રશીદ યાસ્મી (જ.1897, ગહવારા, જિ. ગોલાન, સીરિયા; અ. 1952, તેહરાન) : ફારસી ભાષાના કવિ, લેખક, પત્રકાર, અનુવાદક અને વિવેચક. તેમનું મૂળ નામ ગુલામ રઝા અને પિતાનું નામ વલીખાં મીરપંચ હતું. તેમના વડીલો કુર્દ વંશના હતા. પિતા વિદ્યાપ્રેમી, સારા લહિયા, ચિત્રકાર, લેખક અને કવિ હતા. 8 વર્ષની ઉંમરે રશીદે તેમના પિતા ગુમાવ્યા. તેમના નાના ખ્યાતનામ કવિ મુહમ્મદ મિર્ઝા ખુસરવીએ તેમનો ઉછેર ‘વાલાહુ પર્વત’ની તળેટીમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે શિકારપ્રવૃત્તિ શીખવવા સાથે કર્યો.
તેમનું પ્રારંભિક શિક્ષણ ઉસ્તાદ દ્વારા ગ્રહણ કર્યા પછી તેઓ તેહરાન ગયા. ત્યાં તેમણે ‘રઅદ’ નામના સમાચારપત્રમાં આકા હુસેન દાદગરની એક યુવાનની આપવીતી વર્ણવતી વાર્તા વાંચી. તે સાથે તેમને તેહરાન જોવાની પ્રબળ ઇચ્છા જાગી. યુરોપમાં ફ્રેંચ ભાષા શીખવા તે ‘સનલૂઈ’ ફ્રેંચ સ્કૂલમાં જોડાયા. ત્યાં ફ્રેંચ ભાષા અને સાહિત્યનું અધ્યયન કર્યું. તેના દ્વારા ફ્રેંચ લેખકોના મૌલિક વિચારોથી પ્રભાવિત થયા. સનલૂઈ સ્કૂલમાં ફારસીના પ્રખ્યાત કવિ નિઝામ વફા તેમના ગુરુ હતા. તેમના સત્સંગને લીધે રશીદ મલેકુશ-શોઅરા બહાર, અલી દશતી, અબ્બાસ ઇકબાલ અને સઈદ નફીસી જેવા સમકાલીન યુવાકવિ-લેખકોના સંપર્કમાં આવીને તેમણે પત્રકારત્વ અને સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો.
ટૂંકસમયમાં રાજધાની તેહરાનમાં તેમની મિર્ઝા તાહિર તિન્કાબજા, અદીબ પેશાવરી જેવા કવિ-લેખકોની હરોળમાં ગણતરી થવા લાગી. 1944માં તેઓ તેહરાન યુનિવર્સિટીમાં ઇસ્લામી ઇતિહાસ વિભાગના વડા તરીકે નિમાયા. પછી તેઓ ફિરિંગસ્તાન ઈરાન(સાહિત્ય વર્તુળ)ના સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે અલી અસગર હિકમત અને ઇબ્રાહીમ પુરેદાઉદના બનેલા ઈરાની મંડળ સાથે ભારતનો પ્રવાસ ખેડ્યો.
1946માં તેઓ ફ્રેંચ સાહિત્યના ઊંડા અભ્યાસાર્થે ફ્રાન્સ ગયા અને 2 વર્ષ પછી પાછા ફર્યા. 1949માં તેહરાન યુનિવર્સિટીના હૉલમાં પ્રોફેસરો, વિદ્વાનો અને સાક્ષરો સમક્ષ પાશ્ર્ચાત્ય વિદ્વાન ગટે પર તેમણે હાફિઝ શીરાઝીની કલ્પના અને વિચારોના પ્રભાવ અંગે મનનીય પ્રવચન આપ્યું, ત્યારે તેઓ હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા. એક મહિનાના ઇલાજ બાદ તેઓ પૅરિસ ગયા અને 2 વર્ષ પછી તેહરાન પાછા ફર્યા, ત્યાં હૃદયરોગના હુમલાના 3 વર્ષ બાદ તેમનું અવસાન થયું.
તેમણે અતિ ઉપયોગી ગ્રંથો આપ્યા છે : તેમાં ‘તતબ્બો દર એહવાલ વ આસાર સલમાન સાવજી’; ‘તતબ્બો દર એહવાલ ઇબ્નેયમીન’; ‘કુર્દ પેવસ્તગી નસરાવી વ તારીખે ઉ’; ‘તારીખે મિલલ વ નહલ’; ‘આઇને નિગારસે તારીખ’; ‘અદબિયાતે મઆસિર’; ‘તર્જુમા, તારીખે ઈરાન દર ઝમાને સામાનિયાન’ (અનુવાદ); ‘તર્જુમા, કિતાબે ચહારુમ’, ‘તારીખે અદબિયાતે ઈરાન’ (બ્રાઉન) અને ‘આઇને દોસ્તયાબી વ બુઝેહ’ (અનુવાદ) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમણે ઘણા લેખો અને નાની પુસ્તિકાઓ પ્રગટ કર્યાં છે.
તેમની કાવ્યકૃતિઓમાં તેમણે સૌંદર્યની નવી દિશાઓ ખોલીને સાચા કવિ તરીકેની પ્રતીતિ કરાવી છે. તેમની કૃતિઓમાં આપવીતીની સાથોસાથ સંસ્કાર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