રસાયન-ચિકિત્સા

January, 2003

રસાયન-ચિકિત્સા : આયુર્વેદમાંની એક સારવાર-પદ્ધતિ. આયુર્વેદશાસ્ત્રમાં બે પ્રકારની ચિકિત્સા દર્શાવેલ છે : (1) વ્યાધિયુક્ત શરીરમાં એકઠા થયેલા રોગનાં કારણો-દોષોને દૂર કરી, શરીરને નીરોગી બનાવવું તે, દોષ-નિવૃત્તિ; (2) જે માણસ સ્વસ્થ છે, તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, જેના દ્વારા ભવિષ્યમાં રોગો થવાની શક્યતા ઓછી જ રહે, તે ચિકિત્સા સ્વાસ્થ્યરક્ષાવૃદ્ધિ.

આ બીજા પ્રકારની ચિકિત્સા તે રસાયન-ચિકિત્સા.

स्वास्थ्यस्योजस्करं यत्तु तद् वृष्यं तद्रसाचयनम् (चरकः वि.स्थान : 1). આ ‘રસાયન-ચિકિત્સા’ નીરોગી અને દીર્ઘજીવનનું ઉત્તમ ફળ આપે છે. શરીરના નાનામાં નાના કોષ (cell) સુધી શક્તિનો સંચાર ભરનાર ઔષધો આ પ્રકારની ચિકિત્સા-પદ્ધતિમાં સમાવિષ્ટ થાય છે. રસાયન અને વાજીકરણ – જેના દ્વારા નીરોગી શરીર તથા ઉત્તમ-પ્રજોત્પત્તિ થાય, તે આયુર્વેદની આગવી દેણગી છે. રસાયન માટે અંગ્રેજી rejuvenation therapy પર્યાય આપી શકાય.

રસાયન-ચિકિત્સાના લાભો : રસ + અયન = રસાયન. આયુર્વેદના ગ્રંથોમાં શરીરના પોષણ અને જીવન માટે સપ્તધાતુનો ક્રમ સ્વીકારવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ ‘રસ’ ધાતુ છે. બાકીની 6 ધાતુઓ ઉત્તરોત્તર આ ક્રમે આવે છે  રક્ત, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર (વીર્ય). આમ આ સાતેય ધાતુઓ જેનાથી ઉત્તરોત્તર બળવાન બને તથા શરીરને પોષણ પ્રાપ્ત થાય તે રસાયન. ‘રસાયન’ ઔષધપ્રયોગવિધિથી પ્રાપ્ત થાય છે.

રસાયનવિધિના ગુણલાભો આ પ્રમાણે છે :

(1) દીર્ઘ આયુષ્ય : મનુષ્યનું આયુષ્ય સુદીર્ઘ હોય તે તેના જીવનાનંદ માટે ખૂબ આવશ્યક ગણાય છે. રસાયન લાંબું આયુષ્ય બક્ષે છે.

(2) સ્મરણશક્તિ : સારા શરીર સાથે સારી બુદ્ધિ જરૂરી છે. સારી બુદ્ધિશક્તિનું માપ સ્મરણશક્તિ છે. રસાયન સ્મૃતિને તેજસ્વી બનાવે છે.

(3) મેધા : મેધાવી પુરુષની ધારણાશક્તિ ઉત્તમ હોય છે. રસાયન-ચિકિત્સાથી મેધા તેજસ્વી બને છે.

(4) આરોગ્ય : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે શરીર માધ્યમ છે. સારા આરોગ્ય દ્વારા શરીર વધુ સારું કામ કરે છે. રસાયન આરોગ્યવર્ધક છે.

(5) તરુણાવસ્થા : આ શરીર તરુણવયે સૌથી વધુ સ્ફૂર્તિથી કામ કરે છે અને રસાયન તરુણતા (યુવાની) બક્ષનાર છે.

(6) પ્રભા : શરીરનું ઓજ, શરીરની કાંતિ વધે અને દેદીપ્યમાન ચહેરો તથા તેવું જ શરીર બની રહે તે માટે રસાયન આવશ્યક છે.

