રબી, ઇસિડૉર આઇઝાક

January, 2003

રબી, ઇસિડૉર આઇઝાક (જ. 29 જુલાઈ 1898, રૈમાનોવ, ઑસ્ટ્રિયા; અ. 1988) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતાનું નામ ડેવિડ રૉબર્ટ અને માતાનું નામ જેનેટ ટાઇગે. 1899માં પરિવાર સાથે અમેરિકામાં સ્થળાંતર કર્યું, શાળાનો અભ્યાસ ન્યૂયૉર્કમાં કર્યા બાદ, 1919માં ત્યાંની કૉર્નેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની અને 1921માં અનુસ્નાતકની પદવી મેળવી અને 1927માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી સ્ફટિકોના ચુંબકીય ગુણધર્મો ઉપર સંશોધનકાર્ય કરીને પીએચ.ડી.ની પદવી પણ મેળવી. 17 ઑગસ્ટ, 1926ના રોજ તેમણે હેલન ન્યૂમાર્ક સાથે લગ્ન કર્યાં અને બે પુત્રીઓ નૅન્સી તથા માર્ગારેટના પિતા બન્યા.

સંશોધન માટે ફેલોશિપ મળતાં બે વર્ષ યુરોપમાં ગાળ્યાં. ત્યાં તેમણે સમરફીલ્ડ, બોહર, પાઉલી, સ્ટર્ન અને હાઇઝનબર્ગ જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિકો સાથે કાર્ય કર્યું. 1929માં અમેરિકા પાછા ફરીને કોલંબિયા યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનના વ્યાખ્યાતા (lecturer) અને 1937માં પ્રાધ્યાપક થયા. રડાર અને પરમાણુ-બૉમ્બના સંશોધન હેતુ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી ખાતે આવેલ વિકિરણ પ્રયોગશાળા(radiation laboratory)ના સહ-નિયામક થવા માટે 1940માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી રજા મેળવી. 1945માં કોલંબિયા યુનિવર્સિટીમાં પાછા આવીને ભૌતિકશાસ્ત્ર ભવનમાં વિશિષ્ટ કાર્યકારી અધિકારી તરીકે જોડાયા. પોતાના હોદ્દાના કારણે લૉંગ આઇલૅન્ડ ઉપર આવેલ પરમાણુ-સંશોધન પ્રયોગશાળા બ્રુકહેવન નૅશનલ લૅબોરેટરીની પણ જવાબદારી સંભાળી.

ઇસિડૉર આઇઝાક રબી

શરૂઆતનાં સંશોધનોમાં સ્ફટિકને કાચના તંતુ (glass fiber) ઉપર પ્રવાહીમાં લટકાવીને તેને વીજચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં મૂકીને પ્રયોગો કર્યા. ચુંબકીય ક્ષેત્ર ચાલુ તેમજ બંધ કરતાં ગોઠવેલા સ્ફટિકનું વજન બદલાતું હતું, કારણ કે પ્રવાહી અને સ્ફટિકની ચુંબકીય ગ્રહણશીલતાઓ (magnetic susceptibilities) અલગ અલગ હતી. પ્રવાહીની ચુંબકીય ગ્રહણશીલતા એવી રીતે બદલાવી કે જેથી ચુંબકીય ક્ષેત્ર આપતા સ્ફટિકનું વજન બદલાય નહિ, જે દર્શાવે છે કે સ્ફટિક અને પ્રવાહીની ચુંબકીય ગ્રહણશીલતા જાણીતી હોય તો સ્ફટિકની ગ્રહણશીલતા જાણી શકાય છે. આ રીતે અનેક સ્ફટિકોની ચુંબકીય ગ્રહણશીલતાઓ મેળવી.

