રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’ (જ. 1 જાન્યુઆરી 1944, રિપલ્લે, ગંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ) : સંસ્કૃત અને તેલુગુ લેખક. તેમણે એસ. વી. યુનિવર્સિટી, તિરુપતિમાંથી એમ.એ.; આંધ્ર યુનિવર્સિટીમાંથી વિદ્યાપ્રવીણ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
અધ્યાપનકાર્ય બાદ તેઓ તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે હાલ કામગીરી કરે છે. તેઓ એસ. વી. યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ રહ્યા હતા. 1993થી 1997 સુધી તેઓ નવી દિલ્હી ખાતે સાહિત્ય અકાદમીના સંસ્કૃત માટેના સલાહકાર બૉર્ડ અને જનરલ કાઉન્સિલના સભ્ય; 1993થી જ્ઞાનપીઠ ઍવૉર્ડ સલાહકાર બૉર્ડમાં અને 1995થી બિરલા ફાઉન્ડેશન ઍવૉર્ડ સલાહકાર બૉર્ડમાં તેમણે સભ્ય તરીકે કામગીરી કરી છે.
તેમણે સંસ્કૃત તથા અંગ્રેજીમાં 30 ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતમાં તેમની કાવ્યકૃતિ ‘રામવિજયમ્’ (1975) તથા તેલુગુમાં કાવ્યકૃતિ ‘સૌંદર્યસુષમા’ જાણીતી છે. અંગ્રેજી કૃતિઓમાં 1975માં ‘રાકા’, ‘ક્રિયાકૈરવચંદ્રિકા’ પરની ટીકા; 1977માં ‘સ્ટડિઝ ઇન ઇન્ડૉલોજી’ (નિબંધો) અને ‘રિગ્વેદમુ’ (તેલુગુ અનુવાદ) તથા 1980માં ‘અવર પ્રૉબ્લેમ્સ : સૉલ્યૂશન્સ ફ્રૉમ ભગવદ્ગીતા’ (વિવેચનાત્મક નિબંધો) અને 1983માં ‘ન્યાય અને મીમાંસા : એ ક્રિટિકલ સ્ટડી’ (વિવેચન) ખાસ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમણે વધુ 100 ગ્રંથોનું સંપાદન સંભાળ્યું છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1993માં તેલુગુ અકાદમી તરફથી ઉગાડી પુરસ્કાર; 1996માં ઇન્દોરના નરહરગુરુ વૈદિક સંસ્થાન તરફથી વૈદિક પુરસ્કાર; 1994માં શિવાનંદ એમિનન્ટ સિટીઝન ઍવૉર્ડ પ્રાપ્ત થયા. 1995માં તેમને એચ. એચ. કુર્તાલમ્ સ્વામીજી તરફથી ‘શ્રી પંચરાત્રગમરત્ન’નો ખિતાબ આપવામાં આવેલો.
બળદેવભાઈ કનીજિયા