રસિકવલ્લભ

January, 2003

રસિકવલ્લભ (1828) : દયારામે (1777-1853) રચેલી દાર્શનિક પદ્યકૃતિ. દયારામે તેમની 51 વર્ષની વયે તેની રચના કરી હતી. બધાં મળીને, તેમાં 109 પદો છે. આખ્યાનનો કડવાબંધ તેમાં સ્વીકારાયો છે. કેટલાંક પદોમાં ‘ઊથલા’ની પણ યોજના છે. દયારામની નિષ્ઠા પુદૃષ્ટિસંપ્રદાયમાં હતી. એથી એ સંપ્રદાયના સિદ્ધાન્તપક્ષને લોકભોગ્ય બનાવવા માટે જ કદાચ, તેમણે આ ગ્રંથ પદ્યબંધમાં રચ્યો જણાય છે. ‘रसो वै सः’ એવા શ્રીકૃષ્ણચંદ્ર અને તેમની કૃપા માટે પુદૃષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રીમદવલ્લભાચાર્યજીનાં નામો સૂચિત રીતે દયારામે ‘રસિકવલ્લભ’ શીર્ષકમાં ગૂંથ્યાં છે એમ કહી શકાય. શ્રીમદ્-શંકરાચાર્યના કેવલાદ્વૈત મતનો વિરોધ કરી શ્રીમદવલ્લભાચાર્યજીએ જગત પ્રભુનું કાર્ય હોઈ તે સત્ય જ છે, એવો સિદ્ધાન્ત પ્રર્વતાવ્યો. વાદોની ખંડનમંડનની પ્રાચીન પરંપરાને સ્વીકારીને ગુરુશિષ્યના સંવાદની પ્રયુક્તિ દ્વારા દયારામે શ્રીમદવલ્લભાચાર્યજીનાં મતોનું  બ્રહ્મ, જગત, જીવ, મોક્ષ જેવાં તત્ત્વઘટકોનું  રોચક દૃષ્ટાંતોથી નિરૂપણ કર્યું છે. ખંડન-મંડનની રીતિનો ઉપયોગ કર્યો હોઈ, દયારામનો સાંપ્રદાયિક અભિનિવેશ પણ અહીં સ્થળે સ્થળે વરતાય છે. નર્મમર્મ અને પ્રગટ કટાક્ષોની ભાષા-ભંગિઓ એમાં જોવા મળે છે.

પુષ્ટિમાર્ગના દાર્શનિક પક્ષને ‘શુદ્ધાદ્વૈત વેદાંત’ તરીકે ઓળખાવાય છે. આ સિદ્ધાન્ત અનુસાર જગત સત્ય છે; જીવ, જગત, અંતર્યામી, અક્ષરબ્રહ્મ વગેરે કાર્યરૂપ ઘટનાઓનું એક જ કારણ છે અને તે છે શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ શ્રીકૃષ્ણ. જીવ અને બ્રહ્મતત્ત્વ વચ્ચે અદ્વૈત નહિ, પણ અંશ-અંશીનો સંબંધ છે. પરબ્રહ્મસ્વરૂપ શ્રીકૃષ્ણની ભક્તિ અને સેવા એ જ તેના અંશરૂપ જીવનું ધ્યેય હોઈ શકે. શ્રીમદભગવતોક્ત નવધા ભક્તિ દ્વારા દસમી પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોચ્ચ સોપાન ચડવું, તેમાં જ પુદૃષ્ટિપથમાર્ગીનું શ્રેય છે, મોક્ષ છે, એવો વિચાર ‘રસિકવલ્લભ’માં કેન્દ્રસ્થાને છે.

પદ 1માં મંગલાચરણ સાથે ગ્રંથરચનાનો હેતુ, પદ 210માં શિષ્યની જ્ઞાનજિજ્ઞાસા અને પોતે કરેલી તીર્થયાત્રાનું નિવેદન, પદ 1118માં ગુરુમુખે શ્રીકૃષ્ણની સર્વોપરિતાનું કથન, પદ 1927માં અન્યાશ્રય છોડી હરિરસનો અધિકાર મેળવવા અનન્યાશ્રયનો બોધ, પદ 2847માં માયાવાદનું અભિનિવેશપૂર્વક ખંડન અને ભજનાનંદી ગોપીઓના ગૌરવનું નિરૂપણ, પદ 4876માં કર્મ-જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિનો મહિમા વિશેષ દર્શાવતાં રોચક દૃષ્ટાન્તો અને જ્ઞાનથી મોક્ષ મળે તે કરતાં ભક્તિ દ્વારા ભગવાનની પ્રાપ્તિ સવિશેષ મહત્ત્વની છે એવું કથન કરી પદ 77થી 96માં શ્રીકૃષ્ણશરણની વિવિધ રીતે જિકર નિરૂપાયેલી છે. પદ 97થી 107માં આંતરશુદ્ધિના બોધરૂપે નિર્દોષ દૃષ્ટિ કેળવવાનો અનુરોધ મુખ્ય છે. પદ 108માં સંદેહમુક્તિ થતાં શિષ્યનો આનંદ પ્રગટ કરી પદ 109માં ગ્રંથ-રચનાનાં વર્ષ અને સ્થાન તેમજ શ્રીનાથજીની કૃપાનો ઉલ્લેખ થયો છે.

દયારામની પુદૃષ્ટિસંપ્રદાયમાં નિષ્ઠા અને શુદ્ધાદ્વૈત વેદાંતની સમજ દર્શાવતો ‘રસિકવલ્લભ’ ગ્રંથ મધ્યકાલીન દાર્શનિક ગ્રંથોની ધારામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

સુભાષચંદ્ર મણિલાલ દવે