રડાર

સ્થિર અથવા ગતિ કરતી વસ્તુનું સ્થાન નક્કી કરવા માટેની ઇલેક્ટ્રૉનિક પ્રણાલી. રડાર એ Radio Detection and Ranging(RADAR)નું સંક્ષિપ્ત રૂપ છે. રડાર માણસની દૃષ્ટિની બહાર હોય તેવા દૂર દૂરના પદાર્થોની દિશા, અંતર, ઊંચાઈ અને ઝડપ નક્કી કરે છે. સૂક્ષ્મ જંતુથી માંડીને મોટા મોટા પહાડ જેવડા પદાર્થોને તે શોધી કાઢે છે. રડાર રાત્રે, ભારે ધુમ્મસ, વરસાદ અને બરફની હાજરીમાં પણ અસરકારક રીતે કાર્ય કરે છે.

ઘણીબધી ક્ષમતાને કારણે, રડાર ભિન્ન ભિન્ન હેતુઓ માટે વપરાય છે. હવાઈ મથક અતિ ભરચક હોય ત્યારે વિમાનચાલક વિમાનને રડારની મદદથી સહીસલામત રીતે જમીન ઉપર ઉતારે છે. દરિયામાં નાવિકો જ્યારે વહાણ લઈને જતા હોય છે ત્યારે માર્ગમાં આવતા ખડકો કે ભયંકર અડચણોનો ખ્યાલ રડાર વડે મળી જતાં વહાણને અન્ય માર્ગે વાળી લેવામાં આવે છે. દુશ્મન તરફથી લડાકુ વિમાન કે પ્રક્ષેપાસ્ત્ર (મિસાઇલ) વડે થનાર એકાએક હુમલાની સામે રડારથી જાણકારી મેળવી રક્ષણ કરી શકાય છે. રડાર હવામાનની આગાહી કરે છે, જેને આધારે વાવાઝોડાનો માર્ગ અને તેની દિશા જાણી શકાય છે. પૃથ્વીની આસપાસ ઉચ્ચસ્તરીય વાતાવરણના અભ્યાસ માટે વિજ્ઞાનીઓ રડારનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તેના વડે બીજા ગ્રહો અને તેમના ઉપગ્રહો(ચંદ્રો)નો અભ્યાસ કરવામાં આવે છે.

પ્રત્યેક રડાર દૂરના પદાર્થ તરફ રેડિયો-તરંગો મોકલે છે, જે પદાર્થ વડે પરાવૃત્ત થઈને પાછા આવે છે. રેડિયો-તરંગ નીકળીને પદાર્થ વડે પરાવૃત્ત થઈને પાછો આવે ત્યાં સુધીનો સમય નોંધવામાં આવે છે. આવા તરંગોનો વેગ 3 × 108 મીટર/સેકન્ડ હોય છે.

આથી  સૂત્રની મદદથી  અંતર જાણી શકાય છે; આ સાથે દિશા પણ જાણી શકાય છે. આથી પદાર્થનું અંતર અને દિશા જાણી લેતાં તેનું સ્થાન નક્કી કરી શકાય છે.

આકાર અને કદની દૃષ્ટિએ રડાર નાનાં-મોટાં હોઈ શકે છે; પણ તેનાં મૂળભૂત અંગો (ભાગો) સમાન હોય છે. પ્રત્યેક રડારને સંકેતો મોકલવા માટે એક પ્રેષિત્ર (transmitter) હોય છે. તેની સાથે તરંગોને બહાર મોકલવા માટે એરિયલ હોય છે. ઘણાંખરાં રડારમાં પદાર્થ વડે પરાવૃત્ત થઈને આવતા તરંગોને તે જ એરિયલ વડે એકત્રિત કરવામાં આવે છે. પરાવૃત્ત થયેલા તરંગોને સામાન્ય રીતે પ્રતિઘોષ (પડઘા–echo) કહે છે. પરાવૃત્ત તરંગોને અભિગ્રાહી (receiver) વડે પ્રબળ બનાવવામાં આવે છે, જેથી કરીને યોગ્ય પડદા (display) ઉપર જોઈ શકાય. સામાન્ય રીતે પડદો ટેલિવિઝનની નલિકાના પડદાને મળતો આવે તેવો હોય છે. આવો પડદો સામાન્યત: લંબચોરસ હોવાને બદલે વર્તુળાકાર હોય છે. પ્રતિઘોષ પડદા ઉપર પ્રકાશના બિંદુ તરીકે જોવા મળે છે અથવા તો કોઈક વખત પદાર્થના પ્રતિબિંબ-સ્વરૂપે પણ જોવા મળે છે.

