રસ્તા (ભૂમિમાર્ગ) : વિવિધ ભૂમિસ્થળોને જોડતો પગપાળા ચાલવાનો અથવા પરિવહન માટેનો પથ. રસ્તાઓ વિભિન્ન પ્રકારના હોય છે, જેવા કે ગ્રામવિસ્તારોને જોડતા સ્થાનિક રસ્તાઓ (local roads); તે સાંકડા હોય છે. શહેરોને જોડતા મુખ્ય રસ્તાઓ (main roads); તે પહોળા હોય છે. શહેરની અંદર બનાવેલા રસ્તાઓ (શેરીઓ streets) તેમજ શહેર બહાર બનાવેલા ગોળાકાર આડરસ્તાઓ (bypasses) વસ્તીની ઓછીવત્તી સંખ્યાને અનુરૂપ સાંકડા કે પહોળા હોય છે. રાષ્ટ્રીય મહત્ત્વનાં કેન્દ્રોને જોડતા ધોરી રસ્તાઓ (highways) ખૂબ પહોળા અને બહુપંક્તીય હોય છે. મોટાં શહેરોમાં ગીચ વાહનવ્યવહારવાળાં સ્થળોએ મૂળ રસ્તા ઉપર સ્તંભો બનાવીને તેની ઉપર અથવા મૂળ રસ્તાની નીચે બોગદું (tunnel) બનાવીને તેની અંદર બીજો રસ્તો બાંધવામાં આવે છે. ધોરી રસ્તાઓ ઉપર ભારે અને ઝડપી વાહનવ્યવહાર ચાલતો હોવાથી સામસામેની દિશાઓમાં દોડતાં વાહનો અથડાઈ ન પડે તે માટે સલામતી અવરોધક તરીકે બહુપંક્તિઓ(multilanes)ની બરાબર મધ્યમાં સિમેન્ટના બ્લૉક અથવા પથ્થર જડેલા અથવા હરિયાળું ઘાસ, ફૂલછોડ કે ફૂલઝાડ વાવેલા જમીનના પટ્ટા હોય છે. વાહનવ્યવહાર સરળ રીતે ચાલે તે માટે જે સ્થળે ધોરી માર્ગને અન્ય નાનામોટા માર્ગ છેદતા હોય તે સ્થળે પુલ અથવા ફ્લાયઓવર (flyover) બનાવીને ધોરી માર્ગ પુલ કે ફ્લાયઓવરની ઉપરથી અને અન્ય નાનામોટા માર્ગ નીચેથી પસાર થાય તે પ્રકારનું બાંધકામ કરવામાં આવે છે. આ સ્થળો પરસ્પર અદલબદલનાં સ્થળો (interchanges) તરીકે ઓળખાય છે. વિકસિત દેશોમાં આવાં કેટલાંક સ્થળોએથી ધોરી માર્ગ ઉપર ફક્ત સીમિત અને નિયંત્રિત પ્રવેશ (entry) અથવા નિષ્કાસન (exit) આપવામાં આવે છે; જેથી રાષ્ટ્રીય વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થાય નહિ. આ હેતુથી બંને માર્ગોને સાંકળતા ઢાળવાળા અને વળાંકવાળા રસ્તાઓ (ramp/slip roads) બનાવવામાં આવે છે. ધોરી માર્ગો અમેરિકામાં ‘એક્સપ્રેસ-વે’, ગ્રેટ બ્રિટનમાં ‘મોટર-વે’, જર્મની, ઑસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં ‘ઑટો બાન’ અને ઇટાલીમાં ‘ઑટો સ્ટ્રેડા’ તરીકે ઓળખાય છે. જો ધોરી માર્ગ ઉપર માર્ગ-કર (toll) લેવાતો ન હોય તો તેને ‘કરમુક્ત’ (free) માર્ગ અને માર્ગ-કર લેવાતો હોય તો તેને ‘ટર્નપાઇક’ (turnpike) માર્ગ કહેવાય છે. ‘ટર્નપાઇક’ માર્ગ ઉપર જતાં-આવતાં વાહનોને માર્ગની વચમાં આડશ ઊભી કરીને બનાવેલાં નાકાં ઉપર રોકવામાં આવે છે અને તેમની પાસેથી માર્ગ-કર વસૂલ કરવામાં આવે છે. લગભગ બધાં રાષ્ટ્રોમાં મુખ્ય રસ્તાઓને વર્ણમાળાના અક્ષરો અને સંખ્યાના ક્રમાંક આપવામાં આવે છે. ધોરી માર્ગની બાજુમાં ઊભાં કરેલાં પાટિયાં અને સ્તંભો ઉપર અક્ષરો અને ક્રમાંકનાં ચિહ્નો ઉપરાંત પ્રવેશ અને નિષ્કાસનસંકેત, પેટ્રોલ/ગૅસોલિન બળતણના પંપ, રેસ્ટોરાંની સવલત, વાહનની મહત્તમ ઝડપમર્યાદા અને વાહનો થોભાવી શકાય તેવાં નિયત સ્થળો(parking places)ની વિગતો પ્રવાસીઓને મદદરૂપ થવા માટે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત વિકસિત દેશોમાં ધોરી માર્ગ ઉપર થાંભલાઓની મદદથી લટકાવેલાં ચોકઠાંમાં સૂચક માર્ગદર્શનો કંડારીને અને જરૂર પડ્યે તેમને વિદ્યુત દ્વારા પ્રકાશિત કરીને ખરાબ હવામાન-સમયે અથવા માર્ગ અકસ્માત-સમયે પ્રવાસીઓને વાહનની ઝડપ મર્યાદિત કરવા અને ઘટાડવા માટે સૂચનો કરવામાં આવે છે.
વિશ્વનો પ્રત્યેક દેશ રસ્તાઓ ઉપરના અકસ્માત અટકાવવા માટે પ્રયત્નશીલ હોય છે, છતાં માનવીય નબળાઈથી દર વર્ષે નાનામોટા અકસ્માતો અને વધતી-ઓછી જાનહાનિ થાય છે. આવા અકસ્માતોમાં દર વર્ષે યુ.એસ.માં 41,000; થાઇલૅન્ડમાં 15,000; જાપાનમાં 11,000 અને દક્ષિણ કોરિયામાં 10,000 મનુષ્યો માર્યા જાય છે. વિશ્વના ભૂમિમાર્ગ અકસ્માતોમાં કેટલીક વાર જાનહાનિ અકલ્પનીય હોય છે. ઑગસ્ટ 1956માં કોલમ્બિયામાં થયેલા અકસ્માતમાં 1,200 અને નવેમ્બર 1982માં અફઘાનિસ્તાનમાં થયેલા અકસ્માતમાં 2,000 માણસો માર્યા ગયા હતા.
પ્રાચીન સમયમાં મનુષ્યો અથવા પ્રાણીઓની અવરજવરથી અને ગાડાવાટથી બનેલાં બે સ્થળો વચ્ચેના વનસ્પતિરહિત પથને રસ્તો કહેવામાં આવતો હતો. ધીમે ધીમે પૈડાંવાળાં વાહનોની અવરજવર વધવાથી સુગમ રસ્તા બનાવવાની કલ્પના સાકાર થવા માંડી. સૌપ્રથમ મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિઓએ વેપારની વૃદ્ધિ માટે રસ્તાઓ બનાવવાનું શરૂ કર્યું હતું તેમ માનવામાં આવે છે. ત્યારપછી પર્શિયન રાજમાર્ગ નામનો ઈરાનના અખાતથી ઇજિયન સમુદ્ર સુધીનો 2,857 કિલોમીટર લાંબો રસ્તો, અમ્બર માર્ગ નામનો ગ્રીસ અને ટસ્કનીથી બાલ્ટિક સમુદ્ર સુધીનો યુરોપીય રસ્તો, પૂર્વ એશિયા અને ચીનનાં મુખ્ય શહેરોને જોડતા 2,000 કિલોમીટર લાંબા રસ્તાઓ, વરસાદી પાણી એકઠું થયા વિના સરળતાથી વહી જાય તેવા ઈંટો વડે બાંધેલા સિંધુ ખીણના રસ્તાઓ, મૌર્ય સામ્રાજ્યને સુગઠિત રાખવા માટે તેના જાહેર બાંધકામખાતાએ બાંધેલા રસ્તાઓ, વૈજ્ઞાનિક પદ્ધતિથી રેતી, પથ્થર, ચૂનો અને ચકમક – એમ એક ઉપર એક સ્તર પાથરીને રોમન સામ્રાજ્યે બ્રિટનથી ઉત્તર આફ્રિકા અને સ્પેનથી ઈરાની અખાત સુધી બાંધેલા એકદમ સીધા રસ્તાઓ કાળક્રમે અસ્તિત્વમાં આવ્યા હતા; પરંતુ સંસ્કૃતિઓનો હ્રાસ અને સામ્રાજ્યોનો અસ્ત થતાં રસ્તાઓની માવજત ઓછી થવાથી તે ઉજ્જડ બની ગયા. જોકે રોમથી ભારત અને ચીનને જોડતો રેશમ માર્ગ એકાંતરે સમયે (intermittently) ઉપયોગમાં લેવાતો, પરંતુ યુદ્ધ અને રખડુ જાતિઓના હુમલાથી ઘણી વાર તે બંધ રહેતો.
