રણજિત ફિલ્મ સ્ટુડિયો

January, 2003

રણજિત ફિલ્મ સ્ટુડિયો : સરદાર ચંદુલાલ શાહ અને ગૌહરબાનુએ 1929માં સ્થાપેલો ફિલ્મ સ્ટુડિયો. ભારતીય સિનેમાના આરંભથી માંડી, એટલે કે મૂંગી ફિલ્મોના સમયથી બોલતી ફિલ્મોના ચારેક દાયકા સુધી ગુજરાતી નિર્માણસંસ્થાઓ, નિર્માતાઓ અને દિગ્દર્શકોનું ભારે વર્ચસ્ રહ્યું છે. કોહિનૂર ફિલ્મ કંપની, નૅશનલ ફિલ્મ કંપની, કૃષ્ણ ફિલ્મ કંપની, લક્ષ્મી પિક્ચર્સ કંપની, સ્ટાર ફિલ્મ કંપની, ઇમ્પીરિયલ ફિલ્મ કંપની, શારદા ફિલ્મ કંપની, જગદીશ ફિલ્મ કંપની વગેરે ગુજરાતીઓનું વર્ચસ્ સૂચવે છે. 4-4-1898ના રોજ જામનગરમાં જન્મેલા ચંદુલાલ શાહ અને 19-11-1910ના રોજ જન્મેલાં મૂળ સૂરતનાં ગૌહર અબ્દુલ કય્યૂમ મામાજીવાલા ઉર્ફે ગૌહરબાનુએ 1929માં મુંબઈના દાદર ખાતે સ્થાપેલો રણજિત સ્ટુડિયો પણ ગુજરાતીઓના ગૌરવશાળી વર્ચસનો સૂચક બની રહ્યો છે. 1931 સુધીના મૂંગી ફિલ્મોના યુગમાં 37 જેટલી મૂંગી ફિલ્મોનું નિર્માણ રણજિત સ્ટુડિયો હેઠળ અને 1931માં ફિલ્મો બોલતી થઈ પછી 1963 સુધીના સમયગાળામાં 2 ગુજરાતી સહિત 122 બોલતી હિન્દી ફિલ્મોનું નિર્માણ રણજિત મૂવિટોન હેઠળ ચંદુલાલ શાહે કર્યું. જીવન-સંગિની તરીકે આ બધાં જ વર્ષોમાં ગૌહરબાનુ તેમની સાથે સક્રિય, સહભાગી હતાં.