રડાર

રડારના વિવિધ ભાગો (જુઓ રંગીન ચિત્ર) : કદની દૃષ્ટિએ રડાર ઘણું વૈવિધ્ય ધરાવે છે. રડારના ઉપયોગ ઉપર તેના કદનો આધાર રહે છે; જેમ કે, પોલીસને હાથમાં રાખી શકાય તેવો રડાર-સેટ આપવામાં આવે છે. તેનું દળ માત્ર 1.8 કિગ્રા. જેટલું હોય છે. ગ્રહોના અભ્યાસ માટે તૈયાર કરેલ રડાર-સેટ મોટા મકાન જેવડો હોય છે. તમામ પ્રકારનાં નાનાં-મોટાં રડારમાં આ ભાગો મુખ્ય હોય છે : (1) દોલક (oscillater), (2) સમાવર્તક (modulator), (3) પ્રેષિત્ર (transmitter), (4) દ્વિ-ઘટક (duplexer), (5) એરિયલ, (6) અભિગ્રાહી (receiver), (7) સંકેત-પ્રક્રમક (signal processor), (8) પડદો (display).

દોલક : તે એકસરખી આવૃત્તિના પણ ઓછી શક્તિવાળા વિદ્યુત-સંકેતો પેદા કરવા માટેની પ્રયુક્તિ છે. દોલકની આવૃત્તિ રડાર-સેટની પ્રચાલન આવૃત્તિ નક્કી કરે છે.

સમાવર્તક : સ્પંદ(pulse)-રડારમાં સમાવર્તક એ ઇલેક્ટ્રૉનિક ક્રમ છે, જે પ્રેષિત્રને ઝડપથી ચાલુ-બંધ (on-off) કરે છે. તેના વડે પ્રેષિત્ર તરંગોના નાના પ્રસ્ફોટ (bursts) પેદા કરે છે. આવૃત્તિ-સમાવર્તન (frequency modulation)-રડારમાં સમાવર્તક પ્રેષિત્ર કરતા તરંગોની આવૃત્તિમાં સતત ફેરફાર કરે છે. દ્વિઘટક(ડુપ્લેક્સર)-રડારમાં સમાવર્તક હોતા નથી.

પ્રેષિત્ર : તે પ્રવર્ધક (amplifier) તરીકે કાર્ય કરે છે. દોલક વડે પેદા થતા ઓછી શક્તિવાળા વિદ્યુત-સંકેતો લઈ લે છે અને ઉચ્ચ શક્તિવાળા સંકેતો બહાર પાડે છે. દાખલા તરીકે, આવનજાવન કરતાં હવાઈ વાહનોના અંકુશ માટે વપરાતા સ્પંદ-રડારનું પ્રેષિત્ર લાખો વૉટના સંકેતો પેદા કરે છે.

દ્વિઘટક (ડુપ્લેક્સર) : તે પ્રેષણ અને ગ્રહણ એમ બંને વખતે એક જ એરિયલથી કામ ચલાવે છે. પ્રેષિત્રમાંથી નીકળતા સંકેતોને ડુપ્લેક્સર એરિયલ તરફ લઈ જાય છે. સાથે સાથે અભિગ્રાહીમાં જતા સંકેતોને અટકાવે છે. પ્રબળ સંકેતો સીધેસીધા અભિગ્રાહીમાં જાય તો તેને નુકસાન થાય છે. સંકેતો વિદ્યુત-ચુંબકીય તરંગો તરીકે પ્રેષિત્રમાંથી નીકળી એરિયલ મારફતે બહાર નીકળ્યા બાદ ડુપ્લેક્સર અભિગ્રાહીને એરિયલ સાથે જોડે છે. અહીં આવતા પ્રતિઘોષને ગ્રહણ કરવા માટે ક્રમ મદદ કરે છે.

