રમકડાં-મ્યુઝિયમ : જર્મનીમાં સોનબર્ગ ખાતે સૈકા જૂનાં તથા આધુનિક રમકડાંનો વિપુલ સંગ્રહ. વિશ્વનાં રમકડાંનો પાંચમો ભાગ અહીં સંગૃહીત હોઈ તે ‘વિશ્વ રમકડાં રાજધાની’ (વર્લ્ડ ટૉઇઝ કૅપિટલ) તરીકે ઓળખાય છે.
ત્રણ માળના મકાનમાં આ સંગ્રહસ્થાન આવેલું છે. સૌથી નીચેના માળે યાંત્રિક રમકડાં છે. તેમાં વરાળથી ચાલતું એન્જિન, રોલર કોસ્ટર, મોટા જથ્થામાં રેલગાડીઓ તથા પૈડાંવાળાં અનેકવિધ રમકડાં ગોઠવવામાં આવ્યાં છે. વચલા માળે ઢીંગલીઓનું સામ્રાજ્ય છવાયેલું છે. તેમાં મોટાભાગની કાગળની, ચીની માટીની અને લાકડાની બનેલી ઢીંગલીઓનો સમાવેશ થાય છે. બધા જ પ્રકારની પારદર્શક ઢીંગલીઓ પણ તેમાં જોવા મળે છે. ઢીંગલીઓના એક મોટા સંગ્રહમાં ગુલિવર, લિલિપુટિયન અને તેના સાથીઓને એકજથે દર્શાવ્યા છે. ગુલિવરની કાગળમાં બનાવેલી આકૃતિ 85 સેમી. લાંબી છે, જ્યારે ગૂંદેલા આટામાંથી બનાવેલ 3 સેમી. લાંબા લિલિપુટિયન તથા 168 સાથીઓ ગુલિવરને બાંધવામાં વ્યસ્ત જણાય છે. જૉનાથન સ્વિફ્ટની નવલકથા ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’ના જમીન પર પડેલા ભારે શરીરવાળા મુખ્ય પાત્ર ગુલિવરને નાના નાના લિલિપુટિયન જમીનમાં ખીલા ઠોકીને તેને દોરડાથી બાંધવાનો પ્રયાસ કરે છે, તે ઘટના દર્શાવતું આ આબેહૂબ ચિત્ર છે. આ પ્રતિકૃતિ બર્લિનના ટાઇટન્સ ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે 1884માં બનાવવામાં આવેલી અને 1891માં લંડનના ક્રિસ્ટલ પૅલેસમાં યોજાયેલ પ્રથમ વિશ્વપ્રદર્શનમાં રજૂ કરવામાં આવેલી. ‘ભાલુ સમાચાર’માં એક ભારતીય હાથીને સૂંઢમાં ‘ડ્રમ’ સાથે દર્શાવ્યો છે. નાના વાંદરાના હાથમાં નાળિયેરનું પાત્ર પકડાવ્યું છે.
છેક ઉપરના માળે બાળકો દ્વારા અને ઢીંગલીઓ દ્વારા ખાવાનું બનાવવા માટેનાં, આધુનિક રસોઈઘરનાં સાધનો, ચૂલા વગેરેને લગતાં રમકડાં છે. દીવાલ પર લાગેલાં ચિત્રો અને જાહેરાતો તત્કાલીન રમકડાં બનાવનારાંઓની રહેણીકરણી દર્શાવે છે. કુટિર-ઉદ્યોગમાં રમકડાંના ઉત્પાદનકાર્યમાં સંકળાયેલ પરિવારનાં તમામ સભ્યોને બાળકો સમેત દર્શાવવામાં આવ્યાં છે. અહીં રમકડાંઓના માધ્યમ દ્વારા એક ગ્રામ-મેળો સજાવાય છે. દર વર્ષે મે માસમાં અહીં એક ઢીંગલી-મહોત્સવનું આયોજન પણ થાય છે.
બળદેવભાઈ કનીજિયા