રગતરોહિડો : દ્વિદળી વર્ગમાં આવેલા બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tecoma undulata G. Don = Tecomella undulata (Sm.) Seem. syn. Bignonia undulata Sm. (સં. રક્તરોહિતક; હિં. રગત્રોરા, કુટશાલ્મલી; મ. રક્તરોહીડા; બં. રોઢા, ગુ. રગતરોહિડો; અં. રોહિડા ટ્રી.) છે. તે પર્ણપાતી (deciduous), શોભન ક્ષુપ કે નાનું વૃક્ષ અને વાયવ્ય અને પશ્ચિમ ભારતના શુષ્ક પ્રદેશોમાં થાય છે. તેનું વિતરણ પૂર્વ તરફ યમુના નદી સુધી અને બાહ્ય હિમાલયમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી થયેલું જોવા મળે છે. તે અરવલ્લી પર્વતમાળાની તળેટીનાં વનોમાં બહોળા પ્રમાણમાં થાય છે. રાજસ્થાનમાં ઇન્દિરા ગાંધી નહેરને કિનારે મોટા પ્રમાણમાં તેનાં વાવેતર હાથ ધરાયાં છે. તે સામાન્ય રીતે ક્ષુપ-સ્વરૂપે નાના સમૂહોમાં થાય છે, છતાં તેનું વાવેતર કરતાં તે 12 મી. સુધીની ઊંચાઈ અને થડના ભાગે 2.4 મી. સુધીનો ઘેરાવો પ્રાપ્ત કરે છે. પર્ણો લંબચોરસ (oblong) કે રેખીય-લંબચોરસ (linear-oblong), આછા લીલા રંગનાં અને સાદાં હોય છે. તે નવેમ્બરથી માર્ચ દરમિયાન સુંદર, મોટાં, આછા-પીળાથી ઘેરા નારંગી રંગનાં પુષ્પો તોરા(corymbose)-સ્વરૂપે ધારણ કરે છે. પુષ્પો ટૂંકી પાર્શ્વીય શાખાઓ ઉપર ઉદભવે છે. ફળ ઉનાળા દરમિયાન આવે છે અને તે પ્રાવર (capsule) પ્રકારનું 15 સેમી.થી 20 સેમી. લાંબું, સહેજ વાંકું અને લીસું હોય છે. બીજ હલકાં અને સપક્ષ (winged) હોવાથી પવન દ્વારા દૂર દૂર સુધી ફેલાય છે.

સુંદર ઘેરા કેસરી રંગનાં પુષ્પો માટે ઉત્તર ભારતનાં ઉદ્યાનોમાં, રસ્તાની બંને બાજુએ અને જાહેર ઇમારતોના પટાંગણમાં તે ઉગાડવામાં આવે છે. તે ખૂબ જ સહિષ્ણુ (hardy) અને શુષ્કતા-અવરોધક છે અને વનીકરણ (afforestation) અને શુષ્ક પ્રદેશોના ભૂસુદર્શનીકરણ (landscaping) માટે ઉપયોગી છે. આ વૃક્ષ કીટકો અને પંખીઓ માટે અત્યંત પ્રિય આશ્રયસ્થાન છે અને તેનાં પુષ્પો આહાર બની રહે છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા કે કટકારોપણ (cuttings) દ્વારા થાય છે. રોપઉછેર-કેન્દ્રમાં વિકસતા રોપાઓમાં ફૂગથી નુકસાન થવાની શક્યતા રહેલી છે. તેથી બીજ વાવતી વેળાએ તેમજ પછીથી કાળજી રાખવી હિતાવહ છે. તે સારા નિતારવાળી ગોરાડુ જમીનમાં સારી રીતે થાય છે. તેને ઉનાળામાં પાણીની પુષ્કળ જરૂરિયાત રહે છે.

તેનું કાષ્ઠ (વજન, 705–1125 કિગ્રા./ઘન મી.) ભૂખરું કે પીળાશ પડતું બદામી, સંકુલિત કણમુક્ત (close-grained) અને આછી રેખાઓવાળું હોય છે. તે કઠોર (tough) અને ટકાઉ હોવા છતાં પોચું અને સરળતાથી ઘડી તેમજ વહેરી શકાય છે. તે સાગ જેવું દેખાતું હોવાથી અને રાજસ્થાનમાં વિશેષ પ્રમાણમાં મળી આવતું હોવાથી તેને ‘મારવાડી સાગ’ પણ કહે છે. તેને પૉલિશ સારી રીતે થઈ શકે છે. તેનો ઉપયોગ રાચરચીલું, કોતરણીવાળી વસ્તુઓ, રમકડાં અને કૃષિનાં ઓજારો બનાવવામાં થાય છે. તેનું અંત:કાષ્ઠ (heartwood) ‘લેપાચોલ’ નામનો વિષાળુ (toxic) પદાર્થ ધરાવતું હોવાથી તે ફૂગ અને ઇતરડી-અવરોધક ગુણધર્મો ધરાવે છે.

તેની તરુણ શાખાઓની છાલ ચાંદી (syphilis) અને ખરજવા(eczema)ની ચિકિત્સામાં વપરાય છે. છાલનો ભૂકો દૂધ સાથે લેવાથી પછડાટથી થતા સોજામાં રાહત મળે છે. તે મંદ વિશ્રાંતક (relaxant), હૃદ્-પુષ્ટિકારક (cordiotonic) અને પિત્તસ્રાવપ્રેરક (choleretic) ગુણધર્મો દર્શાવે છે. તે ટેકોમિન (વેરાટ્રૉયલ β – D-ગ્લુકોસાઇડ), C27 અને C29 આલ્કેનો, C28 અને C30 આલ્કેનોલ અને b-સિટોસ્ટેરોલ ધરાવે છે. તે ચર્મશોધન માટે ઉપયોગી છે.

કફ-પિત્તજન્ય મેહમાં બહેડાં, રગતરોહિડો, કડો વગેરેનાં પુષ્પોનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી મટે છે. તેનો પ્લીહોદર, કમળો, ગુલ્મ, પ્રમેહ, હરસ, બરોળ, ઉદર અને કૃમિમાં ઉપયોગ થાય છે. શ્વેતપ્રદરમાં તેના મૂળની છાલનું ચૂર્ણ ઉપયોગી છે. કુષ્ઠરોગમાં તેનો ક્વાથ સ્નાનમાં, પીવામાં અને લેપમાં વપરાય છે.

વૃક્ષ બદામી રંગના ગુંદરનો સ્રાવ કરે છે. ઢોર તેનાં પર્ણો ખાય છે.

એક મત પ્રમાણે Rhamnus wightii Wight & Arn.ને પણ રગતરોહિડો કહે છે. તે રહેમ્નેસી કુળની વનસ્પતિ છે. તે મોટો, અરોમિલ અને અશાખિત ક્ષુપ છે અને દ્વિપીય ભારત(peninsular India)માં 2,000 મી.ની ઊંચાઈ સુધી મળી આવે છે. પર્ણો સાદાં, એકાંતરિક ભાગ્યે જ ઉપસંમુખ (subopposite), 6 સેમી.થી 10 સેમી. લાંબાં અને 2 સેમી.થી 4.6 સેમી. પહોળા તથા અંડાકાર-લંબચોરસ (ovate-oblong) હોય છે. પર્ણાગ્ર અણીદાર (acuminate) અને પર્ણકિનારી સૂક્ષ્મ દંતુર (serrate) હોય છે. પુષ્પવિન્યાસ પર્ણના કક્ષમાંથી ગુચ્છ સ્વરૂપે ઉદભવે છે. ફળ અનષ્ઠિલ (berry) અને ગોળ હોય છે, અને 0.5 સેમી. જેટલો વ્યાસ ધરાવે છે. તે પાકે ત્યારે રતાશ પડતાં જાંબલી રંગનાં હોય છે.

આયુર્વેદ અનુસાર તે તીખો, સ્નિગ્ધ, તૂરો અને શીતળ છે અને કૃમિ, વ્રણ, પ્લીહા, રક્તવિકાર અને નેત્રવિકારનો નાશક છે. તેનો ‘રોહિતારિષ્ટ’ બનાવવામાં ઉપયોગ થાય છે. તે છાતીનો દુખાવો, છાતીમાં લોહી બગડેલું હોય તે ઉપર, શ્વેતપ્રદર અને માર પડવાથી ગંઠાયેલા લોહી ઉપર ઉપયોગી છે. તે ગ્રાહી અને રક્તસંગ્રાહક છે. એક વર્ષ જૂની છાલનો ક્વાથ કરી તેનું શરબત બનાવી લોહીવાળા મરડામાં આપવાથી લોહી બંધ થાય છે અને દસ્ત સાફ આવે છે. તાજી છાલ પાણીમાં ઘસી હરસના મસા, સોજા અને લોહીના જમાવ ઉપર ચોપડવામાં આવે છે.

તેની છાલ કડવી, સંકોચક અને અવરોધહર (deobstruent) હોય છે. તે ટૅનિન અને રાળ ધરાવે છે.

