રતનમાળ : નર્મદા જિલ્લામાં નર્મદા નદીની ઉત્તરે આવેલો વિંધ્યાચલની ડુંગરધારોથી બનેલો વિસ્તાર. તે રતનમાળની ડુંગરમાળાના નામથી પણ ઓળખાય છે. ડુંગરમાળાના જુદા જુદા ભાગોમાં 244 મીટરથી 366 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરીઓ આવેલી છે. અહીં આશરે 1,000 મિમી. જેટલો વરસાદ પડે છે. આ વિસ્તારમાં સાગ, સાદડ, સીસમ, શીમળો, ખેર, ખાખરો, ટીમરુ, કાકડ, બિયો, બહેડાં, બાવળ અને વાંસનાં સૂકાં પાનખર જંગલો આવેલાં છે. માર્ચ સુધીની ઠંડી ઋતુમાં વૃક્ષોનાં પાન ખરી જાય છે. અહીંનાં જંગલોમાંથી આયુર્વેદિક ઔષધિઓ, મધ, ગુંદર જેવી પેદાશો મળે છે. તેમને એકઠી કરવાનું કામ અહીંના આદિવાસીઓ કરે છે. બાવળ જેવાં કાંટાળાં વૃક્ષોનાં લાકડાં કોલસા માટે વપરાય છે, જ્યારે ઇમારતી લાકડાંની શહેરોમાં નિકાસ થાય છે. અહીંનાં વન્ય પ્રાણીઓમાં હરણ, રીંછ, દીપડા મુખ્ય છે; પરંતુ જંગલો કપાતાં જવાથી તેમની સંખ્યા પણ ઘટી ગઈ છે.
શિવપ્રસાદ રાજગોર