એરિયલ : રડાર-સંકેતોને વિદ્યુત-ચુંબકીય તરંગોની સાંકડી કિરણાવલીના સ્વરૂપે બહાર મોકલે છે; સાથે સાથે તે પરાવૃત્ત થયેલા પ્રતિઘોષોને પણ ગ્રહણ કરે છે. અદ્યતન રડાર-સેટમાં સંકેતોને મોકલવા તથા મેળવવા માટે એક જ ડુપ્લેક્સર કામ કરે છે. શિંગડા આકારનું એરિયલ બધી દિશામાં ફરતું રહે છે, જેથી કોઈ પણ દિશામાંથી પદાર્થને જોઈ-જાણી શકાય છે. નિમ્ન-આવૃત્તિ સામે કાર્ય કરવાનું હોય ત્યારે ટીવીમાં વપરાતા એરિયલનો ઉપયોગ થાય છે. ઉચ્ચ-આવૃત્તિ માટે તદ્દન જુદા પ્રકારના એરિયલનો ઉપયોગ થાય છે.

પ્રકાશીય રડારમાં બિલકુલ જુદા જ પ્રકારની પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. ઉચ્ચ-આવૃત્તિના તરંગો જેવા કે પારજાંબલી-ર્દશ્યમાન, અધોરક્ત કિરણોના પ્રેષણ માટે આવી વિશિષ્ટ પ્રયુક્તિ વપરાય છે. આવી પ્રયુક્તિઓ ટેલિસ્કોપ જેવી હોય છે અને તે બહાર જતાં કિરણોને કેન્દ્રિત કરી કિરણાવલી-સ્વરૂપે મોકલવા માટે કાચના લેન્સનો ઉપયોગ કરે છે.

અભિગ્રાહી : એરિયલે એકત્રિત કરેલા મંદ પ્રતિઘોષને તે ગ્રહણ કરે છે તથા તેનું પ્રવર્ધન કરે છે. તે એટલું બધું સંવેદનશીલ હોય છે કે એક વૉટના હજાર-અબજમા ભાગની શક્તિ ધરાવતા પ્રતિઘોષને ગ્રહણ કરે છે. અભિગ્રાહી અન્ય ઘોંઘાટને અટકાવે છે તથા એરિયલે પકડી પાડેલ અન્ય વ્યતિકારી અડચણોને પણ રોકે છે.

સંકેતપ્રક્રમક : ઘણાંખરાં રડારમાં અભિગ્રાહીમાંથી આવતા સંકેતો પડદા ઉપર જાય તે પહેલાં સંકેત-પ્રક્રમકમાં થઈને પસાર કરવામાં આવે છે. રડારના હેતુ મુજબ સંકેત-પ્રક્રમકની કામગીરી જુદી જુદી હોય છે. કેટલાક રડાર એકમોમાં મોટા અને સ્થિર પદાર્થોમાંથી આવતા પ્રતિઘોષોને તે રોકે છે; જ્યારે નાના અને ગતિ કરતા પદાર્થોમાંથી આવતા પ્રતિઘોષોને પડદા સુધી જવા દે છે. તેમ કરવાથી સંકેત-પ્રક્રમક વિમાનને જોવામાં મદદ કરે છે. લગભગ તમામ રડાર-સેટમાં સંકેત-પ્રક્રમક તરીકે કમ્પ્યૂટર કાર્ય કરે છે.