1930ની શરૂઆતમાં પરમાણુની નાભિ(nucleus)ના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ શરૂ કર્યો. આ માટે ઑટો સ્ટર્નની આણ્વિક કિરણાવલી પદ્ધતિ(molecular beam method)નો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. ચુંબકીય ક્ષેત્રમાં પારમાણ્વિક પ્રણાલી દ્વારા કરવામાં આવતા લાર્મર પ્રિસેશન જેટલાં જ વીજચુંબકીય આંદોલનો બહારથી આપાત કરતાં આગવી પ્રાયોગિક પ્રણાલી વડે પરમાણુ તથા અણુની એકાકી પરિભ્રમણ-અવસ્થા (single state of rotation) પારખી શકાઈ અને નાભિની યાંત્રિક અને ચુંબકીય ચાકમાત્રાઓ માપી શકાઈ. તેમના આ સંશોધનકાર્યનો ઉપયોગ ઇલેક્ટ્રૉન સ્પિન રેઝોનન્સ (ESR), ઑપ્ટિકલ પમ્પિંગ, રિફાઇન્ડ મૉલેક્યુલર બીમ પદ્ધતિ, મેઝર, રેડિયો-ખગોળવિજ્ઞાન (radio astronomy) અને પરમાણુ-ઘડિયાળ(atomic clock)માં થવા લાગ્યો.

અનેક કૉલેજો–યુનિવર્સિટીઓએ તેમને ડી.એસસી.ની માનાર્હ પદવીઓ એનાયત કરી; જેમાં 1947માં પ્રિન્સ્ટન યુનિવર્સિટી, 1955માં હાર્વર્ડ યુનિવર્સિટી, 1958માં વિલિયમ કૉલેજ, 1960માં બર્મિંગહામ યુનિવર્સિટી, 1962માં એડેલ્ફી કૉલેજ, 1964માં ફ્રેંકલિન માર્શલ યુનિવર્સિટી, 1965માં બ્રાન્ડાઈ યુનિવર્સિટી અને 1966માં પૉર્ટુગલની કોઇમ્બ્રા યુનિવર્સિટીઓ મુખ્ય છે. 1958માં હિબ્રૂ યુનિયન કૉલેજ અને 1960માં ઓક્લાહોમા સિટી યુનિવર્સિટીએ એલ.એચ.ડી.ની પદવીઓ એનાયત કરી. 1964માં યેશિવા યુનિવર્સિટીએ તેમને ડી.એચ.એલ.ની પદવી એનાયત કરી. એલએલ.ડી. પદવી ડ્રૉપાઇઝ કૉલેજે 1956માં અને ડી. લિટ્.ની પદવી અમેરિકાની યહૂદી થિયૉલૉજિકલ સંસ્થાએ 1966માં આપી. અનેક ચંદ્રકો અને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં, જેમાં 1936માં સિગ્મા સેમિકૉન્ટિનેન્ટલ પારિતોષિક, 1942માં ફ્રેંકલિન ઇન્સ્ટિટ્યૂટનો એલિયટ-ક્રેસન ચંદ્રક, 1944માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અને 1960માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સ(રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી)નો બર્નાર્ડ ચંદ્રક મુખ્ય છે. અમેરિકન ફિલૉસૉફિકલ સોસાયટી, જાપાનની અકાદમી તથા અમેરિકન સોસાયટી જેવી સંસ્થાઓના તેઓ સભ્ય રહ્યા હતા.

1960માં તેમનું ‘માય લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઍઝ એ ફિઝિસિસ્ટ’ પુસ્તક પ્રકાશિત થયું. 1935–38 અને 1941–44 વચ્ચેના સમયગાળામાં ‘ફિઝિકલ રિવ્યૂ’ નામના ભૌતિકવિજ્ઞાનના પ્રતિષ્ઠિત સામયિકના તેઓ સહસંપાદક રહ્યા.

વૃદ્ધાવસ્થામાં ડૉક્ટરો(તબીબો)ની સલાહથી એમ.આર.આઈ. (Magnetic Resonance Imaging – MRI) લેવાનું જ્યારે થયું ત્યારે પોતાના શરીરની MRI વડે લીધેલ તસવીરો જોઈને આશ્ચર્ય પ્રદર્શિત કર્યું કે તેમનાં સંશોધનો આ રીતે નવા આયામો પ્રાપ્ત કરશે ! તેમના વિકસાવેલ ક્ષેત્રમાં આગળ ઉપર સંશોધનકાર્યો કરીને પાછળથી નોબેલ પારિતોષિકો મેળવનારા વૈજ્ઞાનિકોની સંખ્યા 19 જેટલી થાય છે.

મિહિર જોશી