રઘુવીર (જ. 1902, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1963) : સંસ્કૃત તથા હિંદીના અગ્રણી વિદ્વાન. તેમના પિતા મુનશીરામ મધ્યમ વર્ગના સામાન્ય માનવી હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, વિશેષ અભ્યાસ માટે તેઓ લાહોર ગયા અને ત્યાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને તેમણે લંડન ખાતેથી પીએચ.ડી.ની તથા યૂટ્રેક્ટ (નેધરલૅન્ડ્ઝ) યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની ડિગ્રીઓ મેળવી.
તેમણે લાહોર ખાતે શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો, પણ શિક્ષકની નોકરીથી તેમને સંતોષ ન થતાં, તેમણે સંશોધનકાર્યને જીવન સમર્પિત કર્યું. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ – એ તેમના સંશોધનનું ક્ષેત્ર હતું; પોતાનો અભ્યાસ આગળ ધપાવવા તેઓ મૉંગોલિયા, થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા ગયા. પૈપલદાસના ‘અથર્વવેદ’ના 20 ગ્રંથોના સંપાદનના કારણે સંપાદક તરીકે તેમને પુષ્કળ નામના મળી. આ મહાગ્રંથ તેમણે 4 વર્ષ (1936–1940) દરમિયાન પૂરો કર્યો અને બીજી પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓનું પણ સંપાદન કર્યું.
તેઓ કોશકાર તરીકે ખૂબ કીર્તિ કમાયા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સમગ્ર સમય શબ્દકોશોનાં સંપાદન, સંકલન તથા આયોજનમાં જ વિતાવ્યો. અંગ્રેજી શબ્દો તથા વાક્યાંશોના હિંદી અનુવાદનું તેમનું ભગીરથ યોગદાન ચિરસ્મરણીય બન્યું છે; કારણ કે સ્વતંત્ર ભારતમાં એ પ્રકારનો એ સર્વપ્રથમ સુયોજિત પ્રયાસ હતો. તેમની વિદ્વત્તા તથા કોશવિજ્ઞાનના ક્ષેત્રના તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમનું બહુમાન કર્યું હતું અને તેમની રાજ્યસભામાં નિયુક્તિ કરાઈ હતી. તેમણે ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ ઇન્ડિયન કલ્ચરની સ્થાપના કરી હતી. તેમની અગત્યની કૃતિઓ તે આ : ‘અથર્વવેદ’ (1936–40), ‘સંસ્કૃત-તિબેટન-મૉંગોલિયન એબીસીડેટ્રિયન’ (1941), ‘કન્સૉલિડેટેડ ઇંગ્લિશ-હિંદી ડિક્શનરી’ (1951), ‘કૉમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ-હિંદી ડિક્શનરી’ (1955), ‘મૉંગોલિયન સંસ્કૃત ડિક્શનરી’ (1958) તથા ‘હિંદી-ઇંગ્લિશ ડિક્શનરી ઑવ્ ટેક્નિકલ ટર્મ્સ’.
મહેશ ચોકસી