રસમંજરી : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં રસ વિશે ભાનુદત્તે રચેલો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. પ્રસ્તુત ગ્રંથનો આરંભ નાયક-નાયિકાભેદથી થાય છે. નાયિકાના પ્રકારોનું સોદાહરણ વિવેચન આ ગ્રંથનો 2/3 ભાગ રોકે છે. એ પછી નાયિકાની સખી અને દૂતીની ચર્ચા આપવામાં આવી છે. ત્યારબાદ નાયક અને તેના પ્રકારો વર્ણવવામાં આવ્યા છે. એ પછી નાયકના પીઠમર્દ, વિદૂષક, વિટ અને ચેટ – એ સહાયકોનું નિરૂપણ છે. ત્યારબાદ આઠ સાત્ત્વિક ભાવો રજૂ થયા છે. અંતે શૃંગાર રસ અને તેના પ્રકારો તથા વિપ્રલંભની દસ દશાઓની ચર્ચા ભાનુદત્તે કરી છે. ગ્રંથનાં સઘળાં ઉદાહરણો ભાનુદત્તે પોતે જ રચેલાં છે. પોતાના રસવિષયક અન્ય ગ્રંથ ‘રસતરંગિણી’માં ભાનુદત્ત લખે છે કે નાયક-નાયિકાભેદ વગેરે બાબત માટે પોતાની ‘રસમંજરી’ જોઈ લેવી. તેથી ‘રસમંજરી’ ભાનુદત્તની અગાઉ લખેલી રચના છે. આશરે 1450થી 1500માં ‘રસમંજરી’ની રચના ભાનુદત્તે કરેલી છે.
‘રસમંજરી’ પર સંસ્કૃતમાં ઘણી ટીકાઓ છે, એ બાબત આ ગ્રંથની લોકપ્રિયતા સૂચવે છે. એ ટીકાઓમાં અનંત પંડિતે લખેલી ‘વ્યંગ્યાર્થકૌમુદી’ અને નાગેશ ભટ્ટની ‘પ્રકાશ’ નામની ટીકા પ્રકાશિત થયેલી છે. અન્ય ટીકાઓમાં શેષચિંતામણિએ રચેલી ‘પરિમલટીકા’, ગોપાલ અથવા બોપદેવની ‘વિકાસ’ કે ‘વિલાસ’ ટીકા, વિશ્વેશ્વરની ‘વ્યંગ્યાર્થકૌમુદી’, ગોપાલ પંડિતની ‘રસિકરંજની’, રંગશાયિન્ની ‘આમોદટીકા’, આનંદની રચેલી ‘વ્યંગ્યાર્થદીપિકા’, મહાદેવે રચેલી ‘ભાનુભાવપ્રકાશિની’, વ્રજરાજ દીક્ષિતે લખેલી ‘રસિકરંજનટીકા’ તથા અજ્ઞાત લેખકની ‘રસમંજરીસ્થૂલતાત્પર્યાર્થટીકા’ – હસ્તપ્રત રૂપે પ્રાપ્ત થાય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી