રબડીદેવી (જ. જૂન 1959, સાલાર કાલાન ગામ, ગોપાલગંજ, જિ. બિહાર) : બિહારનાં મહિલા-મુખ્યમંત્રી. માત્ર પ્રાથમિક શિક્ષણ ધરાવનાર આ મુખ્યમંત્રી ગ્રામીણ વાતાવરણમાં ઊછર્યાં હતાં. 14 વર્ષની બાળવયે તે સમયના વિદ્યાર્થીનેતા લાલુપ્રસાદ યાદવ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં.

રબડીદેવી

લગ્નજીવનના પ્રારંભથી માત્ર ગૃહિણી તરીકે ઘરેળુ જવાબદારી સંભાળતાં. તેઓ રાજકીય અને જાહેર જીવનનો નહિવત્ અનુભવ ધરાવે છે. 1977માં ચારા કૌભાંડમાં તેમના પતિ અને બિહારના તે સમયના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને તેઓ પોતે તેમાં સંડોવાયા હોવાથી, રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ સમયે તેમના સ્થાને રબડીદેવીની બિહારના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી. અલબત્ત, તેમણે દલિતો અને નબળા વર્ગો માટેનાં ઘરોના બાંધકામમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી અને યુનિસેફના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. સરકારી નિર્ણયો લેતાં પહેલાં તેઓ તેમના પતિની ઇચ્છાને અનુસરે છે. આથી તેઓ પરોક્ષ (proxy) મુખ્યમંત્રી તરીકે જાણીતાં છે.

1986થી 1996ના દસકા દરમિયાન 2.73 લાખ ઐચ્છિક રીતે આયકર વિભાગમાં જમા કરાવ્યા પછી તેઓ આ વિભાગની તપાસનો ભોગ બન્યાં હતાં.

રક્ષા મ. વ્યાસ