18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થવાથી રસ્તાઓના બાંધકામમાં ફરીથી રસ વધવા માંડ્યો. જૉન મૅક ઍડમ નામના એન્જિનિયરે રસ્તો બાંધવાની વિશિષ્ટ પદ્ધતિ વિકસાવી, તે ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં રસ્તા બાંધનારાઓએ તરત અપનાવી લીધી. આ પદ્ધતિ મુજબ રસ્તો બનાવવા માટે જમીનની સપાટી ઉપર અનુક્રમે મોટા કદના અને મધ્યમ કદના પથ્થરોનું સ્તર બનાવીને તેમને ભારે વજનનું રોલિંગ એન્જિન ફેરવીને દબાવવામાં આવે છે. ત્યારપછી તેમની ઉપર ડામરમાં રગદોળેલા અનુક્રમે નાના કદના પથ્થરોનું અને કપચીનું સ્તર બનાવીને તેમને પણ ડામર ગરમ હોય તે જ સમયે દબાવવામાં આવે છે. આ પદ્ધતિથી બનાવેલા રસ્તાઓ મજબૂત હોય છે, પરંતુ ભારે વાહનોની અવરજવર વધવાથી તથા ગતિમર્યાદામાં વધારો કરવાની અપેક્ષાથી સિમેન્ટથી વધારે મજબૂત રસ્તા બનાવવાનું શરૂ થયું. આ પદ્ધતિમાં પણ રસ્તો બનાવવા માટે જમીનની સપાટી ઉપર અનુક્રમે મોટા કદના અને મધ્યમ કદના પથ્થરોનું સ્તર બનાવીને ભારે વજનનું રોલિંગ એન્જિન ફેરવીને પથ્થરોને દબાવવામાં આવે છે. ત્યારપછી તેમની ઉપર નાના કદના પથ્થર અને કપચી સાથે સિમેન્ટમાં પાણી નાંખીને બનાવેલો રગડો પાથરવામાં આવે છે. સિમેન્ટ સુકાય ત્યારે તિરાડો પડવાની સંભાવના હોય છે. તે ટાળવા માટે લોખંડના સળિયાનું ચોકઠું મધ્યમ કદના પથ્થરોના સ્તર ઉપર મૂકીને તેમાં સિમેન્ટનો રગડો પાથરવામાં આવે છે. રસ્તાઓ સુંદર દેખાય તે માટે તેમની બંને બાજુએ વૃક્ષો અને છોડ તથા વરસાદી પાણીથી રસ્તાની કિનારીઓ ધોવાઈ ન જાય તે માટે કિનારી ઉપર વિશિષ્ટ પ્રકારનું ઘાસ ઉગાડવામાં આવે છે. રસ્તા બનાવવાનો અને જાળવવાનો ખર્ચ સામાન્ય રીતે નગર પંચાયત કે નગર નિગમ જેવી સ્થાનિક સંસ્થાઓ અથવા સરકાર ભોગવે છે અને તે ખર્ચ પેટ્રોલ/ગૅસોલિન ઉપર કર, વાહન રજિસ્ટ્રેશન-ફી અને ડ્રાઇવિંગ લાઇસન્સ-ફી દ્વારા વસૂલ કરવામાં આવે છે. ઘણાખરા દેશોમાં હવે ધીમે ધીમે ખાનગી ક્ષેત્ર દ્વારા રસ્તાઓ બંધાવવાનું ‘બોલ્ટ’ (BOLT – Build, Operate, Lease and Transfer) બાંધો, કાર્યરત કરો, ભાડું ઉઘરાવો અને રાજ્યને તબદીલ કરો) નામથી ઓળખાતું વલણ વધતું જાય છે. આ પદ્ધતિ હેઠળ ખાનગી ક્ષેત્ર પોતાના નાણાકીય સ્રોત વડે રસ્તો બાંધે છે; રસ્તાની પડતર-કિંમત, રોકાણનું વ્યાજ અને વાજબી નફો માર્ગ-કર દ્વારા વસૂલ કરે છે અને પડતર-કિંમત, અને વ્યાજ વસૂલ થઈ જાય પછી અવધિ વીત્યે માર્ગ બાંધનાર કૉન્ટ્રાક્ટર રસ્તાને સ્થાનિક સત્તા અથવા સરકારને સોંપી દે છે. અર્વાચીન પદ્ધતિથી રસ્તો બાંધવા માટે જમીનનો પ્રકાર (type of soil), ભૂતલીય પરિસ્થિતિ (topography), વરસાદી પાણીનો નિકાલ વગેરે અનેક બાબતોનો હવાઈ સર્વેક્ષણથી અભ્યાસ કરવામાં આવે છે અને તે પ્રમાણે રસ્તાની ડિઝાઇન નક્કી કરવામાં આવે છે.
વિશ્વમાં રસ્તાઓની જે અતિવિશાળ જાળગૂંથણીઓ છે તેમાંની એક ભારતમાં છે. રસ્તાઓ પાછળ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 1999-2000માં બજેટમાંથી રૂ. 2,163 કરોડ અને સેસ (cess) ફંડમાંથી રૂા. 1,900 કરોડ ખર્ચ્યા હતા, તેની સામે નાણાકીય વર્ષ 2000-2001માં અનુક્રમે 2,506 કરોડ અને રૂ. 2,010 કરોડ ખર્ચવાનો લક્ષ્યાંક છે. રસ્તાઓના બાંધકામ માટે આંતરિક સ્રોત ઉપરાંત વિશ્વબૅન્ક, એશિયન ડેવલપમેન્ટ બૅન્ક અને ઓવરસીઝ ઇકૉનૉમિક કો-ઑપરેશન ફંડ, જાપાન પાસેથી ઋણ લેવામાં આવે છે. માર્ચ, 1997ની આખરે ભારતમાં નાનામોટા 56 રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ 52,010 કિમી., રાજ્યોના પાકા (surfaced) રસ્તાઓની લંબાઈ 13,94,061 કિમી. અને ફક્ત પથ્થર પાથરેલા (unsurfaced) રસ્તાઓની લંબાઈ 10,71,816 કિમી. હતી. રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ આમ તો દેશના કુલ રસ્તાઓની લંબાઈના માંડ 2 % જેટલી છે, છતાં તેમની ઉપર દેશના કુલ વાહનવ્યવહારનો 40 % વાહનવ્યવહાર ચાલે છે. વિશ્વમાં મહત્તમ ઊંચાઈએ બાંધેલો રસ્તો કાશ્મીરમાં ખારડુંગલા ઘાટ ઉપર છે. સમુદ્રસ્તરથી તેની ઊંચાઈ 5,682 મીટર છે. આ રસ્તો બૉર્ડર રોડ્ઝ ઑર્ગેનાઇઝેશન, નવી દિલ્હીએ બાંધ્યો છે અને 1988માં વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેની સરખામણીમાં વિશ્વમાં લઘુતમ ઊંચાઈએ બાંધેલો રસ્તો ઇઝરાયલમાં મૃત સમુદ્ર(dead sea)ના કિનારે છે અને સમુદ્રસ્તરથી 393 મીટર નીચાણમાં છે.
જયન્તિલાલ પો.જાની