કર્તવ્યની, સામાજિક ફરજોની ઉપેક્ષા કરે છે; પરંતુ રહસ્યવાદીઓનાં જીવન અને કાર્યનો ઊંડો અભ્યાસ કરનાર જોઈ શકશે કે આ માન્યતા અધૂરા નિરીક્ષણ ઉપર આધાર રાખે છે. વાસ્તવમાં સામાજિક કક્ષાની નીતિમત્તા કરતાં એક ચડિયાતી કક્ષાની નીતિમત્તા પણ છે, જેને ‘અંત:સ્ફુરણાત્મક નીતિમત્તા’ કહેવામાં આવે છે. રહસ્યવાદી પરંપરાના સ્થાને સ્ફુરણાને અનુસરે છે. આથી જ નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન કરવા ગયા હતા. એકનાથે ગંગાજળ તરસ્યા ગધેડાને પિવડાવી દીધું હતું અને મીરાંબાઈએ મેવાડ છોડ્યું હતું.
કાયદાની ભાષામાં નાગરિક ધર્મ નૈતિકતા છે – દેશવાસીને ભાઈ-બહેન માનવા પ્રેરવામાં આવે છે; પરંતુ રહસ્યવાદી માટે તો જે કોઈ છે તે પોતાના આત્માનું જ સ્વરૂપ છે. આથી તેના તરફનું સહજ કર્મ નૈતિક કર્મ જ બની રહેવાનું.
નૈતિક જીવનની ખરી પ્રેરણા બહારથી પ્રાપ્ત થતી નથી. તે આંતરિક વિકાસની અપેક્ષા રાખે છે. ‘आत्मवत् सर्वभूतेषु’નો આદર્શ રહસ્યવાદી આદર્શ છે. મિ. અંડરહિલ રાનડેસાહેબના આ લક્ષણનો રહસ્યાનુભૂતિના લક્ષણરૂપે સ્વીકાર કરે છે.
રહસ્યવાદનાં પ્રકારો અને પ્રક્રિયા : ડબ્લ્યૂ ટી. સ્ટેસ રહસ્યવાદના હાર્દરૂપ લક્ષણ તરીકે એકત્વની અનુભૂતિને જણાવે છે. તેમના મતે રહસ્યાનુભૂતિ એક નિતાંત નવીન ચેતનાની અનુભૂતિ છે. તેમાં ઇન્દ્રિય-બુદ્ધિનાં સંવેદનોનો સમાવેશ થતો નથી કે ન વિચારોનો સમાવેશ થાય છે. પરિપક્વ સાચુકલા રહસ્યવાદી અનુભવમાં એકત્વનો અનુભવ થાય છે. કેટલાક ઈશ્વરવાદીઓ આ એકત્વને ‘ઈશ્વર’ એવું નામ આપી ઈશ્વર સાથેની એકતાનો અનુભવ કહી વર્ણવે છે; પરંતુ, એમ કરવાથી બૌદ્ધ રહસ્યવાદને ન્યાય કરી શકાતો નથી. જ્યારે આ એકત્વ પરમતત્વને સત્ય કે નિર્વાણ જેવી સ્થિતિ તરીકે ઓળખાવી શકાય.
રહસ્યવાદ કાં તો બહિર્મુખ સ્વરૂપી હોય છે અથવા અંતર્મુખ સ્વરૂપવાળો. બહિર્મુખ સ્વરૂપના રહસ્યવાદમાં એકત્વ અનુભવાય છે; છતાં તેની અભિવ્યક્તિ બાહ્ય પદાર્થો જેવા કે પહાડો, નદીઓ, તારાગણ, વૃક્ષો સાથેની એકતાવાળી હોય છે; પરંતુ આંતરિક એકત્વની અભિવ્યક્તિ આ પ્રકારનાં ઇન્દ્રિય-બુદ્ધિની ચેતનાનાં તમામ નામ-રૂપથી રહિત હોય છે.
પ્રક્રિયા : રહસ્યાનુભૂતિની પ્રાપ્તિ અપવાદરૂપ વ્યક્તિ માટે સહજ કે આકસ્મિક રૂપમાં થતી જોવા મળે છે; છતાં તે પ્રયત્ન-સાધ્ય પણ ગણી શકાય તેમ છે.
સ્ટેસના મતે એ શક્ય છે કે પ્રયત્નપૂર્વક ઇન્દ્રિય-સંવેદનના અનુભવ ઉપર નિયંત્રણ મેળવી શકાય છે. મનમાં ઉદભવતા વિચારો, સંકલ્પો-ભાવો કે તમામ પ્રકારના મનના તરંગોને રોકી શકાય છે. આમ સંવેદન અને વિચારથી મુક્ત સ્થિતિ સામાન્યત: જડતા કે ઊંઘની લાગવા છતાં રહસ્યવાદી માટે તેવી સ્થિતિ નથી. નિર્વિચાર અવસ્થા સંપૂર્ણ સભાનતાની સ્થિતિવાળી હોઈ શકે છે. રહસ્યવાદ અનુસાર નિર્વિચાર સભાનતાનો અનુભવ રહસ્યાનુભૂતિનો જ અનુભવ છે.
યોગમાર્ગ આ માટેના વિવિધ પ્રયોગો સૂચવે છે, જેમના પરિણામે ઇન્દ્રિય અને બૌદ્ધિક ચેતનાના વિષયોથી મુક્ત નવતર રહસ્યાનુભૂતિ પામી શકાય.
ખ્રિસ્તી ધર્મમાં સક્રિય પ્રાર્થના આ માટેની પ્રક્રિયા છે, જે સામાન્ય અર્થની પ્રાર્થનાથી જુદી છે.
બૌદ્ધ, ઝેન બુદ્ધિઝમ વગેરે ધ્યાનપ્રધાન ધર્મો છે. જ્યારે ભક્તિ સંપ્રદાય ભાવપ્રધાન હોવાથી તેમાં નામસ્મરણ, પૂજા, એકાગ્રતા વગેરેનો ઉપયોગ થાય છે.
રહસ્યવાદના મહત્ત્વનો સ્વીકાર : આજના વૈજ્ઞાનિક યુગમાં રહસ્યવાદી જીવન-અભિગમની ઉપયોગિતાનો સ્વીકાર જેમ બર્ટ્રાન્ડ રસેલે કર્યો છે, તેમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક ફ્રીટ્ઝોફ કાપ્રાએ પણ કર્યો છે. કાપ્રા કહે છે : ‘રહસ્યવાદી તાઓ(પરમતત્ત્વ)ના મૂળને સમજે છે, પણ શાખાઓને નહિ; વૈજ્ઞાનિક શાખાઓને સમજે છે, પણ મૂળને નહિ; વિજ્ઞાનને કદાચ રહસ્યવાદની જરૂર ન હોય અને રહસ્યવાદને કદાચ વિજ્ઞાનની જરૂર ન હોય, પરંતુ માણસને બંનેની જરૂર છે.’
મુકુન્દ કોટેચા