(7) વર્ણ : શરીરનો વર્ણ-રંગ આકર્ષક હોય તો જોનારાને તે પ્રભાવિત કરે છે. વર્ણ શરીરની સપ્તધાતુની સમતુલા ઉપર આધારિત છે. રસાયન આ માટે અગત્યનો ચિકિત્સાક્રમ છે.

(8) સ્વર : વાણી-અવાજ પ્રભાવશાળી તથા અસરકારક હોઈ, તેની પ્રાપ્તિ માટે આ ચિકિત્સાક્રમ ઉત્તમ છે. વાક્સિદ્ધિ મેળવવા માટે રસાયનના જુદા જુદા ઘણા પ્રયોગો શાસ્ત્રમાં વર્ણવેલા છે.

(9) દેહ તથા ઇન્દ્રિય : પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયો પોતપોતાનું કાર્ય અસરકારક રીતે કરે તો મનુષ્યનું જીવન સારું બની રહે છે. રસાયન-ચિકિત્સા જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો બંને ઉપર પ્રભાવ પાડે છે.

(10) પ્રણતિ : શરીર સુકોમળ હોય, સ્વભાવમાં વિનમ્રતા હોય, તો સોનામાં સુગંધ ભર્યા જેવું કહેવાય. રસાયન આમાં પણ લાભકર્તા છે. તે દેહ અને મનને કોમળ બનાવે છે.

આ રીતે જોતાં રસાયન-ચિકિત્સાથી શરીર સુદૃઢ બને, મન ઉત્સાહી બને, શરીર રોગોથી ઘેરાયેલું ન રહે, ઘડપણનો પ્રભાવ શરીર ઉપર ન વરતાય, એ માટે એટલે કે જર-વ્યાધિ-વિનાશક આ રસાયન-ચિકિત્સા છે.

આ રસાયન-ચિકિત્સાનું વર્ણન આયુર્વેદના મુખ્ય ગ્રંથમાં આ મુજબ છે : મહર્ષિ વાગ્ભટ્ટે તેમના ગ્રંથના ઉત્તરતંત્રમાં, મહર્ષિ ચરકે ચિકિત્સાસ્થાનની શરૂઆતમાં તથા મહર્ષિ સુશ્રુતે ચિકિત્સાસ્થાનની મધ્યમાં તેનું વર્ણન કર્યું છે.

ઔષધિવ્યાખ્યા : ચિકિત્સામાં ઔષધ ઇચ્છનીય સ્થાને હોય છે. અહીં ઔષધનો મેડિસિન જેવો સંકુચિત અર્થ નથી. સંસ્કૃતમાં સમજાવ્યું છે કે રોગમાત્રનો ભય જેનાથી દૂર થાય છે, તે ‘ઔષધ’ જાણવું. સંસ્કૃતમાં તેના સંદર્ભમાં ‘વ્યાધિહર’, ‘પથ્ય’, ‘પ્રાયશ્ચિત્ત’, ‘પ્રશમન’, ‘પ્રકૃતિસ્થાપન’ વગેરે શબ્દો પ્રયોજાય છે. દા.ત., ‘પથ્ય’ શબ્દ માટે સુંદર વ્યાખ્યા છે. पथि हितं पथ्यम्, જે પથ એટલે કે માર્ગ (સિસ્ટમ) માટે હિતકારી છે, તે ‘પથ્ય’. આ શબ્દની વિરુદ્ધમાં લખ્યું છે કે अभेषजमसेव्यम् – ઔષધથી વિપરીત જેનું કામ છે, તે ‘અભેષજ’ કહેવાય. આનું સેવન કરવું હિતાવહ નથી, કારણ કે તે રોગને પેદા કરે છે. આવાં દ્રવ્યોમાં દારૂ, તમાકુ વગેરેનો સમાવેશ થાય છે.

ઔષધિનો મર્મ સારી રીતે સમજવા માટે નીચેનું વર્ગીકરણ ધ્યાનપાત્ર છે :

(1) કુટીરપ્રવેશ રસાયનપ્રયોગ : ‘કુટીર’નો અર્થ ‘નાનકડું ઘર’. વિશિષ્ટ રીતે બનાવેલી ઝૂંપડી. રસાયન-પ્રયોગ દરમિયાન આ કુટીરની અંદર જ અમુક માસ રહેવાનું હોય છે. health sanatorium જેવો અંગ્રેજી શબ્દપ્રયોગ પણ આ સમજવા માટે કેટલેક અંશે ચાલી શકે. આયુર્વેદમાં આ વિશિષ્ટ રસાયન-પ્રયોગ માટે ‘કાયાકલ્પ’ શબ્દ વાપર્યો છે. જે વિધિથી કાયા (દેહ) નવીન બને – નવીન શક્તિ, યૌવન અને પુદૃષ્ટિ મળે તે ચિકિત્સાવિધિને ‘કાયાકલ્પ’ કહે છે. સ્વચ્છ, સુંદર તથા એકાંતવાળી સારી ભૂમિ ઉપર આ કુટીર બાંધવાની હોય છે; જેમાં 3 ભાગ હોય છે, જે એક પછી એક એમ અંદર આવેલા હોય છે. કુટીર પ્રત્યેક ઋતુમાં સાનુકૂળ હોય તથા આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે તેની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ હોય એ જરૂરી છે. કુટીર સાધનસામગ્રીથી ભરેલી હોવી જોઈએ. તેમાં પ્રવેશ ઉત્તરાયણકાળમાં શુભ દિને શુભ મુહૂર્તમાં કરવાનો હોય છે.

કુટીરપ્રવેશ પહેલાં ચિકિત્સા લેનારે પંચકર્મ દ્વારા દેહશોધન કરાવવું જરૂરી છે. આ શોધનમાં વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, શિરોવિરેચન જેવી પ્રક્રિયાઓ હોય છે. તેથી સમગ્ર શરીર દોષરહિત, સ્વચ્છ, શુદ્ધ બને. આ રીતે શુદ્ધ થયેલ દેહને રસાયન-ચિકિત્સાથી સારો લાભ મળે છે. આયુર્વેદમાં ઘણા પ્રકારના રસાયન-પ્રયોગો છે. પ્રયોગકર્તા વ્યક્તિ માટે જે પ્રયોગો યોગ્ય ને અનુકૂળ હોય તે પ્રયોગો વૈદ્યે પસંદ કરી પ્રયોજવાના હોય છે.

આયુર્વેદના ગ્રંથોમાં કહેવાયું છે કે સંપૂર્ણ રીતે યોજવામાં આવેલ આ રસાયન-પ્રક્રિયાવિધિ પછી પરિણામરૂપે માથે કાળા વાળ આવે છે. દાંત ગયા હોય તો નવા ફૂટે છે. આંખોની દૃષ્ટિ જોરદાર બને છે. શરીરમાં નવી શક્તિ-સ્ફૂર્તિ-ઉત્સાહનો સંચાર થાય છે. નવયુવાની આવે છે. દેહ પરિપુષ્ટ તથા સંપૂર્ણ સ્વસ્થ બને છે.

કેટલાંક વર્ષો પહેલાં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સ્વ. પંડિત મદનમોહન માલવિયાજીએ આ કાયાકલ્પ-પ્રયોગ પોતાના ઉપર કરાવ્યો હતો, જેનું સારું પરિણામ તેમને મળેલું.

(2) વાતાતપિક રસાયનવિધિ : કુટીર પ્રવેશવિધિ વિના જ સામાન્ય માણસ આ રસાયનવિધિનો લાભ લઈ શકે છે. આ અંગે જુદાં જુદાં ઘણાં ઔષધદ્રવ્યોનો ઉપયોગ વાતાતપિક-વિધિમાં બતાવ્યો છે.