પડદો (display) : પદાર્થને લગતી માહિતી પડદા વડે જાણી શકાય છે. કેટલાક રડાર-સેટમાં ડિસ્પ્લે સાદો અને સરળ હોય છે. સહેલાઈથી હાથમાં લઈ જઈ શકાય તેવા ડૉપ્લર-રડાર  જેનો ઉપયોગ ખાસ કરીને પોલીસ કરે છે  તેમાં મીટર (માપક) હોય છે, જે ગાડી કે ખટારા જેવા વાહનની ઝડપ નોંધે છે. જ્યારે કેટલાક રડાર-સેટમાં કૅથોડ-રે-ટ્યૂબ (CRT) જેવા જટિલ ડિસ્પ્લેનો ઉપયોગ થાય છે. કૅથોડ-રે-ટ્યૂબ એ ટીવીમાં હોય છે તેવા પ્રસ્ફુરણ પડદાવાળી શૂન્યાવકાશ કરેલી નલિકા છે. કૅથોડ-રે-ટ્યૂબનો પડદો જુદા જુદા સ્વરૂપે રડારની માહિતી રજૂ કરે છે. પ્લાન-પોઝિશન-ઇન્ડિકેટર (P.P.I.) એ અત્યંત સામાન્ય ડિસ્પ્લે છે. પી. પી. આઇ. રડાર  બીમે ક્રમવીક્ષણ (scan) કરેલા વિસ્તારનું વર્તુળાકાર નકશા રૂપે ચિત્ર રજૂ કરે છે. રડાર-સેટના સ્થાનને અનુરૂપ ચિત્રનું કેન્દ્ર હોય છે. પડદાની આસપાસ તેની ધાર આગળ દિશાના અવલોકન માટે દિક્સૂચક માપક્રમ (compass scale) હોય છે. પડદા ઉપર ચિત્રના કેન્દ્રમાંથી વિસ્તરતાં વલયો કિલોમીટર અથવા માઈલમાં અંતર દર્શાવે છે. રડાર-પ્રતિઘોષો તેજસ્વી ટપકાં તરીકે દેખાય છે. કંપાસ માપક્રમને અનુલક્ષી ટપકાનું સ્થાન એ પદાર્થની દિશા સૂચવે છે. કેન્દ્રથી ટપકાનું અંતર એ પદાર્થનું અંતર સૂચવે છે. રડારના પડદા ઉપર ટપકાને અંતર કાપવા માટે લાગતા સમયને આધારે પદાર્થની ઝડપ નક્કી કરી શકાય છે.

ટાઇમર : રડાર-સેટને સક્ષમ રીતે અને સમોસૂતર ચલાવવા માટે ટાઇમર મદદ કરે છે. આ પ્રયુક્તિ રડાર-સેટના બીજા કેટલાક મુખ્ય ભાગોને બિલકુલ સમયસર ચાલુ-બંધ કરવા માટે કાર્ય કરે છે. ટાઇમર યોગ્ય ક્રમમાં જુદા જુદા ભાગોમાં નિયંત્રણ-સંકેતો મોકલે છે. રડાર કેવી રીતે કાર્ય કરે છે ? તમામ પ્રકારના હેતુઓ માટે વપરાતા રડારનો સિદ્ધાંત તો એક જ છે. બધાં જ રડારમાં વિદ્યુત-ચુંબકીય તરંગો મોકલવામાં આવે છે. કશાક પિંડ કે પદાર્થ વડે પરાવૃત્ત થઈને આવે ત્યારે તેમને મેળવવામાં આવે છે. રડારતરંગો રેડિયો અથવા પ્રકાશના તરંગો હોઈ શકે છે. ઘણાખરા રડારમાં રેડિયો-તરંગોનો ઉપયોગ થાય છે. થોડાંક જ રડારમાં પ્રકાશ અથવા લેઝરનો ઉપયોગ થાય છે.

નિશ્ચિત આવૃત્તિના રડાર-તરંગો મોકલવામાં આવે છે અને આવી આવૃત્તિ મેગાહટર્ઝ(MHz)ના ક્રમની હોય છે. રેડિયો-તરંગોની આવૃત્તિ પ્રકાશના તરંગોની આવૃત્તિ કરતાં ઓછી હોય છે. ઘણાંખરાં રડારમાં 103 MHzથી 50 × 103 MHz આવૃત્તિનો ઉપયોગ થાય છે. પ્રકાશીય રડારમાં 109 MHz સુધીની આવૃત્તિના તરંગોનો ઉપયોગ થતો હોય છે.

રડારને મુખ્ય બે વિભાગમાં જોઈ શકાય છે : (1) પ્રેષિત્ર અને (2) અભિગ્રહી.

