રથ, ચંદ્રશેખર

January, 2003

રથ, ચંદ્રશેખર (જ. 17 ઑક્ટોબર 1929, બાલનગિર, ઓરિસા) : ઊડિયા નિબંધકાર, નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1952માં લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ ઓરિસા સરકારની શિક્ષણસેવામાં રીડર તરીકે જોડાયા અને 1975 સુધી ઉપાચાર્ય તથા આચાર્ય તરીકે સેવા આપી.

1975થી 1978 સુધી તેમણે પાઠ્યપુસ્તક બ્યુરોના સેક્રેટરી અને 1987 સુધી નાયબ શિક્ષણ-નિયામક તરીકે કામગીરી કરી. વાચનના વ્યાપક શોખીન તેઓ ઊડિયા, અંગ્રેજી, હિંદી તથા બંગાળી ભાષાઓના સારા જાણકાર છે.

અંગ્રેજીમાં લેખો લખવાની શરૂઆત કર્યા બાદ 1961થી તેમણે ઊડિયામાં લેખનકાર્ય કર્યું. તેઓ ઉત્તમ નિબંધકાર છે. તેમના નિબંધો આવેશયુક્ત બુદ્ધિમત્તાથી મઢેલા છે. તેમના ‘ર્દષ્ટિ ઓ દર્શન’ (1971); ‘અશ્રુત સ્વર’, ‘મુ સત્યધર્મ કહુચી’, ‘ઉત્તરા અરણ્ય’ (1980); ‘મધુ સંધાન’, ‘ક્રીતદાસરા સ્વપ્ન’ અને ‘રથસપ્તક’ (1992) નામના નિબંધસંગ્રહો ઉલ્લેખનીય છે. વળી ‘અનેકા બન્યા પારે’, ‘અશ્વરોહિરા ગલ્પ’, ‘સમ્રાટ ઓ અન્યમને’ અને ‘અન્ય એકા સકલ’ (1981) જેવા વાર્તાસંગ્રહો તેમણે આપ્યા છે. તેમાં તેઓને માનવતાવાદી અને વાસ્તવવાદી તરીકે પ્રગટ થતાં વ્યાપક ખ્યાતિ મળી. ‘યંત્રરુદ્ધ’ (1967), ‘નવજાતક’ (1981) તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.

તેમના આ સાહિત્યિક પ્રદાન બદલ તેમને વિષુવ મિલન ઍવૉર્ડ (બે વખત); નિબંધસંગ્રહ તથા નવલકથા માટેનો 198081માં ઓરિસા સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1981માં વાર્તાસંગ્રહો માટેનો સરલા ઍવૉર્ડ અને 1997માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા