રશિયન ભાષા અને સાહિત્ય
રશિયાની સત્તાવાર ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. રશિયન સામ્રાજ્ય અને પૂર્વ સોવિયેત યુનિયનની તે લોકભાષા (lingua franka) કહેવાતી. જૂનાં સોવિયેત પ્રજાસત્તાકોમાં હજુ પણ તે માતૃભાષા ઉપરાંતની બીજી ભાષા તરીકે ભણાવાય છે. તે ‘ગ્રેટ રશિયન’ તરીકે પણ ઓળખાય છે, સ્લાવિક ભાષાઓની પૂર્વ શાખાની બેલારુશિયન અને યુક્રેનિયનની જેમ રશિયન પણ તે જ જૂથની ભાષા છે. રશિયન ભાષાની ત્રણ જૂથની અનેક બોલીઓ છે – ઉત્તર, દક્ષિણ અને મધ્યભાગની. મધ્યજૂથમાં બાકીનાં બે જૂથનો સમન્વય થયો છે. દક્ષિણ અને મધ્યભાગની બોલીઓનું એક આગવું લક્ષણ તે ‘અકાંજે’ (akan’je) છે. કેટલાક સ્વરો સાથે જોડાઈને – સંયુક્ત થતાં-એક સ્વરનો અલાયદો ઉચ્ચાર થાય છે. તે અન્ય ભાર(stress)થી જુદો પડે છે. મૉસ્કોના મધ્યભાગવાળી બોલી પરથી પ્રમાણભૂત રશિયન ભાષા બની છે. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ની પાંચ સત્તાવાર ભાષાઓમાંની તે એક છે.
રશિયન ભાષાના મૂળાક્ષરો સિરિલિક પ્રકારના છે. તેની સંખ્યા 33 છે. ઘણુંખરું શબ્દની જોડણી ઉચ્ચાર પ્રમાણે થાય છે. ઉચ્ચારણના નિયમો પ્રમાણમાં થોડા અને સાદા છે. રશિયન ભાષામાં નિશ્ચિત કે અનિશ્ચિત ઉપપદ (article) નથી. તેમાં નામને નર, નારી, નાન્યતર – એમ ત્રણ જાતિ છે. નામને છ વિભક્તિઓ લાગે છે. નામ પ્રમાણે વિશેષણની જાતિ, વિભક્તિ અને વચન હોય છે. વર્તમાન, ભૂત અને ભવિષ્ય – એમ ત્રણ કાળ છે. વધારાના કાળના બે પ્રકારો – ચાલુ વર્તમાન અને પૂર્ણ વર્તમાન છે. ક્રિયાપદના રૂપ(mood)નાં નિશ્ર્ચયાર્થ (indicative), કર્તાલક્ષી (subjective-conditional) અને આજ્ઞાર્થ (imperative) તથા ક્રિયાવિશેષણાત્મક (adverbial) અને વિશેષણાત્મક (adjectival) કૃદંતો છે. વિશેષણાત્મક કૃદંત કર્મણિ (passive) કે કર્તરિ (active) હોઈ શકે. રશિયન ભાષામાં વિભક્તિરૂપો (declensions) અને રૂપાખ્યાન(conjugation)ને લીધે તેનો શબ્દાનુક્રમ (word order) અંગ્રેજીની જેમ ચુસ્ત નથી. પૂર્વગો (prefixes) અને પ્રત્યયો (suffixes) પરથી તથા શબ્દના મૂળધાતુ(root)માંથી અનેક શબ્દો બને છે.
10મી સદીમાં રશિયન ભાષામાં લિખિત સ્વરૂપ દાખલ થયું તે પહેલાં સ્લાવિક લોકોએ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હતો. ધર્મપ્રચારકોએ ‘ઓલ્ડ ચર્ચ સ્લાવૉનિક’ના શરણમાં જે ભાષા લિખિત સ્વરૂપે શરૂ કરી તે જૂની બલ્ગેરિયન કે જૂની સ્લાવૉનિક તરીકે ઓળખાતી હતી. પૂર્વના ભાગમાં રહેતા સ્લાવૉનિક લોકો જૂની સ્લાવૉનિક ભાષા જાણતા હતા; પરંતુ સમયાંતરે લિખિત અને બોલાતી ભાષામાં ભેદ પડતો ગયો. ઉચ્ચાર અને શબ્દરચનાની દૃષ્ટિએ બોલાતી ભાષા ઉત્તરોત્તર સાદી-સરળ બની રહી. જૂની સ્લાવૉનિકમાં 17મી સદીના અંત સુધીમાં લિખિત સાહિત્ય રચાતું હતું. માત્ર રાજ્યવ્યવસ્થા અને કાયદાકીય બાબતો માટે ઓલ્ડ ચર્ચ સ્લાવૉનિકનો ઉપયોગ થતો ન હતો.
18મી સદીમાં મહાન પીટરના રાજ્યકાલ દરમિયાન સંસ્કૃતિના વહેણમાં ભાષામાં જોરદાર ફેરફારો થયા. જૂની લિખિત ભાષા – પછી તે ઓલ્ડ સ્લાવૉનિક હોય કે સત્તાવાર રાજકીય વ્યવહારની હોય વૈજ્ઞાનિક, ટેક્નૉલૉજિકલ, સાંસ્કૃતિક, રાજકીય વિચારો જે પીટરે વહેતા કર્યા હતા તેને અભિવ્યક્ત કરવા પૂરતી ન હતી. તેને અભિવ્યક્ત કરવા નવી લિખિત ભાષાનું સ્વરૂપ સાકાર થયું. આમાં અનેક શૈલીઓની સેળભેળ થઈ હતી. ઓલ્ડ ચર્ચ સ્લાવૉનિક તથા લોકોની બોલી અને પશ્ચિમનાં નવાં તત્વોને સાથે લઈને ભાષાનું એક નવું સ્વરૂપ ઊભું થયું ત્યારે 19મી સદીનો મધ્યાહન તપતો હતો.
રશિયન સાહિત્ય
‘ગ્રેટ રશિયન’ (ભાષા) શાખાના પૂર્વ તરફના સ્લાવ લોકોએ રશિયન ભાષામાં સાહિત્ય રચ્યું હતું. યુરોપનાં અન્ય સાહિત્યોની જેમ તેના પર બહારની અસર પડી છે, પરંતુ તેના મૂળ સ્રોતો અને સ્વકીય પરંપરા અકબંધ રહ્યાં છે. રશિયન સરહદોની પારથી તેણે વિદેશો પાસેથી સાહિત્યસ્વરૂપો અને અન્ય સંસ્કૃતિઓમાંથી વિષયવસ્તુ- (themes)નો સ્વીકાર કર્યો છે. જોકે ઉછીની લીધેલી આ પ્રણાલિકાનો પછી અંત આવેલો, અર્થાત્ બહારથી આણેલાં વિચારો, સ્વરૂપો અને પ્રણાલિકાઓને પોતાની સંસ્કૃતિને અનુરૂપ એવો ઘાટ અપાયેલો. રાજકીય આક્રમણો અને સંરક્ષણની આવશ્યકતાનુસાર રશિયા બાકીના યુરોપથી અલગ પડી ગયેલું.
મધ્યયુગમાં અને ત્યારપછી પ્રબુદ્ધકાળ(renaissance)થી આધુનિક સમય સુધી પશ્ચિમ યુરોપથી એકદમ અળગા રહીને પણ રશિયન સાહિત્યે પોતાની તળપદ પ્રણાલિકાઓનું સતત સંવર્ધન કર્યું છે.
કીવ સમય (10થી 13મી સદી) : રશિયામાં સાહિત્ય સર્જાયું તેના સગડ નવમી સદીના બાયઝૅન્ટિયન પંડિતો અને ધર્મપ્રચારકો સુધી જાય છે. સેંટ સાયરિલ અને સેંટ મેથોડિયસ મૅસિડોનિયને સ્લાવિક બોલીમાં સાહિત્ય રચ્યું, તેને ‘ઓેલ્ડ ચર્ચ સ્લાવૉનિક’ સાહિત્ય કહે છે. 988માં કીવના ડ્યૂક મહાન વ્લાદિમિર 1લાએ જૂના ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો અને બાયઝૅન્ટિયન સંસ્કૃતિના પ્રવેશ માટે રશિયાનાં બારણાં ખુલ્લાં કરી દીધાં. પછીનાં 250 વર્ષોમાં કીવ તેના વિદ્વાનોના રહેઠાણથી મોટા ધર્મમઠોવાળું પ્રખ્યાત નગર બન્યું. આ સમયમાં ત્યાં બાયઝૅન્ટિયન શૈલીનાં દેવળો બંધાયાં. ઓલ્ડ ચર્ચ સ્લાવૉનિક ભાષામાં સાહિત્ય સર્જાવા લાગ્યું. સૈકાઓ સુધી તે ભાષા સાહિત્ય માટેનું વાહન બની રહી.
ઘણુંખરું રશિયન લેખકો સાધુઓ (monks) કે દેવળના માણસો હતા. બહારથી આણેલા સાહિત્યનાં સ્વરૂપોમાં પાવરધા થઈ તેમણે રશિયાનું પોતાનું કહેવાય તેવું સાહિત્ય સર્જ્યું. આમાં જળવાયેલી સાહિત્યકૃતિઓમાં ‘સ્લાવૉ ઓ ઝૅકોન ઇ બ્લૅગોડેતિ’ (‘ધ ડિસ્કૉર્સ ઑન લૉ ઍન્ડ ગ્રેસ’, આશરે 1050) નોંધપાત્ર છે. દેવળના ધાર્મિક પુરુષે તે લખી હતી. અન્ય ‘પ્રોવેસ્ટ રૅમૅન્નીખ લેટ’ (ધ પ્રાયમરી રશિયન ક્રૉનિકલ) કોઈ સાધુએ લખેલ છે. તેમાં પૂર્વ તરફના સ્લાવિક લોકોની 1110 સુધીની તવારીખનો ઇતિહાસ છે. તેમાં વ્લાદિમિરે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો તેનું જીવંત વર્ણન છે. ‘સ્લૉવો ઑ પૉલ્કુ સાઇગૉરેવ’ (ધ લે ઑવ્ આગોર્સ હોસ્ટ, 1185) એક હૃદયંગમ મહાકાવ્ય છે. તેનો અનામી લેખક આક્રમક એશિયન ધાડાંઓ સામે સ્લાવિક પ્રજાને ઐક્ય સ્થાપવાની હિમાયત કરે છે.
મસ્કોવાઇટ સમય (13મીથી 17મી સદી) : 13મી સદીમાં કીવ ઉપર પૂર્વમાંથી તાતાર લોકોએ આક્રમણ કરીને તે નગરનો ધ્વંસ કર્યો હતો. 1340 સુધીમાં ગોલ્ડન હૉર્ડે મોટા ભાગના રશિયા ઉપર વર્ચસ્ જમાવી દીધેલું. તાતારોએ 200 વર્ષ સુધી પોતાની સત્તાનો દોર જમાવ્યો. રશિયન સંસ્કૃતિ લગભગ રૂંધાઈ ગઈ. 15મી સદીમાં તાતારોને કાઢી મુકાયા બાદ મૉસ્કો રશિયાની નવી રાજધાનીનું શહેર બન્યું. 1453માં બાયઝૅન્ટિયન સામ્રાજ્યનો અંત ઑટોમન તુર્કોને હાથે આવ્યો, એટલે સંજોગવશાત્ રશિયાએ પોતાની સંસ્કૃતિનાં મૂલ્યોની સાથે તમામ સ્રોતો સાથેનો સંબંધ ગુમાવ્યો. જોકે આ વખતે રશિયાએ પોતાના રાજકીય સ્વાતંત્ર્યને જાળવી રાખ્યું હતું. પ્રબુદ્ધકાળના પરોઢમાં નવા રશિયા સામે પશ્ચિમની ખ્રિસ્તી સંસ્કૃતિએ નવો પડકાર ખડો કર્યો. તાતારની સત્તા તળે રશિયાની સંસ્કૃતિનાં મૂળિયાં ઊખડી ગયાં હતાં અને છેવટે એ ઓછું હોય તેમ તુર્કોએ તો રહ્યાસહ્યા બચેલા તમામનો નાશ કર્યો. આ સમયની ઘટનાઓનું સાંગોપાંગ હૂબહૂ બયાન અવ્વાકુમે (Avvakum) પોતાની આત્મકથા ‘લાઇફ ઑવ્ આર્ચપ્રીસ્ટ અવ્વાકુમ’(1672-75; અનુ. 1924)માં આપ્યું છે.
પશ્ચિમની અસરો : ઝાર પીટર 1લાના રાજ્યકાલ દરમિયાન સાંસ્કૃતિક રીતે અલગ પડી ગયેલા રશિયાએ પશ્ચિમના પવનો માટે પોતાની બારીઓ ઉઘાડી નાંખી. ફ્રાન્સનો શિષ્ટવાદ સૌપ્રથમ રશિયાએ માણ્યો. જોકે છંદમાત્રાબદ્ધ કવિતાનું આંધળું અનુકરણ લાંબું ન ચાલ્યું. નાટ્યકાર ડેનિસ ફૉન્વિઝિને કેટલીક ફ્રેન્ચ શિષ્ટ પ્રયુક્તિઓની સાથે તેમનાં કૉમેડી પ્રકારનાં નાટકો ‘બ્રગેડિર’ (ધ બ્રિગેડિયર, 1786) અને ‘ધ માઇનોર’ લખ્યાં, પરંતુ સાથે સાથે તેનાં પાત્રોના મૂળભૂત આચારવિચારનો ખ્યાલ રાખીને રશિયાના જ સામાજિક રીતના ‘ગ્રૉટેસ્ક’ પ્રકારના પોતને જાળવીને સરજ્યાં. ગેવરિલ રૉમાનૉવિચ દેર્ઝેવિન મોટા ગજાના કવિ હતા. તેમણે રશિયન ભાષાનો ઊર્મિસભર ઉપયોગ કરવાની સાથે શિષ્ટ સ્વરૂપોનો સમન્વય કર્યો. મિખેઇલ વાસિલ્યેવિચ લોમોનૉસૉવ રશિયન ભાષાના નિષ્ણાત હતા. વૈજ્ઞાનિક અને કવિ તરીકે પણ તેમની પ્રતિષ્ઠા હતી. રાણી કૅથરિન બીજીની રાજસત્તાની શરૂઆતના સમયમાં સાક્ષરો અને લેખકોનું એક વૃંદ ઊભું થયું હતું. ફ્રાન્સની રાજ્યક્રાન્તિ પછી, કૅથરિનની બૌદ્ધિકોને આશ્રય આપવાની પ્રવૃત્તિ મંદ પડી ગઈ. નિકોલે ઇવાનૉવિચ નોવિકૉવ તેજાબી પત્રકાર હતા. રાણીએ તેમને કારાવાસમાં પૂરી દીધા. ઍલેક્ઝાન્ડર નિકોલેવિચે ‘જર્ની ફ્રૉમ સેંટ પીટર્સબર્ગ ટુ મૉસ્કો’(1790; અનુ. 1958)માં ગુલામીની વિરુદ્ધ અને ગુલામોને થતા અન્યાયની સામે લગભગ શાબ્દિક બળવો પોકાર્યો. 1790માં તેમને સાઇબીરિયામાં દશ વર્ષ જેલવાસ માટે મોકલી આપવામાં આવ્યા.
પુશ્કિન અને સમકાલીનો : રશિયન સાહિત્ય માટે 19મી સદીનું સર્જન ખૂબ નોંધપાત્ર છે. ઍલેક્ઝાન્ડર સર્જેયેવિચ પુશ્કિન ગદ્યપદ્યના સમર્થ સ્વામી છે. ફ્રેન્ચ સાહિત્યનાં પ્રશિષ્ટ અને રંગદર્શી બન્ને પાસાંનો તેમણે સમન્વય કર્યો છે. છેલ્લાં વર્ષોમાં તેમણે ઓગણીસમી સદીના મધ્યાહ્ન અને ઉત્તરાર્ધના વાસ્તવવાદના પક્ષમાં ધીંગું કાર્ય કર્યું. કવિનું સન્માન કરતાં તેમણે તેને ઉત્કંઠ, બહાદુર અને કલાના સત્યનો ઉપાસક ગણાવ્યો અને કહ્યું કે કવિનું જીવન લોકોને સમર્પિત થવા માટે હોય છે. તેમનાં ઊર્મિકાવ્યોમાં પ્રેમ, પ્રકૃતિ, અસત્તત્વ, સમય, નસીબ અને મૃત્યુ વિશેના તેમના ખ્યાલો અને અનુભવોનું તેમણે સુપેરે વર્ણન કર્યું છે. ‘બોરિસ ગોદુનૉવ’ (1831; અનુ. 1953) તેમની ઐતિહાસિક કરુણાંતિકા છે. તેમની અભિવ્યક્તિ શેક્સપિયરના સ્તરને પામવા પ્રયત્ન કરે છે. ‘યુજીનોજિન’ (182331; અનુ. 1964) તેમની પદ્યમાં લખાયેલ નવલકથા છે. તેમના ગદ્યની અસર પછીના ગદ્યકારો પર થઈ છે. સમ્રાટ ઝાર નિકોલસ પહેલાએ પુશ્કિનને હેરાનપરેશાન કરેલા. તેમના અવસાનનો શોક તેમના લાખો ચાહકોએ વ્યક્ત કર્યો હતો.
આઇવેન એન્દ્રેયેવિચ ક્રાયલૉવ અને ઍલેક્ઝાન્ડર તેમના સમકાલીનો છે. ઍલેક્ઝાન્ડરનું ‘વૉ ફ્રૉમ વિટ’ (1825; અનુ. 1951) પદ્યમાં લખાયેલું હાસ્યપ્રધાન સામાજિક નાટક છે. મિખેઈલ યુરિયેવિચ અંગ્રેજ કવિ બાયરન જેવા છે. ‘અ હીરો ઑવ્ અવર ટાઇમ્સ’ (1840; અનુ. 1958) તેમની ખૂબ જાણીતી નવલકથા છે. આ ઉપરાંત અફનાસી અફનાસિયેવિચ ફેટ અને ફ્યૉદોર આઇવેનોવિચ નોંધપાત્ર ગદ્યલેખકો છે.
નવલકથા, નવલિકા, ટૂંકી વાર્તા અને ગદ્યનાટકોનું ખેડાણ આ સમયમાં સ-રસ થયું છે. આ લેખકો વાસ્તવિકતાનાં હૂબહૂ ચિત્રણો કરે છે. અહીં રશિયાનો સામાજિક સંઘર્ષ રજૂ થયો છે. વિગ્સેરિયૉન ગ્રિગોર્યોવિચ બેલિસ્કી, નિકોલે ગ્રેવરિલૉવિચ ચર્ની શૅવસ્કી અને નિકોલે ઍલેક્ઝાન્દ્રેવિચ ડુબ્રોક્યુલૉવ ઉદ્દામવાદી વિવેચકો છે. ખુદવફાઈને કારણે તેઓ જનતા અને સારસ્વતોમાં માનવગૌરવના અધિકારી બન્યા.
ગોગૉલ : નિકોલાઈ વાસિલ્યેવિચ ગોગૉલ રાષ્ટ્રનાં નૈતિક મૂલ્યોની જિકર કરનારા મહાન સાહિત્યકાર હતા. હાસ્ય-પ્રેરક અતિશયોક્તિ (comic hyperbole) માટે એમની ખ્યાતિ વિશ્વવ્યાપી છે. પોતાના દેશબંધુઓનાં દ્રવ્યલોભ, આળસ, લાંચરુશવત અને કંગાલિયતનાં કટાક્ષચિત્રો(grotesque)માં તેઓ બેનમૂન છે. ‘ધી ઓવરકોટ’ (1842; અનુ. 1949) તેમની મહાન ટૂંકી વાર્તા છે. ‘ધ ગવર્ન્મેન્ટ ઇન્સ્પેક્ટર’ (1836; અનુ. 1968) વિશિષ્ટ નાટ્યકૃતિ છે. ‘ડેડ સોલ્સ’ (1842; અનુ. 1877) સુવિખ્યાત નવલકથા છે. એક ધુતારાની આ કથામાં તેનો ખલનાયક ભલાભોળા ખેડૂતો સાથેના છળકપટી વ્યવહારમાં, નૈતિક અધ:પતન, આડંબર અને દ્રવ્યલોભીઓની દુનિયામાં ભાવકને અવગાહન કરાવે છે.
ટર્ગેનેવ : આઇવેન સર્જેયેવિચ ટર્ગેનેવ તેમના યુગના ગણનાપાત્ર સંસ્કારી લેખક હતા. બૌદ્ધિકો અને કલાકારો તથા પશ્ચિમના જગતમાં તેઓ માનીતા હતા. પશ્ચિમની સંસ્કૃતિના આગમનને વધાવનાર રશિયન સાહિત્યકાર હતા. તેમની નવલકથાના નાયકો સુખ, પ્રેમ કે ફરજની ભાવનામાં રચ્યાપચ્યા રહે છે. જોકે પોતાના ચરિત્રની કોઈ એક ઊણપ તેમની અભિલાષાઓનો ભાંગીને ભૂકો કરી નાખે છે. ‘ફાધર્સ ઍન્ડ સન્સ’ (1862; અનુ. 1962) યુવાન વિદ્રોહીના સિદ્ધાંતો અને લાગણીઓની જરૂરિયાતો વચ્ચેના સંઘર્ષની કથા છે.
ટૉલ્સ્ટૉય : કાઉન્ટ લિયો ટૉલ્સ્ટૉય નવલકથાકાર, ટૂંકી વાર્તાના સર્જક, ફિલસૂફ અને સમાજસુધારક તરીકે નિરંતર માનવસ્વભાવનાં અસલી સત્યોની શોધમાં રહ્યા છે. તેમની જગતપ્રસિદ્ધ નવલકથા ‘વૉર ઍન્ડ પીસ’ (1865-69; અનુ. 1925) મહાકાવ્ય સમોવડી છે. 1812માં નેપોલિયને રશિયા પર કરેલા આક્રમણના સંદર્ભમાં, ઇતિહાસના મર્મને વ્યક્ત કરવા ઉપરાંત તે દુનિયામાં માનવ કેવો મધ્યસ્થ સ્થાને છે તેની વાત કરે છે. કેટલાક રશિયન પરિવારોની કથા સમસ્ત માનવજાતની આરસીરૂપ છે. ‘અન્ના કેરેનિના’ (1875-77; અનુ. 1958) સામાજિક ધોરણો અને કુટુંબકથાનું આબેહૂબ નિરૂપણ કરે છે. અવૈધ પ્રેમની આ ગાથા બે સ્તરે વિસ્તરે છે. તેમાં ટૉલ્સ્ટૉયની જેમ માનવનાં લગ્ન, પરિવાર, કાર્ય, સ્વભાવ અને ઈશ્વરના અસ્તિત્વની વાત કલાત્મક રીતે ગૂંથાઈ છે. ટૉલ્સ્ટૉય નવી સમાજરચનાના દ્રષ્ટા અને પયગંબર છે. ‘રિસરેક્શન’ (1899; અનુ. 1957) તેમની આખરી પૂર્ણ કદની નવલકથા છે.
દૉસ્તૉયેવસકી : ફ્યૉદૉર દૉસ્તૉયેવસકીએ માનવસ્વભાવનું નિરૂપણ ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’(1866; અનુ. 1955)માં કર્યું છે. એક ખૂની માનવમનનાં ગાઢ અરણ્યોમાં રઝળપાટ કરીને ભયંકર યાતના સહન કરી છેવટે અપૂર્ણ દુનિયા સાથે સમાધાન કરે છે. ‘ધી ઇડિયટ’ (1868-69; અનુ. 1955)માં પ્રિન્સ મિશ્કિન ઈશુ જેવા પાપરહિત અત્યંત ભલાભોળા માણસ છે. રશિયન જીવનના હિંસામય જગતમાં તે વિચરે છે અને મનુષ્ય તથા સંત તરીકે હિંસાત્મક લાગણીઓ સાથે વ્યાવહારિક દૃષ્ટિએ સફળ થતા નથી. ‘ધ ડેવિલ્સ’ (187172; અનુ. 1953) ‘ધ પઝેસ્ડ’ તરીકે તેનો અનુવાદ થયો છે. રશિયાના વિદ્રોહ વખતના તમામ સંપ્રદાયો અને ભાગલાઓ ઉપર તેમાં પ્રહાર થયો છે. અહીં સ્ટ્રેવરોજિન મુખ્ય પાત્ર છે.
સત્ અને અસત્ વિષેના માનવજ્ઞાનના સ્રોતોની પેલે પાર તે જાય છે. ‘ધ બ્રધર્સ કારામાઝૉવ’(1880; અનુ. 1958)માં ત્રણ બંધુઓ આઇવન, દમિત્રિ અને આલ્યૉશા છે. આઇવન ઈશ્વરના કાયદા સામેનો બૌદ્ધિક બળવાખોર છે તો દમિત્રિ દુન્યવી ભૌતિક સુખોને વરેલો વરણાગિયો છે અને આલ્યૉશા લાગણીસભર, નિ:સ્વાર્થ અને દિલથી સાચો ખ્રિસ્તી છે. આમાં એકંદરે સમસ્ત માનવકુળ સમાઈ જાય છે. આ વાર્તામાં ત્રણેયના પિતાનું ખૂન થાય છે. આમાં માનવોનાં પાપ અને મુક્તિ માટેની આશા નાટકીય રીતે દૃષ્ટિગોચર થાય છે.
ગૉન્ચારૉવ અને અન્ય લેખકો : દૉસ્તૉયેવસકીનું 1881 અને તુર્ગનેવનું 1882માં અવસાન થયું. આ સમયમાં ટૉલ્સ્ટૉયે સાહિત્યસર્જનની પ્રવૃત્તિ લગભગ બંધ કરી દીધી હતી. જોકે નવલકથાકાર આઇવાન ગૉન્ચારૉવે ‘ઑબ્લોમૉવ’(1857; અનુ. 1929)ના લેખક તરીકે સમાજનું હૂબહૂ અવલોકન કર્યું અને સાથે સાથે ગોપસંસ્કૃતિ અને દંતકથાને સાહિત્યમાં સુપેરે મૂકી આપી. એન. શૅડ્રિને રશિયન સમાજને કટાક્ષ અને મર્મભેદી (mordant) દૃષ્ટિએ જોયો. તેમણે ‘હિસ્ટરી ઑવ્ અ ટાઉન’ (1869-70) લખ્યું. ‘ધ ગૉલૉવિયૉવ ફેમિલી’(1876; અનુ. 1955)માં માનસિક ભય પેદા કરનારી નૈતિક મૂલ્યોના હ્રાસની કથાનું સર્જન કર્યું છે. તુર્ગનેવ, ટૉલ્સ્ટૉય વગેરેએ કલ્પેલો આદર્શ સમાજ અહીં ચકનાચૂર થઈ જતો લાગે છે. ‘ક્રૉનિકલ્સ ઑવ્ અ રશિયન ફૅમિલી’ (1846-56; અનુ. 1924)માં સર્જે તિમોફેયેવિચ અક્સાકૉવે કૌટુંબિક જીવનને પૂરી સંવેદનક્ષમતાથી વર્ણવ્યું છે. નિકોલે સૅમિયોનૉવિચ લૅસ્કૉવે રશિયાના સમાજને – ખાસ કરીને વેપારીઓને – લક્ષમાં લઈ ‘લેડી મૅકબેથ ઑવ્ ધ મેત્સેક ડિસ્ટ્રિક્ટ’ (1866; અનુ. 1922) નામના ટૂંકી વાર્તાસંગ્રહને પ્રસિદ્ધ કર્યો. તેમની અન્ય કૃતિઓમાં ‘ધી એન્ચૅન્ટેડ વૉન્ડરર’ (1873; અનુ. 1924) અને ‘કથીડ્રલ ફોક’ (1872; અનુ. 1924) નવલકથાઓ છે. રાષ્ટ્રીય નાટકશાળાની સ્થાપના ઍલેક્ઝાન્ડર નિકોલેયેવિચ ઑસ્ટ્રૉવસ્કીએ કરી હતી અને તે દ્વારા ‘ધ સ્ટૉર્મ’ (1860) જેવાં મધ્યમવર્ગના જીવનને વણી લેતાં નાટકો ભજવાયાં હતાં.
19મી સદીના વાસ્તવવાદી અને પ્રતીકવાદી લેખકો :
આન્તોન ચેખૉવ : 19મી સદીના છેલ્લા બે દશકામાં તુર્ગનેવ અને ટૉલ્સ્ટૉયની પરંપરા ચાલુ રહે છે, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ અને 1917ની બે ક્રાન્તિઓએ જાણે કે એ બધું ઉલટાવી નાંખ્યું. આન્તોન પાવલોવિચ ચેખૉવે ગદ્યને નવો ઘાટ આપ્યો. લોકોની સામાન્ય ભાષા સાહિત્યની ભાષા બની. ખાસ વ્યક્તિઓના સંજોગોને તેમની અભિવ્યક્તિ અનુશાસનથી બંધાયેલા ગદ્યમાં વ્યક્ત કરે છે. તેમનાં મોટા ભાગનાં પાત્રો સામાન્ય સ્તરનાં અને એકલવાયાં છે. ‘ધ સી ગલ’ (1896; અનુ. 1923), ‘અન્કલ વાન્યા’ (1899; અનુ. 1923), ‘થ્રી સિસ્ટર્સ’ (1901; અનુ. 1923), ‘ધ ચેરી ઑર્ચાર્ડ’(1904; અનુ. 1923)નાં પાત્રોમાં નાટ્યાત્મક સંઘર્ષ સૌની નિષ્ક્રિયતામાંથી ઊભો થાય છે. તેમની ઇચ્છાઓ કે જીવન વિષેની અપેક્ષાઓ પણ આ સંઘર્ષ માટે કારણભૂત બને છે.
19મી સદીના અંતભાગે સાહિત્યમાં થયેલો બળવો લગભગ શમી જતો લાગે છે. હવે ગદ્યનું સ્થાન પદ્ય લે છે. તર્કનું સ્થાન સ્વયંસ્ફુરણા લે છે. સમાજ અને સામાજિક પ્રશ્ર્નોની ભૂમિકા માનવ-અસ્તિત્વના શાશ્વત પ્રશ્ર્નો અખત્યાર કરે છે. ફ્રેન્ચ પ્રતીકવાદનું અભિવાદન રશિયન સાહિત્યકારો પોતાની રીતે કરે છે.
વ્લાદિમિર સર્જેયેવિચ માનવીય, પ્રાકૃતિક અને અલૌકિક પ્રશ્ર્નોનો સમન્વય કેમ થાય તે વિગતે વિચારે છે. વાસિલી વાસિલ્યેવિચ રૉઝાનૉવ ખ્રિસ્તી ધર્મના મીમાંસક છે. વ્યાચેસ્લાવ આઇવેનૉવિચ તાત્વિક લેખોમાં કેટલાક જુનવાણી સિદ્ધાંતોને દૉસ્તૉયેવ્સ્કીની જેમ નવી દૃષ્ટિથી તપાસે છે. લેવ શેસ્ટૉવ, નિકોલે ઍલેક્ઝાન્દ્રોવિચ બર્દેયેવ બૌદ્ધિકોની જેમ તે સૌને નવેસરથી જાણવા પ્રયત્ન કરે છે. જોકે આ બધા વિચારકોનું યુરોપીય તત્વજ્ઞાનમાં કંઈ ઝાઝું ઊપજ્યું નથી. અલબત્ત, ગૂઢવિદ્યા, ઈશ્વરી સાક્ષાત્કારની રીતિ અને માનવડહાપણ માટે તેમના અર્ધવિકસિત વિચારો પશ્ચાદભૂમિકા પૂરી પાડે છે.
વીસમી સદી : વીસમી સદીની શરૂઆતથી રશિયન લેખકોનું ધ્યાન કવિતા તરફ વળે છે. ઍલેક્ઝાન્ડર ઍલેક્ઝાન્દ્રૉવિચ બ્લૉક, વેલેરી યાકોવ્લેવિચ બ્રાયુસૉવ, કૉન્સ્ટાનિન દિમિત્ર્યેવિચ બૉલમન્ટ, આન્દ્રેઈ બેલી, ઝિનૈદા નિકોલેયેવના ગિપ્પયસ વગેરેનો ફાળો કવિતાક્ષેત્રે નોંધપાત્ર છે. આ બધાંમાં બ્લૉક મોટા ગજાના કવિ છે. આમાંય કલ્પનાના ક્ષેત્રે જગત્કવિતામાં તેમની બરોબરી કરે તેવા કવિઓ ઝાઝા નથી. તેમની તીવ્ર માનવલાગણી બ્રહ્માંડના વ્યાપને માપવા સમર્થ બની છે. ‘ધ ટ્વેલ્વ’ (1918; અનુ. 1920) બૉલ્શેવિક ક્રાન્તિ પછીનું મહાન કાવ્ય છે. લાલ લશ્કરનાં સાહસોને વાચા આપતી, ઈશુ ખ્રિસ્તના શબ્દોમાં ઉચ્ચારેલી પંક્તિઓ અજોડ છે.
પ્રતીકવાદી લેખકો ગદ્ય અને પદ્ય બન્નેનો ઉપયોગ કરે છે; પરંતુ નવલકથાના ક્ષેત્રમાં તેમણે ચીલાચાલુ ધોરણોને સમૂળગાં બદલી નાખ્યાં છે. દિમિત્રી સર્જેયેવિચ મેરૅસ્કૉવસ્કી કવિ, નવલકથાકાર અને વિવેચક છે અને તેઓ વર્તમાનનો સમૂળગો ત્યાગ કરી ઐતિહાસિક અભ્યાસમાં ગરકાવ થયા છે. ફ્યૉદોર સોલોગોબ તેમની નવલકથા ‘ધ લિટલ ડેમન’(1907; અનુ. 1976)માં અલૌકિક તત્વોની પ્રક્રિયા વ્યક્ત કરે છે. પ્રતીકવાદી ચળવળની અભિવ્યક્તિનું સુચારુ ગદ્ય ધરાવતી ‘બેલીઝ પીટર્સબર્ગ’ (1912; અનુ. 1959) કૃતિ ક્રાન્તિકારી પ્રયોગ છે. પશ્ચિમની નવલકથામાં સમાંતર રીતે જે જે તક્નીકી વિકાસ થયો છે તેનું એમાં સમાંતર અવતરણ થયું છે.
કેટલાક લેખકો સાહિત્યના વાડાઓમાં નહિ ભળતાં સ્વતંત્ર રીતે રશિયન ગદ્યનું ખેડાણ કરે છે. આમાં ટૂંકી વાર્તાના સર્જક અને નાટ્યકાર લિયૉનિદ નિકોલેયેવિચ આન્દ્રેયેવ અને ટૂંકી વાર્તાના લેખક અને નવલકથાકાર ઍલેક્ઝાન્ડર આઇવેનૉવિચ કુપ્રિનનાં નામ નોંધપાત્ર છે. કવિ અને નવલકથાકાર આઇવેન ઍલેક્સેયેવિચ બુનિન પહેલા રશિયન ગદ્યલેખક છે, જેમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક 1933માં એનાયત થયું હતું. તેમની કાવ્યાત્મક વાર્તાઓ રશિયન ભદ્ર સમાજની છેલ્લી પેઢીનું હૃદયસ્પર્શી અને માનસશાસ્ત્રીય ચિત્રણ કરે છે.
