રબાત (માલ્ટા) : ભૂમધ્ય સમુદ્રમાં પશ્ચિમ-મધ્ય માલ્ટામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : આશરે 35° 55´ ઉ. અ. અને 14° 30´ પૂ. રે.. તે વાલેટાની પશ્ચિમે મેડિના નજીક આવેલું છે. રોમન ઇતિહાસકાળમાં રબાત અને મેડિનાનાં સ્થળોનો ટાપુના પાટનગર મેલિટા દ્વારા કબજો મેળવાયેલો. અહીં ઘણાં રોમન ખંડિયેરો છે. તેમાં સંગ્રહાલયનો સમાવેશ કરતું એક વિલા અંશત: જીર્ણોદ્ધાર પામેલું છે. અરબસ્તાને માલ્ટાનો કબજો મેળવ્યા પછી તેનાં નામો પડેલાં છે. મેડિના એ વખતે કિલ્લેબંધીવાળું હતું અને કોટની બહારના ભાગો રબાત શ્રેષ્ઠ(supurb) ગણાતા. પ્રાચીન કાળની વિશાળ ખ્રિસ્તી કબરો આ નગરમાં છે. અહીંની ઘણી ગુફાઓમાં ચર્ચ છે – મધ્યકાલીન ચર્ચ છે અને મઠ પણ છે. નજીકનો વર્ડાલા મહેલ (1586), જે જેરૂસલેમના સેન્ટ જૉનના વીરો માટે બાંધેલો તેનો ઉપયોગ ટાપુઓના ગવર્નરો પણ કરતા હતા. અહીં આજે રબાત દારૂ અને હાથે બનાવેલા કાપડનું ઉત્પાદન થાય છે. 1983 મુજબ તેની વસ્તી આશરે 12,000 જેટલી હતી.
ગિરીશભાઈ પંડ્યા