દ્વિદળી વર્ગમાં આવેલા મેલિયેસી કુળની Aphanamixis polystachya (wall) parker. syn. Amoora rohituka Wight. & Arn.ને પણ રગતરોહિડો કહે છે. તે સદાહરિત, 9 મી.થી 18 મી. ઊંચું વૃક્ષ છે અને તેના થડનો ઘેરાવો 1.5 મી. થી 1.8 મી. જેટલો હોય છે. તેના તરુણ ભાગો રેશમી હોય છે. છાલ ઘેરી બદામી, ખરબચડી બૂચ જેવી અને તિરાડોવાળી હોય છે. પર્ણો સંયુક્ત, અયુગ્મ એકપિચ્છાકાર (imparipinnate) અને 30 સેમી.થી 90 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ 4થી 8 જોડમાં અને સંમુખ ગોઠવાયેલી હોય છે અને સૌથી ટોચ ઉપર એક પર્ણિકા હોય છે. તે 7.5 સેમી.થી 22.5 સેમી. લાંબી અને 3.3 સેમી.થી 10 સેમી. પહોળી, ઉપવલયી લંબચોરસ (elliptic-oblong) કે લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) હોય છે. પર્ણિકાઓની ટોચ અણીદાર હોય છે. નર પુષ્પો અસંખ્ય હોય છે અને કક્ષીય લઘુપુષ્પગુચ્છ(panicle)-સ્વરૂપે ઉદભવે છે. માદા કે દ્વિલિંગી પુષ્પો નર કરતાં મોટાં હોય છે અને કક્ષીય કે બાહ્યકક્ષીય એકાકી શુકી(spike)-સ્વરૂપે ઉત્પન્ન થાય છે. ફળ 2.5 સેમી.થી 3.5 સેમી. વ્યાસ ધરાવતું, ગોળાકાર અને પાકે ત્યારે પીળા રંગનું બને છે. તેનું સ્ફોટન ત્રણ કપાટ (valves) દ્વારા થાય છે. બીજ લાલ રંગનું બીજોપાંગ (aril) ધરાવે છે અને તૈલી હોય છે.

તે ઉપહિમાલય પ્રદેશમાં ગોંડા(ઉત્તરપ્રદેશ)થી શરૂ થઈ પૂર્વમાં બંગાળ, સિક્કિમ અને પશ્ચિમ આસામ; પશ્ચિમઘાટ અને આંદામાનમાં થાય છે. તે ભેજયુક્ત છાયાવાળી જગ્યાઓએ, નદીકિનારે આવેલી ખીણોમાં અને ભેજવાળાં ઉષ્ણકટિબંધીય જંગલોમાં થાય છે. તેને કેટલીક વાર શોભન વૃક્ષ તરીકે પણ ઉગાડવામાં આવે છે. નૈસર્ગિક પ્રસર્જન બીજ દ્વારા થાય છે.

તેનું કાષ્ઠ તાજું હોય ત્યારે રતાશ પડતું બદામી હોય છે અને સમય જતાં ઘેરું રતાશ પડતું બદામી બને છે. તે ટકાઉ, મધ્યમસરનું વજનદાર (વજન, 705 કિગ્રા./ઘન મી.),  સમ (even), સુરેખ (straight) અથવા અંતર્ગ્રથિત (interlocked) કણિકામય અને સ્થૂળ (coarse) ગઠનવાળું (textured) હોય છે. કાષ્ઠ હાથ કે યંત્ર દ્વારા સરળતાથી વહેરી શકાય છે અને તેના પર ખરાદીકામ તેમજ પૉલિશ સારી રીતે થઈ શકે છે. તે ખાતનૌકા (dugout canoe), રાચરચીલું, કૅબિનેટ બનાવવામાં અને બાંધકામના હેતુઓ માટે ઉપયોગી છે. તેના કાષ્ઠમાંથી ચા અને સિગારની કે સંવેષ્ટન (packing) માટેની પેટીઓ બનાવવામાં આવે છે.

તેની છાલ જલદ સંકોચક (astringent) હોય છે. તે યકૃત અને બરોળના રોગોમાં અને અર્બુદ તેમજ પેટની ફરિયાદોમાં વપરાય છે. તેની છાલ કૂટીને વામાં પોટીસ તરીકે ઉપયોગમાં લેવાય છે.

તેનાં બીજ પ્રશીતક (refrigerant), રેચક અને કૃમિહર (anthelmintic), ગુણધર્મો ધરાવે છે. તેમનો ઉપયોગ ચાંદાં અને સ્નાયુઓના દુખાવામાં થાય છે. બીજના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ તે પાણી 6.81 %, પ્રોટીન 11.08 %, લિપિડ 48.69 %, રેસા 1.02 %, અન્ય કાર્બોદિતો 29.66 % અને ભસ્મ 2.74 % ધરાવે છે. બીજમાંથી રોહિતુકિન (C34H42O34) નામના પદાર્થનું અલગીકરણ કરવામાં આવ્યું છે. બાષ્પનિસ્યંદન દ્વારા બીજમાંથી પીળા રંગનું વિશિષ્ટ વાસ ધરાવતું (બાષ્પશીલ) તેલ ઉદભવે છે.

બીજ 78 % જેટલું મીજ (kernal) ધરાવે છે. મીજનું પેટ્રોલિયમ ઈથરમાં નિષ્કર્ષણ કરતાં ઘેરા પીળા રંગનું અંશ-શુષ્ક્ધા (semi-drying) તેલ પ્રાપ્ત થાય છે. તે કડવો સ્વાદ અને અણગમતી વાસ ધરાવે છે અને પરિષ્કૃત (refined) કરતાં તે આછા પીળા રંગનું બને છે. તેનો પ્રદીપક (illuminant) તરીકે અને વામાં મસાજના તેલ તરીકે ઉપયોગ થાય છે. તેનો સાબુ બનાવવામાં અને રંગ તથા વાર્નિશ-ઉદ્યોગમાં અળસીના તેલના સંપૂરક (supplement) તરીકે ઉપયોગ થાય છે.

સૂકી છાલનું પેટ્રોલિયમમાં નિષ્કર્ષણ કરતાં નવું ટેટ્રાનૉરટ્રાઇટર્પેનૉઇડ, ઍફેનેમિક્સિનિન (C27H34O7) પ્રાપ્ત કરવામાં આવ્યું છે. સામાન્ય ગિનીપિગમાં છાલના જલીય નિષ્કર્ષનું અંત:ઉદરાવરણીય (interaperitoneal) અંત:ક્ષેપણ કરતાં લસિકાકણો(lymphocytes)ની સંખ્યામાં ઘટાડો અને બરોળના વજનમાં વધારો થાય છે અને કુલ શ્વેતકણો અને શરીરના વજનમાં પણ ઘણો ઘટાડો થાય છે. છાલ પ્રેડ્નિસોલોન જેવું એક અસરકારક પ્રતિરક્ષા-નિરોધક (immunosuppressive) ઔષધ હોવાનું મનાય છે.

હવા-શુષ્ક (air-dried) પર્ણોનું પેટ્રોલિયમ ઈથરમાં નિષ્કર્ષણ કરતાં એક ડાઇટર્પેન, ઍફેનિમિક્સોલ (C20H36O2) અને β-સિટોસ્ટેરોલ પ્રાપ્ત થાય છે. ફળના કવચોનું પેટ્રોલિયમ નિષ્કર્ષણ કરતાં નવું ટ્રાઇટર્પેન ઍફેનેમિક્સિન મળે છે. પ્રકાંડનો ઇથેનૉલીય નિષ્કર્ષ પ્રતિકૅન્સર (anticancer) સક્રિયતા દર્શાવે છે.

દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગોનેસી કુળની Polygonum glabrum Willd. નામની જાતિને પણ રગતરોહિડો કહે છે. તે મજબૂત, ટટ્ટાર, લગભગ 1.5 મી. સુધીની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને સમગ્ર ભારતમાં ભેજવાળી જગ્યાઓએ 1,900 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે નદી, તળાવ કે કેનાલને કિનારે પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. તેની જમીનની નજીકની ગાંઠો મૂળ ઉત્પન્ન કરે છે. તેનો પ્રકંદ (rootstock) કાષ્ઠીય હોય છે; પર્ણો ભાલાકાર (lanceolate) અથવા રેખીય ભાલાકાર (linear-lanceolate), સાદાં અને એકાંતરિક હોય છે અને પરિનાલ (ochreate) ઉપપર્ણો ધરાવે છે. પુષ્પો ગુલાબી કે સફેદ રંગનાં અને લઘુપુષ્પગુચ્છી (paniculate) કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ સખત અને બદામી-કાળા રંગનાં હોય છે.

તેના કુમળા પ્રરોહ અને મૂળનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. વનસ્પતિનો અન્ય સંઘટકો (ingredients) સાથેનો રસ ન્યૂમોનિયામાં વપરાય છે. પર્ણોનો આસવ શૂળ(colic)માં અપાય છે અને જ્વરહર (febrifuge) તરીકે ઉપયોગી છે. પ્રકંદ હરસ-મસા, કમળો અને અશક્તિમાં વાપરવામાં આવે છે. તે Microccus pyogenes var. aurcus, Bacillus subtilis, Diplococcus pneumonae અને Streptococcus pyogenes સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે.

ઉપર્યુક્ત ચાર વનસ્પતિઓ પૈકી સાચો રગતરોહિડો કોને કહેવો અને કોનામાં વધારે ગુણ છે, તે નક્કી થયું નથી.

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ

 ભાલચન્દ્ર હાથી