હરડે, આમળાં, વાવડિંગ, અશ્વગંધા, ભિલામો, લીંડીપીપર, જેઠીમધ જેવાં ઘણાં એકાકી દ્રવ્યોના રસાયન-પ્રયોગો આયુર્વેદમાં બતાવવામાં આવ્યા છે; એવી જ રીતે કેટલાક વિશિષ્ટ યોગો (કમ્પાઉન્ડ્ઝ) પણ બતાવવામાં આવેલ છે, જેમાં ઘણાં બધાં ઔષધોને ભેગાં મેળવીને વિશિષ્ટ ઔષધયોગ તૈયાર કરવામાં આવે છે. આ શ્રેણીમાં ખૂબ જ જાણીતો એક યોગ છે, જે ‘ચ્યવનપ્રાશાવલેહ’ના નામથી જાણીતો છે. સામાન્ય માણસો પણ શિયાળામાં આ યોગનો ખૂબ છૂટથી લાભ લેતા હોય છે. ચ્યવનપ્રાશાવલેહ જેવા બીજા પણ ઘણા અવલેહો છે, જેવા કે વિડંગાવલેહ, અશ્વગંધાવલેહ, બ્રાહ્મરસાયનાવલેહ, અગસ્તિહરીતકી અવલેહ વગેરે. અવલેહ (ચાટણ) સ્વાદિષ્ટ તથા મનભાવન હોય છે. તેના કારણે ઘણાંબધાં લોકો તેનો સહેલાઈથી ઉપયોગ કરે છે. આવી જ રીતે રસાયનયોગમાં ‘ઘૃતપ્રયોગો’ (ઘીના ઉપયોગો) પણ બતાવેલા છે. તેમાં જાતજાતની ઔષધિઓથી સિદ્ધ કરેલાં વિશિષ્ટ ઘી હોય છે; જેમ કે, બ્રાહ્મીઘૃત, ત્રિફલાઘૃત, આમલકઘૃત, શતાવરીઘૃત વગેરે. રસાયન-ચિકિત્સામાં દવાઓથી સિદ્ધ કરેલાં દૂધ, તેલ વગેરેના પ્રયોગો પણ બતાવવામાં આવેલ છે.

આયુર્વેદમાં રસચિકિત્સાનો એક ખાસ વિભાગ છે. તેમાં ઘણાં ખનિજદ્રવ્યોનો ઉપયોગ બતાવ્યો છે. આ રસૌષધિઓમાં ‘સુવર્ણ વસંતમાલતી’ ખૂબ જ જાણીતી ઔષધિ છે. રસૌષધિ વિભાગમાં સુવર્ણ, રજત, મોતી, શિલાજિત જેવાં કીમતી દ્રવ્યોનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.

ઘણાબધા (વાતાતપિક) રસાયન-પ્રયોગોમાં ખૂબ સરલ અને ઉપયોગી તથા લોકોમાં જાણીતો પ્રયોગ વર્ધમાન પિપ્પલીનો છે.

વર્ધમાન પિપ્પલી પ્રયોગ : સ્વચ્છ અને પરિપક્વ (એક વર્ષ જૂની) લીંડીપીપર આ પ્રયોગ માટે પસંદ કરવામાં આવે છે. વર્ધમાનનો અર્થ થાય છે ક્રમશ: દિવસો પ્રમાણે વધારતા રહેવું. અહીં લીંડીપીપરને ક્રમશ: રોજ વધારતા જવાની હોય છે તથા 54 સુધી પહોંચ્યા પછી ક્રમશ: ઘટાડતા જવાની હોય છે. સ્વસ્થ માણસ માટે સામાન્યત: આ પ્રયોગ શિયાળામાં થાય તે જરૂરી છે.

વર્ધમાન પિપ્પલીનો આ પ્રયોગ નીચે જણાવ્યા મુજબ કરવાનો હોય છે :

વિધિ : પહેલે દિવસે 4 તોલા (50 ગ્રામ) દૂધમાં 3 નંગ લીંડીપીપર (આખી) ઉકાળવી. પીપર દૂધમાં બરોબર બફાઈ જાય અને દૂધના 2થી 3 ઊભરા આવે તે રીતે દૂધ ગરમ કરવું. દૂધ ઠંડું થયે (જરૂર મુજબ સાકર મેળવી શકાય) પીપર ચાવી જવી અને ઉપરનું દૂધ પી જવું.

પહેલા દિવસે 3 લીંડીપીપર, બીજા દિવસે 6, ત્રીજા દિવસે 9, ચોથા દિવસે 12 પીપર, આ ક્રમ મુજબ આગળ વધતાં 18મા દિવસે 54 પીપર થશે. આમાં રોજ દૂધનું પ્રમાણ પણ 50થી 100 ગ્રામ જેટલું વધારતા જવાનું હોય છે. 54 પીપર પૂરી થયા પછી પીપર ને દૂધનું પ્રમાણ ક્રમશ: ઘટાડવાનું હોય છે. એટલે કે રોજ 3-3 પીપર ઘટાડતાં ઓગણીસમા દિવસે 54, વીસમા દિવસે 51, એકવીસમા દિવસે 48 એમ રોજ-રોજ 3-3 પીપર ઘટાડતા જવાની હોય છે. કુલ 36 દિવસનો આ પ્રયોગ છે. રોજના 3 નંગ પીપર પ્રમાણે કુલ 1,026 લીંડીપીપર વપરાશે. જોકે શાસ્ત્રમાં 1,000 પીપર વાપરવાનું માહાત્મ્ય છે. 26 પીપર વધુ વપરાશે, પરંતુ તેનું કંઈ બહુ મહત્ત્વ નથી. દૂધ અંગે નીચેનો ક્રમ છે : સામાન્ય રીતે 4 તોલા દૂધ લેવું. ક્રમશ: 4 તોલાના ક્રમે વધારતા જવું. લીંડીપીપર ચાવી તેના ઉપર આ દૂધ પી જવું. શાસ્ત્રમાં 3, 5 કે 7 પીપરથી શરૂઆત કરવાનું જણાવેલ છે. એક પ્રયોગમાં તો પહેલા દિવસે 10, બીજા દિવસે 20 એમ દસમા દિવસે 100 અને પુન: ઊલટા ક્રમે પાછા આ રીતે 19 દિવસમાં 1,000 પીપર પૂરી કરાય છે.

નોંધ : રોજ 3 લીંડીપીપર વધારતા જવાનો આ પ્રયોગ ખાસ કફ અને વાયુદોષપ્રધાનતાવાળી વ્યક્તિઓ માટે વધુ ઉપયોગી છે. આ પ્રયોગ બીજા અને સામાન્ય બળદેહવાળા માટે વધુ ગરમ કે પ્રતિકૂળ બની શકે છે. તેથી આજકાલ અનુભવી વૈદ્યો 54ના બદલે માત્ર 21 લીંડીપીપરનો પ્રયોગ દર્દીને કરાવે છે, જેમાં રોજ માત્ર 11 નંગ જ લીંડીપીપર 500 ગ્રામ દૂધમાં ઉકાળીને લેવાની હોય છે. એમ 21મા દિવસે 21 પીપર પૂરી થયા પછી 22મા દિનથી રોજ 11 પીપર ઘટાડતા જઈ, છેવટે 1 નંગ પર આવી પ્રયોગ પૂરો કરવાનો હોય છે. દૂધનું પ્રમાણ વ્યક્તિ પાચન કરી શકે તેટલું જ રાખવું  આ પ્રયોગથી વ્યક્તિની ભૂખ ખૂબ ઊઘડે છે, છતાં પચે તેટલું જ દૂધ તથા કહેલ ખોરાક પ્રમાણસર લેવો હિતાવહ છે.

પ્રયોગવિધિમાં આહાર : આ વર્ધમાન-પિપ્પલી-પ્રયોગ દરમિયાન વ્યક્તિ ફક્ત દૂધ, ભાત અને મગ જ ખોરાકમાં લઈ શકે છે. આથી વિશેષ કંઈ ખોરાકમાં લેવાનું નથી હોતું.

પ્રયોગનું ફળ : વર્ધમાન પિપ્પલીનો આ રસાયન-પ્રયોગ આરોગ્યરક્ષા-વૃદ્ધિ તથા આયુષ્ય માટે ખૂબ હિતકારક છે. ખાસ કરીને કૃશ, કફપ્રકૃતિના, લિવર તથા પ્લીહાના રોગીઓ માટે તે કાયમી લાભ આપનાર બને છે. તમામ ઉદરરોગોમાં પણ એ ઉપયોગી છે. આવા રસાયન-ચિકિત્સાપ્રયોગો અનુભવી વૈદ્ય સાથે પરામર્શ કરીને કરવા ઇષ્ટ છે.

રસાયન-ચિકિત્સા દ્વારા ભવિષ્યમાં સંભવિત પીડાકારી રોગોની રોકથામ થાય છે અને સ્વસ્થ જીવનનું સુખ મળે છે.

કિરીટ પંડ્યા