રશિયા-જાપાન યુદ્ધ (1904-05) : રશિયા અને જાપાન વચ્ચે 1904-05માં થયેલું યુદ્ધ. ઈ. સ. 1868માં જાપાને નવું બંધારણ અપનાવ્યું અને સામંતશાહી નાબૂદ કરી એના સમ્રાટને સર્વસત્તાધીશ બનાવ્યો, એ પછી જાપાન શક્તિશાળી બનતું ગયું. પશ્ચિમમાં જે વૈજ્ઞાનિક શોધો થઈ હતી તે તેણે અપનાવી લીધી. એણે સેંકડો યુવાનોને શિક્ષણ અને તાલીમ માટે યુરોપ-અમેરિકાના દેશોમાં મોકલ્યા. શસ્ત્રો તથા દારૂગોળાનું ઉત્પાદન શરૂ કર્યું. ગૃહઉદ્યોગોનો વિકાસ થયો. દરેક ક્ષેત્રમાં જાપાન સ્વાવલંબી અને શક્તિશાળી બન્યું. એની લશ્કરી તાકાતમાં વધારો થયો. કોરિયાના બળવાને કારણે ઈ. સ. 1894-95માં ચીન અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં જાપાનનો વિજય થયો. તેથી જાપાનની મહત્વાકાંક્ષામાં વધારો થયો. નવા પ્રદેશો મેળવવા એણે રશિયા સામે આક્રમક નીતિ અપનાવી.
જાપાને કોરિયામાં પોતાનાં હિતો ઊભાં કર્યાં હતાં, જ્યારે રશિયાએ મંચુરિયામાં પોતાનાં હિતો સ્થાપ્યાં હતાં. 1904માં જાપાને રશિયા સમક્ષ દરખાસ્ત મૂકી કે જાપાન મંચુરિયા ઉપર રશિયાની સત્તા માન્ય રાખે તેના બદલામાં રશિયા કોરિયા ઉપર જાપાનનો અધિકાર માન્ય રાખે. પરંતુ રશિયાએ તેનો જવાબ ન આપ્યો. તેથી જાપાને રશિયા સાથેના રાજકીય સંબંધો તોડી નાખ્યા અને 1904માં રશિયા સામે યુદ્ધ શરૂ કર્યું. રશિયાનું લશ્કર જૂનાં શસ્ત્રો અને તાલીમવાળું હતું, જ્યારે જાપાને આધુનિક શસ્ત્રો અને તાલીમવાળું શક્તિશાળી લશ્કર તથા મોટું નૌકાદળ તૈયાર કર્યું હતું. પરિણામે જમીન અને દરિયા પરની લડાઈઓમાં રશિયાનો સખત પરાજય થયો અને જાપાનને સ્પષ્ટ વિજય મળ્યો (1905).
વિશ્વને માટે આ એક વિસ્મયજનક ઘટના હતી. એશિયાનો એક નાનો દેશ જાપાન, યુરોપના રશિયા જેવા મોટા દેશને હરાવે એ એક ચમત્કાર હતો. અત્યાર સુધી એવી માન્યતા હતી કે યુરોપના કોઈ પણ દેશને એશિયાનો દેશ હરાવી શકે નહિ. 1905ના સપ્ટેમ્બરમાં પૉર્ટસમથની સંધિથી આ યુદ્ધનો અંત આવ્યો. આ સંધિથી રશિયાએ કોરિયા પર જાપાનની સત્તાનો સ્વીકાર કર્યો. રશિયા મંચુરિયામાંથી ખસી જવા સંમત થયું. તેણે પૉર્ટ આર્થર અને સખાલીન ટાપુનો દક્ષિણ ભાગ પણ જાપાનને આપવો પડ્યો.
આ યુદ્ધનાં બીજાં કેટલાંક મહત્વનાં પરિણામો આવ્યાં. જાપાન એશિયાની મહાસત્તા તરીકે આગળ આવ્યું. એશિયામાં તેનો કોઈ હરીફ ન હોવાથી તેણે વધારે આક્રમક નીતિ અપનાવી. આ યુદ્ધમાં રશિયાની નિર્બળતા ખુલ્લી પડી. તેની ઘણી ખુવારી થઈ. તેથી ત્યાં લોકોમાં અને કામદારોમાં અસંતોષ ઊભો થયો. પ્રજાની યાતનાઓમાં વધારો થયો. કારખાનાંઓમાં હડતાળો પડવા માંડી. ઝાર નિકોલસ 2જાએ વહીવટી તંત્રમાં પ્રગતિશીલ સુધારાઓ દાખલ કર્યા છતાં, પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડ્યો. રશિયાની સામ્યવાદી ક્રાંતિ માટે આ યુદ્ધ એક કારણ બન્યું. જાપાને ચીન પચાવી પાડવાના પ્રયાસો શરૂ કર્યા. એશિયાના ગુલામ દેશોમાં એવો આત્મવિશ્વાસ પેદા થયો કે યુરોપના દેશો અજેય નથી અને તેઓ સંગઠિત લડત આપે તો યુરોપના દેશો સામે વિજય મેળવી શકે.
મુગટલાલ પોપટલાલ બાવીસી