રસાયનતંત્ર (આયુર્વેદ)

January, 2003

રસાયનતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાનના આદિ પ્રવર્તક પ્રજાપતિ-સૃદૃષ્ટિકર્તા બ્રહ્માજી છે. આયુર્વેદવિજ્ઞાનને શાશ્વત કહેલું છે. બ્રહ્માજીથી શરૂ કરી દેવાધિદેવ ઇન્દ્ર સુધી મૂળ આયુર્વેદ એક લાખ શ્ર્લોકો અને એક હજાર અધ્યાયોમાં એકધારો પરંપરાથી વારસામાં ઊતરતો રહેલો. પરંતુ પછીથી મનુષ્યોની મેધાશક્તિ તથા આયુષ્ય ઘટવાને કારણે મૂળ આયુર્વેદવિજ્ઞાનને આઠ અંગોમાં વિભક્ત કરી દેવાયું, જેથી જેને જે વિષયમાં વિશેષ રસ હોય, તેનો તે વધુ સારી રીતે અભ્યાસ કરી શકે.

આયુર્વેદવિજ્ઞાનનાં આઠ અંગો : શલ્ય, શાલાક્ય (surgery), કાયચિકિત્સા (medicine), ભૂતવિદ્યા, કૌમારભૃત્ય (paediatrics), અગદ તંત્ર (toxology), રસાયનતંત્ર અને વાજીકરણતંત્ર.

રસાયનતંત્રમાં પ્રયુક્ત ‘રસ’ શબ્દથી માનવશરીરની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય (શુક્ર) – આ સાત ધાતુઓ ગ્રહણ કરવામાં આવે છે. જે વિજ્ઞાનથી (માનવ)શરીરની આ સાતેય ધાતુઓ બનતી રહે, અને નવી વધતી રહે, તે વિશિષ્ટ ઔષધિજ્ઞાનને ‘રસાયન- તંત્ર’ કહે છે.

‘રસાયન’ એટલે શરીરની સપ્ત ધાતુઓ (જેના પર માનવજીવનનો ખાસ આધાર છે) વધુ મેળવવાનો ઉપાય. રસાયન-ઔષધના સેવનથી માનવી લાંબું આયુષ્ય, સ્મરણશક્તિ, મેધા, આરોગ્ય તથા નવયૌવન પ્રાપ્ત કરી શકે છે. શરીરનું તેજ (આભા), રંગ (વર્ણ) અને અવાજ સુંદર બને છે, તેમજ વચનસિદ્ધિ (જે બોલે તે ફળે તેવી શક્તિ), મૈથુનશક્તિ (પુષ્કળ વીર્ય વધે) અને દેહ-કાંતિ વધે છે.

રસાયન-ઔષધિપ્રયોગથી શરીરની મૂળભૂત રસ-રક્તાદિ સાતે ધાતુઓ ફરી નવી બને છે – વધે છે, જેથી માનવી નવયૌવન તથા દીર્ઘ આયુષ્ય મેળવે છે.

આયુર્વેદવિજ્ઞાનનો પ્રારંભ જ ‘દીર્ઘ જીવન’પ્રાપ્તિની કામનાથી થયો છે. આ દીર્ઘ જીવન માટે શરીરની સાતે ધાતુઓ કાયમ નવી બનતી રહે તે ખાસ જરૂરી છે. આજની શહેરી કે ગ્રામીણ રહેણીકરણી તથા આહાર એવાં છે કે જેથી શરીરની ધાતુઓ જીર્ણ-શીર્ણ થતી રહે  ઘટતી રહે. રસાયન-ઔષધિ તે ધાતુઓ ફરી નવી બનાવે છે  વધારે છે, જેથી રસાયનપ્રયોગ પછી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન, શક્તિશાળી અને દીર્ઘાયુ બને છે. આ રસાયનપ્રયોગનો શ્રેષ્ઠ દાખલો છે ચ્યવન ઋષિનો, જેમને દેવોના વૈદ્ય અશ્ર્વિનીકુમારોએ ‘ચ્યવનપ્રાશ’ ખવડાવીને વૃદ્ધમાંથી ફરી યુવાન બનાવેલા.

