રત્નપુર : નૈર્ઋત્ય શ્રીલંકાનું વહીવટી કેન્દ્રરૂપ શહેર. ભૌગોલિક સ્થાન : 6° 41´ ઉ. અ. અને 80° 24´ પૂ. રે. તે કોલંબોથી અગ્નિકોણમાં કાલુગંગા નદીને કાંઠે વસેલું છે. અહીંની એક ટેકરી પર પૉર્ટુગીઝોએ કિલ્લો બાંધેલો. અહીં આજુબાજુના ખાણ-ભાગોમાંથી રત્નો મળતાં હોવાથી તેને ‘રત્નપુર’ કહે છે. માણેક, નીલમ અને માર્જારચક્ષુ (બિડાલાક્ષ – cat’s eye) જેવાં કીમતી–અર્ધકીમતી રત્નોનું તે ઉદભવસ્થાન ગણાય છે. અહીં મુસ્લિમ કારીગરો કાચાં રત્નોને કાપીને જરૂરી આકર્ષક આકાર આપે છે. આ શહેરના રત્ન-સંગ્રહાલયમાં જુદાં જુદાં રત્નોના નમૂનાઓ પ્રદર્શિત કરાયેલા છે. રત્નપુર કોલંબો તેમજ શ્રીલંકાના અન્ય ભાગો સાથે રેલમાર્ગથી સંકળાયેલું છે. વસ્તી : 1981 મુજબ 37,354 છે.
જાહ્નવી ભટ્ટ