ગૉર્કી : મૅક્સિમ ગૉર્કી સમર્થ નવલકથાકાર, નાટ્યકાર અને નિબંધકાર છે. વૉલ્ગા નદીના તટવાળા રસ્તે પગપાળા મુસાફરી કરતાં પોતાના યુવાકાળના અનુભવને તેઓ શબ્દસ્થ કરે છે. પશ્ચિમના પ્રદેશોમાં તેમની ખ્યાતિ ટૂંકી વાર્તાઓ અને ત્રણ ભાગમાં લખાયેલી આત્મકથાના સર્જનને લીધે ફેલાઈ છે. ‘ધ લોઅર ડેપ્થ્સ’ (1903; અનુ. 1923) તેમની મહત્વની કૃતિ છે. ટૉલ્સ્ટૉય, ચેખૉવ અને આન્દ્રેયેવ વિશેની તેમની સાંભરણો હૃદયંગમ બની છે. ‘મધર’ (1907; અનુ. 1950) તેમની મહત્વની ક્રાન્તિકારી નવલકથા છે. ‘ક્લિમ સેમ્ગિન’- (1927-36; અનુ. 4 ગ્રંથો, 1930-38)માં તેમણે સમાજવાદી વાસ્તવિકતા દર્શાવતી ક્રાન્તિના સ્થાપક તરીકે પોતાની જાતને સ્થાપી છે.
ક્રાન્તિ પૂર્વેનો સમય : સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાકોના સંઘે લેખકો અને વિવેચકોને નવા યુગ માટે સાહિત્યનાં નવાં સ્વરૂપો પ્રગટાવવા પ્રેરણા બક્ષી. નવી વિચારણાના સંઘો પ્રોલેત્કલ્ટ, ઑન ગાર્ડ અને ઑન લિટરરી ગાર્ડ તરીકે ઓળખાતાં થયાં. જૂનાં સ્વરૂપો રદ થતાં નવાં સ્વરૂપો સરજાતાં હતાં. કવિ વ્લાદિમિર વ્લાદિમિરૉવિચ માયકૉવસ્કી આ ચળવળના પ્રમુખ નેતા હતા. તેમણે સ્વરૂપો, પ્રતીકો અને ભાષાના પોતમાં સમૂળી ક્રાન્તિ લાવવા આહવાન કર્યું; જોકે સેરાપિયોન બ્રધર્સ હજુ પણ શિષ્ટ રશિયન પ્રણાલિકાના સમર્થક હતા.
માયાકૉવસ્કી પ્રયોગશીલ સાહિત્યકાર હતા. તેમના સર્જનમાં ગર્જનાત્મક હાસ્ય અને મર્મભેદી કટાક્ષ છે. તેમનાં કાવ્યો અને નાટ્યકૃતિઓ રશિયાને સંપૂર્ણ વફાદાર રહેવાનું કહે છે. ‘ધ ક્લાઉડ ઇન ટ્રાઉઝર્સ’ (1915) તેમની કાવ્યરચનાઓનો સંગ્રહ છે. ‘ઍટ ધ ટૉપ ઑવ્ માય વૉઇસ’ કાવ્યમાં તેમની પોતીકી જિંદગી અને સામાજિક જીવન વચ્ચેનો પ્રચંડ સંઘર્ષ વ્યક્ત થયો છે. તેમણે 1930માં આત્મહત્યા કરેલી.
બૉરિસ લિયૉનિદૉવિચ પાસ્તરનાક આ બધાય કવિઓમાં સાવ નોખો રણકાર લઈને આવે છે. તેમની અભિવ્યક્તિની બાની અમેરિકન કવિ વૉલેસ સ્ટીવન્સની યાદ અપાવે છે. કવયિત્રી આન્દ્રેયેવ્ના આખ્મેતોવા અને કવિ ઑસિપ યેમિલ્યેવિચ મેન્ડેલસ્ટેમ – બન્નેનો સંબંધ ક્રાન્તિ પૂર્વેના ઍક્મિસ્ટ વૃંદ સાથે છે. 1946માં આખ્મેતોવાની લેખકસંઘમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. મેન્ડેલસ્ટેમને સાઇબીરિયામાં 1930માં કેદની સજા કરવામાં આવી હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમનું અવસાન થયું. મેરિના સ્વેતૅવા કવયિત્રી છે અને 1939માં દેશનિકાલની સજામાંથી છુટકારો થતાં પૅરિસ જતાં રહેલાં. 1941માં તેમણે આત્મહત્યા કરી.
સોવિયેત નવલકથાસાહિત્ય પર ક્રાન્તિ અને આંતરવિગ્રહની અસર છે. સામાજિક અને વ્યક્તિગત જીવનનો સંઘર્ષ, સંસ્થાધ્વંસ અને પ્રજા-પ્રજા વચ્ચેના વૈમનસ્યે રાજ્ય-વ્યવસ્થાને હચમચાવી દીધી એટલે તેની અસર સાહિત્યસ્વરૂપો પર પડી. લશ્કરી શિસ્ત અને સામ્યવાદી વિચારસરણીમાં માત્ર વ્યવસ્થા રહી હતી. દિમિત્રી ફર્માનૉવની ‘ચેપાયેવ’ (1932; અનુ. 1935) નવલકથા વ્યક્તિગત અને ઐતિહાસિક બનાવોનું સીધેસીધું બયાન કરે છે. ચેપાયેવ ગેરીલા યુદ્ધનો નાયક છે. કૉમિસારે તેને હાથમાં લઈ લીધો છે. આઇઝેક બેબેલની ‘રેડ કૅવલરી’ (1926; અનુ. 1929) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. લેખકની દૈનંદિનીમાં પ્રત્યેક ઘટનામાંથી વાર્તા સરજાઈ છે. આમાં સીધો બોધ નથી. જોકે તમામ પ્રસંગોનો સંબંધ આંતરવિગ્રહ સાથે છે. ખરેખર તો પ્રત્યેક વાર્તામાં હિંસા, છેતરપિંડી, પ્રેમ અને મૃત્યુ ઉપર વધુ ઝોક છે. ઍલેક્ઝાન્દ્રૉવિચ ફેદિનની ‘ગોરોદા આઇ ગોદી’ (સિટિઝ ઍન્ડ યર્સ, 1924); લિયૉનિદ મૅક્સિમૉવિચ લિયૉનૉવ રચિત ‘ધ બૅજર્સ’ (1924; અનુ. 1947) અને ઍલેક્ઝાન્ડર ઍલૅકસાન્દ્રોવિચ ફેદેયેવની ‘ધ રાઉટ’ (1927; અનુ. 1957) તે સમયની સામાજિક અને કલાવિષયક કોયડાઓને કેન્દ્રમાં રાખી રચાયેલી નોંધપાત્ર નવલકથાઓ છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના બે દશકાઓમાં વૅલેન્ટિન પેટ્રૉવિચ કેટાયેવની ‘ધી એમ્બેઝ્લર્સ’ (1926; અનુ. 1929); મિખેઇલ ઝૉશ્યેન્કોની વાર્તાઓ અને શબ્દચિત્રો; ઇલ્પા આર્નોલ્દૉવિચ ફેન્ઝિલ્બરની ‘ડાયમન્ડ્ઝ ટુ સિટ ઑન્’ (1928; અનુ. 1930), ‘ધ લિટલ ગોલ્ડન કાફ’ (1931; 1932) નોંધપાત્ર નવલકથાઓ છે. ‘ધ થીફ’ (1927; અનુ. 1931) લાલ લશ્કરના એક નિભ્રાન્ત સૈનિકની કથા છે.