જામનગરના જેસંગભાઈ શાહના આ ત્રીજા દીકરાએ લક્ષ્મી ફિલ્મ કંપનીથી કારકિર્દીનો આરંભ કર્યો હતો. મણિલાલ જોષીના સહાયક દિગ્દર્શક રહેલા ચંદુલાલ શાહે સૌપ્રથમ ‘પંચદંડ’ ફિલ્મથી દિગ્દર્શન આરંભેલું અને પછી 1926થી કોહિનૂર ફિલ્મ કંપનીના દિગ્દર્શક તરીકે પ્રવૃત્ત થયેલા. ત્યાં ‘ટાઇપિસ્ટ ગર્લ’, ‘એજ્યુકેટેડ વાઇફ’, ‘ગુણસુંદરી’, ‘સતી માદ્રી’, ‘સિંધની સુમરી’ જેવી ફિલ્મોના દિગ્દર્શન પછી 1928માં જગદીશ ફિલ્મ કંપનીની ‘ગૃહલક્ષ્મી’ અને ‘વિશ્વમોહિની’નું દિગ્દર્શન કર્યા બાદ 1929માં ‘ચંદ્રમુખી’નું દિગ્દર્શન કર્યું. 1927થી ‘એજ્યુકેટેડ વાઇફ’ વડે ગૌહરબાનુ સાથે એક અભિનેત્રી-દિગ્દર્શક સંબંધે જોડાયેલા ચંદુલાલ શાહની ‘ચંદ્રમુખી’માં ગૌહરબાનુ ડબલ રોલમાં ચમક્યાં. 1929માં ચંદુલાલ શાહે ગૌહરબાનુ જોડે જ રણજિતનો આરંભ કર્યો. રણજિત સ્ટુડિયોનું પ્રતીક ઘોડો હતું, જે જામનગર રાજ્યનું પણ રાજચિહ્ન હતું. તેમણે સ્ટુડિયોનું મુહૂર્ત પણ ત્યારના જામનગર રાજવી દિગ્વિજયસિંહ પાસે કરાવેલું. આ સ્ટુડિયોની પ્રથમ ફિલ્મ ‘પતિપત્ની’ હતી. 1929ના પ્રથમ વર્ષે ‘પતિપત્ની’ ઉપરાંત ‘ફેરી ઑફ સિંહલદ્વીપ’, ‘ભિખારન’ અને ‘રજપુતાની’ ફિલ્મોનું નિર્માણ થયું. 1930માં આ સંખ્યા વધીને 14 થઈ, જેમાં ‘બિલવેડ રોગ’, ‘શેખચલ્લી’, ‘ડિવાઇન ડાવરી’, ‘નૂરે વતન’, ‘જવાંમર્દ’, ‘લવ એંજલ’ ‘જોબનનો જાદુ’, ‘દીવાની દિલબર’, ‘આઉટલૉ ઑફ સોરઠ, ‘દેશદીપક’, ‘રાણકદેવી’, ‘રસીલી રાધા’, ‘ધ ટાઇગ્રેસ’, ‘પહાડી કન્યા’ જેવી ફિલ્મો હતી. 1931માં રણજિતે ‘બૉમ્બે ધ મિસ્ટીરિયસ’, ‘બ્યૂગલ્સ ઑફ વૉર’થી માંડીને ‘પ્રેમી જોગન’, ‘પ્રેમી પંખીડાં’, ‘ગ્વાલન’, ‘ઘૂંઘટવાલી’, ‘બાંકે સાંવરિયા’, ‘વિજયલક્ષ્મી’, ‘વિલાસી આત્મા’, ‘બગદાદનું બુલબુલ’, ‘કાતિલ કટારી’ સહિત 15 મૂંગી ફિલ્મો બનાવી. આ વર્ષે, જ (1931માં) ફિલ્મો બોલતી થઈ. 1932માં ‘લાલ સવાર’ અને ‘સિપહસાલાર’ નામે રણજિતની છેલ્લી બે મૂંગી ફિલ્મો રજૂ થઈ. આ ફિલ્મોમાં ‘પતિપત્ની’, ‘ભિખારન’, ‘રાજપુતાની’, ‘દિવાની દિલબર’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સ્વયં ચંદુલાલ શાહ હતા, તો રણજિતની 18 જેટલી મૂંગી ફિલ્મોનું દિગ્દર્શન નાનુભાઈ વકીલે, 9 ફિલ્મોનું દિગ્દર્શન જયંત દેસાઈએ, 3 ફિલ્મોનું દિગ્દર્શન નાગેન્દ્ર મજુમદારે, તો નંદલાલ જશવંતલાલે 3 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. આ ફિલ્મોમાં ગૌહરબાનુ, રાજા સૅન્ડો, ડી. બીલીમોરિયા, ઈ. બીલીમોરિયા, પુતલી, સુલોચના, માધુરી વગેરેએ અભિનય કર્યો હતો.

