રસતરંગિણી

January, 2003

રસતરંગિણી : ભાનુદત્તરચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથના લેખક સોળમી સદીમાં થઈ ગયેલા. આ ગ્રંથનું નામ સૂચવે છે તેમ, તેમાં રસની વિવેચના કરવામાં આવી છે.

સમગ્ર ગ્રંથ ગદ્ય અને પદ્ય ઉભયરૂપે નિબદ્ધ છે. તે પૈકી સિદ્ધાંત-સ્થાપના માટે ગદ્ય અને તેના સમર્થન માટેનાં ઉદાહરણોમાં પદ્યનો પ્રયોગ કરાયો છે.

તેના કુલ આઠ વિભાગો છે. તેમને ‘તરંગ’ નામ અપાયું છે. તેમાં નીચેના વિષયો આવરી લેવાયા છે :

(1) સ્થાયિભાવનિરૂપણ : અહીં સૌપ્રથમ શારીર તથા આન્તરભેદે ભાવનું દ્વૈવિધ્ય દર્શાવ્યું છે ને પછી આન્તરભેદના એક પ્રકારરૂપ સ્થાયિભાવના રતિ વગેરે આઠ ભેદોનું સ્વરૂપ નિરૂપ્યું છે.

(2) વિભાવનિરૂપણ : અહીં આલંબન તથા ઉદ્દીપન – એ બે પ્રકારના વિભાવો નિરૂપ્યા પછી ભરતસંમત શૃંગારાદિ આઠેય રસોના વિભાવ નિરૂપાયા છે.

(3) અનુભાવનિરૂપણ : કાયિક, માનસ, આહાર્ય ને સાત્ત્વિક – એ ચાર પ્રકારના અનુભાવો નિરૂપ્યા બાદ ભરતને અભિમત શૃંગારાદિ રસોના અનુભાવો પણ અહીં નિરૂપવામાં આવ્યા છે.

(4) સાત્ત્વિકભાવનિરૂપણ : અહીં સ્તંભ, સ્વેદ વગેરે આઠ સાત્ત્વિક ભાવ ઉપરાંત જૃંભા નામે નવમો સાત્ત્વિક ભાવ પણ નિરૂપાયો છે.

(5) વ્યભિચારિભાવનિરૂપણ : અહીં નિર્વેદ, ગ્લાનિ વગેરે 33 વ્યભિચારી ઉપરાંત છલ નામે નવીન વ્યભિચારિભાવનો પણ નિર્દેશ થયો છે.

(6) શૃંગારરસનિરૂપણ : અહીં લૌકિક-અલૌકિક ભેદે રસના બે પ્રકાર, શૃંગારના બે ભેદ – સંયોગ, વિપ્રલંભ તથા લીલા વગેરે દસ ભાવનું નિરૂપણ છે.

(7) રસનિરૂપણ : શૃંગાર સિવાયના હાસ્ય વગેરે રસોને અહીં સ્વનિષ્ઠ તથા પરનિષ્ઠ રૂપે નિરૂપ્યા છે તથા ચિત્તવૃત્તિના દ્વૈવિધ્યને આધારે માયારસ અને શાંતરસનું નિરૂપણ કરાયું છે. માયારસ  એ ભાનુદત્તનું મૌલિક પ્રદાન છે

(8) પ્રકીર્ણક : અહીં સ્થાયિભાવની આઠ, વ્યભિચારિભાવની વીસ તથા રસોની આઠ એમ કુલ 36 દૃષ્ટિઓનો નિર્દેશ કર્યો છે. વળી અહીં રસોનો જન્યજનકભાવ, રસસંકર, રસવિરોધ, ઔચિત્ય-અનૌચિત્યવિચાર, રસાભાસ, ભાવશબલતા તથા અંતે એક અન્ય દૃષ્ટિથી રસનું વર્ગીકરણ આપ્યું છે.

આ સમગ્ર નિરૂપણમાં પૂર્વાચાર્યોમાંથી ઘણીબધી વિગતો સ્વીકારાઈ છે. તેમાં ‘નાટ્યશાસ્ત્ર’માંથી સવિશેષ ઉદ્ધરણો મળે છે.

આ ગ્રંથમાં પૂર્વાચાર્યોના વિચારોને એકસાથે મૂકી આપીને નવી દૃષ્ટિથી તેનું વિવેચન પણ કરાયું છે. વળી કેટલીક મૌલિક વિગતો પણ ઉમેરાઈ છે. આમ, રસસંબંધી અનેક સમસ્યાઓ અને તે અંગે નવીન દૃષ્ટિથી વિચારણા એ આ ગ્રંથનાં મહત્ત્વપૂર્ણ પાસાં છે.

‘રસતરંગિણી’ ઉપર અનેક ટીકાઓ રચાઈ છે; દા. ત., ગંગારામ- જડિરચિત ‘નૌકાટીકા’, વેણીદત્ત તર્કવાગીશ ભટ્ટાચાર્યરચિત ‘રસિકરંજની’, જીવરાજરચિત ‘રસતરંગિણીસેતુ અથવા સેતુબંધ’, ગણેશકૃત ‘રસોદધિટીકા’, મહાદેવરચિત ‘રસોદધિટીકા’, નેમિશાહ-રચિત ‘સાહિત્યસુધા અથવા કાવ્યસુધા’ વગેરે.

‘કર્ણભૂષણ’, ‘મંદારમરંદચંપૂ’, ‘રસદીર્ઘિકા’ જેવા પરવર્તી ગ્રંથો ઉપર આ ‘રસતરંગિણી’નો વ્યાપક પ્રભાવ પડેલો જોઈ શકાય છે.

જાગૃતિ પંડ્યા