સમાજવાદી વાસ્તવિકતા : 1929માં પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ થતાં સાહિત્યિક સામયિકો અને શાળાઓમાં ચાલતી લેખનપ્રવૃત્તિનો અંત આવ્યો. તમામ સાહિત્યિક પ્રવૃત્તિ ઉપર ‘રશિયન ઍસોસિયેશન ઑવ્ પ્રોલિટેરિયન રાઇટર્સ’(આરએપીપી)નો અંકુશ આવી ગયો. સામ્યવાદી પક્ષની નીતિરીતિ વિરુદ્ધ કંઈ પણ લખવાનો નિષેધ હતો. લેખકનું સ્વાતંત્ર્ય સદંતર ઝૂંટવી લેવામાં આવ્યું હતું. આવી મર્યાદા વચ્ચે લિયૉનૉવે સામાજિક હુકમની રાહબરીમાં ‘સોવિયેત રિવર’ (1930; અનુ. 1932) અને ‘સ્કુટા રેવસ્કી’ (1932) નવલકથાઓ લખી. પૅટ્રોવે ‘ટાઇમ, ફૉરવર્ડ !’ (1932) અને બેનમૂન નવલકથાકાર મિખેઇલ ઍલેક્ઝાન્દ્રોવિચ શૉલોખૉવે ‘વર્જિન સૉઇલ અપટર્ન્ડ’(1931; અનુ. 1935)માં કૃષિક્ષેત્રની આપત્તિ વિષેનો સચોટ અહેવાલ રજૂ કર્યો.
1932માં રૅપ(RAPP)ને બરખાસ્ત કરવામાં આવ્યું. આને બદલે ‘ધ યુનિયન ઑવ્ સોવિયેત રાઇટર્સ’ને સત્તાનાં સૂત્રો સોંપવામાં આવ્યાં. નવા યુગનાં મંડાણ થયાં. ‘ધ ફર્સ્ટ ઑલ યુનિયન કૉંગ્રેસ ઑવ્ સોવિયેત રાઇટર્સ’(1934)નું ઉદઘાટન થયું; જેના ચાવીરૂપ પ્રવચન (keynote address)માં પૉલિટબ્યૂરોના સભ્ય આન્દ્રેઇ ઍલેક્ઝાન્દ્રોવિચ ઝદેનૉવે સાહિત્યના નવા સિદ્ધાંતની વ્યાખ્યા બાંધી અને સમાજવાદી વાસ્તવવાદની સ્પષ્ટતા કરી આપી. તેમણે આરએપીપીના વિચિત્ર, તોછડા, જબરજસ્તીવાળા અંકુશને બદલે નાજુક પણ વ્યાપક પ્રકારની સ્થિતિસ્થાપકતાવાળી માફકસરની અંકુશપદ્ધતિ અમલમાં મૂકી. સંવાદિતાનો સૂર રશિયન સર્જન માટે પ્રસાર પામ્યો. નવલકથાના ક્ષેત્રે લિયૉનૉવની ‘રોડ ટુ ધી ઓશન’ (1935; અનુ. 1944) અને શૉલોખૉવની ચાર ભાગમાં પ્રસરતી ‘ઍન્ડ ક્વાએટ ફ્લોઝ ધ ડૉન’ (192840; અનુ. 1934 અને 1940) નોંધપાત્ર સર્જનો છે. રશિયન ગદ્યના બેનમૂન સર્જન જેવી આ નવલકથામાં ડૉન નદીની પશ્ર્ચાદભૂમાં કૉઝૅક જાતિનો એક નાયક આંતરવિગ્રહના અંધાધૂંધીના વાતાવરણમાં નૈતિક સત્યની શોધમાં નીકળી પડે છે. પ્રકૃતિમાં પરંપરાથી જિવાતા જીવનને બદલે તેનો અત્યંત કરુણ અંજામ આવે છે.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેખકોએ પત્રકાર અને વૃત્તાંતનિવેદકો તરીકે મોરચો સંભાળ્યો. યુદ્ધકાળનાં માનવમૂલ્યો – જેવાં કે પ્રેમ, ભ્રાતૃભાવ, પીડા અને વિખૂટાપણું ઉપર નવલકથા, નાટક અને કાવ્યનું સર્જન થયું. કોન્સ્તાન્તિન સિમૉનૉવે ‘ધ રશિયન પીપલ’ (1942), ‘ડેઝ ઍન્ડ નાઇટ્સ’ (1944; અનુ. 1945) નવલકથાઓ અને કેટલાંક ઊર્મિકાવ્યો લખ્યાં. ‘ઇન્વેઝન’ (1942; અનુ. 1944) નાટક છે. લઘુ નવલકથા ‘ધ ટેકિંગ ઑવ્ વેલિકોશુમ્સ્ક’ (1944; અનુ. ‘ચૅરિયટ ઑવ રૉથ’, 1946)માં સંપૂર્ણ યુદ્ધ અને દુશ્મનોએ રશિયન ભૂમિના લઈ લીધેલ કબજાના અંતરાળમાં સોવિયેત પ્રજાના આત્માની ચિંતા કરી છે.
યુદ્ધ પછીના સમયમાં ઝેદનૉવે ‘રિપૉર્ટ ઑન ધ જર્નલ્સ ઝ્વેઝદા ઍન્ડ લેનિનગ્રાડ’(1946)માં વ્યક્તિને બદલે પક્ષ (party) એ જ સર્વેસર્વા બની ગયો છે તેનું વિગતે બયાન કર્યું છે. ‘પાર્ટીનોસ્ત’ એટલે કે પક્ષની જરૂરિયાતો અને તેના કાર્યક્રમનો ચુસ્ત અમલ કરવાની વાતો-વિચારો પર જ સાહિત્યનું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ તેવો આદેશ અપાયો. રશિયન સાહિત્યનો આ સૌથી વધુ શુષ્ક સમય હતો.
સ્તાલિનના અવસાનથી યુએસએસઆરના વિસર્જન સુધી : સોવિયેત સરમુખત્યાર સ્તાલિનનું 1953માં અવસાન થયું. ચીલાચાલુ નહિ, પરંતુ વિવાદગ્રસ્ત નવલકથાઓનું સર્જન આ અશાંત સમયમાં થયું. ‘થૉ’ (1954; અનુ. 1955)ના લેખક ગ્રિગૉરિયેવિચ એરબર્ગ છે. વ્લાદિમિર દુદિનત્સેવે ‘નૉટ બાય બ્રેડ અલોન’ (1956; અનુ. 1957) નવલકથા લખી. બન્ને નવલકથાઓએ રશિયાના પ્રાણપ્રશ્ર્નોને ધ્યાનમાં લીધા છે. દુદિનત્સેવની કૃતિ તરફ આ સમયમાં ભાગ્યે જ (1942) ધ્યાન અપાયું હતું. આ સમયમાં ચેખૉવની શૈલીમાં કેટલાક લેખકોએ સર્જન કર્યું. જોકે તેમના પૈકીના મોટા ભાગનાએ તેમનું ધ્યાન અંતરિયાળ પ્રદેશોમાં રહેતા પોતાના લોકો તરફ વાળ્યું. યેવજેની યેવતુશેન્કો તડફડ કહેનારા કવિ છે. તેમણે નૈતિક ભાવનાના જુસ્સાથી લગભગ મરણોન્મુખ કાવ્યપરંપરાને નવપલ્લવિત કરી. આન્દ્રે વૉઝ્નેસેન્સ્કીએ કાવ્યની ભાષાને જીવન બક્ષ્યું. રૂપક અને તાલ કે લય દ્વારા તેમણે કવિતાને નવું જોમ અને સો ટચનો સાચો રણકો બક્ષ્યાં.