માનવી(જીવ)માત્રને ભૂખ, તરસ, વૃદ્ધાવસ્થા, નિદ્રા અને મૃત્યુ – આ  કુદરતી આવેગો કે રોગસ્થિતિ છે. આમાં વૃદ્ધત્વ અને મૃત્યુ પણ રોગ છે. ભારતીય મહાન ઋષિઓએ આ અવશ્યંભાવી વૃદ્ધત્વ અને મૃત્યુને નિવારવા માટે જ ખાસ ‘રસાયન ચિકિત્સાવિજ્ઞાન’ બનાવેલ છે. આ રસાયન-ઔષધિ-પ્રયોગોથી ભારતીય પ્રાચીન ઋષિ-મુનિઓએ હજારો કે સેંકડો વર્ષનું (અમિત) આયુષ્ય પ્રાપ્ત કરેલું.

રસાયનપ્રયોગો બે જાતના છે : (1) કુટીપ્રાવેશિક અને (2) વાતાતપિક. આયુર્વેદના અનેક ગ્રંથોમાં રસાયનગુણવાળા અસંખ્ય ઔષધિપ્રયોગો તેની અતિશયોક્તિભરી લાગે તેવી ફલશ્રુતિ સાથે જોવા મળે છે. એવી અતિશયોક્તિ મુજબ હજાર વર્ષનું આયુષ્ય ન મળે તો કંઈ નહિ, પણ સો વર્ષ જેવું લાંબું પણ નીરોગી જીવન જિવાય, તે રસાયન-ઔષધનો ખાસ લાભ ગણાય છે.

આયુર્વેદ એ જીવનનું વિજ્ઞાન છે. તે દૃઢપણે માને છે કે ‘‘સત્યવાદી, અક્રોધી, મદ્ય (દારૂ) અને મૈથુનથી દૂર રહેનાર (સંયમી / બ્રહ્મચારી), અહિંસક, પ્રશાંત, મંત્ર-જપ-પરાયણ, પવિત્ર, ધીરજવાન, તપસ્વી, જાગવું અને ઊંઘવું બંનેમાં સમતુલા જાળવનાર, હંમેશાં ઘી-દૂધ ખાનાર, દેશકાળનું પ્રમાણ જાણી (ઋતુ મુજબ) જીવન જીવનાર, પ્રશસ્ત આચરણવાળો (સદાચારી), અધ્યાત્મ તરફ જેની ઇન્દ્રિયો વળેલી છે એવો જિતાત્મા છે. તેને ‘નિત્યરસાયન’વાળો જાણવો.’’ આવી ગુણવાન વ્યક્તિ જો રસાયન-ઔષધનું સેવન કરે તો તેને ‘રસાયન ફલશ્રુતિ’માં કહેલા ગુણોનો લાભ અવશ્ય મળે છે.

અર્થાત્ આયુર્વેદ એમ માને છે કે દીર્ઘાયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે ઉત્તમ ખોરાક અને રસાયનગુણવાળી ઔષધિઓના સેવન સાથે મનની (ઉચ્ચ) (સાત્ત્વિક) સ્થિતિ પણ ખાસ જરૂરી છે.

‘અષ્ટાંગહૃદય’ (વાગ્ભટ્ટ) ગ્રંથમાં ઉત્તરસ્થાનનો 39મો અધ્યાય ‘રસાયનવિધિ’ વિશે આપેલ છે, જેમાં અનેક ઉત્તમ રસાયન-ઔષધોનું સુંદર માર્ગદર્શન આપેલું છે.

આયુર્વેદે ‘રસાયન’ગુણસંપન્ન જે ખાસ ઔષધિઓનો નિર્દેશ કર્યો છે તેમાં આમળાં, ત્રિફળાં, ચ્યવનપ્રાશ, નાગબલા, ગોખરુ, વારાહીકંદ, ચિત્રક, ભિલામો, લીંડીપીપર, બાવચી, લસણ, શિલાજિત, ઘી-દૂધ, કાળા તલ, આસોંદ, શતાવરી, સાટોડી, વાવડિંગ, મોરવેલ, વજ, બ્રાહ્મી, ભાંગરો વગેરેની ગણના કરેલી છે.

બળદેવપ્રસાદ પનારા