રથ, બલદેવ (જ. 1789, આઠગડ, જિ. ગંજમ, ઓરિસા; અ. 1845) : ઊડિયા લેખક. શિક્ષણ આઠગડની શાળામાં. તેઓ બહુભાષાવિદ હતા. સંસ્કૃત, હિન્દી, બંગાળી તથા તેલુગુ ભાષાઓ પર તેમનો સારો કાબૂ હતો. 1935 પૂર્વે ઓરિસા રાજ્યનો ગંજમ જિલ્લો મદ્રાસ ઇલાકામાં હતો એથી તેઓ તેલુગુ ભાષા શીખેલા.
એમણે અનેક ગીતો રચ્યાં છે. તેમણે ચંપૂકાવ્યોમાં ખ્યાતિ મેળવી છે. એમનું ‘કિશોરચન્દ્રાનન ચંપૂ’ એમની જ નહિ, પણ સમગ્ર ઊડિયા સાહિત્યની ઉત્તમ કૃતિ છે. એ રચનાને કારણે મહારાજા દિવ્યસિંહ દેવે એક ખાસ જાહેર સમારંભ યોજીને એમને ‘કવિસૂર્ય’નો ઇલકાબ આપ્યો હતો.
‘કિશોરચન્દ્રાનન ચંપૂ’ અનેક ર્દષ્ટિએ વિશિષ્ટ રચના છે. એમાં 34 ગીતો છે. દરેક ગીત જુદા જુદા રાગમાં છે. આ જાતની રચનાને ‘ચઉતિશા’ કહે છે. એમાં દરેક ગીત અથવા તો પંક્તિની શરૂઆત ‘ક’થી થાય છે અને અંતિમ ગીત કે પંક્તિ ‘ક્ષ’ અક્ષરથી શરૂ થાય છે. આમ એમાં 34 વ્યંજનો પ્રયોજાતા હોવાથી એને ‘ચઉતિશા’ નામ અપાયું છે. ‘કિશોર ચન્દ્રાનન ચંપૂ’માં પહેલું ગીત ‘ક’ અક્ષરવાળા શબ્દથી શરૂ થાય છે, અને એમાં અંતિમ ગીત ‘ક્ષ’ અક્ષરવાળું છે. ‘કિશોરચન્દ્રાનન ચંપૂ’નું દરેક ગીત ભાવાનુરૂપ રાગમાં છે તેથી ઊડિયા સંગીતના પુસ્તક તરીકે પણ એની ગણના થાય છે. એ પ્રકારનું એ એકમાત્ર પુસ્તક છે. આ ચંપૂ પ્રકારની રચનામાં, સંસ્કૃત નાટકમાં હોય છે તેમ ભાવાભિવ્યક્તિ પદ્યમાં અને કથનવર્ણન ગદ્યમાં છે. આજે પણ આ રચના ઓરિસામાં ઠેર ઠેર ધાર્મિક ઉત્સવોમાં ગવાય છે. ‘ગીત-ગોવિન્દ’ની જેમ એમાં રાધાકૃષ્ણની પ્રણયક્રીડાનું નિરૂપણ છે, પણ એમણે મર્યાદા પાળી છે અને કૃષ્ણની દિવ્યતાને જાળવી રાખી છે.
‘સર્પજણાણ’ એમની ભક્તિરસની મહત્વની કૃતિ છે. એમાં જગન્નાથની સ્તુતિ છે. નામ સૂચવે છે તે પ્રમાણે, કવિએ ભગવાન જગન્નાથને સર્પ તરીકે વર્ણવ્યા છે. જે ભક્ત સતત એનું સ્મરણ કરીને એને છંછેડ્યા કરે તેને પ્રભુ ડંખ મારીને પ્રભુમય બનાવી દે છે અને એને દેવત્વ અર્પે છે.
ચન્દ્રકાન્ત મહેતા