રણછોડલાલ છોટાલાલ (જ. 23 એપ્રિલ 1823, અમદાવાદ; અ. 26 ઑક્ટોબર 1898, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને દાનવીર.
ગામઠી શાળામાં ભણતરનો પ્રારંભ કર્યો. દશ વર્ષની ઉંમરે ફારસી અને ચૌદ વર્ષની ઉંમરે અંગ્રેજીના અભ્યાસની શરૂઆત કરી. 1843માં 20 વર્ષની વયે કસ્ટમખાતામાં કારકુન તરીકે જોડાયા. ખંત અને આવડત બતાવી સમયાન્તરે 1851માં અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પંચમહાલના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટના હોદ્દા સુધી પહોંચ્યા.
રણછોડલાલ દૂરંદેશી ધરાવનારા હતા. તે એવો ધંધો કરવા માગતા હતા કે જેમાં કોઈએ પદાર્પણ ન કર્યું હોય. તે સમયે ભારતમાંથી રૂ વિલાયત જતું અને તેમાંથી બનતું કાપડ હિંદમાં વેચાવા આવતું. તેમને એ રીતે મોંઘું પડતું કાપડ જોઈને દેશમાં જ કાપડ પેદા કરવાનો વિચાર આવ્યો. એ રીતે દેશમાં જ કાપડ ઉત્પન્ન કરી સસ્તા દરે આપી શકાય. 1846ના અરસામાં આવી રીતે વિચારનાર તેઓ પ્રથમ ભારતીય હતા.
તેમણે કાપડની મિલ શરૂ કરવા માટે અમદાવાદના શેઠિયાઓનો સંપર્ક સાધ્યો, પરંતુ તેઓ નવા સાહસમાં પૈસા રોકવા તૈયાર ન હતા.
રણછોડલાલે સાહસ કરીને પોતાની જ મૂડીથી 1852માં ભરૂચમાં સૂતરના કારખાનાની સ્થાપના કરી; પરંતુ સારા કારીગરોનો અભાવ, બળતણની મુશ્કેલી અને મુખ્ય ઇજનેર સાથેના મતભેદને કારણે તે ચલાવી શકાયું નહિ. મિલ શરૂ કરવા માટે ભરૂચ જિનિંગ ફૅક્ટરીના માલિક જેમ્સ લૅન્ડનને તેઓ મળ્યા. તેમણે કુલ મૂડીના 50 ટકા પૈસા રોકવા તૈયારી બતાવી. રણછોડલાલે ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝા, રાજપીપળાના રાજા વરીસાલજી, શામળ બેચર, હરિભક્તિ વગેરેને મળીને બાકીનું ભંડોળ એકઠું કર્યું; પણ જેમ્સ લૅન્ડનને મશીનરીની ખરીદી માટે લંડન મોકલવાની બાબતમાં ભાગીદારોએ અવિશ્ર્વાસ દર્શાવતાં એ યોજના ખોરવાઈ ગઈ.
આ જ સમય દરમિયાન રુશવતના આરોપસર તેમને નોકરીમાંથી નિલંબિત કરવામાં આવ્યા. ત્યારબાદ તેમણે મુંબઈમાં કરમચંદ પ્રેમચંદની પેઢીમાં નોકરી સ્વીકારી.
