રગ્બી : એક પાશ્ચાત્ય રમત. રગ્બી રમતને ‘રગ્બી ફૂટબૉલ’ પણ કહેવામાં આવે છે. આ રીતે રગ્બી રમતનો ઇતિહાસ ફૂટબૉલની રમત જેટલો જ જૂનો છે. આ રમતની શરૂઆત રોમન લોકોની ‘દારપસ્ટમ’ રમતમાંથી થઈ છે. રગ્બી રમતમાં ખેલાડી પગ ઉપરાંત હાથનો પણ ઉપયોગ કરી શકે છે તેથી પ્રેક્ષકો માટે તે ખૂબ જ રોમાંચક રમત બની રહે છે; પરંતુ રમનાર ખેલાડીઓ માટે તે ખૂબ જ જોખમકારક રમત બને છે અને તેથી જ રગ્બીની રમત ફૂટબૉલ જેટલી લોકપ્રિય બની શકી નથી તેમજ વિકાસ પામી શકી નથી.
રગ્બીના મેદાનની લંબાઈ 110 વાર (100.10 મીટર) અને પહોળાઈ 75 વાર (68.25 મીટર) હોય છે. રગ્બીનું મેદાન ઘાસ, માટી અથવા રેતીનું હોવું જોઈએ, જેને કારણે ખેલાડીઓને રમતી વખતે ઈજા ન થાય. ગોલ ‘H’ (અંગ્રેજી એચ) આકારનો હોય છે. રગ્બીનો દડો ઈંડા (oval) આકારનો અને ચાર ટુકડાઓનો બનેલો હોય છે. બીજા ખેલાડીઓને નુકસાન થાય એવી કોઈ પણ વસ્તુ પહેરી શકાય નહિ. છતાં ઉચિત ગણવેશ પહેરીને મેદાનમાં આવવાની જવાબદારી ખેલાડીની પોતાની હોય છે. મુખ્ય પંચ (રેફરી) ગમે ત્યારે રમત દરમિયાન ખેલાડીનો ગણવેશ ચેક કરી શકે છે અને યોગ્ય ગણવેશ ન પહેર્યો હોય તેને બહાર કાઢી શકે છે. દરેક ટુકડીમાં 15 ખેલાડીઓ હોય છે. રમતની શરૂઆત મેદાનના મધ્યમાંથી ‘કિક ઑફ’ દ્વારા થાય છે. રમતનો સમય 40–5–40 મિનિટનો હોય છે. બીજા દાવની શરૂઆત વખતે ટુકડીઓ મેદાનની ફેરબદલી કરે છે. ફક્ત ઈજા થાય ત્યારે જ મુખ્ય પંચની રજા લઈને બે ખેલાડીઓ બદલી શકાય છે.
દરેક ખેલાડી દડાને પકડીને દોડી શકે છે, પાસ કરી શકે છે, ફેંકી શકે છે અને હાથ વડે મારી પણ શકે છે. ખેલાડી દડાને પગ વડે કિક મારી શકે છે અને દડા ઉપર પડી પણ શકે છે. જ્યારે ખેલાડી પાસે દડો હોય ત્યારે એ ખેલાડીને ‘ટૅકલ’ (ખેલાડી પાસેથી દડો પડાવવાનું કૌશલ્ય અજમાવવાનું) પણ કરી શકાય છે. આ રમતમાં સારો દેખાવ કરવા માટે ખેલાડીમાં સાહસિકતા, સમયસૂચકતા હોય તે અત્યંત આવશ્યક છે.
આજે આ રમત મોટા ભાગે સ્કૉટલૅન્ડ, ઇંગ્લૅન્ડ, આયર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ઇટાલી, ન્યૂઝીલૅન્ડ, ફ્રાન્સ, આર્જેન્ટિના, રુમાનિયા, કૅનેડા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં રમાય છે. દક્ષિણ આફ્રિકાની અંદર તો આ રમત મુખ્ય વિન્ટર રમત તરીકે રમાય છે. એશિયામાં આ રમત વધારેમાં વધારે જાપાનમાં અને ભારતમાં પશ્ચિમ બંગાળમાં રમાય છે. રગ્બીની રમત ઓલિમ્પિકમાં 1900થી 1924 દરમિયાન યોજાઈ હતી. આ રમતનું સમગ્ર સંચાલન ઇંગ્લૅન્ડમાં આવેલ ‘ઇન્ટરનૅશનલ રગ્બી ફૂટબૉલ બૉર્ડ’ (International Rugby Football Board) દ્વારા કરવામાં આવે છે.
પ્રભુદયાલ શર્મા