દોલકનો સ્પંદ-સેટ અચળ અને ઓછી શક્તિવાળા વિદ્યુત-સંકેતો પેદા કરે છે. સમાવર્તક પ્રેષિત્રને ચાલુ-બંધ કરે છે; જેથી પ્રેષિત્ર વિદ્યુત-ચુંબકીય તરંગોના ટૂંકા વિસ્ફોટ પેદા કરી શકે. દોલકે પેદા કરેલા વિદ્યુત-સંકેતોનું પ્રવર્ધન કરીને ઉચ્ચ-શક્તિવાળા તરંગો પ્રેષિત્ર મોકલે છે. ડુપ્લેક્સર તરંગોને પ્રેષિત્રમાં એરિયલ તરફ વાળે છે. એરિયલમાંથી તરંગો મોકલાયા બાદ, ડુપ્લેક્સર અભિગ્રાહીને એરિયલ સાથે જોડે છે. તે પદાર્થ વડે પરાવૃત્ત થયેલા તરંગોને એકઠા કરે છે.

એરિયલ વડે એકઠા કરેલા પ્રતિઘોષોને પકડી પાડવા માટે ડુપ્લેક્સરનું સ્વિચ-કાર્ય અભિગ્રાહીને મદદ કરે છે. અભિગ્રાહી પરાવૃત્ત તરંગોનું વિવર્ધન કરે છે તથા તરંગો સાથે સંકળાયેલ ઘોંઘાટ અને અવરોધને નિસ્યંદિત (filter) કરે છે. અભિગ્રાહીમાં આવતા તરંગોને સંકેત-પ્રક્રમક લઈ લે છે અને એકત્રિત કરે છે. પરિણામે ગુણવત્તા સુધરે છે. પડદો (ડિસ્પ્લે) પ્રતિઘોષને ટપકાં અથવા તો પરખાયેલા પદાર્થના પ્રતિબિંબ રૂપે દર્શાવે છે. ટાઇમર, સંકેત-પ્રક્રમક અને સમાવર્તકને આપોઆપ ફેરવીને યોગ્ય સમયે ચાલુ-બંધ કરે છે અને તે રીતે રડાર-સેટના કાર્યને યોગ્ય રીતે ગોઠવે છે.

રડારનો વિકાસ : કેટલાક વિજ્ઞાનીઓના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અભ્યાસથી રડારનો ઉદભવ અને વિકાસ થયો છે. બ્રિટિશ ગણિતજ્ઞ અને ભૌતિકવિજ્ઞાની જેમ્સ ક્લાર્ક મૅક્સવેલે રડારના વિકાસમાં સિંહફાળો આપ્યો ગણાય છે. 1860ના દસકા દરમિયાન મૅક્સવેલે પ્રકાશના વેગ(3 × 108 મીટર/સેકન્ડ)થી ગતિ કરતા વિદ્યુત-ચુંબકીય તરંગોની આગાહી કરી હતી. 1880ના દસકા દરમિયાન આ તરંગો પેદા કરવાની શક્યતા માટે તેણે દરખાસ્ત કરી. 1888માં જર્મન વિજ્ઞાની હેન્રિક હટર્ઝે રેડિયો-તરંગો પેદા કરીને મૅક્સવેલની આગાહી યથાર્થ સાબિત કરી. હટર્ઝે એ પણ બતાવ્યું કે આવા તરંગોને ઘન પદાર્થો વડે પરાવૃત્ત કરી શકાય છે.

હટર્ઝની શોધથી સંચારણમાં રેડિયો-તરંગોના ઉપયોગને ઉત્તેજન મળ્યું. તે સમયે કેટલાક વિજ્ઞાનીઓને એવો ખ્યાલ આવ્યો હતો કે દૂરના પદાર્થોની પરખ (ઓળખ) માટે રેડિયો-તરંગોનો ઉપયોગ કરી શકાય છે. 1900ની આસપાસ જ્યારે રેડિયો-તરંગોને દૂર દૂર મોકલવા અને મેળવવાનું શક્ય બન્યું ત્યારે રડારની શોધમાં ગતિ આવી.

1925માં બે અમેરિકન ભૌતિકવિજ્ઞાનીઓ ગ્રેગરી બ્રેઇટ અને મેર્લે- એ-ટુવે બતાવ્યું કે ટૂંકા રેડિયો-તરંગો આયનમંડળ (ionosphere) વડે પાછા ફેંકાય છે. આયનમંડળ સુધી જઈ અને પાછા આવતા રેડિયો-તરંગોને જે સમય લાગે છે તેની જાણકારી વડે આયનમંડળની ઊંચાઈ તેઓ નક્કી કરી શક્યા. કેટલાક વિજ્ઞાનીઓ આ ઘટનાને રડારના પ્રથમ ઉપયોગ તરીકે નવાજે છે. આ પ્રયોગની સફળતાને આધારે કેટલાય સંશોધકોને રેડિયો-તરંગો વડે આયનમંડળનો અભ્યાસ કરવાની તક સાંપડી.

વિમાનો અને વહાણોનાં સ્થાન નક્કી કરવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા. સ્કૉટિશ ઇજનેર અને ભૌતિકવિજ્ઞાની રૉબર્ટ એ. વૉટસન વૉટે આ ક્ષેત્રે પ્રારંભમાં સારું એવું કાર્ય કર્યું. તેણે સ્પંદ-તકનીકીને નવું સ્વરૂપ આપીને 27 કિલોમીટર સુધી વિમાનનું સ્થાન નક્કી કરવામાં સફળતા મેળવી. આ સમય દરમિયાન ફ્રાંસ, જર્મની અને યુ.એસ.માં રડારના પ્રયોગો ઉપર સારો એવો વિકાસ સધાયો. મર્યાદિત અવધિમાં રહેલાં વિમાન અને વહાણોની પરખ શક્ય બની. જોકે આ સમયે સંવેદનશીલતાના સંદર્ભમાં રડાર આધારભૂત ન હતાં, પણ તેનાથી લશ્કરી-નૌસેનાને લગતા હેતુઓ માટે જરૂરી માહિતી મેળવી શકાઈ.

1930ના દસકામાં વિશ્વયુદ્ધની વધતી જતી ધમકીઓથી રડાર ટૅકનૉલૉજીમાં મહત્વના સુધારા-વધારા કરવા માટે ઉત્તેજન મળ્યું. 1939ના સપ્ટેમ્બરમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે પહેલાં હવાઈ અને દરિયાઈ હુમલાઓથી બચવા માટે ઇંગ્લૅન્ડે તેના પૂર્વ અને દક્ષિણ કિનારે રડાર-મથકોની હારમાળા ઊભી કરી. વિમાનોના માર્ગ જાણવા અને શત્રુના વિમાન ઉપર નિયંત્રણ રાખવા માટે 1940ના દસકામાં યુ.એસે. સ્પંદ-રડારની રચના કરી. આ સમયે જર્મનીએ પણ આ પ્રકારનાં રડાર તૈયાર કર્યાં. જાપાન અને તત્કાલીન સોવિયેત રશિયાએ થોડાક સમય બાદ રડાર-ચેતવણી-તંત્ર(radar warning system)નો વિકાસ કર્યો.

બીજા વિશ્વયુદ્ધના પ્રારંભમાં લશ્કરી કાર્યવાહી કરવા માટે રડાર-સેટ મૂલ્યવાન પુરવાર થયા. તેના કરતાંય વધારે સારી સામગ્રી વિકસાવવા વિજ્ઞાનીઓને વિનંતી કરવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને બ્રિટને વધુ અદ્યતન રડાર તૈયાર કરવા સહયોગ કર્યો. મૅગ્નેટ્રૉન નામે ઓળખાતી શૂન્યાવકાશ કરેલી નળીનો ઉપયોગ બ્રિટન કરતું હતું. આધુનિક રડાર માટે મૅગ્નેટ્રૉન મહત્વનું અંગ બન્યું. મૅગ્નેટ્રૉન વડે 1,000 MHz કરતાં વધુ ઉચ્ચ આવૃત્તિવાળા રેડિયો-તરંગો મેળવવાનું શક્ય બન્યું. આથી મોટા એરિયલની મદદ વિના ઉચ્ચ આવૃત્તિવાળા તરંગોને સાંકડી કિરણાવલીમાં કેન્દ્રિત કરવાનું સરળ બન્યું. આને (માઇક્રો-તરંગોને) કારણે વિમાન, ચોકી કરતી બોટ અને ગતિશીલ ભૂમથકો માટે રડારના નાના એકમો સુલભ થયા.

બીજા વિશ્વયુદ્ધના અંત (1945) પછી બ્રિટિશ અને અમેરિકન સંશોધકોએ શત્રુના રડારને નિષ્ક્રિય બનાવવા માટે પદ્ધતિઓ વિકસાવી. જર્મનીએ પણ તેમ જ કર્યું. બૉમ્બમારો કરવા ઊપડેલાં વિમાનો ધાતુનાં અસંખ્ય પતરાં-છોતરાં (chatt) નાખતાં. આવું પ્રત્યેક પતરું-છોતરું રડાર-ટાર્ગેટની જેમ રેડિયો-તરંગોને પરાવૃત્ત કરે છે. બૉમ્બર પતરાંનું એટલું બધું વર્ષણ કરતા કે જેથી શત્રુના રડારનો પ્રતિઘોષ મેળવવાનું અતિ મુશ્કેલ બની જતું.

બીજા પ્રતિ-પગલાના ભાગ રૂપે વિમાનો અને વહાણો ઉપર ઉચ્ચ-શક્તિવાળાં રેડિયો-પ્રેષિત્ર ગોઠવવામાં આવે છે, જે શત્રુના રડાર ઉપર ભારે દખલગીરી કરે છે. ઇજનેરોએ એવી સામગ્રી તૈયાર કરી છે, જે શત્રુના રડાર ઉપરથી સ્પંદ ગ્રહણ કરે છે અને વધુ શક્તિશાળી બનાવી પાછા મોકલે છે. પરિણામે શત્રુના રડાર-ડિસ્પ્લે ઉપર ખોટું ટાર્ગેટ જોવા મળે છે અને સાચા ટાર્ગેટ ઉપરથી ધ્યાન હઠાવી લેવામાં આવે છે.

1950ના દસકા દરમિયાન વિજ્ઞાનીઓએ અતિ ઉચ્ચશક્તિવાળા માઇક્રો-તરંગો માટે ક્લિસ્ટ્રોન તરીકે જાણીતી શૂન્યાવકાશ કરેલી નળી વિકસાવી, અને સક્ષમ બનાવી. આથી રડારની અવધિમાં ખાસ્સો એવો વધારો થયો. આ સાથે વિજ્ઞાનીઓએ રડારની સંવેદિતા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1960ના દસકામાં એવા અભિગ્રાહીની રચના કરવામાં આવી કે જેથી આંતરિક ઘોંઘાટ ઘટાડી શકાયો. આવો ઘોંઘાટ મંદ પ્રતિઘોષ ઉપર ભારે અસર કરતો હોય છે.

બીજા વિશ્વયુદ્ધ બાદ ઇલેક્ટ્રૉનિક કમ્પ્યૂટરના વિકાસ સાથે રડાર ટૅકનૉલૉજીમાં આધુનિકતા આવી. કમ્પ્યૂટરથી અસરકારક સંકેત-પ્રક્રમક શક્ય બન્યાં. કમ્પ્યૂટરથી પ્રતિઘોષનું વધારે ઝડપથી વિશ્લેષણ થઈ શક્યું. પરિણામે રડાર ઉપર કામ કરનારને ઘણી ઉપયોગી માહિતી મળવા લાગી. ટ્રાન્ઝિસ્ટરની શોધ બાદ રડારને ખૂબ ફાયદો થયો. ટ્રાન્ઝિસ્ટરની મદદથી ઇજનેરો વધુ સક્ષમ, વિશ્વસનીય અને વજનમાં હલકા રડાર-સેટ તૈયાર કરી શક્યા. આ સાથે તેમણે ઘન-અવસ્થા પ્રયુક્તિનો ઉપયોગ કરીને કણવિસ્થાપક(phase shifter)નો વિકાસ કર્યો, જેથી નવા જ પ્રકારનું રડાર બનાવી શકાયું. કલાગત-હાર (phased array) – રડાર તરીકે ઓળખાતું આ રડાર સંકેત-કિરણાવલીને એરિયલ વડે નહિ, પણ ઇલેક્ટ્રૉનિક રીતે ખસેડે છે.

