રક્સોલ : ભારત-નેપાળ સરહદે આવેલું બિહાર રાજ્યના પૂર્વ ચંપારણ્ય જિલ્લાનું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આશરે 27o ઉ. અ. અને 84o 50´ પૂ. રે. તેની ઉત્તરમાં અને પૂર્વમાં નેપાળ, દક્ષિણમાં જિલ્લાનો વિસ્તાર તથા પશ્ચિમે પશ્ચિમ ચંપારણ્ય જિલ્લો આવેલા છે. એક સમયે આ વિસ્તાર ચંપાનાં વૃક્ષોથી છવાયેલો રહેતો હતો, પરંતુ વર્તમાન સમયમાં અહીં વૃક્ષોનું પ્રમાણ અત્યંત ઘટી ગયું છે. ગંગા નદીની એક સહાયક નદી રક્સોલ પાસેથી વહે છે. આ આખોય વિસ્તાર ફળદ્રૂપ કાંપથી બનેલો છે. આ કારણે અહીં ડાંગર અને શેરડીની ખેતી લેવાય છે.
રક્સોલ પશ્ચિમ ચંપારણ્ય જિલ્લાના બેટ્રિહા અને પૂર્વ ચંપારણ્ય જિલ્લાના અડાપુર રેલજંક્શન વચ્ચે આવેલું મીટરગેજ રેલવેનું મહત્વનું મથક છે. આ રેલવેને બ્રૉડગેજમાં ફેરવવાની પ્રસ્તાવના છે. રક્સોલ બ્રૉડગેજ રેલમાર્ગથી મોતીહારી જંકશન સાથે પણ સંકળાયેલું છે. પીપરા-સુગાઉલી-રક્સોલ-નેપાળને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ ભારત-નેપાળ વચ્ચેનો સરહદી માર્ગ ગણાય છે. સંરક્ષણની ર્દષ્ટિએ રક્સોલનું વ્યૂહાત્મક મહત્વ વધુ હોવાથી અહીં હવાઈ મથક પણ ઊભું કરવામાં આવ્યું છે.
ભારત-નેપાળ વચ્ચેનો આયાત-નિકાસ વેપાર રક્સોલ મારફતે જ થાય છે. આથી તે વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર બની રહેલું છે. અહીં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ-સંસ્થાઓનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા થાય છે. સીમા-શુલ્ક કાર્યાલયો પણ આવેલાં છે.
નીતિન કોઠારી