‘ગ્લાસનોસ્ત’(ખુલ્લાપણું – openness)ના એટલે કે 1980-90ના સમય સુધી રશિયન સાહિત્યના ગ્રંથો બહુધા પ્રસિદ્ધ નહોતા થતા, પરંતુ હસ્તપ્રતોના રૂપમાં વંચાતા અને પરદેશમાં છપાતા.
પાસ્તરનાકની ‘ડૉક્ટર ઝિવાગો’ ઇટાલીમાં 1957માં અને અમેરિકામાં 1958માં પ્રસિદ્ધ થઈ હતી. રશિયામાં તેનું પ્રકાશન છેક 1987માં થયું હતું. વ્યક્તિસ્વાતંત્ર્યને વરેલા કોઈ એકલદોકલ વીર પુરુષની આ વાત છે. તે આંતરવિગ્રહની અંધાધૂંધીમાં માનવીય અનુભવ મેળવવા મથે છે. તે માકર્સના સમાજના પાયાને હચમચાવી દે તેવા પ્રશ્ર્નો કરે છે. 1958માં પાસ્તરનાકને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવાનું જાહેર થાય છે, પરંતુ રશિયન સરકારના દબાણ હેઠળ તેમણે તેનો અસ્વીકાર કરવો પડેલો.
વિદ્વાન વિવેચક આંદ્રે સિન્યાવસ્કીએ ‘ઍબ્રમ તર્ત્ઝ’ના તખલ્લુસથી ‘વૉટ ઇઝ સોશિયાલિસ્ટ રિયાલિઝમ ?’ વગેરે લખાણો પ્રસિદ્ધ કર્યાં. તેમની તીક્ષ્ણ રાજકીય કટાક્ષવાણી ‘ધ ટ્રાયલ બિગિન્સ’ અને ‘લ્યુબિમૉવ’માં પડઘાય છે. એમને ઈશુમાં ભારોભાર શ્રદ્ધા હતી. જોકે રશિયન સરકારની નિંદા કરવાનો આરોપ મૂકી તેમને સખ્ત મજૂરી કરવાની સજા કરવામાં આવેલી.
સુવિખ્યાત નવલકથાકાર ઍલેક્ઝાન્ડર સૉલ્ઝેનિત્સિને લઘુનવલ ‘વન ડે ઇન ધ લાઇફ ઑવ્ ઇવાન ડૅનિસૉવિચ’ (1963) પ્રસિદ્ધ કરી. જોકે તેમની બે મુખ્ય નવલકથાઓ ‘ધ ફર્સ્ટ સરકલ’ (1968) અને ‘કૅન્સર વૉર્ડ’(1968-69)ને રશિયામાં વાંચવા માટે નિષેધ ફરમાવવામાં આવેલો. લેખકની ઇચ્છા વિરુદ્ધ તે પશ્ચિમમાં પ્રસિદ્ધ થઈ. આમાં તેમના પોતાના સૈનિક અને કૅન્સરના દર્દી તરીકેના અનુભવો અભિવ્યક્ત થયા છે. સમસ્ત રાષ્ટ્ર પર આ નવલકથાની મોટી અસર થઈ. રાઇટર્સ યુનિયને સૉલ્ઝેનિત્સિનનુ સભ્યપદ રદબાતલ કર્યું. બૌદ્ધિકોને આગવો મત વ્યક્ત કરવા બદલ ગાંડાઓની ઇસ્પિતાલમાં ધકેલી મુકાય તે સામે તેમણે વિરોધ વ્યક્ત કરેલો. ત્યારપછી તેઓ અમેરિકા ચાલી ગયા. તેઓ 1970ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા ઘોષિત થયા. જોકે સોવિયેત સરકાર અને સોવિયેત રાઇટર્સ યુનિયને આ પુરસ્કારપ્રાપ્તિને સદંતર વખોડી કાઢેલી.
સ્તાલિન પછીના સમયમાં મિખેઈલ બેલ્ગેકૉવે લખેલ ‘ધ માસ્ટર માર્ગારિટા’ (1967) સોવિયેત સરકાર પરનો ખુલ્લો કટાક્ષ છે. તે છેક 1928માં લખાઈ હતી. આ સાહિત્ય ગેરકાયદેસર ગણાયું હતું. જોસેફ બ્રૉડ્સ્કી અને અન્ય વિચારકો અને લેખકોનાં પુસ્તકો ગેરકાયદેસર જાહેર થયાં હતાં. બ્રૉડ્સ્કીને દેશનિકાલ કરવામાં આવ્યા, તેથી 1972માં તેઓ અમેરિકા ચાલ્યા ગયા. 1987માં તેમને નોબેલ પુરસ્કાર એનાયત થયો. 1991માં તેમને અમેરિકાના ‘પોએટ લૉરિયેટ’ તરીકે નવાજવામાં આવ્યા. તેમનાં અન્ય લખાણોમાં ‘સિલેક્ટેડ પોએમ્સ’ (1973, અંગ્રેજીમાં) અને નિબંધસંગ્રહ ‘લેસ ધૅન વન’ (1986) છે. સરકાર સાથે મતભેદ ધરાવનાર વેલેરી તાર્સિસને 1966માં દેશ છોડી સ્વિટ્ઝર્લૅન્ડ જવાની રજા આપવામાં આવી. તેમનાં સોવિયેત સત્તાધીશો પરનાં કટાક્ષલખાણોમાં ‘ધ બ્લૂ બૉટલ’ (1963; અનુ. 1963), ‘વૉર્ડ-7’ (1965; અનુ. 1966) છે. ‘વૉર્ડ-7’માં ગાંડાઓની ઇસ્પિતાલમાં તેમને થયેલ અનુભવનું બયાન છે. ‘ધ પ્લેઝર ફૅક્ટરી’ (1967) કાળા સમુદ્રના હવા ખાવાના સ્થળ ઉપરની કટાક્ષસભર રમૂજી કથા છે. આ બધાં કહેવાતાં ગેરકાયદેસર સર્જનોએ રશિયન સાહિત્યની મહાન પરંપરાઓને જાળવી રાખવાનું કાર્ય કર્યું છે. જોકે સામ્યવાદી પક્ષમાં ભંગાણ પડતાં અને સોવિયેત સંઘનું વિસર્જન થતાં 1991 પછી રશિયન સાહિત્યનો નવો યુગ શરૂ થયો છે.
વિ. પ્ર. ત્રિવેદી