આ જ અરસામાં (1855) જેમ્સ લૅન્ડને ભરૂચમાં ‘ધ ભરૂચ કૉટન ટેક્સ્ટાઇલ મિલ્સ’ની સ્થાપના કરી. 1858 સુધીમાં તો મુંબઈમાં એક પછી એક 6 મિલો શરૂ થઈ. તેથી અમદાવાદના શેઠિયાઓને આ કાપડમિલના ઉદ્યોગની સધ્ધરતા વિશે ખાતરી થઈ. રણછોડલાલના મિલ નાખવાના પ્રયાસો તો જારી જ હતા. અમદાવાદના શેઠિયાઓએ તેમને સહકાર આપવાની તૈયારી બતાવી. 1859માં રૂ. 5 લાખની મૂડીથી ‘ધી અમદાવાદ સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ્સ’ની સ્થાપના થઈ. તેમણે પસંદ કરેલી મશીનરી દાદાભાઈ નવરોજીએ ઇંગ્લૅન્ડમાંથી ખરીદીને મોકલાવી, પણ તે ભારત પહોંચે તે પહેલાં જ મધદરિયે ડૂબી ગઈ. રણછોડલાલે અગમચેતી વાપરી તેનો વીમો ઉતરાવ્યો હતો, જેની હિંમત પર બીજો ઑર્ડર મૂક્યો. છેવટે મશીનરી મુંબઈથી હોડી દ્વારા ખંભાત અને ત્યાંથી બળદગાડાં મારફતે અમદાવાદ આવી. મિલનું ઉત્પાદન 30 મે 1861ના રોજ શરૂ થયું. 1876માં તેમણે ‘ધી અમદાવાદ જિનિંગ ઍન્ડ મૅન્યુફૅક્ચરિંગ મિલ’ની સ્થાપના કરી. આ મિલોના કુશળ વહીવટે તેમને બે દાયકામાં કરોડપતિ બનાવી દીધા.
રણછોડલાલે લોખંડ અને કોલસાનો ઉદ્યોગ સ્થાપવા માટે મિલમાલિકોની મદદથી ‘ગુજરાત કોલ ઍન્ડ આયર્ન કંપની’ની સ્થાપના કરી, પરંતુ ખાણકામ માટેના ઇજારાની તેમની વિનંતીનો સરકાર દ્વારા સ્વીકાર ન થતાં તે કંપની શરૂ ન થઈ શકી.
તેમને જાહેર જીવન અને સમાજસેવામાં રસ હતો. સરકારે તેમને 1869માં મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે નીમ્યા. 1884માં તેમની મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે નિમણૂક કરી. આ હોદ્દા પર તેમણે 14 વર્ષ સુધી કામ કર્યું. શહેરની કાયાપલટ કરવાના વિચારને અમલમાં મૂકવા તેમણે પીવાના પાણીની અને ગટરની યોજનાઓ 1882માં સફળતાપૂર્વક પૂરી કરી. તેની કદર રૂપે સરકારે 1887માં તેમને સી.આઇ.એ.નો ચંદ્રક એનાયત કર્યો. 1892માં તેમને ‘રાવબહાદુર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. સરકારે તેમની નિમણૂક લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે કરી. તે પછી તેઓ ત્રણ વખત કાઉન્સિલમાં નિમાયા હતા.
રણછોડલાલે અમદાવાદ મિલ ઓનર્સ ઍસોસિયેશનના પ્રમુખપદે પણ કામ કર્યું હતું. 1868માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના આજીવન સભ્ય બન્યા અને 1888થી 1898 સુધી તેના પ્રમુખપદે રહ્યા. મુંબઈમાં મળેલ રાષ્ટ્રીય કૉંગ્રેસના અધિવેશનમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો.
રણછોડલાલે 1870માં અમદાવાદમાં એક અનાથાશ્રમ, 1879માં એક દવાખાનું, 1889માં સ્ત્રીઓ અને બાળકો માટે હૉસ્પિટલ, 1894માં ગરીબો માટે દવાખાનું સ્થાપવા માટે માતબર દાન કર્યાં હતાં. આ ઉપરાંત ગામડાંના દર્દીઓ માટે ફરતું દવાખાનું, ખાડિયામાં કન્યાશાળા અને શાહપુરમાં અંગ્રેજી નિશાળ માટે પણ દાન કર્યું. આમ જીવન પર્યંત તેઓ અનેકવિધ સામાજિક સેવા-પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલ રહ્યા હતા.
જિગીશ દેરાસરી