1960ના દસકામાં પ્રકાશની પ્રબળ કિરણાવલી તરીકે લેઝરનો ઉપયોગ શરૂ થયો. તેનાથી પ્રકાશીય રડારનો ઉદભવ થયો. આવા રડારમાં આલેખનપિનના કદના એરિયલનો ઉપયોગ થાય છે.

હાલમાં સંશોધકો રડારનું કદ ઘટાડવા અને આર્થિક રીતે સસ્તાં બને તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સંકલિત પરિપથ (integrated circuits), માઇક્રોપ્રોસેસર અને સૂક્ષ્મ ઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને પૉકેટના કદનાં રડાર તૈયાર કરાઈ રહ્યાં છે. વિમાનમાં નાનકડું રડાર લઈ જઈને વાતાવરણનો અભ્યાસ કરી હવામાનની આગાહીમાં મદદરૂપ થઈ શકાય છે. તે જ રીતે અવકાશમાં મોટાં રડાર તૈયાર કરી શકાય, જેથી કરીને એક જ સ્થળેથી પૃથ્વીના અર્ધા વિસ્તારમાંના વિમાન કે વહાણનો માર્ગ જાણી શકાય.

ઉપયોગો : (1) વિમાનવિદ્યા માટે રડાર મહત્વનું સાધન છે. હવાઈ મથકે અને વિમાનમાં રાખેલ રડાર પૂરતી સલામતી બક્ષે છે.

(2) નૌસંચાલનમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે, જ્યારે ર્દશ્યતા બરાબર ન હોય ત્યારે એક વહાણ ઉપરનું રડાર બીજા વહાણની, શૈલભિત્તિ(reef)ની એટલે કે હિમશિલાની નોંધ કરી શકે છે.

(3) લશ્કરમાં રડારનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. તેમાં ખાસ કરીને, (i) હવાઈ સુરક્ષા, (ii) મિસાઇલ પ્રતિરક્ષા, (iii) અવકાશ સંનિરીક્ષણ, (iv) બુદ્ધિગમ્ય માહિતીનું એકત્રીકરણ, (v) અવધિ-ઉપકરણન તથા (vi) શસ્ત્ર-અગ્નિ-નિયંત્રણનો સમાવેશ થાય છે.

(4) ટ્રાફિકની ઝડપ અને પ્રવાહના નિયંત્રણ માટે કેટલાક દેશોમાં ટ્રાફિક અને ઝડપને અનુલક્ષીને કરેલા કાયદાઓના પાલન માટે પોલીસ રડારનો ઉપયોગ કરે છે.

(5) હવામાનનાં અવલોકનો અને આગાહીમાં રડાર મહત્વનું સાધન છે. સ્થાનિક હવામાનની પરિસ્થિતિ જાણવા માટે રડારનું કાર્ય અર્થપૂર્ણ છે. હવામાન-રડાર વરસાદનાં બુંદ અને બરફના કણો વડે પાછા પડીને આવતા પ્રતિઘોષોની નોંધ કરીને તોફાનના પ્રકાર અને ગતિને પારખી શકે છે. ટૉર્પીડો પેદા કરે તેવાં તોફાનોને આવું રડાર તેના ડિસ્પ્લે ઉપર દર્શાવે છે.

(6) વૈજ્ઞાનિક સંશોધનમાં; જેમ કે, પૃથ્વીના ઉપલા વાતાવરણ અને આયનમંડળના અભ્યાસ માટે રડારનો ઉપયોગ થાય છે. પાર્થિવ ગ્રહોના અભ્યાસ માટે ઉચ્ચ શક્તિવાળાં રડારનો ઉપયોગ કરવામાં આવે છે.

આનંદ પ્ર. પટેલ