રસ્ક, વિમ (જ. 29 ઑગસ્ટ 1940, ઍમ્સ્ટરડૅમ, હોલૅન્ડ) : હોલૅન્ડના જૂડોના ખેલાડી. 1.90 મી. અને 118 કિગ્રા.નું દેહપ્રમાણ હોવા છતાં તેઓ જૂડોના અત્યંત શક્તિશાળી અને વેગીલા ખેલાડી બની રહ્યા. જૂડોનો વિશ્વવિજયપદક 4 વખત જીતનાર તેઓ સર્વપ્રથમ ખેલાડી બન્યા. 93 કિગ્રા. ઉપરાંતના વર્ગમાં તેઓ 1967 અને 1971માં સફળ નીવડ્યા અને ત્યારબાદ 93 કિગ્રા. ઉપરાંતના વર્ગમાં અને ઓપન સ્પર્ધામાં ઑલિમ્પિક રમતોત્સવ ખાતે 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. તેઓ 1969 અને 1972માં યુરોપિયન ઓપન ચૅમ્પિયન બન્યા અને 1967, 1969 અને 1971-72માં 93 કિગ્રા. ઉપરાંતના વર્ગમાં ચૅમ્પિયન રહ્યા. ત્યારબાદ તેઓ ડચ જૂડો ટીમના પ્રશિક્ષક (coach) પણ બની રહ્યા.
મહેશ ચોકસી