રસેલ, જૉન (લૉર્ડ) (જ. 18 ઑગસ્ટ 1792, લંડન; અ. 28 મે 1878, રિચમંડ પાર્ક, સરે, ઇંગ્લૅન્ડ) : ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન (1846થી 1852 અને 1865થી 1866). તેમનો જન્મ અમીર કુટુંબમાં થયો હતો. એ બેડફર્ડના છઠ્ઠા ડ્યૂકના ત્રીજા પુત્ર હતા. નાનપણમાં ખરાબ તબિયતને કારણે જાહેર શાળામાં અભ્યાસ કરવાને બદલે એમણે પોતાના ઘરે ખાનગી અભ્યાસ કર્યો હતો. એમના પિતા ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિદ્યાપીઠના ટીકાકાર હોવાથી જૉનને એડિનબરો વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા, જ્યાં એમણે સ્કૉટિશ ફિલસૂફીનો અભ્યાસ કર્યો.
1813માં તેઓ વ્હિગ પક્ષના ઉમેદવાર તરીકે બ્રિટનની પાર્લમેન્ટના સભ્ય બન્યા. 1819માં એમણે પાર્લમેન્ટની સુધારણા તરફ લક્ષ કેન્દ્રિત કર્યું. 1830માં વ્હિગ પક્ષ સત્તા પર આવ્યો ત્યારે બંધારણીય સુધારા-સમિતિના તેઓ સભ્ય બન્યા. 1831ની 31મી માર્ચે એમણે બંધારણીય સુધારાનો ખરડો રજૂ કર્યો કે તુરત જ સમગ્ર રાષ્ટ્રમાં એમણે પ્રસિદ્ધિ મેળવી. ઇંગ્લૅન્ડમાં 1832નો ક્રાંતિકારી સુધારાવાળો બંધારણીય કાયદો ઘડવામાં અને પસાર કરાવવામાં એમનો મુખ્ય ફાળો હતો. એનાથી ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટનાં મતદારમંડળોમાં મોટા ફેરફારો થયા હતા.
તેઓ ઉદારમતવાદી સુધારાના હિમાયતી હતા. 1830થી 1835 દરમિયાન ચાર્લ્સ ગ્રેની સરકારમાં પેમાસ્ટર જનરલ તરીકે ‘ઇંગ્લિશ ડિસેન્ટર્સ’ અને ‘આયરિશ કૅથલિક્સ’ને ધાર્મિક સ્વાતંત્ર્ય આપવાની એમણે તરફેણ કરી હતી. 1835થી 1840 દરમિયાન લૉર્ડ મેલ્બૉર્નની સરકારમાં ગૃહમંત્રી તરીકે એમણે મોટાં શહેરોના સ્થાનિક વહીવટમાં લોકશાહીનું તત્ત્વ દાખલ કર્યું. જન્મ, મરણ અને લગ્નની નોંધણી માટે તેમણે કાયદો કર્યો. દેહાંત-દંડની સજા દ્વારા એમણે ગંભીર ફોજદારી ગુનાની સંખ્યામાં ઘટાડો કર્યો. મેલ્બૉર્નની સરકારમાં એમણે સંસ્થાનો માટેના મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. 1841થી 1846 દરમિયાન તેઓ સત્તામાં ન હતા ત્યારે એમણે મુક્ત વ્યાપારની નીતિને પ્રોત્સાહન આપી વ્હિગ પક્ષની પ્રતિષ્ઠા વધારી. પરિણામે 1846માં વ્હિગ પક્ષ સત્તા પર આવ્યો અને જૉન રસેલ ઇંગ્લૅન્ડના વડાપ્રધાન બન્યા.
1846થી 1852 સુધીના એમના વડાપ્રધાનપદ દરમિયાન એમણે કારખાનાંના મજદૂરો માટે 10 કલાકના દિવસનો કાયદો ઘડ્યો અને જાહેર આરોગ્ય માટે રાષ્ટ્રીય સમિતિની રચના કરી. જોકે પક્ષમાંના મતભેદો અને નબળી નેતાગીરીને કારણે તેઓ યહૂદીઓ પરના નાગરિક પ્રતિબંધો દૂર કરી શક્યા નહિ અથવા શહેરોના કામદારોને મતાધિકાર અપાવી શક્યા નહિ. પછીનાં વર્ષોમાં એમની મુશ્કેલીઓમાં વધારો થયો. 1865-66 દરમિયાન એ ફરીથી વડાપ્રધાન બન્યા. મતાધિકારને વિસ્તૃત કરવાના પ્રયત્નમાં એમની સરકારનું પતન થયું. એમના વિચારો ઉદાર હોવા છતાં એ વરિષ્ઠ નેતાઓનો સાથ મેળવવામાં નિષ્ફળ ગયા. એમના ટીકાકારોના મત પ્રમાણે એમનામાં વહીવટી કાર્યક્ષમતા ઓછી હતી.
1855થી 1859 દરમિયાન એમણે રાજકારણને બદલે સાહિત્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એમણે જીવનચરિત્ર, ઇતિહાસ અને કાવ્યને લગતાં પુસ્તકો લખ્યાં. વિશ્વવિખ્યાત વિદ્વાન અને ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલના એ પિતામહ હતા. 1861માં એમને ‘અર્લ’નો ઇલકાબ આપવામાં આવ્યો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી