રસ્ક, ડીન ડેવિડ ડીન રસ્ક (જ. 9 ફેબ્રુઆરી 1909, ચેરોકી કાઉન્ટી, જ્યૉર્જિયા રાજ્ય; અ. 20 ડિસેમ્બર 1994) : જૉન કૅનેડી અને લિન્ડન બી. જૉન્સનના શાસન હેઠળ અમેરિકાના ગૃહમંત્રી અને અમેરિકાની વિયેટનામ નીતિના પ્રખર સમર્થક. તેઓ 1931માં ડેવિડસન કૉલેજમાંથી સ્નાતક થયા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની સેંટ જૉન કૉલેજમાંથી તેમણે અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ રહૉડ્ઝ સ્કૉલર ઘોષિત થયેલા. તેમણે કારકિર્દીની શરૂઆત પ્રાધ્યાપક તરીકે કરી હતી. કૅલિફૉર્નિયા રાજ્યના ઑકલૅન્ડ શહેરની મિલ્સ કૉલેજમાં તેમણે 1934-40 રાજ્યશાસ્ત્રના વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું; દરમિયાન 1938માં તેઓ વિદ્યાશાખાના ડીન બન્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં તેમને અગ્નિ એશિયાની અને સવિશેષ રૂપે ભારત, મ્યાનમાર અને ચીનની સીમારેખાઓ સંભાળવાની કામગીરી ડેપ્યુટી ચીફ ઑવ્ સ્ટાફના હોદ્દા સાથે સોંપાઈ હતી. યુદ્ધ બાદ અમેરિકાના યુદ્ધવિભાગનો અને પછીથી ગૃહ-વિભાગનો હવાલો તેમને સોંપવામાં આવ્યો. 1950માં તેમણે દૂર પૂર્વના વિસ્તારોના ઉપમંત્રી તરીકે કોરિયાના યુદ્ધમાં કામગીરી બજાવી. તેમણે કોરિયાના યુદ્ધનું સમર્થન કરેલું, પણ યુદ્ધ ચીન સુધી વિસ્તારવાના જનરલ ડગ્લાસ મૅકઆર્થરના મંતવ્ય સાથે તેઓ અસંમત ન હતા.
1952થી ’61 રૉકફેલર ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકેની કામગીરી બાદ 1961માં અમેરિકાના પ્રમુખ જૉન એફ. કૅનેડીની સરકારમાં ગૃહમંત્રી નિમાયા. 1962માં પ્રમુખ કૅનેડીની હત્યા બાદ જૉન્સન ઉપપ્રમુખ બન્યા ત્યારે પણ તેઓ આ હોદ્દા પર ચાલુ રહ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન મુખ્યત્વે ક્યૂબાની, હિંદી ચીનની અને બર્લિનની કટોકટીનો સામનો તેમણે કર્યો હતો. વિકસતા દેશોને આર્થિક મદદ કરવાની નીતિના, વિશ્વવ્યાપાર વધારવા માટે નીચી જકાતનીતિ(low tariff)ના અને સોવિયેત સંઘ સાથે 1963ની અણુપ્રસારબંધીની નીતિના તેઓ સમર્થક હતા. સામ્યવાદનો ફેલાવો અટકાવવા લશ્કરી શક્તિનો ઉપયોગ કરવાની નીતિના તેઓ ટેકેદાર હતા. આથી વિયેટનામ યુદ્ધનો ભારે બચાવ તેઓ કરતા. પોતાને યુદ્ધનીતિનું લક્ષ્યાંક બનવા દઈને પણ સામ્યવાદી ચીનની રાજકીય માન્યતાનો તેમણે જોરદાર વિરોધ કર્યો હતો.
શાંત અને ઓછાબોલા ડીને તેમની રાજકીય કારકિર્દીમાં ઠંડા દિમાગની અપરિવર્તનશીલતાનો પરિચય કરાવ્યો હતો. રાજકીય હોદ્દાઓ પરથી જાન્યુઆરી, 1969માં નિવૃત્ત થયા બાદ 1970માં તેઓ જ્યૉર્જિયા યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયેલા.
તેમનાં ભાષણોના મહત્ત્વના અંશોનો સંગ્રહ ‘ધ વિન્ડ્ઝ ઑવ્ ફ્રીડમ’ શીર્ષકથી પ્રસિદ્ધ થયો હતો.
રક્ષા મ. વ્યાસ