મૂંગી સિનેમા પછી બોલતી સિનેમા વખતે ચંદુલાલ શાહનો દબદબો ઑર વધી ગયો. 1931માં ‘દેવી દેવયાની’ નામે રણજિત મૂવિટોને પહેલી બોલતી ફિલ્મ બનાવી, જેના દિગ્દર્શક સ્વયં ચંદુલાલ શાહ હતા અને ગૌહરબાનુ, ડી. બીલીમોરિયા, કમલાએ અભિનય કર્યો. 1932માં 6, 1933માં 6, 1934માં 8, 1935માં 6, 1936માં 9, 1937માં 7, 1938માં 8, 1939માં 4, 1940માં 6, 1941માં 6, 1942માં 9, 1943માં 7, 1944માં 5, 1945માં 4, 1946માં 3, 1947માં 7, 1948માં 4, 1949માં 3, 1950માં 3, 1951માં 2, 1953માં 3, 1954માં 2, 1963માં 1 હિન્દી ઉપરાંત 1939માં ‘અછૂત’ અને 1947માં ‘સતી સાવિત્રી’ જેવી બે ગુજરાતી ફિલ્મો રણજિતે બનાવી. 32 વર્ષની અંદર 120 જેટલી ફિલ્મોનું નિર્માણ ચંદુલાલ શાહની જબરદસ્ત વ્યાવસાયિક ક્ષમતા અને ઝડપનું સૂચક છે. રણજિતમાં લગભગ 750 જેટલા કર્મચારીઓ હતા. રાજ કપૂરે અહીંથી જ એક ક્લૅપર બૉય તરીકે કારકિર્દી આરંભેલી. સ્ટન્ટથી માંડી ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક પ્રકારની ફિલ્મો વડે રણજિત મૂવિટોને એક એવું વર્ચસ્ સ્થાપેલું જે ચકિત કરી દે તેવું હતું. ગુણવંતરાય આચાર્ય, શયદા, બેતાબ, ચતુર્ભુજ દોશી, વજુ કોટક જેવા કથા-પટકથાકાર ધરાવતી રણજિત મૂવિટોન પાસે જયંત દેસાઈ, નંદલાલ જશવંતલાલ, ડી. એન. મધોક, રાજા સૅન્ડો, મણિભાઈ વ્યાસ, ચતુર્ભુજ દોશી, અસ્પી ઈરાની ઉપરાંત એ. આર. કારદાર, કેદાર શર્મા, રતિભાઈ પૂનાતર, રામચંદ્ર ઠાકુર, ઝિયા સરહદી, ફણી મજુમદાર સહિતના દિગ્દર્શકોની ફોજ હતી. કળાકારોમાં ગૌહરબાનુ તો હતાં જ, તે ઉપરાંત ડી. બીલીમોરિયાથી આરંભી ઘોરી, દીક્ષિત, મહેતાબ, ઈશ્વરલાલ, રાજા સૅન્ડો, ચાર્લી, ત્રિલોક કપૂર, પૃથ્વીરાજ કપૂર, સિતારા, મોતીલાલ, ખુરશીદ, નૂરજહાં, સાધના બોઝ, કમલા ચૅટર્જી, મુમતાઝ શાંતિ અને સાયગલ, મૉનિકા દેસાઈ, બેબી મુમતાઝ (મધુબાલા), મીનાકુમારી, ગીતા બાલી, નિરૂપા રોય, નરગિસ, દિલીપકુમાર, દેવ આનંદ, નૂતન, બલરાજ સહાની, રાજ કપૂર, રાજેન્દ્રકુમાર, કૃષ્ણકાંત, ઉષાકિરણ જેવાં અનેક કળાકારો રણજિતની યાદીમાં છે. સંગીતકાર ઉસ્તાદ ઝંડેખાં, રેવાશંકરથી માંડી જ્ઞાનદત્ત, ખેમચંદ પ્રકાશ, બુલો, સી. રાની, હંસરાજ બહલ, રોશન, એસ. મોહિન્દર, ખૈયામ, મદનમોહન જેવા રણજિતની ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે. સાયગલ જેવા ગાયક-અભિનેતાને વધારે રૂપિયા આપી કલકત્તાના ન્યૂ થિયેટર્સમાંથી મુંબઈના ફિલ્મજગતમાં લાવનાર પણ રણજિત મૂવિટોન છે.

રાજવી શૈલીએ જીવતા ચંદુલાલ શાહને ‘ફિલ્મ ઇન્ડિયા’ સામયિકના બાબુરાવ પટેલે ‘સરદાર’ તરીકે ઓળખાવેલા ને એ સંબોધન કાયમી થઈ પડેલું. રણજિતમાં રસોડું પણ ચાલતું અને કામદારો માટે કમ્પાઉન્ડમાં જ રૅશનિંગની દુકાન પણ રાખી હતી. દીર્ઘદૃષ્ટિ ધરાવતા ચંદુલાલ શાહે શૅરબજારમાં સટ્ટો કરતાં બૂરી દશાનો અનુભવ કરવો પડેલો, પરંતુ ‘તાનસેન’માં સાયગલ-ખુરશીદ, ‘જોગન’માં દિલીપ-નરગિસ, ‘હમલોગ’માં નૂતન-બલરાજ સહાની, ‘મધુબાલા’માં મધુબાલા-દેવ આનંદ અને ‘પાપી’માં રાજકપૂર-નરગિસ જેવાં કળાકારોને ચમકાવનાર ચંદુલાલ શાહ હિન્દી ફિલ્મ ઉદ્યોગને અનેક યાદગાર ફિલ્મો આપી ગયા છે. રણજિત સ્ટુડિયો ફિલ્મનિર્માણથી સતત ધમધમતી સંસ્થા હતી. અને તેના પરિણામે તેણે એ જમાનામાં 25 વર્ષમાં 40 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યાનું કહેવાય છે. રણજિત સ્ટુડિયો અને રણજિત મૂવિટોનનું હિન્દી ફિલ્મોદ્યોગમાં કદી ન ભુલાય એવું પાયાનું પ્રદાન છે.

હરીશ રઘુવંશી