રસમાણિક્ય

January, 2003

રસમાણિક્ય : એક આયુર્વેદિક ઔષધ. રોગ મુજબ ઔષધોનું નિરૂપણ કરનારા આયુર્વેદના જાણીતા ગ્રંથ ‘ભૈષજ્યરત્નાવલી’ના ‘કુષ્ઠરોગાધિકાર’ નામના પ્રકરણમાં ‘રસમાણિક્ય’ નામનું ઔષધ બનાવવા માટે નીચે જણાવેલાં દ્રવ્યોની જરૂર પડે છે : (1) શુદ્ધ પારદ  8 ભાગ, (2) શુદ્ધ મન:શીલ  8 ભાગ, (3) શુદ્ધ હરતાળ  એક ભાગ, (4) શુદ્ધ ગંધક  8 ભાગ અને (5) દહીંમાં રહેલું ખાટું પાણી  જરૂર પડે તેટલું.

રસમાણિક્ય બનાવવાની રીત આ પ્રમાણે છે : હરતાળને પહેલાં દહીંના ખાટા પાણીમાં પલાળવી. એ પછી કુષ્માંડ(કોળા)ના સ્વરસમાં પલાળવી. એ પછી તેને ગરમ કરી સાત વખત પાણીમાં છમકારવી. એ પછી ખાંડીને તેનું ચૂર્ણ કરી, શુદ્ધ ગંધક, પારો અને મન:શીલ સાથે એકત્ર કરી લૂગદી જેવું બનાવી માટીના એક પાત્રમાં મૂકી એવડું બીજું માટીનું પાત્ર તેના પર ઢાંકીને કેળના પાનને વાટીને કલ્ક એટલે લૂગદી જેવું બનાવી બંને પાત્રના સાંધા પર લગાવી તેમને સાંધી દેવાં. એ પછી તે પાત્રને 60 અડાયાં છાણાં સળગાવી તેની વચ્ચે મૂકી દેવું અને પુટપાક આપી લાલ સૂર્ય જેવું દેખાય ત્યાં સુધી ગરમ કરવું. બધાં અડાયાં ઠરી જઈ પાત્ર ઠરે તે પછી તેને ખોલી તેમાં તૈયાર થયેલા માણેક (માણિક્ય) જેવા લાલ રંગના ઔષધને લઈ લેવું. એને રસમાણિક્ય કહે છે. રસમાણિક્ય અડધા(500 મિગ્રા.)થી 1 ગ્રામ (1,000 મિગ્રા.) જેટલી માત્રામાં અનુપાન ઘી અને સાકર સાથે અથવા મધ સાથે લેવામાં આવે છે. પ્રસ્તુત ઔષધનો ઉપયોગ કુષ્ઠ (કોઢ), ઉપદંશ, શ્ર્લીપદ (હાથીપગું), નાડીવ્રણ, ખરજવું અને અન્ય ત્વચાના રોગો, વાતરક્ત (ગાઉટ), ભગંદર, દુષ્ટવ્રણ, નાક અને મુખના રોગોમાં થાય છે. રસમાણિક્ય લેનારા રોગી માટે લાલ મરચું, તળેલી વાનગીઓ, ગરમ અને મસાલેદાર દ્રવ્યો, ગરમાગરમ ખોરાક વગેરે અપથ્ય છે, તેથી તે લેવાની મનાઈ છે. જ્યારે હળવો, સાત્ત્વિક (એટલે ઘી, દૂધ અને ફળપ્રધાન), પૌદૃષ્ટિક અને સુપાચ્ય ખોરાક પથ્ય ગણાય છે.

જયેશ અગ્નિહોત્રી